ડૉલરમાં વણથંભી નરમાઈ : એશિયન કરન્સીમાં જોરદાર ઉછાળો

05 December, 2022 12:54 PM IST  |  Mumbai | Biren Vakil

રૂપી ફૉર્વર્ડ પ્રીમિયમમાં ૧૨ વર્ષની નીચી સપાટી! : રિઝર્વ બૅન્કની બેઠક પર બજારની મીટ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ફેડ ચૅરમૅન જેરેમી પૉવેલે વ્યાજદર વધારાની રફતાર ધીમી કરવાની જરૂર છે એવા સંકેતો આપતાં ડૉલરમાં નરમાઈ વેગીલી બની હતી. ડૉલેક્સ એક તબક્કે ૧૦૪.૫૦ થઈ છેલ્લે ૧૦૫.૨૦ આસપાસ હતો. ડૉલરમાં વ્યાપક નરમાઈને પગલે મોટા ભાગની કરન્સી ડૉલર સામે મજબૂત થઈ હતી. ખાસ કરીને એશિયાઈ કરન્સી અને પાઉન્ડમાં જોરદાર તેજી હતી. યેન, યુઆન, પાઉન્ડ, કોરિયા વૉન, સિંગાપોર ડૉલર, મલેશિયા રિંગિટ વગેરે ડૉલર સામે ૧.૫-૨ ટકા સુધર્યા હતા. જોકે રૂપિયો અન્ડર પર્ફોર્મર રહ્યો હતો. શુક્રવારે અમેરિકન જૉબડેટા અપેક્ષા કરતાં મજબૂત આવ્યો હતો એ જોતાં ફેડ લગાતાર વ્યાજદર વધારતી હોવા છતાં ફુગાવો હજી મચક આપતો નથી એમ કહી શકાય. ફેડની વ્યાજદર નીતિ મામલે દિગ્ગજોના મત વિભાજિત છે. સુર્ખીયોમાં રહેવા ટેવાયેલા સુપરરિચ ઇન્વેસ્ટર અલૉન મસ્ક કહે છે કે ફેડે તાત્કાલિક ધોરણે વ્યાજદર ઘટાડવા જોઈએ, નહીં તો અમેરિકામાં મોટી મંદી આવશે. અમેરિકાના માજી ટ્રેઝરી સેક્રેટરી લેરી સમર કહે છે કે ફેડે વ્યાજદર વધારે ઊંચા લઈ જવા જોઈએ, કેમ કે ફુગાવો હજી મચક આપતો નથી. સમર પણ કહે છે કે આગળ જતાં મંદી આવશે. જોકે બજારોમાં અન્ડરટોન તેજીનો છે. વૉલ સ્ટ્રીટ માને છે કે વ્યાજદરોમાં ૫-૬ ટકા પીક બની જશે અને આગામી વરસે સેકન્ડ હફમાં તો ફેડ વ્યાજદર ઘટાડવાના મૂડમાં હશે (લિક્વિડિટી ઇઝી મની મળવાના જ છે). ચીનમાં કોરોના નિયંત્રણો સામે આક્રોશ અને હિંસક દેખાવો પછી સરકાર નિયંત્રણ હળવા કરવા મજબૂર બની છે. બજારોએ ચીનના સૉફ્ટ વલણ અને ડૉલરની નરમાઈને તેજીનો સંકેત માન્યો છે. દિગ્ગજો ભલે મંદીની વાત કરતા હોય, પણ શૅરબજારોમાં, ખાસ કરીને ઇમર્જિંગ એશિયામાં ભારત, હૉન્ગકૉન્ગ, ચાઇના શૅરબજારો છેલ્લા એક માસમાં જોરદાર વધ્યાં છે. નિફ્ટી ઑલટાઇમ હાઈ થઈ ગયો છે. 

સ્થાનિક બજારોની વાત કરીએ તો રૂપિયો ગુરુવારે ઊછળીને ૮૦.૯૮ થયા પછી છેલ્લે ૮૧.૪૬ બંધ રહ્યો હતો. એકંદરે રૂપિયો મામૂલી રેન્જમાં ટકેલો રહ્યો હતો. ફૉર્વર્ડ પ્રીમિયમ સતત તૂટતા જાય છે અને હાલમાં ૧૨ વરસની નીચી સપાટી ૧.૯૦ ટકા થઈ ગયા છે. લાંબા ગાળાનું બાહ્ય ધિરાણ હેજ કરવા માટે હાલના ફૉર્વર્ડ પ્રીમિયમ આકર્ષક ગણાય. બેહદ નીચા પ્રીમિયમ જોતાં એમ લાગે કે નિકાસકારોએ પેસિવ હેજિંગમાંથી કમાણી કરવાનો યુગ આથમી રહ્યો છે. બુધવારે રિઝર્વ બૅન્કની બેઠકમાં વ્યાજદર કદાચ ૨૫ બેસિસ પૉઇન્ટ વધી શકે. રૂપિયો હાલ પૂરતો ૮૦.૮૦-૮૨.૪૦ની રેન્જમાં રહેવાની ધારણા છે. ફૉર્વર્ડ પ્રીમિયમનું હાલનું સ્તર અવાસ્તવિક નીચું લાગે છે અને આગળ જતાં જાન્યુઆરી-માર્ચમાં પ્રીમિયમ ૩-૩.૭૫ ટકા વચ્ચે સેટલ થવાની શક્યતા છે. 

અમેરિકાની વાત કરીએ તો શૅરબજારમાં તેજીનો કરન્ટ છે. ડૉલેક્સ ટૉપઆઉટ થઈ ગયો છે. ડૉલેકસમાં શૉર્ટ ટર્મ ટ્રેન્ડ મંદીતરફી અને વચગાળાનો ટ્રેન્ડ ન્યુટ્રલ લાગે છે. આગામી ૧૪ ડિસેમ્બરે ફેડની બેઠકમાં વ્યાજદર ૫૦ બેસિસ પૉઇન્ટ વધે છે કે ૭૫ બેસિસ પૉઇન્ટ વધે છે એ કળવું હાલ મુશ્કેલ છે. ૨૦૨૩ના માર્ચ-જૂનમાં વ્યાજદરોમાં ટૉપ બની જશે, સેકન્ડ હાફમાં ફેડ વ્યાજદર ઘટાડવાના મોડ પર આવી ગઈ હશે, એવી અટકળે બજારોનો મૂડ અપબીટ છે. ડૉલરમાં સેન્ટિમેન્ટ નરમ થયું છે. 

યુરોપમાં પાઉન્ડની તેજી ટકાઉ નીવડી છે. પાઉન્ડની હાલની તેજી વીતેલાં વરસોનો સૌથી ઝડપી ઉછાળો છે. પાઉન્ડ ૧.૪૪થી ઘટીને ૧.૦૫ થઈ ગયા પછી હાલમાં ૧.૨૨ થયો છે. યુરોપે રશિયન ક્રૂડની આયાત પર ૬૦ ડૉલરની કૅપ લગાડવાનું સૂચન કર્યું છે. રશિયાએ આ સૂચન ફગાવી દીધું છે. રશિયા અને યુરોપ વચ્ચેની એનર્જીવૉર નજીકના ભવિષ્યમાં અટકે એમ લાગતું નથી. એક અર્થમાં પશ્ચિમી દેશોએ એનર્જી બ્લૅકમેલિંગને તાબે નહીં થવાનો નિર્ધાર કરી લીધો છે. કોલસો, ન્યુક, સોલર, બાયોફ્યુઅલ, એમોનિયા, હાઇડ્રોજન, ઇલે ઇકૉનૉમીમાં રોકાણો વધ્યાં છે. ક્રૂડની તેજી રોકવા અનેક વિકલ્પો ખૂલી રહ્યા છે. આગામી થોડાં વરસોમાં ક્રૂડ ૨૦-૪૦ ડૉલર અને ગૅસ ૩-૪ ડૉલર થઈ જાય તો નવાઈ નહીં. મુખ્ય કરન્સીની રેન્જ યુરોડૉલર ૧.૦૩-૧.૦૭, ૧.૧૯૫૦-૧.૨૪૫૦, યેન ૧૩૩-૧૩૯, ડૉલેક્સ ૧૦૩-૧૦૭ ગણાય.

business news indian rupee