કોરોનાના નવા કેસનો વધારો અટકતાં અને ડૉલરના સુધારાથી સોનાના ભાવમાં પીછેહઠ

14 September, 2021 12:26 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકા બૉન્ડ બાઇંગ ૨૦૨૧ના વર્ષમાં જ ઘટાડશે એવી વધુ એક કમેન્ટથી સોનામાં વેચવાલી વધી

પ્રતીકાત્મક તસવીર

વિશ્વમાં કોરોનાના નવા કેસનો વધારો અટકતાં તેમ જ અન્ય કરન્સી સામે ડૉલરનું મૂલ્ય સુધરતાં સોનાના ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. અમેરિકા ચાલુ વર્ષે જ બૉન્ડ બોઇગ ઘટાડશે એવી કમેન્ટથી સોનામાં વેચવાલી વધી હતી અને વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટ્યું હતું જેને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૪૪ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૧૯૧ રૂપિયા ઘટી હતી.

વિદેશી પ્રવાહો

અમેરિકા બૉન્ડ બાઇંગમાં ઘટાડો ૨૦૨૧ના વર્ષમાં જ કરશે એવી સતત વધી રહેલી કમેન્ટને પગલે ડૉલર સુધરીને કરન્સી બાસ્કેટમાં ત્રણ સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યો હતો. ગત સપ્તાહે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે કોઈ મોટો નિર્ણય ન લેતાં યુરોનું મૂલ્ય ઘટ્યું હતું તેમ જ અન્ય દેશોની કરન્સી પણ ડૉલર સામે નબળી હોવાથી ડૉલરને મજબૂતી મળી હતી. કોરોનાના નવા કેસનો વધારો અટકતાં સોનાનું  સેઇફ હેવન સ્ટેટ્સ નબળું પડ્યું હતું અને અમેરિકી ડૉલર સુધર્યો હતો જેને કારણે સોનામાં વેચવાલી વધતાં ભાવ તૂટ્યા હતા. જોકે ચાંદી સ્થિર હતી, પણ પ્લૅટિનમ અને પેલેડિયમના ભાવ ઘટ્યા હતા.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

જપાનનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફલેશન ઑગસ્ટમાં ૫.૫ ટકા વધ્યો હતો જે જુલાઈમાં ૧૩ વર્ષની ઊંચાઈએ ૫.૬ ટકા હતો, જપાનનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફલેશન સતત છઠ્ઠા મહિને ઊંચો રહ્યો હતો. અમેરિકાનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફલેશન ઑગસ્ટમાં ૦.૭ ટકા વધ્યો હતો જેના વિશે માર્કેટની ધારણા ૦.૬ ટકાની હતી. અમેરિકાની હોલસેલ ઇન્વેન્ટરી જુલાઈમાં ૦.૬ ટકા વધીને ૭૨૨ અબજ ડૉલરે પહોંચી હતી જેમાં જૂન મહિનામાં ૧.૨ ટકાનો વધારો થયો હતો. ભારતનું ઇન્ડસ્ટ્રિયલ ઉત્પાદન જુલાઈમાં ૧૧.૫ ટકા વધ્યું હતું જે જૂનમાં ૧૩.૬ ટકા વધ્યું હતું, માર્કેટની ધારણા ૧૦.૭ ટકા વધારાની હતી. બ્રાઝિલનું રીટેલ સેલ્સ જુલાઈમાં ૧.૨ ટકા વધ્યું હતું જે માર્કેટની ૦.૭ ટકા વધારાની ધારણા કરતાં ઘણું ઊંચું રહ્યું હતું. રશિયાની સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટમાં ૨૫ બેઝિસ પૉઇન્ટનો વધારો કરીને ઇન્ટરેસ્ટ રેટ ૭.૨૫ ટકા નક્કી કર્યા હતા. સ્પેનનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ જુલાઈમાં ૩.૪ ટકા વધ્યું હતું જે જૂનમાં ૧૧ ટકા વધ્યું હતું. આમ, ઇકૉનૉમિક ઇન્ડિકેટર્સ સોનાની માર્કેટ માટે પૉઝિટિવ હતાં, કારણ કે અમેરિકા અને જપાન બંને દેશોના પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફલેશન વધ્યા હતા.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

અમેરિકાના કલેવલૅન્ડના ફેડ પ્રેસિડન્ટ લોરેટા મેસ્ટરે જણાવ્યું હતું કે ઑગસ્ટ મહિનાના જૉબડેટા તેમ જ અન્ય ઇકૉનૉમિક ડેટા નબળા આવ્યા હોવા છતાં ફેડ ૨૦૨૧ના અંત પહેલાં બૉન્ડ બાઇંગમાં ઘટાડો કરશે. ફેડના અનેક મેમ્બર્સ દ્વારા બૉન્ડ બાઇંગમાં ઘટાડા અંગે મક્કમ વલણ જોવા મળ્યું છે, પણ ગત સપ્તાહે ઈસીબી (યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક)ની મીટિંગમાં ફક્ત નામપૂરતો બૉન્ડ બાઇંગમાં ઘટાડો કર્યો હતો એવા ઘટાડાથી માર્કેટમાં કોઈ મોટો ફરક પડવાનો નથી એ નક્કી છે. ફેડની મીટિંગ આગામી સપ્તાહે હોવાથી માર્કેટમાં હાલ ભારે અનિશ્ચિતતા ફેલાયેલી છે. વળી કોરોનાના કેસ હવે ધીમે-ધીમે કાબૂમાં આવી રહ્યા છે. અમેરિકા અને કેટલાક એશિયન દેશોમાં હજી કેસ વધુ આવે છે, પણ કેસનો વધારે એકદમ મર્યાદિત હોવાથી કોરોનાની વધુ એક લહેર આવવાનો ડર ઘણો ઓછો થયો છે, પણ છેલ્લા બે મહિનામાં અમેરિકા-જપાન સહિત અનેક દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા એની ઇકૉનૉમિક ઇફેક્ટનો ડર હાલ સતાવી રહ્યો છે. અમેરિકાનાં છેલ્લાં બે સપ્તાહમાં જાહેર થયેલા તમામ ઇકૉનૉમિક ડેટા નબળા આવ્યા હોવાથી ઇકૉનૉમિક રિકવરી અંગે અનિશ્ચિતતા વધી છે. ઓવરઑલ સ્થિતિ જોતાં સોનામાં કોઈ મોટી મંદી નથી, પણ મોટી તેજી અંગે ભારે અનિશ્ચિતતા હોવાથી શૉર્ટથી મિડિયમ ટર્મ સોનું રેન્જબાઉન્ડ રહેવાની શક્યતા વધુ છે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૭,૦૪૯

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૬,૮૭૧

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૨,૮૭૬

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news