દેશમાંથી ચાની નિકાસ સાત મહિનામાં ૧૪.૪ ટકા ઘટી

20 October, 2021 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈરાનમાં નિકાસ ઘટતાં અને કન્ટેઇનરની અછતને કારણે નિકાસને અસર

પ્રતીકાત્મક તસવીર

દેશમાંથી ચાલુ કૅલેન્ડર વર્ષમાં ચાની નિકાસમાં ઘટાડો થયો છે. ભારતીય ટી બોર્ડના આંકડાઓ પ્રમાણે ૨૦૨૧ના પહેલા સાત મહિના દરમિયાન ચાની કુલ નિકાસમાં ૧૪.૪ ટકાનો ઘટાડો થયો છે અને કુલ ૧૦૦૮.૮ લાખ કિલોની નિકાસ થઈ છે જે ગત વર્ષે ૧૧૭૫.૬ લાખ કિલોની નિકાસ થઈ હતી.
ભારતીય ચાનો સૌથી મોટો આયાતકાર દેશ તરીકે સીઆઇએસ છે. આ દેશે ભારતમાંથી સાત મહિનામાં કુલ ૨૪૧.૪ લાખ કિલો ચાની આયાત કરી છે, જે ગત વર્ષે ૩૦૫.૩ લાખ કિલોની કરી હતી.
ઈરાનની નિકાસમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ઈરાન સાથેના કેટલાક ઇશ્યુને લઈને નિકાસને અસર પહોંચી છે. ચાલુ કૅલેન્ડર વર્ષમાં જાન્યુઆરીથી જુલાઈમાં ચાની કુલ નિકાસ ૧૨૬.૩ લાખ કિલોની થઈ છે. ચીનમાં પણ ગત વર્ષે ૫૪.૪ લાખ કિલોની નિકાસ થઈ હતી, જે ઘટીને ૩૨.૯ લાખ કિલોની આ વર્ષે સાત મહિનામાં થઈ છે. યુ.કે.માં ૩૧.૨ લાખ કિલોની નિકાસ થઈ છે, જે ગત વર્ષથી મામૂલી જ ઓછી છે. અમેરિકા અને યુએઈ સિવાયના તમામ દેશમાં ચાની નિકાસ આ ગાળામાં ઘટી છે.
ઇન્ડિયન ટી અસોસિએશનના સેક્રેટરી જનરલ અરિજીત રાહાએ જણાવ્યું હતું કે ઈરાનમાં ચાની નિકાસમાં ઘટાડો થવાને કારણે કુલ નિકાસ ઘટી છે. અમેરિકા દ્વારા ઈરાન પર નિયંત્રણો લાદવામાં આવ્યાં હોવાથી ભારતીય ચાની નિકાસને પણ અસર પડી છે. બીજી તરફ હાલમાં શિપિંગ કન્ટેઇનર મળવા મુશ્કેલ છે, જેને પગલે પણ ચાની નિકાસ પડતર ખૂબ જ વધી ગઈ છે અને નિકાસ અપૂરતી થઈ રહી છે.

 

 

 

business news