વ્યાજના દર વધારતાં અમેરિકાને મંદી સાથે નાણાકીય ક્ષેત્રની કટોકટી બોનસમાં મળી

20 March, 2023 05:58 PM IST  |  Mumbai | Jitendra Sanghvi

બકરું કાઢતાં ઊંટ પેઠા જેવી હાલત: રિઝર્વ બૅન્ક ફેડરલ રિઝર્વ કરતાં ચડિયાતી પુરવાર થઈ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ગયા વર્ષે અનેક દેશોની કેન્દ્રવર્તી બૅન્કો દ્વારા સતત વધારાયેલા વ્યાજના દરને કારણે વિશ્વ સ્લોડાઉન તેમ જ મંદી ભણી ધકેલાતું જતું હતું તો પણ ભાવવધારો લક્ષ્યાંક પ્રમાણે કાબૂમાં ન આવે ત્યાં સુધી વ્યાજના દર વધારતા રહેવાનો હુંકાર પણ ફેડ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક (ઈસીબી) સહિતની કેન્દ્રવર્તી બૅન્કો કરતી રહી છે. વૈશ્વિક ઇન્ફ્લેશન ૨૦૨૨માં વધશે (૨૦૨૧ના ૪.૭ ટકામાંથી ૮.૮ ટકા) તો ફેડ વ્યાજના દર છ ટકા સુધી વધારશે એવી હવા જોર પકડતી હતી.

ઝીરો કોવિડ પૉલિસીને કારણે અને રિયલ એસ્ટેટ માર્કેટની ગંભીર કટોકટીને કારણે ગયા વર્ષે ચીનમાં ૫.૫ ટકાના લક્ષ્ય સામે વિકાસનો દર દાયકાઓનો સૌથી નીચો ત્રણ ટકા રહ્યો. ૨૦૨૩ માટેનું લક્ષ્ય પણ ૫ ટકાનું જ રખાયું છે રશિયા-યુક્રેન યુદ્ધ પૂરું થવાનાં કોઈ ચિહ્નો નજરે પડતાં નથી. ચીન અને ભારત તેમ જ ચીન અને અમેરિકા વચ્ચેના સંબંધોનો તણાવ વધતો જાય છે. આ સંદર્ભમાં ચીનના સર્વ સત્તાધીશ પ્રમુખ જિનપિંગની મૉસ્કો ખાતે રશિયન પ્રમુખ પુતિનની નિર્ધારિત મુલાકાત ખૂબ સૂચક ગણાય. પાકિસ્તાન આર્થિક રીતે તો ખલાસ થઈ ગયું છે અને આંતરિક રાજકીય સંઘર્ષ ટોચ પર છે; કોર્ટ અને આર્મી સામસામે આવી ગઈ છે. ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડ હાથવેંત છે.

આ આફતો જાણે પૂરતી ન હોય એમ અમેરિકાના બૅ​ન્કિંગ સેક્ટરની મોટી કટોકટીનો રેલો વિદેશોની બૅન્કો, કંપનીઓ તેમ જ સ્ટાર્ટ-અપ્સ દ્વારા એ અર્થતંત્રોને હચમચાવી દેવા સક્ષમ છે. આ કટોકટીને પગલે અમેરિકા અને ભારત સહિતના અનેક દેશોનાં સ્ટૉક માર્કેટ ગબડ્યાં છે.

ભારતની બૅન્કોના રિઝર્વ બૅન્ક દ્વારા કરાતાં મજબૂત રેગ્યુલેશન અને સતત મૉનિટરિંગને કારણે આપણા અર્થતંત્રને અમેરિકાની આ કટોકટીની મર્યાદિત અસર થશે. અમેરિકાની હાલ ફેલ થયેલી બૅન્કને એના પતનના થોડા દિવસો પહેલાં જ ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ ફૉર્બ્સની ૧૦ સૌથી વધુ મજબૂત બૅન્કોની યાદીમાં સ્થાન આપેલું. એટલે આ ક્રેડિટ રેટિંગ એજન્સીઓના તારણની વિશ્વસનીયતા સામે પણ પ્રશ્ન ઊભો થાય છે .

૨૦૦૮ની લેહમન બ્રધર્સની નાદારી પછી અમેરિકાની આ સૌથી મોટી નાણાકીય કટોકટી છે. ઍસેટ અને લાયેબિલિટી (ધિરાણ અને ડિપોઝિટ) વચ્ચેનું મિસમૅચ (શૉર્ટ ટર્મ ડિપોઝિટ અને લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કે ધિરાણ) આ કટોકટીનું મુખ્ય કારણ ગણાય.

આપણા ફોર્કાસ્ટિંગ મૉડલોના જબ્બર વિકાસ પછી પણ અમેરિકા જેવા આર્થિક સુપરપાવરનું બૅન્કિંગ ક્ષેત્ર / નાણાકીય ક્ષેત્રનું મૉનિટરિંગ કેટલું નબળું છે એનો નક્કર પુરાવો આથી બીજો કયો હોઈ શકે? સિલિકૉન વૅલી બૅન્ક (અમેરિકાની સોળમા નંબરની સૌથી મોટી બૅન્ક) અને સિગ્નેચર બૅન્કને તાળાં લાગી ગયાં છે.

છૂટક ભાવવધારો ફેબ્રુઆરીમાં નજીવો ઘટ્યો (જાન્યુઆરીના ૬.૫૨ ટકામાંથી ૬.૪૪ ટકા) હોવા છતાં સતત બીજે મહિને રિઝર્વ બૅન્કની ઉપરની લિમિટ (છ ટકા) કરતાં ઊંચો છે એટલે એ ચિંતાનું કારણ ગણાય. કોર ઇન્ફ્લેશન (ફૂડ અને ફ્યુઅલ સિવાયનો) પણ ઊંચો (૬.૩ ટકા) હતો. ૨૦૨૩માં છૂટક ભાવવધારો ૬.૫ ટકા રહેવાની રિઝર્વ બૅન્કની ધારણા છે. જાન્યુઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદનના આંકનો વધારો છેલ્લા છ મહિનાનો સૌથી મોટો બીજા નંબરનો છે. ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ભાવાંકનો વધારો (જાન્યુઆરીના ૪.૭ ટકા સામે ૩.૯ ટકા) છેલ્લા ૨૫ મહિનાનો સૌથી નીચો છે જે રશિયા-યુક્રેન યુદ્ધને પગલે વૈશ્વિક બજારમાં ચીજ વસ્તુઓના આસમાને ગયેલા ભાવોમાં આવેલા ઘટાડાને આભારી છે. ફેવરેબલ બેઇઝને કારણે મે-જૂનમાં તો જથ્થાબંધ ઇન્ફ્લેશન નેગેટિવ થઈ જાય તો નવાઈ નહીં. ડિસેમ્બર ક્વૉર્ટરમાં આર્થિક વિકાસનો દર (૪.૪ ટકા) ઘટ્યો હોવા છતાં ફુગાવાના ઊંચા દરને કારણે એપ્રિલમાં વ્યાજના દરમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો થઈ શકે એવું અનુમાન છે. ત્યાર બાદ વ્યાજના દરનો આધાર ઘરઆંગણાનાં જોખમો અને ફેડની ઍક્શન પર રહેશે. ૨૧મી માર્ચે જાહેર થનાર અમેરિકાના ભાવવધારાના આંકડા ફેડ માટે નિર્ણાયક સાબિત થશે . વધતા જતા વ્યાજના દરને કારણે અને વધતા જતા પગારને લીધે કંપનીઓની દેવું ચૂકવવાની ક્ષમતા ઘટતી જાય છે. દરમ્યાન ભારતીય ફિલ્મને બેસ્ટ ઓરિજિનલ સૉન્ગ માટે પ્રથમ વાર મળેલ ઑસ્કર અવૉર્ડ ભારત માટે ઐતિહાસિક ક્ષણ હતી. 

આ પણ વાંચો: રૂપિયામાં ડૉલર સામે વધુ ૧૪ પૈસાનો ઘટાડો જોવા મળ્યો

ઉપરાંત છેલ્લાં થોડાં અઠવાડિયાંમાં ભારતની મુલાકાતે આવનાર રાજકીય મહાનુભાવો (ઑસ્ટ્રેલિયા, ઇટલી તથા જપાનના વડા પ્રધાનો) અને બિઝનેસ માંધાતાઓ (બિલ ગેટ્સ) વિશ્વના અનેક દેશો ભારત સાથેના રાજકીય અને આર્થિક સંબંધો સુધારવા માટે કેટલા આતુર છે એની શાખ પૂરે છે. ભારતને મળેલ G20ના અધ્યક્ષપદને કારણે આ વર્ષે શરૂઆતથી જ ભારત એક આર્થિક સત્તા (જે મહાસત્તા બનવાના માર્ગ પર છે) તરીકે G20ના દેશો પર છવાઈ ગઈ છે. આ સંબંધો ઘનિષ્ઠ કરવાનો ભરપૂર ફાયદો આપણા અર્થતંત્રને થશે. આ બેઠકોમાં ભાગ લેવા માટે વિશ્વના નાણાકીય ક્ષેત્રની અનેક જાણીતી હસ્તીઓ (વિશ્વ બૅન્કના ડેપ્યુટી ડિરેક્ટર, અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી તથા ઈસીબીના અધ્યક્ષ) ભારતની મુલાકાતે આવી રહી છે એટલે અર્થતંત્રનાં અન્ય ક્ષેત્રો સાથે ટૂરિઝમ ક્ષેત્રને પ્રમોટ કરવાનો ભારત માટે આ એક સોનેરી અવસર છે .

સંસદની ચાલુ બેઠક અદાણી ગ્રુપ અને રાહુલ ગાંધીનાં વિવાદાસ્પદ વિધાનો વચ્ચે છેલ્લા પાંચ દિવસથી અટવાઈ ગઈ છે એટલે ખાસ કંઈ કામ થતું નથી. એ વચ્ચે સરકારે દોઢ લાખ કરોડ રૂપિયાના ચોખ્ખા વધારાના ખર્ચની મંજૂરી માગી છે.

દેશમાં કોરોનાના ઍક્ટિવ કેસની સંખ્યા આજે નજીવી છે, પણ ઝડપથી વધી રહી છે. ફ્લુના વાઇરસના કેસો પણ વધી રહ્યા છે; જેને મોટે ભાગે ‘સીઝનની અસર’ (પોસ્ટ-મૉન્સૂન અને જાન્યુઆરી-માર્ચ) તરીકે ગણાવ્યા છે એટલે એ હાલ પૂરતો ચિંતાનો વિષય ન હોવા છતાં આપણે એ અંગે સજાગ રહેવું પડે .

મહામારીના તાજેતરના કડવા અનુભવ પછી આપણને એ અંગે ગાફેલ રહેવું પરવડે એમ નથી. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સહિતનાં છ રાજ્યો (ગુજરાત, તેલંગણ, તામિલનાડુ, કેરળ અને કર્ણાટક)ને તાકીદનાં પગલાં લેવાની સલાહ આપી છે.

બૅ​ન્કિંગ ક્ષેત્રને વધુ કાર્યક્ષમ બનાવવાની જરૂર છે

ભારતમાં ભાવવધારાનું વલણ જોતાં જથ્થાબંધ ભાવાંકનો ઘટાડો છૂટક ભાવવધારાને પણ નજીકના ભવિષ્યમાં નીચો લાવશે,.વડા પ્રધાનની ઇકૉનૉમિક ઍડ્વાઇઝરી કાઉન્સિલના અધ્યક્ષ વિવેક દેવરૉયના મતે હવે આપણે વ્યાજના દર વધારવાની જરૂર નથી. ડિપોઝિટ અને ધિરાણ ઉપરના દર વચ્ચે મોટા તફાવતની જરૂર બૅન્કોની કાર્યક્ષમતા ઓછી હોવાને કારણે પડે છે .બૅન્કો, ખાસ કરીને જાહેર ક્ષેત્રની બૅન્કો વધુ કાર્યક્ષમ બને તો આપોઆપ આ ક્ષેત્રની નફાશક્તિ (પ્રૉફિટેબિલિટી) વધે અને રિઝર્વ બૅન્કે ધિરાણ પરના વ્યાજના દર હદ બહાર વધારવા ન પડે. આમ બને તો મૂડીરોકાણની ઊંચી કૉસ્ટની રોકાણકારોની ફરિયાદ દૂર થાય.

ભાવવધારાને લીધે વ્યાજના દર વધારવાની જરૂર ઓછી થઈ છે તો પણ ચીજવસ્તુઓના ભાવોના વૈશ્વિક પ્રવાહો (ભાવોની ચંચળતા કે ચડઊતર) જોતાં આપણે ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન (આયાત કરાતી ચીજવસ્તુઓના ભાવ વધે અને આપણી આયાતો મોંઘી બને)ના ભોગ ન બનીએ એની પૂરી સાવધાની રાખવી પડે. એટલે રિઝર્વ બૅન્ક પાસેથી હાલપૂરતું વ્યાજના દરના ઘટાડાની અપેક્ષા રાખવી વધુપડતું ગણાય.

રિઝર્વ બૅન્કની આગળની ચાલ કળવી મુશ્કેલ છે

વૈશ્વિક પ્રવાહો (જેના વિશે કોઈ જ અટકળ કરવી લગભગ અશક્ય બન્યું છે)ના સંદર્ભમાં રિઝર્વ બૅન્ક પણ વ્યાજના દરના વધારા કે ઘટાડા બાબતે કેવા પ્રત્યાઘાત આપશે એ કળવું પણ અઘરું છે. એ ઘણાબધા આંતરિક અને વૈશ્વિક મેક્રો-ઇકૉનૉમિક પેરામીટર્સ પર અવલંબિત છે .

સતત વધતા વ્યાજના દરને લીધે અમેરિકાના નાણાકીય ક્ષેત્રની છેલ્લાં ૧૫ વર્ષની સૌથી મોટી કટોકટી ઊભી થઈ હોય ત્યારે ફેડરલ રિઝર્વે પણ ભાવવધારાને કન્ટ્રોલમાં રાખવા માટે કરાતા વ્યાજના દરના વધારા અંગે ફેરવિચારણા કરવી પડે. જોકે અમેરિકાના પ્રમુખ બાઇડને મુશ્કેલીઓના વમળમાં ફસાયેલી બૅન્કોને ઉગારવા ફેડરલ રિઝર્વ કે અમેરિકન સરકાર કોઈ મદદ નહીં કરે એવો મત વ્યક્ત કર્યો છે. એનો અર્થ એમ પણ થાય કે ફેડરલ રિઝર્વ ભાવવધારાને અટકાવવા જરૂરી પગલાં લેતાં અચકાશે નહીં, આ એક જટિલ પરિસ્થિતિ છે. અમેરિકન સરકારે અર્થતંત્રમાં મંદી અને નાણાકીય ક્ષેત્રની કટોકટી કે ભાવવધારો એ બે વચ્ચે કઠિન પસંદગી કરવાની છે.

ફેડરલ રિઝર્વ વ્યાજના દર વધારવામાં ઊંઘતી ઝડપાઈ છે

છેલ્લા દસ દિવસમાં ત્રણ અમેરિકન બૅન્કોનું પતન અને ચોથી બૅન્કને બચાવવા માટે બૅન્કોના કૉન્સર્શિયમ દ્વારા અપાયેલી નાણાકીય સહાય એ ચર્ચાનો વિષય બન્યા છે. યુરોપમાં ક્રેડિટ ​સ્વિસને ​સ્વિસ સેન્ટ્રલ બૅન્કે પતનમાંથી બચાવી લીધી છે. આમ અમેરિકાને અને સમગ્ર વિશ્વને ૨૦૦૮ જેવી પરિસ્થિતિમાં ધકેલવા માટે સૌથી મોટી જવાબદારી ફેડરલ રિઝર્વની છે.
૨૦૦૮ની કટોકટીમાંથી ઉગરવા માટે અસાધારણ સ્કેલ ઉપર ૨૦૧૩થી સિસ્ટમમાં લિક્વિડિટીનો વધારો કરાયો છે, જેની ભારે અસર ભારત જેવા ઊભરતા દેશના મૂડીના પ્રવાહ (ઇન્ફ્લો/ આઉટલો) પર અને વિદેશી હૂંડિયામણના બજાર પર પડી છે. મહામારી દરમ્યાન હળવી મૉનિટરી પૉલિસી અને એ પછી તરત જ ભાવવધારાના અંકુશ માટે કડક મૉનિટરી પૉલિસી (સતત વ્યાજના દરનો વધારો) જેવા મોટા ગિયર ચેન્જે નાણાકીય બજારની અસ્થિરતા સર્જી.

રિઝર્વ બૅન્ક જે પરિણામનો અંદાજ લગાવી શકી એમાં ફેડરલ રિઝર્વ ઊંઘતા ઝડપાઈ. અમેરિકન બૅન્કોની આ હાલત નિશ્ચિત હતી, જેમાંથી એમને બચાવવાનો કોઇ નક્કર પ્લાન ફેડરલ રિઝર્વે તૈયાર ન રાખ્યો, રિઝલ્ટ? આ નાણાકીય અસ્થિરતાની ભારે અસર અમેરિકાના રિયલ અર્થતંત્ર પર તો પડી જ, પણ અન્ય દેશો પણ એનો ભોગ બન્યા. એટલે આર્થિક વિકાસનો દર ધીમો પડી રહ્યો છે, એ વર્ષે આપણા માટે વધારાનો પડકાર ઊભો થયો. 

કેન્દ્ર સરકાર અને રિઝર્વ બૅન્ક આ વધારાના પડકારને કઈ રીતે પહોંચી વળે છે એ નજીકના ભવિષ્યમાં સ્પષ્ટ થશે. રશિયા-યુક્રેન યુદ્ધને પગલે ખાતર પરની સબસિડીના અભૂતપૂર્વ વધારાને લીધે કેન્દ્ર સરકારે વધારાના દોઢ લાખ કરોડ રૂપિયાના ખર્ચની મંજૂરી લીધી છે જે આપણી ફિસ્કલ ડેફિસિટ વધારશે. વ્યાજના દર વધાર્યા સિવાય કે થોડા પણ ઘટાડીને અને સિસ્ટમમાં લિક્વિડિટી વધારીને બૅન્કોને એમનાં ધિરાણો દ્વારા ખાનગી મૂડીરોકાણ પ્રમોટ કરવામાં સહાયરૂપ બનવાનો અને માગના વધારા દ્વારા અર્થતંત્રમાં જોમ લાવવાનો મોટો પડકાર રિઝર્વ બૅન્ક સામે છે.

business news commodity market