કૅરિબિયનો સામે ૧૩ વર્ષથી વન-ડે સિરીઝ નથી હાર્યા કિવીઓ
વન-ડે સિરીઝની ટ્રોફી સાથે બન્ને ટીમના કૅપ્ટન્સ.
પાંચ T20 મૅચની સિરીઝ જીત્યા બાદ યજમાન ન્યુ ઝીલૅન્ડ આજથી ત્રણ વન-ડેની સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ટકરાશે. બન્ને ટીમ ત્રણ વર્ષ બાદ આ ફૉર્મેટની મૅચમાં સામસામે રમશે. છેલ્લે બન્ને વચ્ચે ઑગસ્ટ ૨૦૨૨માં ત્રણ મૅચની વન-ડે સિરીઝ રમાઈ હતી. ૧૯૭૫થી બન્ને ટીમ વચ્ચે ૬૮ વન-ડે રમાઈ છે, જેમાંથી ન્યુ ઝીલૅન્ડ ૩૦ અને વેસ્ટ ઇન્ડીઝ ૩૧ મૅચ જીત્યું છે. સાત મૅચ નો-રિઝલ્ટ રહી છે.
બન્ને વચ્ચે એપ્રિલ ૧૯૮૫થી ૨૦૨૨ સુધીમાં ૧૨ વન-ડે સિરીઝ રમાઈ છે. વેસ્ટ ઇન્ડીઝ ૬ અને ન્યુ ઝીલૅન્ડ પાંચ વન-ડે સિરીઝ જીત્યું છે, જ્યારે ૨૦૧૩-’૧૪ની એકમાત્ર વન-ડે સિરીઝ ડ્રૉ રહી હતી. કૅરિબિયન ટીમ ૨૦૧૨માં આ હરીફ સામે વન-ડે સિરીઝ જીત્યું હતું. છેલ્લે ૧૩ વર્ષથી કિવીઓ કૅરિબિયન ટીમ સામે વન-ડે સિરીઝમાં અપરાજિત રહ્યા છે.


