31 March, 2025 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાઉથ કોરિયાના આશરે વીસ ટકા સરકારી અધિકારીઓ ક્રિપ્ટોકરન્સી ધરાવતા હોવાનું જાહેર નીતિમત્તા સમિતિના સર્વેક્ષણમાં જણાઈ આવ્યું છે. આ અહેવાલ મુજબ સર્વેક્ષણમાં ભાગ લેનારા ૨૦૪૭માંથી ૪૧૧ અધિકારીઓ પાસે કુલ ૧૪.૪૧ અબજ કોરિયન વોન (૯.૮ મિલ્યન ડૉલર) મૂલ્યની ક્રિપ્ટોકરન્સી છે. આ ક્રિપ્ટોમાં બિટકૉઇન, ઇથેરિયમ, ડોઝકૉઇન અને એક્સઆરપીનો સમાવેશ થાય છે.
અહીં જણાવવું રહ્યું કે તમામ સરકારી અધિકારીઓએ પોતાના ક્રિપ્ટોકરન્સીના હૉલ્ડિંગની જાહેરાત કરવી એવો નિયમ ગયા વર્ષે જાન્યુઆરીમાં લાગુ કરવામાં આવ્યો હતો. એ પણ નોંધનીય છે કે સાઉથ કોરિયા ક્રિપ્ટોકરન્સીના ટ્રેડિંગ સંબંધે ચુસ્ત ધારાધોરણો ધરાવે છે. આમ છતાં ટ્રેડર્સે પોતપોતાના મોટા પોર્ટફોલિયો બનાવ્યા છે. હાલમાં આ દેશમાં ચાલનારાં વિદેશી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારનો દિવસ ઘટાડાનો રહ્યો હતો. માર્કેટ કૅપિટલાઇઝેશનમાં ૩.૫૦ ટકાનો ઘટાડો થયો હતો. બિટકૉઇનમાં ૩.૬૨ ટકા ઘટાડા સાથે ભાવ ૮૪,૧૧૦ ડૉલર થયો હતો. ઇથેરિયમમાં ૬.૮૭ ટકા ઘટાડો થવાને પગલે ભાવ ૨૦૦૦ ડૉલરની નીચે ઊતરીને ૧૮૮૬ ડૉલર સુધી પહોંચી ગયો હતો. એક્સઆરપીમાં ૬.૯૮ ટકા, સોલાનામાં ૬.૯૩ ટકા, ડોઝકૉઇનમાં ૭.૩૦ ટકા, કાર્ડાનોમાં ૫.૫૦ ટકા, ચેઇનલિન્કમાં ૯.૩૬ ટકા અને અવાલાંશમાં ૯.૩૦ ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો.