અમેરિકાનો ગ્રોથરેટ ટ્રેડની ધારણા કરતાં નીચો આવતાં સોનું વધીને બે સપ્તાહની ઊંચાઈએ

31 July, 2021 12:54 PM IST  |  Mumbai | Mayur Mehta

કોરોના ડેલ્ટા વેરિઅન્ટના કેસ અમેરિકા, જપાન અને એશિયાઈ દેશોમાં ઝડપથી વધતાં સોનાને સપોર્ટ

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન ફેડ દ્વારા ઇઝી મૉનેટરી પૉલિસી લાંબો સમય ચાલુ રાખવાની જાહેરાતના બીજા દિવસે અમેરિકાનો સેકન્ડ ક્વૉર્ટરનો ગ્રોથરેટ માર્કેટની ધારણા કરતાં ઘણો નીચો આવતાં સોનામાં વધુ તેજી જોવા મળી હતી અને વર્લ્ડ માર્કેટમાં ભાવ બે સપ્તાહની ઊંચાઈએ ૧૮૩૦ ડૉલરના લેવલને વટાવી ગયા હતા. એનલિસ્ટોના મતે હવે ૧૮૭૦થી ૧૮૮૦ ડૉલર સુધી તેજી રહેવાની ધારણા છે. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૭૨ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૭૨ વધી હતી.

વિદેશી પ્રવાહો

અમેરિકાના સેકન્ડ ક્વૉર્ટરના ગ્રોથરેટના ડેટા માર્કેટની ધારણાથી નીચા આવતાં ડૉલર તેમ જ ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ ઘટ્યા હતા જેને પગલે સોનું વધીને બે સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યું હતું. અમેરિકી ડૉલર લાંબા સમય પછી નબળો પડ્યો હતો. ફેડના નિવેદન પછી ડૉલર વધુ નબળો પડવાની ધારણાએ સોનામાં નવી ખરીદી વધી હતી. અમેરિકામાં કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યા હોઈ ઇકૉનૉમિક રિકવરી ધીમી પડવાની ધારણાથી સોનામાં ખરીદીનું આકર્ષણ વધી રહ્યું છે. સોનું વધતાં ચાંદી અને પેલેડિયમ વધ્યાં હતાં જ્યારે પ્લેટિનમ ઘટ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાનો સેકન્ડ ક્વૉર્ટરનો ગ્રોથરેટનો ફર્સ્ટ એસ્ટિમેટ ૬.૫ ટકા રહ્યો હતો જે માર્કેટની ૮.૫ ટકાની ધારણાથી ઘણો જ નીચો હતો. જોકે અગાઉના ક્વૉર્ટરનો ગ્રોથરેટ ૬.૪ ટકા હતો તેની સરખામણીમાં ગ્રોથરેટ વધ્યો હતો. સેકન્ડ ક્વૉર્ટરના ગ્રોથરેટનો બીજો એસ્ટિમેટ ૨૬ ઑગસ્ટે અને ફાઇનલ રીડિંગ ૩૦ સપ્ટેમ્બરે જાહેર થશે. અમેરિકાનું જૉબલેસ બેનિફિટ વીતેલા સપ્તાહ દરમ્યાન ઘટીને ૪ લાખે પહોંચ્યું હતું જે અગાઉના સપ્તાહના અંતે ૪.૪૨ લાખ હતું. સતત ત્રણ સપ્તાહ સુધી જૉબલેસ બેનિફિટ વધ્યા બાદ તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. યુરો એરિયાનો ઇકૉનૉમિક ગ્રોથ એપ્રિલ-જૂન ક્વૉર્ટરમાં બે ટકા રહ્યો હતો જે અગાઉના બે ક્વૉર્ટરમાં માઇનસ રહ્યો હતો તેમ જ માર્કેટની ધારણા દોઢ ટકાની હતી તેને બદલે ગ્રોથ વધારે હતો. યુરો એરિયાનું ઇન્ફ્લેશન જુલાઈમાં વધીને ૨.૨ ટકા રહ્યું હતું જે જૂનમાં ૧.૯ ટકા હતું અને માર્કેટની ધારણા બે ટકાની હતી. જર્મનીનો ગ્રોથરેટ એપ્રિલ-જૂન ક્વૉર્ટરમાં ૧.૫ ટકા રહ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૨.૧ ટકા માઇનસ રહ્યો હતો, પણ માર્કેટની બે ટકાની ધારણા કરતાં ગ્રોથરેટ નીચો રહ્યો હતો. જપાનનો હાઉસિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સ જૂનમાં સતત ચોથા મહિને ૭.૩ ટકા વધ્યો હતો જે મેમાં ૯.૯ ટકા વધ્યો હતો. જપાનનું રીટેલ સેલ્સ જૂનમાં ૦.૧ ટકા વધ્યું હતું જે મે મહિનામાં ૮.૩ ટકા વધ્યું હતું. જપાનનું ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ જૂનમાં ૬.૨ ટકા વધ્યું હતું જે મે મહિનામાં ૬.૫ ટકા ઘટ્યું હતું. અમેરિકાનો પસેકન્ડ ક્વૉર્ટરનો ગ્રોથરેટ માર્કેટની ધારણા કરતાં નીચો આવતાં સોનાના ભાવ વધ્યા હતા.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

અમેરિકામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોઈ ઇકૉનૉમિક રિકવરીને મોટી અસર થવાની શક્યતા દેખાય છે. અમેરિકામાં સોમવારે નવા કેસ ૩૫,૮૧૬ જોવાયા તે વધીને ગુરુવારે ૯૨,૪૮૫ નવા કેસ જોવા મળ્યા હતા. અમેરિકામાં છેલ્લા એક સપ્તાહમાં ૫૪ ટકા નવા કેસ વધ્યા છે તેમ જ મૃત્યુદર ૧૫ ટકા વધ્યો છે. અમેરિકા ઉપરાંત મેક્સિકો, ફ્રાન્સ, જપાન, ઇટલી, જર્મની, ટર્કી, ઇરાન, ઈરાક, બંગલા દેશ, મલેશિયા, થાઇલૅન્ડ અને વિયેટનામમાં પણ ઝડપથી નવા કેસ વધ્યા છે. જપાનમાં ઑલિમ્પિક ચાલુ છે ત્યારે છેલ્લા એક સપ્તાહના કોરોનાના નવા કેસ ૬૧ ટકા વધ્યા છે, પણ મૃત્યુદર ૪૧ ટકા ઘટ્યો છે. કોરોનાના નવા કેસ વધી રહ્યા છે, પણ વૅક્સિનેશન ઇફેક્ટિવ છે તેની પણ સાબિતી મળી રહી છે. વર્લ્ડમાં સૌથી વધુ પબ્લિકને વૅક્સિનેશન કરનાર દેશ ઇઝરાયલ છે, ત્યાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના નવા કેસ ૫૭ ટકા વધ્યા છે, પણ મૃત્યુદર ૩૬ ટકા ઘટ્યો છે. કોરોનાના નવા કેસ અમેરિકા સહિત અનેક દેશોમાં વધી રહ્યા હોઈ સોનાનું સેફ હેવન સ્ટેટ્સ સુધરી રહ્યું છે જે સોનાને શૉર્ટથી મીડિયમ ટર્મ તેજી તરફ દોરી જશે. આ ઉપરાંત અમેરિકાનો સેકન્ડ ક્વૉર્ટરનો ગ્રોથરેટ માર્કેટની ધારણા કરતાં ઘણો જ નીચો આવતાં હવે ફેડની ઇઝી મૉનેટરી પૉલિસી લાંબો સમય ચાલુ રાખવાનો સપોર્ટ મળ્યો હતો જે સોનાને તેજી તરફ દોરી જશે.

 

business news