મૅચ બાદ પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ પાંચ વિકેટ લેનાર બોલરને આપી દીધો...
સૂર્યકુમાર યાદવે પોતાની ટીમના બોલર સિલ્વેસ્ટર ડિસોઝાને પોતાનો પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ આપ્યો હતો
મેન્સ T20 મુંબઈ લીગની ચોથી સીઝનમાં સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં સતત ત્રણ હાર બાદ ટ્રાયમ્ફ્સ નાઇટ્સે ગઈ કાલે પહેલી જીત નોંધાવી હતી. સિદ્ધેશ લાડની ટીમ મરાઠા રૉયલ્સ ૧૯.૫ ઓવરમાં ૧૫૨ રને ઑલઆઉટ થઈ હતી. જવાબમાં ટ્રાયમ્ફ્સ નાઇટ્સે કૅપ્ટન સૂર્યાની તોફાની બૅટિંગને આધારે ૧૬ ઓવરમાં ૪ વિકેટે ૧૫૩ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
થોડા દિવસ અગાઉ બે રનથી ફિફ્ટી ચૂકી ગયેલા ભારતના ભૂતપૂર્વ T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ૩૬ બૉલમાં ૧૩ ફોર અને એક સિક્સની મદદથી અણનમ ૭૨ રન ઝૂડ્યા હતા. ૨૦૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને સૂર્યા પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. જોકે તેણે પોતાના સાથી ખેલાડી સિલ્વેસ્ટર ડિસોઝાને પોસ્ટ-મૅચ અવૉર્ડ સેરેમનીમાં બોલાવીને તેને આ અવૉર્ડ સમર્પિત કર્યો હતો. સિલ્વેસ્ટર ડિસોઝાએ ૩.૧ ઓવરમાં ૨૧ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
અજિંક્ય રહાણેની ટીમ લાગલગાટ ૪ જીત સાથે સેમી-ફાઇનલમાં પહોંચી
રવિવારે સાંજે નૉર્થ મુંબઈ પૅન્થર્સે ઈગલ થાણે સ્ટ્રાઇકર્સ સામે ૬૪ રનની જબરદસ્ત જીત મેળવી હતી. કૅપ્ટન અજિંક્ય રહાણેની આગેવાનીમાં નૉર્થ મુંબઈ પૅન્થર્સ મેન્સ T20 મુંબઈ લીગની ચોથી સીઝનમાં સેમી-ફાઇનલમાં એન્ટ્રી કરનાર પહેલી ટીમ બની ગઈ છે.
અન્ડર-19 વર્લ્ડ કપ ચૅમ્પિયન અભિજ્ઞાન કુંડુની ૪૧ બૉલમાં ૫૩ રન અને તનુષ કોટિયનની ૧૯ બૉલમાં ૩૭ રનની ઇનિંગ્સની મદદથી નૉર્થ મુંબઈ પૅન્થર્સે ૧૭૭/૫નો સ્કોર કર્યો હતો. શાર્દૂલ ઠાકુરની ટીમ ઈગલ થાણે સ્ટ્રાઇકર્સ ૧૫.૩ ઓવરમાં ૧૧૩ રને ઑલઆઉટ થઈ હતી.
આ મૅચમાં કૅપ્ટન અજિંક્ય રહાણે ૪ બૉલમાં બે રન અને શાર્દૂલ ઠાકુર ૧૪ બૉલમાં ૭ રન કરીને બોલ્ડ થયો હતો. શાર્દૂલ ઠાકુરે મૅચમાં બોલિંગ કરી નહોતી. જીત સાથે સીઝનની શરૂઆત કરનાર ઈગલ થાણે સ્ટ્રાઇકર્સ ૪ મૅચમાં સતત ત્રીજી હાર સાથે ૮ ટીમોમાં તળિયાની ટીમ છે.
