કંપનીની ગ્રુપ પૉલિસીઓ વિશે તમારા પરિવારજનોને જાણ છે ખરી?

27 October, 2021 03:51 PM IST  |  Mumbai | Priyanka Acharya

આપણે ગયા વખતના લેખમાં વીમાના ક્લેમ બાબતે ધ્યાનમાં રાખવાનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ પાસાં વિશે વાત કરી હતી

પ્રતીકાત્મક તસવીર

મારા એક મિત્રે મારો નંબર તરુણ નામની કોઈ વ્યક્તિને આપ્યો હતો. તરુણે ફોન પર કહ્યું કે એના પિતા ઘણાં વર્ષ સુધી મુંબઈની એક જાણીતી કંપનીમાં કામ કરતા હતા અને ગ્રુપ એન્યુએશન સ્કીમના ભાગરૂપે એમને નિવૃત્તિ પછી માસિક પેન્શન મળતું હતું. પિતા ચાર વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા બાદ કાનૂની વારસ તરીકે માતાને પેન્શન મળી રહ્યું હતું. ગયા વર્ષે પેન્શન અચાનક બંધ થઈ ગયું અને ટેન્શન શરૂ થઈ ગયું. એ વખતે તરુણને ખબર પડી કે માતા હજી જીવે છે એ પુરવાર કરતું લાઇફ સર્ટિફિકેટ આપવામાં આવશે તો જ પેન્શન ફરી શરૂ થશે.  જોકે આ કામ કહેવા જેટલું સહેલું નહોતું. તરુણે ફોન પર જણાવ્યું કે એની પાસે એન્યુએશન પૉલિસીની કોઈ માહિતી નથી. એના પિતા જ્યાં કામ કરતા હતા એ કંપની થોડાં વર્ષ પહેલાં બંધ થઈ ચૂકી હતી અને તરુણનાં માતાને પેન્શન માટે કયા દસ્તાવેજો પર સહી કરી હતી એ યાદ નહોતું.

આપણે ગયા વખતના લેખમાં વીમાના ક્લેમ બાબતે ધ્યાનમાં રાખવાનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ પાસાં વિશે વાત કરી હતી. આજે એ વાતને આગળ વધારીએ.

૧. ગ્રુપ એન્યુએશન પૉલિસી નોકરીદાતા (એમ્પ્લોયર) લેતા હોય છે. આ પૉલિસી નોકરીદાતાએ લીધેલી હોવાથી કર્મચારીઓ એના તરફ વધારે ધ્યાન આપતા નથી. કર્મચારીઓને ફક્ત પોતાના પગાર અને ભથ્થાંમાં રસ હોય છે. ગ્રુપ વીમા પ્રત્યે સામાન્ય રીતે કોઈ લક્ષ આપતું નથી. આથી જ તરુણના પરિવારમાં સર્જાઈ એવી સ્થિતિ માથે આવી પડે છે. પૉલિસી નંબર કે બીજી કોઈ માહિતી ન હોય ત્યારે લાઇફ સર્ટિફિકેટ કેવી રીતે સુપરત કરવું એ મોટો પ્રશ્ન બની જાય છે. આ કિસ્સા પરથી શીખવાનું કે નોકરીદાતા જ્યારે પણ વીમાનો કોઈ લાભ આપે ત્યારે તેને લગતી બધી વિગતોની નોંધ રાખવી જોઈએ. તેમાં ગ્રુપ ઇન્સ્યૉરન્સ પૉલિસી નંબર, વીમા કંપની, વીમા કંપનીમાં સંપર્ક માટેની વ્યક્તિ, એ લાભ ધરાવતા બીજા કેટલાક સહયોગીઓનાં નામ-નંબર, જે શાખામાંથી પૉલિસી લેવાઈ હોય એની વિગતો જેવી માહિતી હાથવગી રાખવી જોઈએ. એન્યુએશનની રકમ નિવૃત્તિ પછી મળવા લાગી હોય તો જીવનસાથીને તથા સંતાનોને તેના વિશેની બધી વિગતો આપી દેવી જોઈએ.

૨. આજકાલ સંતાનો વિદેશમાં અને માતા-પિતા દેશમાં રહે એવી સ્થિતિ સામાન્ય બની ગઈ છે. ભૌગોલિક અંતર હવે વધારે અસર કરતું નથી, પરંતુ કેટલીક ઔપચારિકતાઓ બાબતે એ અંતર અડચણરૂપ બને છે. દરેક દેશમાં વીમાની પ્રક્રિયા અલગ અલગ હોય છે. મોટા ભાગે વાલીઓ સંતાનોને વીમાની પૉલિસી વિશે જાણ કરતા નથી, કારણ કે સંતાનો ભણવામાં વ્યસ્ત હોય છે અને વીમો બાજુએ રહી જાય છે. જોકે ઘણીવાર એવા કિસ્સા બને છે જેમાં સંતાનો નાનાં હોય અને માતા-પિતા બન્નેનું કોઈક કારણસર અવસાન થઈ જાય તો વીમાની માહિતી વગર ક્લેમ કરવાનું મુશ્કેલ બની જાય છે. વળી જો ઘરમાં કોઈને જ વીમા વિશે ખબર ન હોય તો, માતા-પિતાનો વીમો હોવા છતાં સંતાનો તેના લાભથી વંચિત રહી જાય એવું પણ બની શકે છે.

વિદેશમાં વસતાં સંતાનોના એક કિસ્સામાં થયું એવું કે માતા-પિતાની પૉલિસી વિશે કોઈને ખબર નહોતી. અચાનક એમને ઘરમાં તપાસ કરતી વખતે વીમાનાં પ્રીમિયમની રસીદો મળી આવી. એમણે ઘણી શોધખોળ કરીને પૉલિસી શોધી કાઢી. જોકે એ બધું કરવામાં સંતાનોને ઘણી વાર લાગી અને એમને વિદેશમાં પોતાના કામ-ધંધે ચડવામાં મોડું થઈ ગયું.

આમ સંતાનો દેશમાં હોય કે વિદેશમાં, એમને સમગ્ર પરિવારની વીમાની પૉલિસીઓ વિશે બધી જ માહિતી હોવી જોઈએ. જો કોઈ વીમા સલાહકાર મારફતે પૉલિસી લીધી હોય તો એમના સંપર્ક માટેનો નંબર પણ બધાની પાસે હોવો જોઈએ. એ ઉપરાંત પરિવારના બધા સભ્યોના કેવાયસી દસ્તાવેજો, પૉલિસીની મૂળ પ્રત, રોકાણની તમામ વિગતો હાથવગી હોવી જોઈએ.

સવાલ તમારા…

મારી પાસે ઘણાં વર્ષથી વીમાની ૧૨ પૉલિસીઓ છે. મારા એજન્ટ ગયા વર્ષે ગુજરી ગયા અને મને એ પૉલિસી વિશે બીજી કોઈ માહિતી નથી. મારે હવે શું કરવું જોઈએ?

તમારે સૌથી પહેલાં તો એ જાણી લેવું કે જીવન વીમો એકલા માણસની વાત નથી. સમગ્ર પરિવાર એની સાથે સંકળાયેલો હોય છે. સામાન્ય રીતે લોકો બધી બાબતે એજન્ટ પર નિર્ભર હોય છે. એજન્ટ સેવા આપે એ વાત જુદી, પરંતુ પોતાની પૉલિસી વિશેની બધી જ જાણકારી પોતાની પાસે હોવી જોઈએ. આખરે પૉલિસી તમારી પોતાની જ છે ને!

તમારે બધી જ પૉલિસીની ટૂંકી વિગતો એક કાગળ પર અથવા ઈ-મેઇલમાં સાચવીને રાખવી જોઈએ, જ્યારે પણ નવી પૉલિસી લો ત્યારે એ વિગતોમાં ઉમેરો કરવો. હવે તમારે સૌથી પહેલાં તો પૉલિસીના દસ્તાવેજોમાંથી કંપનીની શાખા વિશે જાણકારી તારવી લેવી. આ માહિતી તમને પૉલિસી દસ્તાવેજના પહેલા પાના પરથી મળશે. તેમાં પ્રીમિયમની રકમ, ચુકવણીની મુદત, પાકતી તારીખ, મૃત્યુની સ્થિતિમાં મળનારી રકમ વગેરે માહિતી સામેલ હોય છે.

business news