કેવાયસી અપડેશનને નામે ઠગાઈથી સાવધ રહો : રિઝર્વ બૅન્ક

14 September, 2021 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિઝર્વ બૅન્કે કેવાયસી અપડેશનના નામે લોકોની સાથે થઈ રહેલી છેતરપિંડી બાબતે સાવચેત રહેવાનો નાગરિકોને અનુરોધ કર્યો છે

પ્રતીકાત્મક તસવીર

રિઝર્વ બૅન્કે કેવાયસી અપડેશનના નામે લોકોની સાથે થઈ રહેલી છેતરપિંડી બાબતે સાવચેત રહેવાનો નાગરિકોને અનુરોધ કર્યો છે. કેન્દ્રીય બૅન્કે અખબારી યાદીમાં કહ્યું છે કે કેવાયસી અપડેશનના નામે મોટાપાયે છેતરપિંડી થઈ રહી હોવાની ફરિયાદો મળી રહી છે. લોકોને કેવાયસી અપડેટ કરાવવાની સૂચના વગર પૂછ્યે ફોન, એસએમએસ, ઈ-મેઇલ વગેરે મારફતે મોકલવામાં આવે છે. ત્યાર પછી ગ્રાહકોને એમની અંગત માહિતી, અકાઉન્ટ/લોગિનની વિગતો, કાર્ડની માહિતી, પીન, ઓટીપી વગેરે પૂછવામાં આવે છે અથવા લિંકની મદદથી અનધિકૃત ઍપ મોબાઇલમાં ઇન્સ્ટૉલ કરી દેવાય છે અને એના દ્વારા દગાબાજી થાય છે.

લોકોને કેવાયસી અપડેશન નહીં કરાવો તો અકાઉન્ટ બંધ થઈ જશે અથવા શિથિલ કરી દેવાશે એવી ખોટી ધમકીઓ પણ આપવામાં આવે છે. રિઝર્વ બૅન્કે કહ્યું છે કે લોકોએ પોતાના અકાઉન્ટની લોગિનની વિગતો, અંગત માહિતી, કેવાયસીના દસ્તાવેજોની નકલ, કાર્ડની માહિતી, પીન, પાસવર્ડ, ઓટીપી વગેરેની જાણ કોઈ અજાણી વ્યક્તિ કે એજન્સીને કરવી નહીં.

reserve bank of india business news