21 November, 2026 10:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) કંપની ઍન્થ્રૉપિકના શૅરબજારમાં પ્રવેશ સાથે જ એના લગભગ તમામ કર્મચારીઓ કરોડપતિ બની ગયા છે. ‘ક્લૉડ’ ચૅટબૉટ બનાવનારી કંપનીએ ગુરુવારે નૅસ્ડૅક પર ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO)માં શૅરનો ભાવ ૭૮૮૫ રૂપિયા (૮૩ ડૉલર) રાખ્યો હતો. હિલ ડૉટ કૉમના ડેટા મુજબ સપ્ટેમ્બર સુધીના ૫૩૦૦ કર્મચારીઓમાંથી અંદાજે ૫૧૦૦ એટલે કે ૯૬ ટકા કર્મચારીઓ પાસે હવે ૯.૫ કરોડ રૂપિયા (૧ મિલ્યન ડૉલર)થી વધુ મૂલ્યના શૅર છે. કંપનીમાં ‘ઍન્ટ્સ’ તરીકે ઓળખાતા લગભગ ૨૮૦૦ કર્મચારીઓ પાસે ૯૫ કરોડ રૂપિયા (૧૦ મિલ્યન ડૉલર)થી વધુના અને ૬૦૦ કર્મચારીઓ પાસે ૯૫૦ કરોડ રૂપિયા (૧૦૦ મિલ્યન ડૉલર)થી વધુના શૅર છે. ૨૦૨૧માં સ્થપાયેલી ઍન્થ્રૉપિકે જૂનમાં આવેલા સ્પેસઍક્સના IPO (૨૨,૦૦૦માંથી ૪૪૦૦ કરોડપતિ) કરતાં ઓછા કર્મચારીઓ અને ટૂંકી સફરમાં જ મોટી સંપત્તિ ઊભી કરી હતી. આ IPOની ખાસિયત એ રહી હતી કે સ્થાપકો સિવાયના કર્મચારીઓને લૉકઅપ સમયગાળાની રાહ જોયા વિના પહેલા જ દિવસે તેમના ૧૦ ટકા શૅર વેચવાની છૂટ અપાઈ હતી. ગુરુવારે શૅર ૧૦,૫૯૫ રૂપિયા (૧૧૧.૫૩ ડૉલર) પર ખૂલીને અંતે લિસ્ટિંગના ભાવથી ૧૭ ટકા ઉપર ૯૨૩૧ રૂપિયા (૯૭.૧૭ ડૉલર) પર બંધ રહ્યો હતો. એનાથી કંપનીનું માર્કેટ-વૅલ્યુએશન અંદાજે ૧૬૭.૨ લાખ કરોડ રૂપિયા (૧.૭૬ ટ્રિલિયન ડૉલર) પહોંચી ગયું હતું અને એ વિશ્વની સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપનીઓમાં સામેલ થઈ છે. જોકે ટેક્નૉલૉજી નિષ્ણાતોના મતે AI ક્ષેત્રે જંગી ખર્ચ વચ્ચે આ ઊંચું વૅલ્યુએશન ટકાવી રાખવું પડકારજનક રહેશે.