મોરની ડિઝાઇનવાળી ટ્રોફી પર લખ્યું છે બુદ્ધિર્યસ્ય બલમ તસ્ય ગોવામાં ગઈ કાલે ચેસ વર્લ્ડ કપ 2025ની ધમાકેદાર ઓપનિંગ સેરેમની યોજાઈ હતી.
ચેસ વર્લ્ડ કપની ટ્રોફીને નામ મળ્યું ધ વિશ્વનાથન આનંદ કપ
મોરની ડિઝાઇનવાળી ટ્રોફી પર લખ્યું છે બુદ્ધિર્યસ્ય બલમ તસ્ય ગોવામાં ગઈ કાલે ચેસ વર્લ્ડ કપ 2025ની ધમાકેદાર ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયા અને ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતની હાજરીમાં ગઈ કાલે ઓપન કૅટેગરીના ચેસ વર્લ્ડ કપની ટ્રોફીનું અનાવણ કરવામાં આવ્યું હતું. આ ટ્રોફીમાં નૃત્ય કરતા રાષ્ટ્રીય પક્ષી મોરની સાથે ચેસની રમતનાં જુદાં-જુદાં પાત્રો જોવા મળ્યાં હતાં. ટ્રોફીની નીચે સંસ્કૃતમાં બુદ્ધિર્યસ્ય બલમ તસ્ય એટલે કે શક્તિ શાણપણમાં રહેલી છે એવું અંકિત કરવામાં આવ્યું છે.
ઑલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના પ્રમુખ નીતિન નારંગે આ વિશે માહિતા આપતાં સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘મને વિશ્વનાથન આનંદ કપની જાહેરાત કરતાં ખૂબ ગર્વ અને આનંદ થાય છે જે FIDE વર્લ્ડ કપ (ઓપન) વિજેતા માટે રનિંગ ટ્રોફી છે. આ ટ્રોફી ચેસ કિંગ અને ભારતના પ્રથમ ગ્રૅન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદના માનમાં સ્થાપિત કરવામાં આવી છે. આ રનિંગ ટ્રોફી ભારતીય ચેસની મહાન પ્રગતિ અને વિશ્વનાથન આનંદની નોંધપાત્ર સિદ્ધિઓ અને વારસાનું પ્રતીક છે. આ ટ્રોફીને વર્ષો સુધી યાદ કરવામાં આવશે અને પ્રતિભાશાળી ચેસ ખેલાડીઓની પેઢીઓને સોંપવામાં આવશે.’
આ વર્લ્ડ કપની ૧૧મી સીઝનમાં ૮૨ દેશના ૨૦૬ ચેસ પ્લેયર્સ વચ્ચે આજથી ખરો જંગ શરૂ થશે. ભારતના ૨૪ પ્લેયર્સ ક્લાસિકલ ટાઇમ કન્ટ્રોલ ફૉર્મેટમાં રમાતી આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. મહિલા વર્લ્ડ કપ ચૅમ્પિયન દિવ્યા દેશમુખને આ ટુર્નામેન્ટમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે.


