Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



6 6 6 6 6nb 6 6

29 November, 2022 02:04 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૧ની આઇપીએલના નંબર-વન બૅટર ચેન્નઈ સુપર કિંગ્સના ઋતુરાજ ગાયકવાડે અમદાવાદમાં એક ઓવરમાં લગાતાર સાત સિક્સર ફટકારીને ૪૩ રન સાથે બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ : ડબલ સેન્ચુરીથી મહારાષ્ટ્રને જિતાડી દીધું

ઋતુરાજ ગાયકવાડ

Vijay Hazare Trophy

ઋતુરાજ ગાયકવાડ


પુણેમાં જન્મેલો અને ભારત વતી ૧૦ ઇન્ટરનૅશનલ મૅચ રમી ચૂકેલો પચીસ વર્ષનો આક્રમક બૅટર ઋતુરાજ ગાયકવાડ ૨૦૨૧ની આઇપીએલમાં કુલ ૬૩૫ રન સાથે તમામ બૅટર્સમાં મોખરે રહ્યો, પણ ત્યાર પછી ૨૦૨૨ની આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની ટીમમાં રિટેન થયા પછી પણ માંડ ૩૬૮ રન બનાવીને છેક ૨૦મા સ્થાને રહ્યો ત્યારે તેના ઘણા ચાહકોને તેના ભાવિ વિશે ચિંતા જરૂર થઈ હશે. ૬ ઑક્ટોબરે સાઉથ આફ્રિકા સામે ભારત વતી રમાયેલી એકમાત્ર વન-ડે પછી તે ભારતીય ટીમમાં જગ્યા ન મેળવી શક્યો હોવાને લીધે પણ તેઓ ચિંતિત હશે, પરંતુ ગઈ કાલે ગાયકવાડે જે અભૂતપૂર્વ ફટકાબાજી કરી એનાથી ચાહકોને ઘણી માનસિક રાહત થઈ હશે અને તે બહુ જલદી ભારતીય ટીમમાં પાછો આવી જશે એવો વિશ્વાસ રાખતા થયા હશે.

મહારાષ્ટ્રના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે (૨૨૦ અણનમ, ૧૫૯ બૉલ, ૧૬ સિક્સર, ૧૦ ફોર) ગઈ કાલે અમદાવાદમાં મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમ ‘બી’ ગ્રાઉન્ડમાં ઉત્તર પ્રદેશ સામેની વિજય હઝારે ટ્રોફીની વન-ડે ક્વૉર્ટર ફાઇનલમાં મહારાષ્ટ્રને વિજય અપાવ્યો હતો.



સીએસકેનો જ પેસ બોલર રાજવર્ધન હંગારગેકર (૧૦-૦-૫૩-૫) પણ આ જીતનો હીરો હતો. બૅટિંગ મળ્યા પછી મહારાષ્ટ્રએ ગાયકવાડના અણનમ ૨૨૦ રન સહિત ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૩૦ રન બનાવ્યા ત્યાર બાદ ઉત્તર પ્રદેશની ટીમ વિકેટકીપર-ઓપનર આર્યન જુયલ (૧૫૯ રન, ૧૪૩ બૉલ, ત્રણ સિક્સર, અઢાર ફોર)ની સદી છતાં ૪૭.૪ ઓવરમાં ૨૭૨ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં મહારાષ્ટ્રનો ૫૮ રનથી વિજય થયો હતો.


શિવા સિંહની ઓવરમાં ૭ સિક્સર

ઋતુરાજ ગાયકવાડે ઉત્તર પ્રદેશના લેફ્ટ-આર્મ સ્પિનર શિવા સિંહની નો-બૉલ સહિતની એક ઓવરમાં આ મુજબ ફટકાબાજી કરી હતી : ૬, ૬, ૬, ૬, ૬(નો-બૉલ), ૬ અને ૬.
મૅચમાં શિવા સિંહની બોલિંગ ઍનૅલિસિસ આ મુજબ રહી હતી : ૯-૦-૮૮-૦.


૨૭૨/૫થી સ્કોર થયો ૩૧૫/૫

શિવા સિંહની એ કમનસીબ ઓવરમાં ગાયકવાડે ૭ સિક્સર ફટકારી એ વન-ડે સહિતની મર્યાદિત ઓવર્સ (લિસ્ટ-એ) ક્રિકેટમાં નવો વિશ્વવિક્રમ છે. મહારાષ્ટ્રની ઇનિંગ્સની એ સેકન્ડ-લાસ્ટ ઓવર હતી જેની શરૂઆતમાં સ્કોર ૨૭૨/૫ હતો અને ઓવર પૂરી થઈ ત્યારે સ્કોર વધીને ૩૧૫/૫ રહ્યો હતો. ગાયકવાડે શિવા સિંહની ઓવરમાં ૪૩ રન ફટકાર્યા હતા અને એ વિશ્વવિક્રમ છે, પરંતુ એક જ ઓવરમાં બનેલા ૪૩ રનના વિક્રમની તેણે બરાબરી કરી છે. ૨૦૧૮માં ન્યુ ઝીલૅન્ડના હૅમિલ્ટનમાં નૉર્ધર્ન ડિસ્ટ્રિક્ટ માટે એક જ ઓવરમાં જે કુલ ૪૩ રન બન્યા હતા એ બે બૅટર્સ (બ્રેટ હૅમ્પટન અને જો કાર્ટર)ના નામે લખાયા છે. એ ૪૩ રન આ મુજબ બન્યા હતા : ૪, ૬ (નો-બૉલ), ૬ (નો-બૉલ), ૬, ૧, ૬, ૬, અને ૬.

ગાયકવાડની ડબલ સેન્ચુરી (૨૨૦ અણનમ) લિસ્ટ-એ ક્રિકેટની કુલ ૩૯મી ડબલ સેન્ચુરી છે.

ઓવરમાં ૭૭ રનનો અનોખો વિક્રમ છે

ડોમેસ્ટિક ક્રિકેટ તરીકે ઓળખાતી ફર્સ્ટ-ક્લાસ મૅચમાં સર ગૅરી સોબર્સ (માલ્કમ નૅશ સામે) અને રવિ શાસ્ત્રી (તિલક રાજ સામે) એક-એક ઓવરમાં ૩૬-૩૬ રન ફટકારી ચૂક્યા છે, પરંતુ ક્રિકેટના નાના-મોટા તમામ ફૉર્મેટની વાત કરીએ તો એક ઓવરમાં ૭૭ રન બન્યાનો પણ અનોખો વિશ્વવિક્રમ છે. આ ચર્ચાસ્પદ વિક્રમમાં ૧૯૯૦માં વેલિંગ્ટનના બર્ટ વાન્સ (૧-૦-૭૭-૦)ની ઓવરમાં આ મુજબ કુલ ૭૭ રન રન બન્યા હતા : ૦, ૪, ૪, ૪, ૬, ૬, ૪, ૬, ૧, ૪, ૧, ૦, ૬, ૬, ૬, ૬, ૬, ૦, ૦, ૪, ૦, ૧. જોકે આ ઓવરમાં બીજો, અઢારમો, ઓગણીસમો, એકવીસમો અને બાવીસમો બૉલ જ લેજિટિમેટ (નિયમ મુજબનો) બૉલ હતો. એ જોતાં આ ઓવર વિવાદાસ્પદ રહી હતી.

ગાયકવાડે હંગારગેકર સાથે ટ્રોફી શૅર કરી!

ઋતુરાજ ગાયકવાડ ગઈ કાલે બેકાબૂ હતો. ઉત્તર પ્રદેશના બોલર્સ અને ખાસ કરીને શિવા સિંહ પાસે એવો એનો કોઈ જવાબ નહોતો. ઓવરમાં ૭ સિક્સર સહિત કુલ ૪૩ રન બન્યા એ બદલ ડબલ સેન્ચુરિયન ગાયકવાડને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. જોકે ઉત્તર પ્રદેશની પાંચ વિકેટ લઈને મહારાષ્ટ્રની જીતમાં ગાયકવાડ જેટલું જ યોગદાન આપનાર પેસ બોલર રાજવર્ધન હંગારગેકર સાથે ગાયકવાડે ટ્રોફી શૅર કરીને અનેકનાં દિલ જીતી લીધાં હતાં.

વિજય હઝારે ટ્રોફીની અન્ય ક્વૉર્ટરમાં શું બન્યું?

સૌરાષ્ટ્ર (૨૯૪/૮)એ તામિલનાડુ (૪૮ ઓવરમાં ૨૪૯)ને ૪૪ રનથી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો, જેમાં આવતી કાલે એનો મુકાબલો કર્ણાટક સામે થશે.

પંજાબ (૫૦ ઓવરમાં ૨૩૫) સામે કર્ણાટકે (૪૯.૨ ઓવરમાં ૨૩૮/૨) ૪ વિકેટે જીતીને સેમીમાં પ્રવેશ કર્યો, જેમાં એ સૌરાષ્ટ્ર સામે રમશે.

જમ્મુ-કાશ્મીર (૩૫૦/૭) સામે આસામે (૪૬.૧ ઓવરમાં ૩૫૪/૩) સાત વિકેટે જીતીને સેમીમાં પ્રવેશ કર્યો, જેમાં આવતી કાલે એની મહારાષ્ટ્ર સામે ટક્કર થશે. મહારાષ્ટ્રએ ક્વૉર્ટરમાં ઉત્તર પ્રદેશને ૫૮ રનથી હરાવી દીધું હતું.

મુશ્કેલ સમયમાં મગજને કેવી રીતે તટસ્થ રાખવું અને સફળતા કે નિષ્ફળતા વિશે વિચાર્યા વગર આવતી કાલ વિશે વિચારવું એ હું એમએસ ધોની પાસેથી શીખ્યો છું. નિરાશામાંથી બહાર આવવામાં માહીએ મને ઘણી મદદ કરી છે. : ઋતુરાજ ગાયકવાડ

સૌરાષ્ટ્રનો સુપરસ્ટાર : ચિરાગ જાનીએ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી સૌરાષ્ટ્રને તામિલનાડુ સામે જિતાડ્યું હતું. તેણે ચાર સિક્સરની મદદથી અણનમ બાવન રન બનાવવા ઉપરાંત ૫૩ રનમાં ત્રણ વિકેટ પણ લીધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

29 November, 2022 02:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK