ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં અંગ્રેજ ટીમ સામે કિવીઓએ બીજી જ વખત ત્રણ કે એથી વધુ મૅચની સિરીઝમાં આ કમાલ કરી છે.
પ્રતીકાત્મક તસવીર
યજમાન ન્યુ ઝીલૅન્ડે ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં ૩-૦થી ઇંગ્લૅન્ડનાં સૂપડાં સાફ કર્યાં છે. ત્રીજી વન-ડે મૅચ બે વિકેટે જીતીને કિવીઓએ આ હરીફ સામે ૨૦૧૩ બાદ પહેલી વખત વન-ડે સિરીઝ જીતી છે. ઇંગ્લૅન્ડે ૪૦.૨ ઓવરમાં ૨૨૨ રને તમામ વિકેટ ગુમાવી હતી. જવાબમાં ન્યુ ઝીલૅન્ડે ૪૪.૪ ઓવરમાં ૮ વિકેટના નુકસાન સાથે ૨૨૬ રન કરીને ૨૨૩ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
ન્યુ ઝીલૅન્ડે ઘરઆંગણે સતત દસમી વન-ડે સિરીઝ જીતી છે. તેમને છેલ્લે ભારત સામે ૨૦૧૯માં ઘરઆંગણાની સિરીઝમાં હાર મળી હતી. ઇંગ્લૅન્ડ સામે કિવીઓએ ૪૨ વર્ષ બાદ કોઈ પણ ફૉર્મેટની ત્રણ કે એથી વધુ મૅચની સિરીઝમાં ક્લીન સ્વીપ કરી છે. છેલ્લે ન્યુ ઝીલૅન્ડ આ હરીફ સામે ૧૯૮૩ની વન-ડે સિરીઝ ક્લીન સ્વીપ કરવામાં સફળ રહ્યું હતું. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં અંગ્રેજ ટીમ સામે કિવીઓએ બીજી જ વખત ત્રણ કે એથી વધુ મૅચની સિરીઝમાં આ કમાલ કરી છે.


