બંગલાદેશે ઘઉંની આયાત માટે હવે રશિયા તરફ નજર દોડાવી

25 June, 2022 10:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતે નિકાસ પર પ્રતિબંધ મૂકતાં બંગલાદેશે નીતિ બદલાવી

પ્રતીકાત્મક તસવીર

ભારતીય ઘઉંની નિકાસબંધી બાદ બંગલાદેશે ઘઉંની આયાત માટે હવે રશિયા તરફ નજર દોડાવી છે. સરકારી અધિકારી અને વેપારીઓએ બુધવારે જણાવ્યું હતું કે બંગલાદેશ સરકારથી સરકારના સોદામાં રશિયા પાસેથી ઘઉંનો પુરવઠો સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, કારણ કે એના સૌથી મોટા સપ્લાયર ભારતે ગયા મહિને સ્થાનિક ભાવને સમાવવા માટે અનાજની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.
વિશ્વના સૌથી મોટા ઘઉંના નિકાસકાર રશિયા સાથેનો પુરવઠા સોદો બંગલાદેશને વૈશ્વિક ભાવની નીચે એની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરી શકે છે, એમ ઉદ્યોગ અધિકારીઓએ જણાવ્યું હતું.
બંગલાદેશના ખાદ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સોદાને અંતિમ સ્વરૂપ આપવા માટે બંગલાદેશ ગુરુવારે રશિયા સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી રહ્યું છે. અમે શરૂઆતમાં ઓછામાં ઓછા ૨૦૦૦૦૦ ટન ઘઉં રશિયા પાસેથી માગીશું.
બંગલાદેશ લગભગ ૭૦ લાખ ટન ઘઉંની આયાત કરે છે અને ગયા વર્ષે એમાંથી બેતૃતીયાંશથી વધુ ભારતમાંથી આવ્યા હતા. ભારતના નિકાસ પ્રતિબંધ પછી બંગલાદેશે આંતરરાષ્ટ્રીય ટેન્ડર દ્વારા પુરવઠો સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઊંચા ભાવને કારણે એને રદ કરી દીધો. બંગલાદેશ ભારતીય ઘઉંની કિંમત અને નૂરના આધારે ટનદીઠ ૪૦૦ ડૉલર કરતાં ઓછું ચૂકવતું હતું, પરંતુ પ્રતિબંધ પછી અન્ય સપ્લાયરોએ ૪૬૦ ડૉલરથી ઉપર ક્વોટ કરવાનું શરૂ કર્યું, જેણે બંગલાદેશમાં સ્થાનિક ભાવમાં વધારો કર્યો, એમ વૈશ્વિક ટ્રેડિંગ ફર્મ સાથેના મુંબઈ સ્થિત ડીલરે જણાવ્યું હતું.

business news