ઑલટાઇમ હાઈના સિલસિલામાં બજાર ૬૨નો ફેરો કરીને મામૂલી ઘટાડે બંધ

20 October, 2021 11:45 AM IST  |  Mumbai | Anil Patel

ઊંટના ઢેકા જેવી ચાલ સાથે સેન્સેક્સમાં ૧૩૦૦ પૉઇન્ટની સ્વીંગ, માર્કેટ બ્રેડ્થ બગડી : પારસ ડિફેન્સ બૅક-ટુ-બૅક ૨૦ ટકાની સર્કિટે ૯૧૨ના શિખરે : લાર્સન-ટ્વીન્સ ઝળક્યા, બજાજ ટ્વીન્સમાં સામસામા રાહ

પ્રતીકાત્મક તસવીર

ઊંટના ઢેકા જેવી ચાલ સાથે સેન્સેક્સમાં ૧૩૦૦ પૉઇન્ટની સ્વીંગ, માર્કેટ બ્રેડ્થ બગડી : પારસ ડિફેન્સ બૅક-ટુ-બૅક ૨૦ ટકાની સર્કિટે ૯૧૨ના શિખરે : લાર્સન-ટ્વીન્સ ઝળક્યા, બજાજ ટ્વીન્સમાં સામસામા રાહ : ઇન્ડિયન રેલવે કેટરિંગ બેસ્ટ લેવલથી ૧૪૦૦ રૂપિયા તૂટ્યો : રિલાયન્સ અને તેનો પાર્ટ પેઇડ સર્વોચ્ચ સપાટીએ, તાતા મોટર્સનો ડીવીઆર ૧૦ ટકા ગગડ્યો : બૅન્કિંગ ઉદ્યોગના ૩૫માંથી ૩૨ શૅરને મંગળ(વાર) ભારે પડ્યો : પાવર, રિયલ્ટી, અૅનર્જી, યુટિલિટીમાં બુકિંગનું જોર દેખાયું


સળંગ ૭ દિવસની આગેકૂચમાં ૨૫૭૫ પૉઇન્ટ વધી ગયા પછી સેન્સેક્સ મંગળવારે ૪૯ પૉઇન્ટ જેવા પરચૂરણ ઘટાડે ૬૧૭૧૬ બંધ રહ્યો છે. જોકે ઑલટાઇમ હાઈનો સિલસિલો આગળ ધપાવતા શૅરઆંક ઇન્ટ્રા-ડેમાં ૬૨૨૪૫ના બેસ્ટ લેવલે ગયો હતો. બજારની ચાલ ઊંટના ઢેકા જેવી હતી. દિવસ દરમ્યાન લગભગ ૧૩૦૦ પૉઇન્ટની બેતરફી સ્વીંગ દેખાઈ હતી. એક વધુ નોંધવાની બાબત નિફ્ટી છે. ગઈ કાલે નિફ્ટી ૫૮ પૉઇન્ટ ઘટી ૧૮૪૧૯ બંધ થયો છે. સેન્સેક્સના મુકાબલે નિફ્ટીમાં મોટો ઘટાડો ભાગ્યે જોવા મળે છે. નિફ્ટીના ૫૦માંથી ૧૬ તો સેન્સેક્સના ૩૦માંથી ૧૪ શૅર પ્લસ હતા. ટેક મહિન્દ્ર ચાર ટકાની તેજીમાં ટૉપ ગેઇનર અને આઇટીસી સવા છ ટકાની ખુવારીમાં ટૉપ લૂઝર હતા. રિલાયન્સ ૨૭૫૦ થઈ એકાદ ટકો વધી ૨૭૩૧ તથા તેનો પાર્ટ પેઇડ ૨૧૧૦ થઈ ૦.૭ ટકા વધી ૨૦૯૦ના બેસ્ટ લેવલે જોવાયા છે. તાતા મોટર્સનો ડીવીઆર ૨૮૪ની નવી ટૉપ બાદ ૧૦ ટકાની નીચલી સર્કિટે ૨૪૩ થઈ તેની આસપાસ તો તાતા મોટર્સ સાડા પાંચ ટકા ધોવાઈને ૪૮૨ બંધ હતા. પારસ ડિફેન્સ રોલિંગ સેગમેન્ટમાં આવતા સતત બીજા દિવસે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૯૧૨ રૂપિયા બંધ રહ્યો છે. પાવર, યુટિલિટી, રિયલ્ટી, અૅનર્જી, કન્ઝ્યુમર ગુડ્સ, કેપિટલ ગુડ્સ, બ્રોડર માર્કેટ, સ્મૉલ કૅપ અને મિડ કૅપમાં મંગળવારે પ્રમાણમાં મોટી નબળાઈ હોવાથી માર્કેટ બ્રેડ્થ બગડી છે. એનએસઈ ખાતે વધેલી ૪૨૯ જાતો સામે ઘટેલા શૅરની સંખ્યા ૧૫૬૯ની હતી. બીએસઈ ખાતે વધેલા ૯૩૫ શૅરોમાંથી નવા ૨૬૧ શૅર ઉપલી સર્કિટે બંધ હતા. ઘટેલા ૨૪૨૭ શૅરમાંથી ૨૬૬ કાઉન્ટર મંદીની સર્કિટે બંધ હતા. મતલબ કે બજારનો વક્કર હજી તેજીનો જ છે.
ઇન્ડિયન રેલવે કેટરિંગ બેતરફી તોફાન બાદ ગગડ્યો
કેન્દ્ર સરકારની ૬૭.૪ ટકા માલિકીની ઇન્ડિયન રેલવે કેટરિંગ સર્વિસ (આઇઆરસીટીસી) તેજીની ઉજાણી બાદ તૂટ્યો છે. શૅર મંગળવારે ૬૩૯૩ની નવી વિક્રમી સપાટી બનાવી ૮.૮ ટકા કે ૫૧૪ રૂપિયાના કડાકામાં ૫૩૬૩ બંધ આવ્યો છે. આ સાથે કંપનીનું માર્કેટ કૅપ ૮૫,૮૦૮ કરોડ રૂપિયા થઈ ગયું છે. કંપનીનો ૧૦નો શૅર બે રૂપિયામાં વિભાજિત થવાનો છે તેની રેકૉર્ડ ડેટ ૨૯ ઑક્ટોબર છે. કંપની સપ્ટે. ૨૦૧૯ની આખરમાં ૧૦ના શૅરદીઠ ૩૨૦ની ઇશ્યુ પ્રાઇસ સાથે આઇપીઓ લાવી હતી. ૬૪૫ કરોડ રૂપિયાનું આ ભરણું લગભગ ૧૧૨ ગણું ભરાયું હતું. ૧૪ ઑક્ટોબર ૨૦૧૯ના રોજ શૅર લિસ્ટિંગમાં ૬૩૩ ખૂલી અંતે ૭૨૮ ઉપર બંધ થયો હતો. 
ઇન્ડિયન અૅનર્જી એક્સચેન્જ ૨૧ ઑક્ટોબરની બોર્ડ મીટિંગમાં બોનસની નોટિસ લાગતાં શૅર ચારેક ગણા કામકાજમાં ૯૫૬ની ઑલટાઇમ હાઈ બનાવી ૫.૮ ટકાના જમ્પમાં ૮૪૩ બંધ થયો છે. આ પ્યોર પબ્લિક કંપની છે જેમાં પબ્લિક હોલ્ડિંગ ૯૯.૭ ટકાનું છે. કંપની મૂળ ફાઇનૅન્શિયલ ટેક્નોલૉઝીસ (હાલની ૬૩ મૂન્સ) તથા પીટીસી ઇન્ડિયા ફાઇ. દ્વારા પ્રમોટ કરાઈ હતી. અેનઅેસઈઅેલ પ્રકરણના કારસાના ભાગરૂપ એફ્ટી પાસેથી નાખી દેવાના ભાવે આ કંપની વગદાર ખેલાડીઓએ પડાવી લીધી હતી. તેનો આઇપીઓ ૧૦ના શૅરદીઠ ૧૬૫૦ રૂપિયાના ભાવે ઑક્ટોબર ૨૦૧૭માં આવ્યો હતો. વર્ષ પછી ઑક્ટોબર ૨૦૧૮માં શૅરનું એક રૂપિયામાં વિભાજન કરાયું હતું. એક અન્ય કંપની ટીટીકે પ્રેસ્ટિજમાં ૨૭ ઑક્ટોબરની બોર્ડ મીટિંગમાં શૅર-વિભાજન અંગે વિચારણાની જાહેરાત આવતાં ભાવ સરેરાશ ૪૭૧ શૅરની સામે ૧૩,૦૦૦ શૅરના કામકાજમાં ૧૦,૫૮૬ની સર્વોચ્ચ સપાટી બનાવી ૧૨.૨ ટકા કે ૧૦૭૨ રૂપિયા ઊંચકાઈ ૯૮૯૩ બંધ રહ્યો છે. ફેસવૅલ્યુ ૧૦ની છે. બુકવૅલ્યુ ૧૦૮૪ છે એટલે બોનસ માટે બહુ રાહ નહીં જોવી પડે એમ લાગે છે. કંપનીએ પહેલું અને છેલ્લું બોનસ માર્ચ ’૧૯માં પાંચ શૅરદીઠ એકના પ્રમાણમાં આપ્યું હતું. ગ્રુપ કંપની ટીટીકે હેલ્થકૅર ઉપરમાં ૬૯૬ થઈ પોણો ટકો ઘટી ૬૭૧ હતો. ૧૦ના આ શૅરની બુકવૅલ્યુ ૨૦૫ની છે. 
લાર્સન તથા તેના ટ્વીન્સ તગડા ઉછાળા સાથે સર્વોચ્ચ સપાટીએ
લાર્સન ગ્રુપના શૅર આજકાલ ડિમાન્ડમાં છે. ફ્લેગશિપ લાર્સન ટુબ્રો મંગળવારે દોઢા વૉલ્યુમે ૧૮૮૫ની ઑલટાઇમ હાઈ બનાવી ૩.૩ ટકાની મજબૂતીમાં ૧૮૪૬ બંધ થયો છે. ફેસવૅલ્યુ બે રૂપિયા સામે બુકવૅલ્યુ ૬૨૬ રૂપિયા છે. તેની ૭૪.૦૯ ટકા માલિકીની લાર્સન ઇન્ફોટેક સારા પરિણામ સાથે ૧૫૦૦ ટકાના ઇન્ટરિમના પગલે ૭૦૧૦ની સર્વોચ્ચ સપાટી દેખાડી ૧૬ ટકા કે ૯૪૧ રૂપિયાની તેજીમાં ૬૮૪૮ રૂપિયા બંધ થયો છે. આ કંપનીનો આઇપીઓ મીડ જુલાઈ ૨૦૧૬માં એકના શૅરદીઠ ૭૧૦ના ભાવે આવ્યો હતો. ૨૧ જુલાઈ ૨૦૧૬ના રોજ લિસ્ટિંગમાં ભાવ ૬૬૬ ખૂલી ૬૯૮ની નીચે બંધ થયો હતો. લાર્સનની ૭૪.૨ ટકા માલિકીની અન્ય આઇટી કંપની લાર્સન ટેક્નોલૉઝીસ ગઈ કાલે પરિણામ પૂર્વે આઠ ગણા કામકાજમાં ૫૪૬૯ની લાઇફટાઇમ હાઈ બનાવી ૭.૩ ટકાની મજબૂતીમાં ૫૨૧૦ બંધ હતી. આ કંપની બેના શૅરદીઠ ૮૬૦ના ભાવે સપ્ટેમ્બર ૨૦૧૬માં મૂડીબજારમાં આવી હતી. ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ લિસ્ટિંગમાં ભાવ ૯૦૦ ખૂલી છેલ્લે ૮૬૫ રૂપિયા બંધ હતો. ચોથી કંપની લાર્સન ફાઇ. હોલ્ડિંગ્સના પરિણામ ૨૦મીના રોજ છે. શૅર ગઈ કાલે બમણા વૉલ્યુમમાં ઉપરમાં ૯૫ થઈ પોણા ટકો ઘટી ૯૨ બંધ આવ્યો છે.
લાર્સનની તેજીના કારણે મંગળવારે કેપિટલ ગુડસ ઇન્ડેક્સ ૨૧માંથી ૧૭ શૅર નરમ હોવા છતાં ૧૫૭ પૉઇન્ટ કે અડધો ટકો વધી નવી વિક્રમી સપાટીએ જોવાયો છે. અત્રે સિમેન્સ ૨૪૦૫ની નવી ટૉપ બનાવી અઢી ટકા વધી ૨૩૧૯, એબીબી ઇન્ડિયા પોણો ટકો વધી ૧૮૪૨ તથા ગ્રાઇન્ડવેલ નોર્ટન ૧૬૨૯ની નવી ટોચે જઈ સાધારણ વધી ૧૫૮૦ બંધ હતો. ભારત ઇલેક્ટ્રોનિક્સ ૪.૭ ટકા, ભેલ ૬.૬ ટકા, કલ્પતરુ પાવર ૪.૧ ટકા, કાર્બોરેન્ડમ યુનિ અઢી ટકા અને વી ગાર્ડ બે ટકા ડાઉન હતા. 
ઇન્ફી, ટેક મહિન્દ્ર, ઓરેકલ સહિત આશરે દોઢ ડઝન આઇટી શૅર નવી ટોચે
મંગળવારે પણ આઇટી ઇન્ડેક્સ ૪૮૦ પૉઇન્ટ કે સવા ટકો વધ્યો છે. ગઈ કાલે કૉફોર્જ, લાર્સન ઇન્ફોટેક, લાર્સન ટેક્નોલૉઝીસ, સિએન્ટ, ઇન્ફોસિસ, માસ્ટેક, એમ્ફાસિસ, નેલ્કો, ઇન્ફોએજ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, ઓરેકલ, સાસ્કેન, તાતા એલેક્સી, સોનાટા સોફ્ટવેર, ઝેન્ટેક, ટેક મહિન્દ્ર સહિત દોઢ ડઝન જેટલી જાતો અત્રે નવા ઐતિહાસિક શિખરે ગઈ હતી. ઇન્ફોસિસ આગલા દિવસની તેજી બાદ ગઈ કાલે પણ ૧૮૩૪ની ઑલટાઇમ હાઈ બનાવી દોઢ ટકાથી વધુની મજબૂતીમાં ૧૮૨૧ થયો છે. ટેક મહિન્દ્રના પરિણામ ૨૫મીએ છે, શૅર ૧૫૬૯ હતો. એમ્ફાસિસ ૩૬૬૦ નજીકની સર્વોચ્ચ સપાટી બનાવી પોણા છ ટકાની તેજીમાં ૩૫૪૬, ઓરેકલ ૫૧૪૪ની નવી ટૉપ બાદ સવા પાંચ ટકાના જમ્પમાં ૪૯૭૭ બંધ હતા. ટીસીએસ ૦.૪ ટકા ડાઉન હતો. વિપ્રો સામે સાધારણ સુધરી ૭૧૨ નજીક ગયો છે. નઝારા ટેક્નો. પાંચ ટકાની ઉપલી સર્કિટે ૨૯૩૬ બંધ આવ્યો છે. ઇન્ફીબીમ સાતેક ટકા, વકરાંગી સાડા પાંચ ટકા, ડેટામેટિક્સ ૫.૪ ટકા ડાઉન હતા. તાતા એલેક્સી ૬૬૧૦ની ઑલટાઇમ હાઈ હાંસલ કરી અડધા ટકાની નબળાઈમાં ૬૨૮૩ જોવાયો છે. આઇટીની હૂંફમાં ટેક્નોલૉજી ઇન્ડેક્સ ૧૭૩ પૉઇન્ટ કે એક ટકો અપ હતો. જોકે અહીં ૨૭માંથી ૧૫ શૅર નરમ હતા. વોડાફોન ૫.૭ ટકા, નેટવર્ક ૧૮ સાડા પાંચ ટકા, ડીશ-ટીવી ૩.૯ ટકા, જાગરણ પ્રકાશન ૪.૮ ટકા, પીવીઆર બે ટકા, ઇન્ડ્સ ટાવર બે ટકા, એચએફસીએલ ૪.૫ ટકા, ઇન્ડિયા માર્ટ ૩.૬ ટકા, સ્ટરલાઇટ ટેક્નો અઢી ટકા માઇનસ હતા. ભારતી અૅરટેલ નજીવો સુધરી ૬૮૧ બંધ હતો. તેજસ નેટ પાંચ ટકા જેવો ધોવાયો છે.
સરકારી બૅન્કોમાં પ્રૉફિટ બુકિંગનું પ્રેશર જોવાયું, બૅન્ક નિફ્ટી નરમ 
બૅન્ક નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં ૪૦૦૧૧ની વિક્રમી સપાટી બાદ નીચામાં ૩૯૩૯૪ થઈ ૧૪૪ પૉઇન્ટની પીછેહઠમાં ૩૯૫૪૦ બંધ રહ્યો છે. અત્રે બારમાંથી ત્રણ જાતો પ્લસ હતી. પીએસયુ બૅન્ક નિફ્ટી સર્વાધિક પોણા ચાર ટકા ડૂલ થયો છે. તેના તમામ ૧૩ શૅર રેડ ઝોનમાં હતા. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૩૫માંથી મંગળવાર ૩૨ જાતોને ભારે પડ્યો હતો. આઇડીબીઆઇ બૅન્ક સવા સાત ટકા, ઇન્ડિયન બૅન્ક ૭.૨ ટકા, યુનિયન બૅન્ક ૭ ટકા, આઇડીઅેફસી ફર્સ્ટ બૅન્ક ૪.૮ ટકા, બંધન બૅન્ક ૪.૭ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૪.૭ ટકા, આઇઓબી ૪.૬ ટકા, કૅનેરા બૅન્ક ૪.૩ ટકા, પંજાબ સિંધ બૅન્ક ૪.૨ ટકા અને આરબીએલ બૅન્ક ચાર ટકા કટ થયા છે. ગઈ કાલે સવા બે ડઝન જેટલા બૅન્ક શૅર બે ટકાથી લઈને સવા સાત ટકા સુધી ધોવાયા છે. એચડીએફસી બૅન્ક એક ટકાથી વધુની આગેકૂચમાં ૧૬૮૯ અને કોટક મહિન્દ્ર બૅન્ક એક ટકો વધી ૨૦૩૫ બંધ હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક નજીવો વધી ૭૪૭ના શિખરે ગયો છે. પીએનબી ચાર ટકા ગગડ્યો હતો. સ્ટેટ બૅન્ક ૫૦૪ની નવી ટૉપ બાદ બે ટકા નજીકની નબળાઈમાં ૪૮૮ દેખાયો છે. બજાજ ફાઇનૅન્સ પોણા બે ટકા ઘટી ૭૭૩૧ તો બજાજ ફિનસર્વ ૧૯,૩૨૦ની નવી વિક્રમી સપાટી બતાવી બે ટકા વધી ૧૯,૦૫૪ રહ્યો છે.
મેટલ ઇન્ડેક્સ ૨.૪ ટકા કે ૫૩૦ પૉઇન્ટની નબળાઈમાં ૨૧૮૮૯ નીચે બંધ આપતા પહેલાં ૨૨૬૫૪ની નવી ટોચે ગયો હતો. અત્રે હિન્દુ. ઝીન્ક, સેઇલ, જેસડબ્લ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ, જિંદાલ સ્ટીલ, હિન્દાલ્કો બેથી પોણા પાંચ ટકા તૂટ્યા હતા. હિન્દુસ્તાન કોપર નહીંવત્ ઘટાડે ૧૪૯ નજીક રહ્યો છે.

business news share market