ભારતમાં આમ તો ૧૮ જેટલા બાયોસ્ફિયર રિઝર્વ એટલે કે કુદરતી સંપત્તિથી ભરપૂર વિસ્તાર જેને સરકાર દ્વારા સંરક્ષણ આપવામાં આવ્યું છે. એમાંથી હવે ૧૩ જેટલા રિઝર્વને UNESCO દ્વારા ખાસ પ્રોગ્રામ અંતર્ગત માન્યતા પ્રાપ્ત થઈ છે. એને કારણે હવે માત્ર ભારત સરકાર જ નહીં પરંતુ વિશ્વની દરેક સરકાર એના સંરક્ષણનું ધ્યાન રાખશે. આ વર્ષે એમાં પ્રવાસીઓ, નેચર લવર્સ, ઍનિમલ લવર્સનું ફેવરિટ એવું હિમાચલ પ્રદેશનું સ્પીતિ વૅલીનું નામ સામેલ થયું છે જે ભારતનું પહેલું સંરક્ષિત કોલ્ડ ડેઝર્ટ બન્યું છે ત્યારે જાણીએ કે આ બાયોસ્ફિયર રિઝર્વની ખાસિયતો શું છે
હિમાચલ પ્રદેશનું નામ સાંભળીને જ પ્રવાસ પર જવાનું મન થઈ જાય. એનાં મુખ્ય આકર્ષણોમાં ધર્મશાળા, શિમલા અને સ્પીતિ વૅલી જેવાં નામો સામેલ છે. જો આંકડાઓ પર નજર કરીએ તો ૨૦૨૪માં અંદાજે ૧.૮૦ કરોડ ભારતીયોએ અને ૮૩,૦૦૦ જેટલા વિદેશીઓએ આ રાજ્યની સુંદરતાની મુલાકાત લીધી છે. આજે ખાસ સ્પીતિ વૅલીની વાત કરવાની કારણ કે એ ટ્રેકર્સ, નેચર લવર્સ અને ઍનિમલ લવર્સનું સ્વર્ગ માનવામાં આવે છે. ૨૦૨૫માં UNESCOના વર્લ્ડ નેટવર્ક ઑફ બાયોસ્ફિયર રિઝર્વમાં સ્પીતિ વૅલીને મૅન ઍન્ડ બાયોસ્ફિયર (MAB) પ્રોગ્રામમાં કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વ જાહેર કરવામાં આવી છે. એટલે આ એક એવું નેટવર્ક છે જે વિશ્વભરમાં બહુ જ નાજુક અને સંવેદનશીલ ઇકોસિસ્ટમને સુરક્ષિત જાહેર કરે છે અને એને બચાવવાના પ્રયાસો કરે છે. એક વાર અહીંથી માન્યતા પ્રાપ્ત થાય એટલે આ કુદરતી સંપત્તિને તમે હાનિ પહોંચાડી ન શકો. સામાન્ય રીતે રણપ્રદેશ એટલે એવી માન્યતા કે જ્યાં ગરમી હોય અને વરસાદ ન પડે, પરંતુ આજે ઠંડા રણપ્રદેશથી જાગૃત થઈએ. ભારતના અન્ય બાયોસ્ફિયર રિઝર્વ વિશે પણ જાણીએ જેથી ક્યારેક મુલાકાત લેવાની ઇચ્છા થાય તો ખ્યાલ આવે કે ત્યાં જઈને શું જોવું.
બાયોસ્ફિયર રિઝર્વનું મહત્ત્વ શું ?
બાયોસ્ફિટર રિઝર્વ એટલે કે જૈવમંડળ અભયારણ્ય એ કુદરતી વિસ્તાર છે જ્યાં વિવિધ પ્રકારનાં છોડ, પ્રાણી, પક્ષી અને સૂક્ષ્મ જીવોને સુરક્ષિત રાખવામાં આવે છે. આ વિસ્તારનો મુખ્ય હેતુ કુદરતી પર્યાવરણ અને એમાં રહેલી જીવજાતિઓને નષ્ટ થવાથી બચાવવાનો છે. અહીં ત્રણ પ્રકારના વિસ્તાર હોય છે — મુખ્ય ઝોનમાં કુદરતી વાતાવરણ સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવામાં આવે છે, બફર ઝોનમાં વૈજ્ઞાનિક અભ્યાસ અને સંશોધન થાય છે અને ટ્રાન્ઝિશન ઝોનમાં લોકો પર્યાવરણ સાથે સુમેળ રાખીને ખેતી, પશુપાલન અને અન્ય પ્રવૃત્તિઓ કરે છે. બાયોસ્ફિયર રિઝર્વનું મહત્ત્વ એ છે કે એ કુદરતનું સંતુલન જાળવી રાખે છે, દુર્લભ એટલે કે ભાગ્યે જ જોવા મળતી રૅર અને લુપ્ત થતી પ્રજાતિઓને બચાવે છે અને ભવિષ્યની પેઢીઓને કુદરતની સંપત્તિ વિશે શીખવે છે. આવાં અભયારણ્યો પર્યાવરણ સંરક્ષણ માટે અત્યંત જરૂરી છે. ભારતમાં પર્યાવરણ મંત્રાલય અને ફૉરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ દ્વારા સ્થાપિત લગભગ ૧૮ જેટલાં બાયોસ્ફિયર રિઝર્વ છે જેમાં સ્પીતિ વૅલીને સામેલ કરતાં હવે ૧૩ જેટલાને યુનેસ્કો દ્વારા સંરક્ષણ પ્રાપ્ત થયું છે. જ્યારે આવા વિસ્તારને રિઝર્વનું નામ આપવામાં આવે છે ત્યારે એ મોટા ભાગનું ક્ષેત્ર આવરે છે. દરેક રિઝર્વ પોતાના યુનિક કુદરતી બંધારણને કારણે વિવિધ પ્રકારની વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોને પોષતું હોય છે. આ એવાં તત્ત્વો છે જે કુદરતી સમતુલા જાળવી રાખવા માટે અનિવાર્ય હોય છે. ત્યારે સ્પીતિ વૅલી એક ઠંડા રણ તરીકે શા માટે જરૂરી છે એ જાણીએ.
ઠંડો રણપ્રદેશ એટલે શું?
ઠંડું રણ એવો વિસ્તાર છે જ્યાં વરસાદ બહુ ઓછો પડે છે અને તાપમાન પણ ખૂબ ઓછું રહે છે. આવા પ્રદેશોમાં હવામાન ખૂબ ઠંડું હોય છે અને જમીન ઘણી વાર બરફથી ઢંકાયેલી રહે છે. વરસાદનું પ્રમાણ સામાન્ય રીતે ૨૫ સેન્ટિમીટરથી પણ ઓછું હોય છે જેના કારણે વનસ્પતિ ખૂબ ઓછી જોવા મળે છે — માત્ર કાઈ (Moss), ઘાસ અને નાની ઝાડીઓ જ ઊગે છે. ભારતનું લદ્દાખ અને ચીન-મૉન્ગોલિયાનું ગોબી રણ ઠંડા રણનાં ઉદાહરણો છે. દક્ષિણ ધ્રુવ (Antarctica) પણ એક વિશાળ ઠંડું રણ છે. આમ ઠંડું રણ એવું રણ છે જ્યાં ભેજ અને વરસાદ ઓછા હોય છે પણ તાપમાન ખૂબ ઠંડું રહે છે. જ્યારે ગરમ રણોમાં તાપમાન વધુ હોય છે. હિમાચલ પ્રદેશના સ્પીતિ વૅલી બાયોસ્ફિયર રિઝર્વની વાત કરીએ તો એ ૭૭૭૦ ચોરસ કિલોમીરના વિસ્તારને આવરે છે જેમાં પીન વૅલી નૅશનલ પાર્ક, કિબ્બર વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરી, ચંદ્રતાલ વેટલૅન્ડ અને સર્ચુ પ્લેન્સ આ ઇકોલૉજીની હદમાં સામેલ છે. એટલે કે આ બધા જ વિસ્તારો હવે સંરક્ષણની હદમાં આવે છે.
સ્પીતિ વૅલીની પસંદગી કેમ?
સ્પીતિ વૅલીની ખાસિયત એ છે કે એ ૩૩૦૦થી ૬૬૦૦ મીટરની ઊંચાઈએ સ્થિત છે. આ વિસ્તાર સૂકી, ઠંડી, જંગલ વિનાની જમીન ધરાવે છે જ્યાં બહુ ઓછો વરસાદ પડે છે. એટલે હવામાન અહીં અત્યંત કડક છે. અહીંની ભૂમિ, ગ્લૅશિયલ ખીણો, આલ્પાઇન તળાવો અને રગેડ પ્લેટો એટલે કે મોટા પર્વતો વચ્ચે પણ ઠંડી, કઠણ અને ઊંચા-નીચા અવરોહ ધરાવતી ખડકાળ જમીન, વનસ્પતિ અને પ્રાણીઓ માટે એક અલગ જ જીવન પરિસ્થિતિ પ્રદાન કરે છે. અત્યંત ઠંડી હોવા છતાં આ રિઝર્વમાં ૬૫૫ પ્રકારની ઔષધીય હર્બ્સ , ૪૧ પ્રકારની ઝાડીઓ (shrubs) અને ૧૭ પ્રકારનાં ઝાડ જોવા મળે છે. આમાંથી કેટલાક છોડ સ્થાનિક છે એટલે કે માત્ર આ વિસ્તારમાં જ ઊગે છે અને ઘણા છોડ ઔષધીય ગુણ ધરાવે છે. આ ઔષધીય છોડો સોવા રિગ્પા /આમચી પ્રણાલી એટલે કે પરંપરાગત તિબેટી-હિમાલયન આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં ઉપયોગમાં લેવાય છે. આ વિસ્તારમાં ૧૭ પ્રકારનાં સસ્તન પ્રાણી અને ૧૧૯ પ્રકારનાં પક્ષીઓ જોવા મળે છે. અહીંનું મુખ્ય પ્રાણી — એટલે કે flagship species સ્નો લેપર્ડ (હિમચિત્તો) છે. ફ્લૅગશિપ સ્પીશિસ એટલે કે આ પ્રાણીના કારણે અન્ય પ્રાણીઓનો અહીં વિકાસ થયો છે. સ્નો લેપર્ડને કારણે અહીં ૮૦૦થી વધુ બ્લુ શીપ (Blue Sheep) એટલે કે ભારલ જોવા મળે છે. સ્નો લેપર્ડનો મુખ્ય શિકાર આ ભારલ છે. અન્ય પ્રાણીઓમાં હિમાલયન આઇબેક્સ (Himalayan Ibex), ટિબેટન વુલ્ફ (Tibetan Wolf), રેડ ફૉક્સ (Red Fox) તેમ જ પક્ષીઓમાં હિમાલયન સ્નોકૉક (Himalayan Snowcock), ગોલ્ડન ઈગલ (Golden Eagle) અને બિઅર્ડેડ વલ્ચર (Bearded Vulture) નો સમાવેશ થાય છે. આ પ્રાણીઓની એક ઝલકની કિંમત તો પક્ષીપ્રેમી કે વાઇલ્ડલાઇફ લવર્સને જ ખબર છે.
સહઅસ્તિત્વનું ઉદાહરણ
લગભગ ૧૨,૦૦૦ જેટલા લોકો આ વિસ્તારના વિખરાયેલાં ગામોમાં રહે છે. તેમની આજીવિકાનો આધાર મુખ્યત્વે પશુપાલન, ખાસ કરીને યાક અને બકરાનું પાલન તેમ જ જવ અને વટાણાની ખેતી પર રહેલો છે. તેઓ પરંપરાગત રીતે ઔષધીય છોડનો ઉપયોગ પણ કરે છે. સ્થાનિક સમુદાયોની વ્યવસ્થાઓ, જેમાં બૌદ્ધ મઠો એટલે કે મૉનેસ્ટરીની પરંપરાઓ પણ સામેલ છે. અહીંનું પર્યાવરણ અત્યંત સંવેદનશીલ અને નાજુક છે. આ વાતથી જાગૃત અહીંના સ્થાનિકો પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના પોતાની સંસ્કૃતિ અને પરંપરાગત જીવનશૈલી સાથે જીવે છે. અહીંના લોકોએ આ ક્ષેત્રના વાતાવરણ સાથે સુમેળ બાંધીને ખેતી, પશુપાલન અને પર્યાવરણ સંરક્ષણ દ્વારા કુદરતને બચાવી છે. આ ક્ષેત્ર સંકુલ પર્યાવરણ, દુર્લભ એવી પ્રાણી-વનસ્પતિની જાતિ-પ્રજાતિઓ, ઊંચાં પહાડી ભૌગોલિક લક્ષણો અને પર્યાવરણ સાથે માનવ સહઅસ્તિત્વનું સારું ઉદાહરણ પૂરું પાડે છે.
એ કારણે જ અત્યારે વિશ્વ સ્તરે ઓળખાયું છે.
12 October, 2025 11:22 IST | Mumbai | Laxmi Vanita