વિશ્વબજારોની નૉર્મલ્સી વચ્ચે ઘરઆંગણે બજારમાં હજારી ધબડકાની વધતી ફ્રીક્વન્સી

28 February, 2026 09:13 AM IST  |  Mumbai | Anil Patel

જૅપનીઝ NEC સાથે પાર્ટનરશિપનો કરન્ટ જાળવી રાખતાં તેજસ નેટવર્ક્‍સ ૧૭ ટકાની તેજીમાં : ફોસેકો ઇન્ડિયામાં ૫૮૧ રૂપિયાનો ઉછાળો

પ્રતીકાત્મક તસવીર

ત્રણ વાગ્યાની આસપાસ માત્ર ૮ મિનિટના ગાળામાં સેન્સેક્સ ૫૦૦ પૉઇન્ટથી વધુ લથડ્યો : નવી સિરીઝ પ્રમાણે થર્ડ ક્વૉર્ટરનો GDP ધારણા મુજબ ૭.૮ ટકા નોંધાયો : બન્ને બજારનાં તમામ સેક્ટોરલ માઇનસ, IT બેન્ચમાર્ક નહીંવત્ સુધર્યો : માર્કેટ બ્રેડ્થ ગબડી, માર્કેટકૅપમાં પાંચ લાખ કરોડ રૂપિયાની હાનિ : ઇન્ફોબીન્સ એક્સ-બોનસમાં સાડાત્રણ ટકા વધી, CLSAના બુલિશ વ્યુમાં તાતા મોટર્સ નવી ટૉપ સાથે મજબૂત : જૅપનીઝ NEC સાથે પાર્ટનરશિપનો કરન્ટ જાળવી રાખતાં તેજસ નેટવર્ક્‍સ ૧૭ ટકાની તેજીમાં : ફોસેકો ઇન્ડિયામાં ૫૮૧ રૂપિયાનો ઉછાળો 

તાજેતરના બુલરનમાં પોરો આવવાના મૂડમાં શુક્રવારે એશિયન બજારો મિશ્ર વલણમાં હતાં. હૉન્ગકૉન્ગ દોઢ ટકો, સાઉથ કોરિયા એક ટકો, થાઇલૅન્ડ સાધારણ નરમ હતું. સિંગાપોર અડધા ટકાથી વધુ તો જપાન અને ચાઇના સામાન્ય સુધારામાં હતાં. તાઇવાન રજામાં હતું. ઇન્ડોનેશિયા જૈસે થે રહ્યું છે. યુરોપ ખાતે લંડન ફુત્સી રનિંગમાં ૧૧,૦૦૦ ભણી સરકતાં ૧૦,૯૧૩ની વિક્રમી સપાટી બતાવી અડધા ટકા નજીક પ્લસ હતો. અન્યત્ર સાંકડી વધ-ઘટ જોવાતી હતી. ટ્રમ્પ ગમે તેમ કરીને ઈરાનનો ખેલ પાડી દેશે એ વાત નક્કી મનાય છે. બન્ને દેશો વચ્ચે વૉરની સ્થિતિ ઊભી થાય તો ક્રૂડ વધીને વર્સ્ટ કેસમાં ૧૧૦ ડૉલર થઈ જશે એવા વરતારા વચ્ચે બ્રેન્ટ ક્રૂડ ૭૧ ડૉલરની નીચે જોવા મળ્યું છે. કૉમેક્સ સિલ્વર સાડાત્રણ ટકા વધી ૯૧ ડૉલર ભણી ગતિમાન હતી. સોનું સાંકડી વધ-ઘટે ૫૨૦૦ ડૉલરની અંદર હતું. પ્લૅટિનમ પાંચ ટકા વધી ૨૪૦૧ ડૉલર થયું છે. લંડન ધાતુ બજારમાં નિકલ વાયદો સવાપાંચ ટકા મજબૂત હતો. અન્ય ઇન્ડસ્ટ્રિયલ મેટલ વાયદા સામાન્ય ઘટાડામાં હતા. બિટકૉઇન રનિંગમાં ૬૭,૭૬૪ ડૉલર બતાવતો હતો.

આ આખી સ્થિતિમાં ઘરઆંગણે બજારને હજારી પૉઇન્ટનો માર ખાવો પડે એવું કશું નથી છતાં માર્કેટ ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં ૧૦૮૯ પૉઇન્ટ ગગડી છેવટે ૯૬૧ પૉઇન્ટની ખરાબીમાં ૮૧૨૮૭ તથા નિફ્ટી ૩૧૮ પૉઇન્ટ ગગડીને ૨૫,૧૭૯ બંધ રહ્યો છે. બજારની શરૂઆત ૨૮ પૉઇન્ટના પરચૂરણ ઘટાડામાં ૮૨,૨૨૦ના ઓપનિંગથી થઈ હતી. શૅરઆંક ઉપરમાં ૮૨,૨૪૬ થઈ સતત ઘસાતો રહી નીચામાં ૮૧,૧૫૯ થયો હતો. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે સેન્સેક્સ ૨.૫૮ સુધી કહો કે ત્રણ વાગ્યા સુધી આટલો બધો બગડ્યો નહોતો. ૨.૫૮ વાગ્યે બજાર ૮૧,૬૬૬ હતું, એ માત્ર ૮ મિનિટમાં જ ૮૧,૧૫૯ થઈ ગયું હતું. ૮ મિનિટમાં ૫૦૦ પૉઇન્ટથી વધુનો ધબડકો કેમ આવ્યો એની ખબર પડતી નથી. એકાએક એવું શું થઈ ગયું કે માર્કેટ આટલી ઝડપથી લથડ્યું? ક્યાંક, કશુંક થયું છે, કંઈક રંધાયું છે એ વાત નક્કી.

માર્કેટ બ્રેડ્થ ગબડી છે. NSEમાં વધેલા ૧૧૩૯ શૅરની સામે ૧૯૯૨ કાઉન્ટ ઘટ્યા છે. માર્કેટકૅપ ૪.૯૯ લાખ કરોડ ઘટી ૪૬૩.૫૦ લાખ કરોડ થઈ ગયું છે. સેન્સેક્સ-નિફ્ટીના સવા ટકાના ઘટાડા સામે રિયલ્ટી ઇન્ડેક્સ સવાબે ટકા, ઑટો તથા ટેલિકો ઇન્ડેક્સ ૧.૮ ટકા, મેટલ ઇન્ડેક્સ દોઢ ટકાથી વધુ, ફાઇનૅન્સ દોઢ ટકો, FMCG દોઢ ટકો ડૂલ થયા છે. તમામ સેક્ટોરલ ઘટ્યાં છે. એકમાત્ર આઇટી ઇન્ડેક્સ ૦.૩ ટકા કે ૮૦ પૉઇન્ટ જેવો મામૂલી સુધર્યો છે. જોકે એના ૭૭માંથી ૪૯ શૅર માઇનસ હતા. HCL ટેક્નૉલૉજીઝ ૧.૧ ટકા વધી ૧૩૯૦ના બંધમાં બન્ને બજારમાં ટૉપ ગેઇનર હતો. ઇન્ફી પોણો ટકો વધી ૧૩૦૦ નજીક રહી છે. વિપ્રો નજીવી, ટેક મહિન્દ્ર સાધારણ અને TCS અડધા ટકા નજીક નરમ હતી. સાઇડ શૅરમાં લાર્સન ટેક્નો સવાછ ટકા, નેટવેબ ૪.૪ ટકા, ઇન્ફોબીન્સ સાડાત્રણ ટકા, એફલી અને ડી-લિન્ક ૩.૪ ટકા, ઓરિઅન પ્રો ત્રણ ટકા પ્લસ હતી.

સનફાર્મા પોણાત્રણ ટકા જેવો ગગડી બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો છે. ICICI બૅન્ક ૧.૯ ટકા ઘટી બજારને ૧૫૭ પૉઇન્ટ તથા HDFC બૅન્ક સવા ટકો ઘટી ૧૪૭ પૉઇન્ટ નડી છે. ભારતી ઍરટેલની અઢી ટકાની ખરાબી એમાં બીજા ૧૧૫ પૉઇન્ટના ઉમેરાનું કારણ બની છે. મહિન્દ્ર, બજાજ ફિનસર્વ, ઇન્ડિગો, મારુતિ સુઝુકી, કોટક મહિન્દ્ર બૅન્ક, અલ્ટ્રા ટેક, અદાણી પોર્ટ્સ, HDFC લાઇફ, ડૉ. રેડ્ડીઝ લૅબ, SBI લાઇફ, તાતા મોટર્સ પૅસેન્જર, શ્રીરામ ફાઇનૅન્સ, ગ્રાસિમ જેવી જાતો બેથી અઢી ટકા ડૂલ થઈ છે. અદાણી એન્ટર ૨.૩ ટકા ગબડીને ૨૧૬૫ હતી. આઇશર ૮૨૩૦ની વિક્રમી સપાટી બનાવી ૨.૨ ટકા કે ૧૭૯ રૂપિયા ઘટી ૮૦૧૦ રહી છે. રિલાયન્સ પોણો ટકો ઘટી ૧૩૯૪ થઈ ગઈ છે.

ખરાબ બજારમાં શુગર ઉદ્યોગના ૩૪માંથી ૨૯ શૅર વધ્યા

આગલા દિવસે ઑલટાઇમ હાઈ થયેલો પીએસયુ બૅન્ક નિફ્ટી ગઈ કાલે ૧૨માંથી ૧૦ શૅરના ઘટાડામાં અડધો ટકો નરમ હતો. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૧.૪ ટકા, PNB ૧.૧ ટકા, બૅન્ક ઑફ બરોડા એક ટકો ઘટી હતી. સ્ટેટ બૅન્ક અડધા ટકાની નરમાઈમાં ૧૨૦૨ રહી છે. મેટલ ઇન્ડેક્સ પણ આગલા દિવસે સર્વોચ્ચ સપાટી હાંસલ કર્યા બાદ ગઈ કાલે દોઢ ટકા ઢીલો હતો. એના ૧૩માંથી બે શૅર પ્લસ હતા. હિન્દુસ્તાન ઝિન્ક એક ટકો ઘટી ૬૦૪ હતી. સેઇલ ૧૬૮ના શિખરે જઈ ૦.૩ ટકા સુધરી ૧૬૬ રહી છે. સામે જિન્દલ સ્ટેનલેસ ૪.૨ ટકા, લૉઇડ્સ મેટલ્સ ૨.૨ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝિસ ૨.૩ ટકા, વેદાન્ત અઢી ટકા માઇનસ હતી. તાતા સ્ટીલ દોઢ ટકો ઘટીને ૨૧૨ રહી છે. બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૧૨ શૅરની કમજોરીમાં ૬૫૯ પૉઇન્ટ ઘટ્યો છે. રિયલ્ટી ઇન્ડેક્સ સવાબે ટકા તો ટેલિકૉમ બેન્ચમાર્ક ૧.૮ ટકા કપાયો છે. ‍ઑટોમાં ૧.૮ ટકાની પીછેહઠ હતી. ભારત ફોર્જ ૧૯૨૮ની નવી ટૉપ બનાવી નજીવી ઘટી ૧૯૦૮ થઈ છે. ઓલા ઇલેક્ટ્રિક ૨૪.૭૯નું નવું વર્સ્ટ લેવલ બતાવી નજીવા સુધારે ૨૫.૨૨ રહી છે. ક્વૉલિટી વૉલ્સ પોણો ટકો વધીને ૨૬.૧૨ હતી. FMCG બેન્ચમાર્ક દોઢ ટકો માઇનસ હતો. ઍપેક્સ ફ્રોઝન ૭.૮ ટકા ગગડી ૩૯૯ બંધમાં અહીં ટૉપ લૂઝર હતી.

શુગર શૅર ડિમાન્ડમાં હતા. ઉદ્યોગની ૩૪માંથી ૨૯ સ્ક્રિપ્સ વધી છે. અવધ શુગર ઉપરમાં ૩૮૩ થઈને ૧૪.૬ ટકાની મીઠાશમાં ૩૮૨ બંધ આપી શુગર સેક્ટરમાં તેમ જ FMCG ઇન્ડેક્સમાં મોખરે હતી. ધામપુર શુગર ૫.૮ ટકા, ઝુઆરી ઍન્ડ ૫.૪ ટકા, મગધ શુગર ત્રણ ટકા, બજાજ હિન્દુસ્તાન ચાર ટકા, શક્તિ શુગર બે ટકા, મવાણા શુગર ૪.૪ ટકા, દ્વારકેશ શુગર બે ટકા, કેએમ શુગર અઢી ટકા, પિકાડેલી શુગર ૭.૮ ટકા તો રાજશ્રી શુગર ૪.૫ ટકા વધી હતી. સિમ્ભોલી શુગર પાંચ ટકા ગગડી છે. ફોરોકો ઇન્ડિયાએ આઠ ટકા વધારામાં ૧૪૭ કરોડ પ્લસની આવક પર ૨૦ ટકા ઘટાડામાં ૧૫૫૩ લાખ નફો કરી શૅરદીઠ ૨૫ રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ઉપરમાં ૫૪૨૯ થઈ ૧૨.૩ ટકા કે ૫૮૧ રૂપિયાની મજબૂતીમાં ૫૩૦૬ બંધ થયો છે.

અનિલ અંબાણીના શૅરમાં મલ્ટિયર બૉટમની ખરાબી યથાવત્

બ્રોકરેજ ફર્મ CLSA દ્વારા તાતા મોટર્સમાં ૬૭૩ની ટાર્ગેટ પ્રાઇસ સાથે રોકાણ જાળવી રાખવાની સલાહ અપાઈ છે. ભાવ ગઈ કાલે ૫૦૯ની નવી ટૉપ બતાવી ૨.૮ ટકા વધી ૫૦૫ થયો છે. ૨૦૨૫ની ૧૪ નવેમ્બરે આ શૅર ૩૦૬ના તળિયે હતો. તાતા મોટર્સ પૅસેન્જર ઉપરમાં ૩૯૪ થઈ સવાબે ટકા ઘટી ૩૮૩ હતી. અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રા ૮૯ની નવી મલ્ટિયર બૉટમ બનાવી સાડાત્રણ ટકા ગગડી ૯૦ તથા રિલાયન્સ પાવર ૨૩.૬૦ની પોણાબે વર્ષની નવી નીચી સપાટી નોંધાવી પાંચ ટકા ખરડાઈ ૨૪ થઈ છે. NEC કૉર્પોરેશન સાથે પાર્ટનરશિપ ઍગ્રીમેન્ટનો કરન્ટ જાળવી રાખતાં તેજસ નેટવર્ક્‍સ બીજા દિવસે પણ ૧૯ ગણા કામકાજે ઉપરમાં ૪૪૩ થઈ ૧૭ ટકાની આગેકૂચમાં ૪૩૫ બંધ આવી છે. મોતીલાલ ઓસવાલવાળા એમટાર ટેક્નૉલૉજીમાં ૪૮૧૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ બન્યા છે. શૅર ઉપરમાં ૩૮૩૧ થઈ ૩.૪ ટકા વધી ૩૮૦૭ હતો. ૭ એપ્રિલે ભાવ ૧૧૫૨ના તળિયે ગયો હતો.

ટ્રેડિંગ-ડિસ્ટ્રિબ્યુશન કંપની રેડિંગ્ટન લિમિટેડ ૧૭૪ ગણા કામકાજમાં  ઉપરમાં ૨૮૬ થઈ ૧૪.૮ ટકા ઊછળીને ૨૮૧ રહી છે. નબળા રિઝલ્ટમાં આગલા દિવસે સાડાઆઠ વર્ષના તળિયે ગયેલી સનોફી ઇન્ડિયા ગઈ કાલે ઉપરમાં ૪૦૪૬ થઈ સવા ટકો ઘટી ૩૯૬૪ હતી, તો દમદાર પરિણામમાં ૫૭૫ રૂપિયાની તેજી દાખવનાર સનોફી કન્ઝ્યુમર હેલ્થકૅર ૪૭૮૩ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૩ ટકા ગગડીને ૪૪૪૦ રહી છે. તાજેતરમાં પોણાબાર વર્ષની બૉટમ બતાવનાર સ્પાઇસ જેટ સતત બીજા દિવસે ઉપરમાં ૧૭.૧૫ થઈ ૧.૧ ટકો ઊંચકાઈ ૧૬ થઈ છે. અમેરિકા તરફથી સોલર સેલ અને પૅનલ્સ પર ૧૨૬ ટકા ઍન્ટિ-ડમ્પિંગ નાખવામાં આવતાં વિક્રમ સોલર નવા વર્સ્ટ બૉટમની હૅટટ્રિક મારી ૧૬૨ના તળિયે જઈ ૪.૫ ટકા વધી ૧૩૩ રહી છે. વેબસોલ એનર્જીઝ ૫૪.૮૨ની વર્ષની નીચી સપાટીએ જઈ ૧.૪ ટકા ઘટીને ૫૬ હતી. સાત્ત્વિક ગ્રીન એનર્જી દોઢ ટકા, બોરોસીલ રિન્યુએબલ્સ બે ટકા, સોલેક્સ એનર્જી ૨.૮ ટકા, આરટીએસ પાવર દોઢ ટકા નરમ હતી. વારિ એનર્જીઝ ૦.૪ ટકા, વારિ રિન્યુએબલ્સ સવા ટકો તથા પ્રીમિઅર એનર્જી એક ટકો સુધરી છે.

ગોદિયમમાં નજીવો લિસ્ટિંગ ગેઇન, મણિલમમાં ૨૪ ટકા મૂડી સાફ

આગામી સપ્તાહ ૪ દિવસના કામકાજનું મંગળવારે હોળી નિમિત્તે બજાર બંધ છે. પ્રાઇમરી માર્કેટ માટે આગામી સપ્તાહ ઠંડું જણાય છે. હાલની તારીખે આખા સપ્તાહમાં માત્ર એક ભરણું નક્કી હોવાનું દેખાય છે. દરમ્યાન સોમવારે કુલ કંપની લિસ્ટિંગમાં જવાની છે. મેઇનબોર્ડમાં ક્લીન મૅક્સ એન્વિરો તથા ગોંડલની શ્રીરામ ટ્વિસ્ટેક્સ સોમવારે લિસ્ટેડ થશે. હાલ ગ્રેમાર્કેટ ખાતે ક્લીન મૅક્સમાં ૧૨ રૂપિયા તો શ્રીરામમાં ૨૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ બોલાય છે. જ્યારે SME સેક્ટરમાં એકૉર્ડ ટ્રાન્સફૉર્મર, મોબિલાઇસ ઍપલૅબ તથા કીઆસા રીટેલનું લિસ્ટિંગ પણ સોમવારે થશે. અત્યારે એકૉર્ડમાં ૬ રૂપિયા, મોબિલાઇસમાં ૭ રૂપિયા તથા કીઆસામાં ઝીરો પ્રીમિયમ બોલાય છે.

મેઇનબોર્ડમાં નવી દિલ્હીની ગોદિયમ IVF ઍન્ડ વુમેન હેલ્થ પાંચના શૅરદીઠ ૭૯ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ ગ્રેમાર્કેટ ખાતે ૧૫થી શરૂ થયેલું પ્રીમિયમ ગગડીને ૪ રૂપિયાના ડિસ્કાઉન્ટમાં આવી ગયા પછી છેલ્લે બોલાતા ઝીરો પ્રીમિયમ સામે ગઈ કાલે ૮૩ ખૂલી ૮૦.૪૮ બંધ થતાં એમાં ૧.૯ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કલકત્તાની SME કંપની મણિલમ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૬૯ની ઇશ્યુ પ્રાઇસ અને ઝીરો પ્રીમિયમ સામે NSEમાં ૫૫ ખૂલી બાવન બંધ રહેતાં ૨૪ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે.

મેઇનબોર્ડમાં રાજકોટની ઓમ્નીટેક એન્જિનિયરિંગનો પાંચના શૅરદીઠ ૨૨૭ના ભાવનો ૫૮૩ કરોડનો ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં ૩૩ ટકા સહિત કુલ સવા ગણો ભરાયો છે. ૧૩થી શરૂ થઈ ઉપરમાં ૧૫ થયા બાદ ગગડીને ઝીરો થઈ એમાં હાલ ઝીરો પ્રીમિયમ ચાલે છે. મુંબઈની SME કંપની યાપ ડિજિટલનો ૧૦ના શૅરદીઠ ૧૪૫ના ભાવનો ૮૦૧૧ લાખનો ઇશ્યુ આખરી દિવસે રીટેલમાં ૧.૬ ગણા સહિત કુલ ૪.૩ ગણો ભરાયો છે. પ્રીમિયમ બોલાતું નથી. ઘાટકોપરની સ્ટ્રાઇડર ઇમ્પૅક્સનો ૧૦ના શૅરદીઠ ૭૨ના ભાવનો ૩૬૨૯ લાખનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૯૫ ટકા તો થાણેના ભિવંડીની એસટેક ઈ-કૉમર્સનો ૧૦ના શૅરદીઠ ૧૧૨ના ભાવનો ૪૮૯૫ લાખનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૪૨ ટકા સહિત કુલ ૨૭ ટકા ભરાયો છે.

પ્રમોટર્સે ૩૫૦૭ કરોડની રોકડી કરતાં વિશાલ મેગામાર્ટ ગગડ્યો

વિશાલ મેગામાર્ટમાં પ્રમોટર સામયાત સર્વિસિસ એના ૫૪.૦૯ ટકાના હોલ્ડિંગમાંથી સાડાછ ટકા હિસ્સો શૅરદીઠ ૧૧૫ની ફ્લોર પ્રાઇસથી બ્લૉકડીલ મારફત વેચી ૩૫૦૭ કરોડ રૂપિયા ઘરભેગા કરવા સક્રિય બનતાં શૅર ગઈ કાલે ચિક્કાર વૉલ્યુમે નીચામાં ૧૧૭ થઈ ૭.૭ ટકા તૂટી ૧૧૮ બંધ થયો છે. ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશને ઇન્ટરિમ ડિવિડન્ડ માટે ૬ માર્ચે બોર્ડ-મીટિંગ નક્કી કરી છે. શૅર ૧૮૯ની બે વર્ષની ટૉપ બનાવી અડધો ટકો વધી ૧૮૭ થયો છે. ઇન્ફોબીન્સ ટેક્નૉલૉજીઝ એક શૅરદીઠ ત્રણના મેઇડન બોનસમાં એક્સ-બોનસ થતાં ગઈ કાલે ઉપરમાં ૨૧૮ થઈ સાડાત્રણ ટકા વધી ૨૦૭ રહી છે. નવી દિલ્હીની હિન્દુસ્તાન અર્બન ૧૦ના શૅરદીઠ બે રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ગઈ કાલે ૨૪૯૯ થઈને ૦.૩ ટકા ઘટી ૨૩૩૪ થઈ છે. કંપનીની ઇક્વિટી માત્ર ૧૪૪ લાખ છે. સામે રિઝર્વ ૩૮૧ કરોડ રૂપિયાની છે. બોનસનું ખાનું ખાલી છે. પ્રમોટર્સ પાસે ૭૫ ટકા માલ છે. અગાઉ આરવી ડેનિમ તરીકે જાણીતી હાલની વારવી ગ્લોબલ ૧૦ના શૅરદીઠ પાંચ રૂપિયામાં વિભાજનમાં બીજી માર્ચે એક્સ-સ્પ્લિટ થવાની છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૩૨ થઈ સવા ટકો ઘટી ૧૨૮ હતો. હેલ્થકૅર ગઈ કાલે ઉપરમાં ૧૩૨ થઈ સવા ટકો ઘટી ૧૨૮ હતો. હેલ્થકૅર ગ્લોબલ ઉપરમાં ૫૯૩ થઈ નજીવા સુધી ૫૭૫ થયો છે.

IPO લાવવા માટે NSE ઍક્શન મોડમાં આવી હોવાના સમાચાર વચ્ચે અનલિસ્ટેડ માર્કેટમાં શૅર સુસ્તી સાથે ૨૦૩૫ રૂપિયા બોલાય છે. ભાવ મહિના પહેલાં ૨૧૫૦ હતો. અગાઉ ભાવ ૨૪૦૦ની સર્વોચ્ચ સપાટીએ જોવા મળ્યો હતો. BSE લિમિટેડ ગઈ કાલે ઉપર ૨૭૮૧ થઈ ૩.૪ ટકા ઘટી ૨૭૦૭ થઈ છે. MCX સાધારણ ઘટાડે ૨૪૪૮ હતી. CDSL આગલા દિવસની સવાબે ટકાની નબળાઈ બાદ ગઈ કાલે પોણાબે ટકા ઘટી ૧૨૭૨ રહી છે. NSDL સાધારણ ઘટીને ૯૧૭ હતી. સરકારની ૬૧.૭૫ ટકા માલિકીની NBCC ઇન્ડિયાને દિલ્હી ડેવલપમેન્ટ ઑથોરિટી તરફથી ૭૭૫ કરોડનો સ્ટાફ ક્વૉર્ટર્સના રીડેવલપમેન્ટનો ઑર્ડર મળ્યો છે. શૅર ઉપર ૯૫.૪૮ થઈ ૧.૪ ટકા ઘટી ૯૩ હતો.

business news nifty sensex share market stock market national stock exchange bombay stock exchange indian economy gdp