આજે જાણીએ વિશ્વમાં એવા અન્ય કયા તહેવારો છે જે દિવાળીની જેમ ધામધૂમથી વાજતેગાજતે ઊજવાય છે અને અંધકારમાં ઉજાશ ફેલાવે છે.
ખુશી હોય કે ગમ, દરેક તહેવારોમાં પ્રકાશ અને સાઉન્ડનું અનેરું મહત્ત્વ છે. વિશ્વમાં કોઈ પણ મોટા પાયે ઊજવાતા તહેવારોમાં રોશની અને ફટાકડા અચૂક હાજર હોય છે. એની સાથે માત્ર ધાર્મિક કે આધ્યાત્મિક જ નહીં, સાઇકોલૉજિકલ કારણો પણ જોડાયેલાં છે.
વિશ્વમાં અનેક સ્થળોએ પ્રકાશના ઉત્સવો ઊજવવામાં આવે છે. એમાં ઓસ્ટ્રેલિયામાં વિવિડ સિડની, નેધરલૅન્ડ્સમાં ઍમ્સ્ટરડૅમ લાઇટ ફેસ્ટિવલ, જર્મનીમાં બર્લિનમાં ફેસ્ટિવલ ઑફ લાઇટ્સ, નેધરલૅન્ડ્સમાં ગ્લો આઇન્ડહોવન, સિંગાપોરમાં આઇ લાઇટ સિંગાપોર, તાઇવાનના તાઇપેઇમાં પિંગ્ક્સી લૅન્ટર્ન ફેસ્ટિવલ, કોલંબિયાના મેડેલિનમાં અલુમ્બ્રાડોસ, ચેક રિપબ્લિકના પ્રાગમાં સિગ્નલ ફેસ્ટિવલ અને બ્રિટનના ડર્હમમાં લ્યુમિયર ડર્હમનો સમાવેશ થાય છે.
દિવાળી, જેને પ્રકાશના પર્વ તરીકે ઓળખવામાં આવે છે એ ભારતીય સંસ્કૃતિનો સૌથી તેજસ્વી અને આનંદમય ઉત્સવ છે. આ પર્વ માત્ર દીપ પ્રગટાવવાનો પ્રસંગ નથી પરંતુ માનવજીવનમાં પ્રકાશ, આશા અને નૈતિકતા જાગૃત કરવાનો સંદેશ આપે છે. દિવાળીના દીપો અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવે છે, જેમ સદ્ગુણો દુષ્ટતાને હરાવી માનવહૃદયમાં આનંદ અને શાંતિ ફેલાવે છે. આ પવિત્ર પર્વની શરૂઆત ધનતેરસથી થાય છે અને નવા વર્ષની ઉજવણી સુધી ચાલે છે. લોકો પોતાનાં ઘરોને દીવા, રંગોળી અને સુગંધિત ફૂલોથી શોભાવે છે. સ્નેહ અને સૌહાર્દના પ્રતીકરૂપે એકબીજાને મીઠાઈઓ ભેટ આપે છે અને શુભેચ્છાઓ પાઠવે છે. આ દિવસો દરમિયાન હૃદયોમાં નવી ઊર્જા, ઉત્સાહ અને સમૃદ્ધિનો સંચાર થાય છે. દિવાળી માત્ર ધર્મિક ઉજવણી નથી પણ જીવનનું તત્ત્વચિંતન પણ છે, જે બતાવે છે કે પ્રકાશ સદાય અંધકાર પર હાવી થાય છે, સત્ય સદાય અસત્ય પર વિજય મેળવે છે અને પ્રેમ સદાય દ્વેષને હરાવે છે. આ વાત આપણે વારંવાર દાદા-દાદી કે નાના-નાની પાસેથી સાંભળી હશે. દિવાળીના પર્વ નિમિત્તે ફટાકડાનો પ્રકાશ અને અવાજ ચર્ચાનો વિષય રહેતો હોય છે. પરંતુ માત્ર દિવાળી જ એક એવું પર્વ નથી જ્યારે ફટાકડા ફોડવામાં આવે છે અને ઘર કે શહેરને રોશનીના ઝગમગાટથી ભરી દેવામાં આવે છે. વિશ્વભરમાં પ્રાચીન અને જૂના તહેવારો છે જેમાં પ્રકાશ અને ફટાકડાનું મહત્ત્વ છે. એવા જ કેટલાક દેશો અને એમના તહેવારો વિશે વાત કરીએ.
ફટાકડાનું વૈજ્ઞાનિક-ધાર્મિક મહત્ત્વ
એક રીતે જોઈએ તો પ્રકાશ, અગ્નિ અને ધ્વનિનો સંગમ ફટાકડામાં છે. એનું આગવું વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્ત્વ છે. જોકે આજકાલ ફટાકડા ફોડવા કે નહીં એ નૈતિક અસમંજસ છે. વ્યક્તિદીઠ તેમની માન્યતા અલગ હોય છે. જો ફટાકડા એટલે મનોરંજન એવું માનતા હો તો તહેવારોના સમય દરમ્યાન ફટાકડાના ઉપયોગ વિશેનાં વૈજ્ઞાનિક, ધાર્મિક અને આધ્યાત્મિક કારણો જાણીને તમારી માન્યતા દૂર થઈ જશે. વિશ્વના વિવિધ દેશોમાં ઊજવાતા ધાર્મિક, આધ્યાત્મિક અને પ્રાચીન ઉત્સવોમાં પણ પ્રકાશ અને અગ્નિનું અતિ મહત્ત્વનું સ્થાન રહ્યું છે. દિવાળી હોય કે હનુક્કા, લોય ક્રાથોંગ હોય કે ક્રિસમસ દરેક ઉત્સવમાં દીવો, મીણબત્તી અથવા ફટાકડાના ઝગમગાટથી અંધકારને દૂર કરી આનંદ અને એકતાનો સંદેશ આપવામાં આવે છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર, તેજસ્વી પ્રકાશ અને ગર્જતા અવાજો દુષ્ટ શક્તિઓને દૂર કરે છે અને શુભ શક્તિઓનું આહવાન કરે છે. સમયાંતરે આ ધાર્મિક માન્યતાઓ આનંદ અને ઉત્સવના રૂપમાં વિકસતી ગઈ, જેમાં ફટાકડા અને પ્રકાશની ઉજવણી માનવ ભાવનાઓને એકત્ર કરી ખુશીના રંગોમાં રંગે છે. આ રીતે પ્રકાશ અને અગ્નિ વિશ્વભરમાં મનુષ્યની આત્મિક ઉજવણીના અવિભાજ્ય ભાગ બની ગયા છે. પ્રાચીન સમયથી જ મનુષ્યે અગ્નિ અને પ્રકાશને જીવન અને ઊર્જાના સ્રોત તરીકે માન્યા છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો પ્રકાશ અને અગ્નિ માનવમસ્તિષ્ક પર સકારાત્મક અસર કરે છે. પ્રકાશથી ડોપમાઇન અને સેરોટોનિન જેવાં હૅપી હૉર્મોન્સ સક્રિય થાય છે જે આનંદ અને ઉત્સાહની લાગણી વધારે છે. તેથી પ્રકાશથી ભરેલા ઉત્સવો દરમિયાન લોકો વધુ ખુશી અને ઉત્સાહનો અનુભવ કરે છે. ફટાકડાના તેજ અવાજ અને રંગીન ઝગમગાટ આપણી ઇન્દ્રિયોને ઉત્તેજિત કરે છે, જેના કારણે શરીરમાં ઊર્જા અને ઉત્સાહનો પ્રવાહ વધે છે. પ્રાચીન માન્યતાઓમાં જે દુષ્ટ શક્તિઓને ભગાડવાની વાત કહેવાતી, એ વૈજ્ઞાનિક રીતે ધ્વનિતરંગો અને પ્રકાશની ઊર્જા દ્વારા વાતાવરણ શુદ્ધ થવાની પ્રક્રિયા સાથે જોડાયેલી હોઈ શકે છે. અગ્નિ અને પ્રકાશ બન્ને ઑક્સિજનનો ઉપયોગ કરે છે અને તાપ ઉત્પન્ન કરે છે, જેના કારણે હવાની ઠંડક અથવા ભેજ ઘટી માઇક્રોબ્સનો પ્રભાવ ઓછો થાય છે એટલે અનેક સંસ્કૃતિઓમાં અંધકાર અથવા ચોમાસા પછી પ્રકાશનો ઉત્સવ ઊજવાય છે. એમ કહી શકાય કે ધાર્મિક માન્યતાઓ પાછળ પણ એક વિજ્ઞાનિક તર્ક છુપાયેલો છે.
19 October, 2025 10:43 IST | Mumbai | Laxmi Vanita