અકાદમી અને ઝરૂખોના 'દેશ વિદેશનું સાહિત્ય' કાર્યક્રમમાં ત્રણ રસપ્રદ વક્તવ્ય માણવા મળ્યાં
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ઝરૂખોના સહયોગમાં યોજાયેલા ' દેશ વિદેશનું સાહિત્ય ' કાર્યક્રમમાં શ્રોતાઓને અપેક્ષા મુજબ જલસો જ પડી ગયો હતો. સામાન્ય ભાવક ગુજરાતી ભાષાનું સાહિત્ય તો વાંચતો હોય છે પણ વિદેશી સાહિત્ય માણવાનો મોકો ઓછા ભાવકોને મળે છે. અકાદમીના રવિવારના કાર્યક્રમમાં ત્રણ વક્તાઓએ એક મરાઠી અને બે વિદેશી ભાષાનાં પુસ્તકો શ્રોતાઓ સમક્ષ ઉઘાડી આપ્યાં. 'લાસ્ટ ટ્રેન ટુ ઈસ્તાંબુલ' એ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાનની સત્ય ઘટના આધારિત ઐતિહાસિક નવલકથા છે જે તુર્કી લેખક આઈસ કુલીન દ્વારા લખાયેલી છે. આ નવલકથા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સ્થાનાંતરિત યહૂદીઓની વાર્તા કહે છે જે તુર્કીમાં શરણાર્થી તરીકે આવ્યાં હતાં. તુર્કીની રાજદ્વારી ઑફિસ પૅરિસમાં પણ હતી અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી ન્યૂટ્રલ રહ્યું હતું. જર્મન સૈનિકો યહૂદીઓને મોતને ઘાટ ઉતારી રહ્યા હતા. એ સમયે રાજદ્વારી ગતિવિધિઓ દ્વારા એક વિશેષ ટ્રેન પૅરિસથી ઈસ્તાંબુલ મોકલવામાં આવે છે જેમાં વિશેષ તો યહૂદીઓ છે.જર્મનોને શંકા ન પડે એટલે એને જર્મનીના બર્લિન શહેરના ટ્રેન રૂટે લઈ જવાય છે. જાહ્નવી પાલ આ નવલકથા તેમની યાત્રાનું વર્ણન કરે છે, જેમાં તેઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. ભૂખ, તરસ, અને નાઝી સૈન્યનો પીછો આ ટ્રેનના યાત્રીઓ માટે દુ: સ્વપ્ન જેવાં છે.નવલકથા તેમની ધીરજ, સહનશક્તિ અને જીવનને ટકાવી રાખવાની તેમની પ્રબળ ઈચ્છાની આસપાસ આગળ વધે છે. જાહ્નવી પાલે ખૂબ સરસ રીતે આ નવલકથાના હાર્દને શ્રોતાઓ સમક્ષ મૂક્યાં. બીજું વક્તવ્ય હતું કવયિત્રી પ્રતિમા પંડ્યાનું.એમણે મરાઠી લેખિકા ઉમા કુલકર્ણીની ચરિત્રાત્મક નવલકથા ' કેતકરવહિની' વિશે વાત કરી. ૨૦મી સદીના પૂર્વાર્ધમાં શહેરની એક છોકરી મનમાં કોડભર્યા સપનાં લઈને મહારાષ્ટ્રના અંતરિયાળ ગામમાં પરણીને જાય છે. ત્યાં એ અનેક પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરે છે. ભાગિયાઓ તથા ગ્રામજનો કાવાદાવા કરીને સાસરિયાની જમીન પચાવી પાડે છે ત્યારે ગ્રામવાસીઓ સામે પોતાની આંતરિક શક્તિ સતત પ્રજ્વલિત રાખીને કેતકરવહિની ( કેતકરભાભી) વિવિધ કેસ જીતતી રહે છે. જેમની સામે કાયદાકીય લડાઈ ચાલે છે એમના તરફ માનવતા દાખવી તેઓ મદદ પણ કરતાં રહે છે. પ્રતિમા પંડ્યા ધૈર્યવાન કેતકરવહિનીના સંઘર્ષને ઉમા કુલકર્ણીની રસાળ અને પ્રભાવી લેખનશૈલી ઉજાગર કરે છે. લેખિકા જેટલી જ સફળતા પ્રતિમા પંડ્યાને મળી જ્યારે વક્તવ્ય દ્વારા તેઓ કેતકરવહિનીના પાત્રને શ્રોતાઓ સમક્ષ જીવંત કરી શક્યાં. આ પુસ્તકનો અનુવાદ ટૂંક સમયમાં ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે. ત્રીજું પુસ્તક હતું ' લસ્ટ ફોર લાઈફ' અરવિન્ગ સ્ટોનની વિન્સ્ટન વૅન ગોઘના જીવન પર આધારિત નવલકથા! એના વિશે વક્તવ્ય આપ્યું ડૉ.નેહલ વૈદ્યે. ડૉ. નેહલ વૈદ્ય અગાઉ રજૂ થયેલી બે નવલકથાઓની જેમ આમાં પણ જીવનનો સંઘર્ષ છે. આ સંઘર્ષ છે ડચ ચિત્રકાર વિન્સેન્ટ વૅન ગોઘનો. જીવન જીવવા માટેનો સ્થૂળ સંઘર્ષ અને માનસિક સંતુલનનો સંઘર્ષ સમાંતરે ચાલે છે. વિન્સેન્ટને એના ભાઈ થીઓનું પીઠબળ મળી રહે છે જેથી એ પોતાની ચિત્રકળા વિકસાવી શકે. વિન્સેન્ટ ખાણિયાઓને અને સામાન્ય માણસને પોતાનાં ચિત્રોમાં ઉતારે છે.એની આસપાસના મિત્ર વર્તુળ સાથેના સંબંધો ઉપર નીચે થતા રહે છે અને વિન્સેન્ટનું માનસિક સંતુલન પણ રૉલર કૉસ્ટર રાઈડ જેવું છે. વિશ્વમાં ચિત્રકાર તરીકે ખ્યાત વિન્સેન્ટ પોતાના જીવન દરમિયાન ફક્ત એક જ ચિત્ર વેચી શકે છે. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ' સળગતાં સૂરજમુખી ' નામે વિનોદ મેઘાણીએ કર્યો છે. ડૉ.અભય દોશી કાર્યક્રમના સંચાલક ડૉ.અભય દોશીએ પણ વિદ્વતાપૂર્ણ રીતે દરેક પુસ્તકની તથા વક્તવ્યની સરાહના કરી હતી. કવિ સંજય પંડ્યા આ કાર્યક્રમની પરિકલ્પના અને સંયોજન સંજય પંડ્યાના હતાં. વાર્તાલેખક સતીષ વ્યાસ તથા નીલા સંઘવી, પ્રજ્ઞા વસા તથા અનેક ભાવકોથી હૉલ ભરાઈ ગયો હતો.
read more
કોસ્મિક હાર્ટ ગેલેરી અને ચિન્હ પબ્લિકેશન્સનું નવું નજરાણું - 'Gaitonde: Between Two Mirrors' પુસ્તક પર રસપ્રદ ચર્ચાસત્ર
કોસ્મિક હાર્ટ ગેલેરી અને ચિન્હ પબ્લિકેશન્સ દ્વારા ૨૦મી માર્ચથી એકજિબિશન્સનું આયોજન ચાલી રહ્યું છે. ભારતના મહાન આધુનિકતાવાદી કલાકારોમાંના એક વી. એસ. ગાયતોંડેની સાથેની એક યાદગાર સાંજ ઊજવવા તમામ કલા પ્રેમીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ચિન્હ પબ્લિકેશન્સનું ભારતીય કલાના શ્રેષ્ઠ આધુનિકતાવાદી કલાકાર વી. એસ. ગાયતોંડે પર ઉત્કૃષ્ટ પ્રકાશન એટલે 'Gaitonde: Between Two Mirrors' આ પુસ્તક પર ચર્ચાસત્રનું આવતીકાલે આયોજન છે. 25મી માર્ચના રોજ સાંજે 6 વાગ્યે નીચેના સ્થળે પુસ્તક વિષે ચર્ચાસત્રનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થળ- કોસ્મિક હાર્ટ ગેલેરી. જી-2એ, કોર્ટ ચેમ્બર્સ, 35-ન્યૂ મરીન લાઇન્સ, મુંબઈ-400.020 ઉપરોક્ત સુંદર, કલાત્મક પેઇન્ટિંગના આર્ટિસ્ટ છે વી. એસ. ગાયતોંડે આ ચર્ચાસત્રમાં સંપાદક સતીશ નાયક સાથે રસપ્રદ સંવાદનું આયોજન થશે. જેમાં સહયોગી સંપાદક મંજિરી ઠાકુર અને કાર્યકારી સંપાદક વિનીલ ભુર્કે પણ જોડાશે. આ સાથે જ આધ્યાત્મિક કલા ચળવળના સ્થાપક પ્રોફેસર ડૉ. ઉદયરાજ ગડનીસ પણ ઉપસ્થિત રહેશે. મૉડરેટર તરીકે કોસ્મિક હાર્ટ ગેલેરીનાં સંસ્થાપક જલ્પા એચ વિટ્ઠલાણી હાજર રહેશે. તેઓ કહે છે કે, 'આ જાણીતા પ્રદર્શનનું આયોજન કરતાં મને થાય છે કે આ પ્રકાશમય હસ્તીઓ આપણી કળાત્મક સૃષ્ટિની પાયો છે. જેમ પૃથ્વી ગુરુત્વાકર્ષણ વિના દિશાહીન બની જાય, તેમ કળાજગત પણ તેમની માર્ગદર્શનરૂપ તેજસ્વિતા વિના અધૂરું છે.' કાર્યક્રમની વિગતો આ રહી. સાંજે 6:00 કલાકે - મેળાવાડો સાંજે 6:30- સ્વાગત અને પરિચયસાંજે 6:40- રસપ્રદ પેનલ ચર્ચા થશે. ત્યારે પુસ્તકમાંથી ચૂંટાયેલા અંશોનું વાંચન પણ કરવામાં આવશે. સાંજે 7:15 - પ્રેક્ષકો સાથે ખાસ વાતચીત. આ સાથે જ કોસ્મિક હાર્ટ ગેલેરી ખાતે ચાલી રહેલા શૉ 'ધ ગ્રેટ ઇન્ડિયન મોડર્ન માસ્ટર્સ'માં ભારતીય કલાકારોની કળાનો જાદુ માણવા અવશ્ય પધારશો.
read more
લેખિકા ગીતા માણેકને મહારાષ્ટ્ર હિન્દી સાહિત્ય અકાદમીનો 'લાઇફ ટાઇમ એચિવમેન્ટ' એવોર્ડ એનાયત
પ્રખ્યાત લેખિકા, નાટ્યકાર અને પત્રકાર ગીતા માણેકને હિન્દી સાહિત્યમાં તેમના અસાધારણ યોગદાન બદલ મહારાષ્ટ્ર રાજ્ય હિન્દી સાહિત્ય અકાદમી દ્વારા 'લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર હિન્દી ભાષા બોલતા ન હોય તેવા લેખક તરીકે હિન્દી સાહિત્યને સમૃદ્ધ બનાવવા માટેના તેમના અનોખા કાર્યને માન્યતા માટે આપવામાં આવ્યો છે. ખાસ કરીને, તેમની દસ્તાવેજી-નવલકથા 'સરદાર: ધ ગેમ ચેન્જર' (હિન્દી) ને આ સન્માન માટે ખૂબ પ્રશંસા મળી હતી, જે સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ભારતના એકીકરણની વાર્તાને આબેહૂબ રીતે રજૂ કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા હિન્દી સંસ્કરણનું વિમોચન કરવામાં આવ્યું હતું, જેનાથી આ કૃતિને સાહિત્યિક અને ઐતિહાસિક પરિદૃશ્યમાં વિશેષ સ્થાન મળ્યું હતું. ગીતા માણેકની 'સરદાર: ધ ગેમ ચેન્જર' ઇતિહાસ અને વાર્તાનું એક ઉત્કૃષ્ટ મિશ્રણ છે, જે વાચકોને સરદાર પટેલે આધુનિક ભારતનું નિર્માણ કરવા માટે 565 રજવાડાઓને કેવી રીતે એક કર્યા તેની ઊંડાણપૂર્વકની સમજ આપે છે. આ પુસ્તકનો પ્રભાવ ફક્ત સાહિત્ય પૂરતો મર્યાદિત ન હતો, પરંતુ તેને દૂરદર્શન પર 62 એપિસોડની ટેલિવિઝન સિરીઝ તરીકે પણ રજૂ કરવામાં આવ્યો હતો. ગીતા માણેકે ફક્ત પુસ્તક જ લખ્યું નહીં, પરંતુ સિરીઝ માટે પટકથા અને સંવાદો પણ લખ્યા, જે તેમની વૈવિધ્યતા દર્શાવે છે. આ સિરીઝ પ્રખ્યાત નિર્માતા કે.સી. દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. બોકાડિયા અને રાજેશ બોકાડિયા, જેમણે સરદાર પટેલના વારસાને લાખો દર્શકો સુધી પહોંચાડ્યો. ગીતા માણેકનું સાહિત્ય, રંગભૂમિ અને પત્રકારત્વમાં નોંધપાત્ર યોગદાન છે. તેમનું નાટક 'ડૉ' ભારતના પ્રથમ મહિલા ડૉક્ટરના જીવન પર આધારિત છે. આનંદીબાઈના જીવન પર આધારિત નાટક 'લાઈક, કોમેન્ટ, શૅર' ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં રજૂ થયું છે અને પૃથ્વી થિયેટર, એનસીપીએ પ્રાયોગિક અને આંતરરાષ્ટ્રીય થિયેટર ફેસ્ટિવલમાં તેની પ્રશંસા થઈ છે. ઉલ્લેખનીય છે કે ગીતા માણેક એકમાત્ર ભારતીય લેખિકા છે જેમણે પોતાના નાટકને ત્રણ ભાષાઓમાં રૂપાંતરિત કર્યું છે.
read more
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા 'ઝરૂખો' બોરીવલીમાં રવિવારે 'દેશ વિદેશનું સાહિત્ય' કાર્યક્રમ
આપણા દેશની અન્ય ભાષાઓનું સાહિત્ય અને વિશ્વ સાહિત્ય એક મહાસાગર છે. આ મહાસાગરમાંથી ત્રણ આચમની ભરીને ત્રણ વક્તાઓ , મુંબઈના રસિક શ્રોતાઓ માટે આ રવિવારે સાંજે ૫.૩૦ વાગ્યે લઈને આવી રહ્યાં છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા સાઈલીલા વૅલ્ફેર ટ્રસ્ટના ' ઝરૂખો ' ના સહયોગમાં 'દેશ વિદેશનું સાહિત્ય' એ ટાઈટલ હેઠળ એક રસપ્રદ કાર્યક્રમ ૨૩ માર્ચ રવિવારે સાંજે ૫.૩૦ વાગ્યે બોરીવલીમાં યોજાયો છે. પ્રતિમા પંડ્યા મરાઠી ભાષાનાં લેખિકા ઉમા કુલકર્ણીની માલતી કેતકરનાં જીવનસંઘર્ષ પર આધારિત ચરિત્રાત્મક નવલકથા ' કેતકરવહિની' વિશે કવયિત્રી પ્રતિમા પંડ્યા વાત કરશે. જાહ્નવી પાલ અગાઉ વિવિધ સામયિકોમાં પત્રકાર રહી ચૂકેલાં જાહ્નવી પાલ 'લાસ્ટ ટ્રેઈન ટુ ઈસ્તંબુલ' જે આઈશે કુલીનનું પુસ્તક છે એના વિશે વાત કરશે. ડૉ.નેહલ વૈદ્ય ડૉ.નેહલ વૈદ્ય ઈર્વિંગ સ્ટોનના પુસ્તક 'લસ્ટ ફોર લાઈફ' વિશેની રસપ્રદ વાતો કરશે. છેલ્લી પાંચ સાત મિનિટ શ્રોતાઓ પણ વક્તાઓ સાથે સંવાદ કરી શકશે. ડૉ.અભય દોશી દેશ વિદેશના સાહિત્યના અભ્યાસી ડૉ.અભય દોશી આ કાર્યક્રમનું સંચાલન કરશે. આ કાર્યક્રમની પરિકલ્પના અને સંયોજન સંજય પંડ્યાના છે. સાઈબાબા મંદિર, બીજે માળે,સાઈબાબા નગર,બોરીવલી પશ્ચિમના સરનામે આ જાહેર કાર્યક્રમ યોજાયો છે.આ મસ્ત કાર્યક્રમ માણવા સમયસર પહોંચી જશો.
read more
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ૨૧ માર્ચે યોજાશે 'પારિતોષિક અર્પણ સમારંભ'
મહારાષ્ટ્ર શાસનના સાંસ્કૃતિક કાર્ય વિભાગ અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વાર્ષિક પારિતોષિક અર્પણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારંભ તા. ૨૧ માર્ચે, સાંજે ૭.૦૦ વાગ્યે પી.ડી. બૅન્કવેટ્સ હૉલ, પાંચમે માળે, પી. એલ. દેશપાંડે મહારાષ્ટ્ર કલા અકાદમી, રવીન્દ્ર નાટ્યમંદિર પરિસર, પ્રભાદેવી-દાદર ખાતે યોજાશે. અકાદમી દ્વારા વિવિધ પારિતોષિકો જાહેર કરવામાં આવે છે. ગુજરાતી અને મરાઠી સાહિત્યકારોને અપાતું કવિ નર્મદ પારિતોષિક અનુક્રમે ભાગ્યેશ જહા તથા લક્ષ્મીકાંત તાંબોળીને એનાયત કરવામાં આવશે. લક્ષ્મીકાંત તાંબોળી ભાગ્યેશ જહા મહારાષ્ટ્રસ્થિત પ્રતિભાને વિવિધ શ્રેણીમાં અપાતા જીવનગૌરવ પારિતોષિક અંતર્ગત સાહિત્ય ક્ષેત્રે પ્રફુલ્લ પંડ્યા; કલા ક્ષેત્રે નિરંજન મહેતા; પત્રકારત્વ ક્ષેત્રે રમેશ દવે તથા સંસ્થાઓમાં ગુજરાતી વિભાગ- એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠની પસંદગી કરવામાં આવી છે. સર્વોત્તમ પુસ્તકોને પુરસ્કાર પ્રદાન કરવાની અકાદમીની યોજના અન્વયે કવિતા, નવલકથા, નિબંધ અને વાર્તા વિભાગમાં વાઙમય પારિતોષિક એનાયત કરવામાં આવશે. પ્રફુલ્લ પંડ્યા નિરંજન મહેતા રમેશ દવે એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ કવિતા વિભાગમાં રાજેશ રાજગોરના `શ્રીકૃષ્ણ ચરિતમ્ (ગઝલ સ્વરૂપે)' કાવ્યસંગ્રહને દ્વિતીય ઈનામ મળે છે. નવલકથા વિભાગમાં પ્રથમ ઈનામ દેવયાની દવેની `આવકાર' તથા દ્વિતીય ઈનામ ઊર્મિલા પાલેજાની `ત્રીજો ભવ' નવલકથાને અપાશે. લલિત નિબંધમાં ડૉ. સરોજિની જિતેન્દ્રના `જાત સાથે વાત' પુસ્તકને પ્રથમ તથા નિરંજના જોશીના `છીપ મોતી શંખ' પુસ્તકને દ્વિતીય ઈનામ મળશે. વાર્તા વિભાગમાં કામિની મહેતાના `ઉડાન' તથા નીલા સંઘવીના `નીલા સંઘવીની નવી વાર્તાઓ' વાર્તાસંગ્રહને દ્વિતીય ઈનામ સંયુક્તપણે જાહેર કરવામાં આવે છે. પ્રકીર્ણ વિભાગમાં પ્રથમ ઈનામ મેધા ગોપાલભાઈ ત્રિવેદીના `મણિબહેન વલ્લભભાઈ પટેલ એક સમર્પિત જીવન' પુસ્તકને અપાશે. સાંસ્કૃતિક બાબતો વિભાગના મંત્રી તથા અકાદમીના અધ્યક્ષ માન. ઍડ. શ્રી આશિષ શેલાર તથા અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદાર દ્વારા પારિતોષિકો એનાયત કરવામાં આવશે. જીવનગૌરવ તથા નર્મદ પારિતોષિકમાં રૂ. ૧.૦૦.૦૦૦/-ની રાશિ જ્યારે વાઙમય પારિતોષિક અંતર્ગત પ્રથમ ઈનામમાં રૂ. 30,000/- અને દ્વિતીય ઈનામમાં રૂ. ૨૦.૦૦૦/-ની રાશિ, સન્માનપત્ર અને સ્મૃતિચિહ્નનો સમાવેશ થાય છે. પારિતોષિકની પસંદગીમાં અકાદમીના વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શનમાં નિર્ણાયક સમિતિએ સેવા આપી હતી.
read more
મોડાસા એકડા દશા ખડાયતા સમાજ, મુંબઈ દ્વારા 'નારી જાગૃતિ પ્રોગ્રામ'નું આયોજન
મોડાસા એકડા દશા ખડાયતા સમાજ મુંબઈ દ્વારા સંચાલિત શ્રી સોમાલાલ પી શાહ નારી જાગૃતિ ફંડ અને પ્રમુખશ્રી તુષારભાઈ રમણલાલ કોઠારીના નેજા હેઠળ નારી જાગૃતિ પ્રોગ્રામનું આયોજન તારીખ ૨૩ માર્ચ ૨૦૨૫ ને રવિવારના રોજ સાંજે ૪.૩૦ કલાકે ખડાયતા ભુવન, હનુમાન મંદિર રોડ, પાર્લા, મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું છે. પહેલા ભાગમાં દરેકના વ્યવસાયની જાણકારી સાથે તેમનો પરિચય અને હાજર રહેલ સ્પીકર પાસેથી તેમની પોતાની અત્યાર સુધીની સફળતાની યાત્રા અને અનુભવ વિષે જાણકારી મેળવી હતી. આ નારી બિઝનેસને સફળતા અપાવવા માટે જ શાર્ક થીંક-પાર્ટ રનું આયોજન કરવામા આવેલ છે. આ બીજા પાર્ટમાં એક પગથિયું આગળ વધતાં વ્યવસાયમાં સફળતા તરફ પ્રયાણ કરવા માટે કઈ રીતે પ્રેક્ટિકલ વેમાં અનુકરણ કરી ફાઇનાન્સ, માર્ગદર્શન સાથે એક સફળ એન્ટરપ્રેન્યોર તરફની જર્નીની શરૂઆત કરવાની દિશામાં આગળ વધવાના નિશ્યય સાથે પ્રોગ્રામ કરાશે. શાર્ક થિંક પાર્ટ - ૨ નારી શક્તિને વ્યવસાયમાં આગળ વધવા માટે જરૂરિયાત મુજબ પ્રોફેશનલના માર્ગદર્શન સાથે પ્રગતિના પંથ પર આગળ વધવા માટે શાર્ક ટેન્ક તેમને સપોર્ટ કરશે. જેમ કે કોઈને ફંડ, એક્સપર્ટની સલાહ, માર્ગદર્શન રૂપે પ્રોત્સાહન પૂરું પાડવા સાથે તેમની સાથે પાર્ટનરશીપ શક્યતા થઈ શકે એ માટેનું ઉત્તમ પ્લેટફોર્મ લઈને આવી રહ્યા છે. જેથી દરેક ઈચ્છુક મેમ્બર પોતાના વ્યવસાયને કોર્પોરેટ લેવલ પર વધારવા આગળ આવી પહેલ કરે એવા આશયથી સૌને આમંત્રણ છે. પ્રથમ વખત આપણે આ પ્રોગ્રામ youtube પર લાઈવ બતાવવાનું છે. જેનો હેતુ એ જ છે કે સમાજની બહેનો જે પણ પ્રેઝન્ટેશન આપે, તે ઘરે બેસીને જોઈ શકે તેમજ એમની એક્ટિવિટી બાબતે દરેક સમાજના જ્ઞાતિબંધોને જાણ થાય અથવા માર્કેટિંગ થઈ શકે. અને પોતાનો અનુભવ તેમજ પોતાના બિઝનેસને પ્રમોશન આપવા માટેની રજૂઆત કરી શકે અને આ ટ્રસ્ટનું પ્લેટફોર્મ એમને ઉપયોગી થાય.
read more
એસ. એન. ડી. ટી. મહિલા કોલેજમાં 'સંસ્કૃતા સ્ત્રી પરાશક્તિ'ની સન્માનનીય ઉજવણી
એસ. એન. ડી. ટી. મહિલા કોલેજની અનુસ્નાતક વિભાગની વિદ્યાર્થિની બહેનોએ 'વિશ્વ મહિલા દિવસ'ની વિશેષ ઉજવણી કરી હતી. આ ઉજવણી કોલેજમાં જ ૭મી માર્ચે બપોરે ૧૨.૦૦ કલાકે કરાઇ. 'સંસ્કૃતા સ્ત્રી પરાશક્તિ' કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે હિન્દી સાહિત્યનાં પ્રસિદ્ધ સર્જક, વિવેચક અને અનુવાદક તેમજ મહિલા ઉત્કર્ષ માટે સતત સક્રિય ડૉ. કુસુમ ત્રિપાઠી ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે મુંબઈની સાહિત્ય અને કલા પ્રવૃત્તિમાં સતત સક્રિય એવી 'લેખિની' સંસ્થાની વરિષ્ઠ બહેનોનું 'નારી ગૌરવ પુરસ્કાર'થી સન્માન કરવામાં આવ્યું. જેમાં મીનાક્ષી વખારિયા, ગીતા ત્રિવેદી, વર્ષા તન્ના, પ્રીતિ જરીવાલા, કામિની મહેતા, ઊર્મિલા પાલેજા, દેવયાની દવેનો સમાવેશ થાય છે. આ વર્ષે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થિની બહેનોને પદવી પ્રમાણપત્ર પણ અર્પણ કરવામાં આવ્યાં. વિભાગની વર્તમાન વિદ્યાર્થિની હેતલ ગાલા, બીના જોગી, સોનાલી શાહ, સેજલ ભટ્ટ, રેણુકા નાંદોલા, પન્ના પારેખ, રાખી શાહે મુંબઈની પ્રસિદ્ધ કવયિત્રીઓની ઉત્તમ કવિતાઓનું ચયન કરીને ભાવવાહી પ્રસ્તુતિ કરી. સમગ્ર કાર્યક્રમ માટે પ્રૉ. દર્શના ઓઝા અને કવિત પંડ્યાએ જહેમત ઉઠાવી હતી તેમ જ માર્ગદર્શન આપ્યું હતું.
read more
દહીસરની પૂર્ણ પ્રજ્ઞા હાઇસ્કુલના એસએસસી 2002ના વિદ્યાર્થીઓએ એક્સિલરેટ વિમેન થીમ પર સાથે મળીને ઉજવણી કરી
આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હતો, એ નિમિત્તે પૂર્ણ પ્રજ્ઞા હાઇસ્કુલ, દહીસર ઇસ્ટના ગુજરાતી માધ્યમ બેચ એસએસસી 2002ના વિદ્યાર્થીઓ અને એમના પરિવારનું નાનું સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ મેળાવડામાં લગભગ 15 જેટલા વિદ્યાર્થીઓ, 10 મહિલાઓ અને 11 બાળકોએ ઉજવણી કરી હતી. ગ્રુપના પરફેક્ટ પ્લાનર મેમ્બર્સ અવારનવાર આવા નાના-મોટા આયોજનો કરતા રહે છે. આનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે દરેક વિદ્યાર્થીઓને તથા તેમના પરિવારોને એકબીજાથી જોડાયેલા રહે. સુખ-દુઃખમાં સાથ આપે અને બીજાઓને પણ પ્રેરણા આપે. સંમેલનમાં દરેક જણે ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો, ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં પણ તેમની પત્નીઓ તથા બાળકોએ પણ આ પ્રસંગને ઉમંગ અને દોસ્તીથી માણ્યો હતો. મહિલાઓને ખાસ ભેટ આપવામાં આવી હતી. લગભગ ત્રણ ચાર કલાકના કાર્યક્રમ પછી સૌ મીઠી યાદો સાથે છૂટા પડ્યા હતા. વિશાલ ગજ્જર જણાવે છે કે, '2002માં શાળા પૂર્ણ કર્યા પછી અમારું ગ્રુપ અવારનવાર નાના મોટા આયોજનો કરે છે, અને ભવિષ્યમાં પણ લોકોના સાથ-સહકારથી આવા રિયુનિયન, પર્યટન-પ્રવાસ ઈત્યાદી કરતા રહીશું.
read more
Holi Splash: મુંબઈનો સૌથી મોટો હોળી ઉત્સવ
મુંબઈમાં હોળી સ્પ્લેશ - સીઝન 6 ના ભવ્ય ઉજવણીનું સાક્ષી બનવા માટે તૈયાર છે. આ તહેવાર ટોચના ડીજે, લાઇવ પર્ફોર્મન્સ અને વાઇબ્રન્ટ ઉત્સવો સાથે એક અવિસ્મરણીય અનુભવનું વચન આપે છે. ઇવેન્ટ વિગતો: • તારીખ: 14 માર્ચ, 2025 • સ્થળ: ઇનઓર્બિટ મોલ (ઓપન પાર્કિંગ એરિયા), ન્યૂ લિંક રોડ, મલાડ વેસ્ટ, મુંબઈ 400064 • સમય: [સવારે 10 વાગ્યાથી] ઇવેન્ટની હાઇલાઇટ્સ: • ડીજે મેક, ડીજે સીએએસ, ડીજે ભાવિન, ધ ટ્રાંક્વિલ, આર્યન, તુષાર ટી અને કુશે સહિત પ્રખ્યાત ડીજે દ્વારા વિદ્યુત પ્રદર્શન • ઓર્ગેનિક રંગો અને સલામત હોળીનો અનુભવ • વરસાદી નૃત્ય અને પાણીની પ્રવૃત્તિઓ • લાઇવ ઢોલ પર્ફોર્મન્સ અને ઉર્જાવાન બોલીવુડ સંગીત • ઉત્સવની સ્વાદિષ્ટ વાનગીઓ અને પીણાં ઓફર કરતા ફૂડ સ્ટોલ ટિકિટ માહિતી: ટિકિટ બુકમાયશો, ડિસ્ટ્રિક્ટ બાય ઇવેન્ટન્ટ અને ઇવેન્ટિંગ ક્લબ પર ઉપલબ્ધ છે. પૂછપરછ અને બુકિંગ માટે સંપર્ક કરો: 7700043367 / 7700904855 હોળી સ્પ્લેશ - સીઝન 6 માં સંગીત, રંગો અને ઉત્સવના આનંદ સાથે ભવ્ય શૈલીમાં હોળીની ઉજવણી કરો.
read more
ડૉ. જવાહર બક્ષીના પુસ્તક 'નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા'ની ત્રીજી આવૃત્તિનું લોકાર્પણ
ચર્ચગેટ ખાતે યોજાયેલા એક સમારંભમાં જાણીતા ગઝલકાર અને આધ્યાત્મિક સંશોધક ડૉ. જવાહર બક્ષીના 'નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા' આ પુસ્તકનું લોકાર્પણ લોકલાગણીને માન આપીને (ત્રીજી આવૃત્તિ) શ્રીમતી દક્ષા બક્ષી, દીના મહેતા અને આસિત મહેતાને હસ્તે થયું હતું. કોઈ પીએચડીના સંશોધનાત્મક પુસ્તકની ત્રીજી આવૃત્તિ થવી એ વિરલ અને ગુજરાતી ભાષા માટે ગૌરવ ઘટના છે. જવાહર બક્ષી એ જણાવ્યું હતું કે વૈદિક ઋષિઓની વાણી ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતામાં સર્વપ્રથમ ઊતરી હતી. આજે ૬૦૦ વર્ષ પછી પણ તે તાજી અને સનાતન લાગે છે. ડૉ. જવાહર બક્ષીએ પચ્ચીસ વર્ષના સંશોધન તથા તેમની દાયકાઓની આધ્યાત્મિક સાધનાના પ્રકાશમાં ૬૦૦ વર્ષમાં ન ઉપલાયેલા ગૂઢ રહસ્યોને ઉજાગર કર્યા છે. જેમકે- 'જળ કમળ છાંડી જાને બાળા' એ કુંડલીની યોગનું કાવ્ય છે અને 'સહસ્ત્ર ફેણા ફૂંફવે' સુધીના સહસ્ત્રદલ કમળ તથા તે પછીની યાત્રાના અને તેમાં આવતા વિઘ્નોનો ઘટસફોટ કર્યો છે. 'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરી' એ સલ્વમ ખલી ખ લ્વિદમ બ્રહ્મ તેમજ ઈશાવાસ્ય ઉપનિષદના સ્પંદનો છે. વિશેષ રૂપે જેને કારણે નરસિંહ મહેતાને કારાવાસ મળ્યો હતો તે શૃંગાર કાવ્યોને રાધાકૃષ્ણનો આત્મા પરમાત્માના સંદર્ભમાં સમજાવ્યા છે. રૂપાયતન ટ્રસ્ટ, જુનાગઢ દ્વારા પ્રકાશિત આ પુસ્તક હવે તેના મુખ્ય વિક્રેતા એન. એમ. ઠક્કરની કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨ ખાતે ઉપલબ્ધ છે.
read more
વિલેપાર્લેની કલાગુર્જરી સંસ્થા દ્વારા બાળકો માટેની ચિત્ર સ્પર્ધા સફળ રહી- મિતુલ પ્રદીપ રહ્યાં હાજર
કલાગુર્જરી, વિલેપાર્લે સંસ્થા દ્વારા તાજેતરમાં જ બાળકો માટેની ચિત્ર સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અનેક શાળાઓમાંથી બાળકોએ ભાગ લીધો હતો. બાળકો સાથે તેમનાં માતા-પિતાની પણ હાજરી રહી. સ્પર્ધક બાળકોએ તેમની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને કાગળ અને પીંછી વડે અદ્ભુત કલા રજૂ કરી. આ સમગ્ર આયોજન સંસ્થાનાની 'બાલ વિભાગ'ની સમિતિને જહેમત ઉઠાવી હતી. સ્પર્ધામાં દિવ્યાંગ બાળકો સહિત કુલ ૧૦૫ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં કુલ બાર ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત ચિત્ર સાત વર્ષની ધિયાના દોશીનું છે. જેણે 'મારો પરિવાર' આ વિષય પર સુંદર ચિત્ર રજૂ કરી બેસ્ટ ઈનામ મેળવ્યું હતું. સ્પર્ધા દરમિયાન સમિતિ પ્રમુખ નિરંજનાબહેન, સંસ્થા પ્રમુખ હેમાંગ જાંગલા, તેમ જ અન્ય સભ્ય ગોપાલભાઈ, મેધાબહેન, રૂપલબહેન અને સર્વ સમિતિ ધ્યક્ષ અમૃત માલદે, ફાલ્ગુનીબહેન, પ્રણવભાઈ સર્વેએ મહેનત કરી. આ સ્પર્ધામાં કવિ પ્રદીપજીનાં દીકરી મિતુલ પ્રદીપ નિર્ણાયક તરીકે હાજર રહ્યાં હતાં. બાળકોને નાસ્તો તેમજ બિસ્કીટ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું. લીનાબહેન, સાઈનાથ અને સંતોષ તેમ જ ચંદા, સંધ્યાબહેન અને હંસાબહેન દ્વારા પણ મદદ કરાઇ હતી.
read more
'ઝરૂખો'માં 'મસ્તીની પાઠશાળા'ની બીજી આવૃત્તિ નિમિત્તે 'બાળકોનો કાવ્યપાઠ અને ઢેનટેડેન'
બોરીવલીના ઝરૂખોની સાહિત્યિક સાંજમાં આ વખતે ઓગણત્રીસ જેટલાં ટાબરિયાં અને કિશોર વિદ્યાર્થીઓ કાંતિ કડિયા, રમેશ પારેખ, સુરેશ દલાલ, રમણ સોની,ઉદયન ઠક્કરથી માંડીને આજના નવાં બાળકાવ્ય સર્જકોની કાવ્યરચનાઓ રજૂ કરશે. રવિવાર ૨ માર્ચે સાંજે ૫.૩૦ વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં યુવાન કવિ ધાર્મિક પરમાર પણ પોતાનાં મસ્ત મસ્ત કાવ્યો બાળકોને તથા શ્રોતાઓને સંભળાવશે. પૂર્ણાબહેન મોદી, પપેટની સંગત લઈને બાળકોને રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંકલન સંજય પંડ્યા કરશે. ' મસ્તીની પાઠશાળા ' ( સંપાદન: સંજય પંડ્યા -પ્રતિમા પંડ્યા) બાળકાવ્યોનું એક અફલાતૂન સંપાદન છે જેમાં દલપતરામથી માંડીને આજનાં કવિઓનાં દોઢસો ઉપરાંત બાળકાવ્યોનો સમાવેશ થયો છે. કુલ કવિઓની સંખ્યા પણ સો જેટલી છે. સ્ત્રી મંડળ, સિક્કા નગર, મુંબઈ તથા પ્રકાશક એન.એમ.ઠક્કરના સહયોગથી આ પુસ્તકની દ્વિતીય આવૃત્તિ ગયા મહિને પ્રકાશિત થઈ છે. આ પુસ્તકની ૨૫૦ જેટલી પ્રત મહારાષ્ટ્ર અને ગુજરાતની વિવિધ શાળામાં ભેટ તરીકે મોકલવામાં આવી રહી છે. જે ગુજરાતી શાળાને ' મસ્તીની પાઠશાળા 'ની પ્રત મેળવવી હોય તેઓ ' ઝરૂખો ' ના સક્રિય સભ્ય દેવાંગ શાહને 93222 87485 પર શાળાના નામ તથા એડ્રેસ સાથે મેસેજ મોકલી શકે છે. 'ઝરૂખો 'નો આ કાર્યક્રમ સાઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે. તમારાં સંતાનને ગુજરાતી ભાષાની ઉર્જા તથા બાળકાવ્યોની મસ્તીથી પરિચિત કરાવવાં હોય તો રવિવારે સાંજે ' ઝરૂખો' માં પહોંચી જશો! હંમેશ મુજબ આ જાહેર કાર્યક્રમ છે.
read more
ADVERTISEMENT