એશિયન બજારો સાથે ઘરઆંગણે સૅન્ટા રૅલીમાં બજાર બ્રૉડબેઝ્‍ડ મજબૂતી સાથે આગળ વધ્યું

23 December, 2025 08:56 AM IST  |  Mumbai | Anil Patel

અમેરિકન બજારમાં અકળ કારણસર શુક્રવારની મોડી રાતે ઇન્ફીનો ADR ૫૬ ઊછળી ૩૯ ડૉલરના બેસ્ટ લેવલે જઈ ત્યાંથી પટકાઈને ૧૯.૧૪ ડૉલરે બંધ થયો પણ એની આડઅસરમાં ઇન્ફી અહીં બમણા વૉલ્યુમે ૯ મહિનાની ટોચે જઈ ત્રણ ટકા વધ્યો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

એશિયન બજારોમાં નવા સપ્તાહનો આરંભ મજબૂત રહ્યો છે. ગઈ કાલે સાઉથ કોરિયા ૨.૧ ટકા, થાઇલૅન્ડ ૧.૧ ટકા, જપાન ૧.૮ ટકા, તાઇવાન ૧.૬ ટકા, સિંગાપોર પોણો ટકો, ચાઇના ૦.૭ ટકા, હૉન્ગકૉન્ગ સાધારણ વધીને બંધ થયું છે. સામે યુરોપ રનિંગમાં બહુધા નહીંવત્‍થી સામાન્ય માઇનસ હતું. બ્રેન્ટ ક્રૂડ એક ટકો વધી ૬૧ ડૉલર વટાવી ગયું છે. હાજર સોનું પોણાબે ટકાની મજબૂતીમાં ૪૪૧૦ ડૉલર તથા કૉમેકસ ગોલ્ડ સવા ટકો વધી ૪૪૪૫ ડૉલર તો ચાંદી વાયદામાં બે ટકા ઝળકીને ૬૯ ડૉલર નજીક દેખાઈ છે, મતલબ કે સોના-ચાંદીમાં નવી ઑલટાઇમ હાઈ બની છે. કૉપર ટિન ઍલ્યુમિનિયમ જેવી ઇન્ડસ્ટ્રિયલ મેટલ અડધાથી એક ટકો પ્લસ હતી. કૉપર નવી ટોચ સાથે ટનદીઠ ૧૨,૦૦૦ ડૉલર થવામાં છે. બિટકૉઇન એકાદ ટકો સુધરી ૮૯,૪૧૭ ડૉલર દેખાયો છે.

ચાલુ સપ્તાહ ૪ દિવસના કામકાજનું છે. ક્રિસમસને લઈ બજાર ગુરુવારે બંધ રહેશે. વિશ્વબજારો ક્રિસમસની લાંબી રજામાં જવાનાં છે. આમ સૅન્ટા રૅલીના માહોલમાં બજાર સોમવારે બ્રૉડબેઝ્ડ મજબૂતી સાથે વધુ આગળ વધ્યું છે. સેન્સેક્સ આગલા બંધથી ૨૧૭ પૉઇન્ટ પ્લસ, ૮૫,૧૪૬ નજીક ખૂલી ૬૩૮ પૉઇન્ટની આગેકૂચમાં ૮૫૫૬૭ તથા નિફ્ટી ૨૦૬ પૉઇન્ટ વધી ૨૬,૧૭૨ બંધ થયો છે. આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં રહેલા માર્કેટમાં શૅરઆંક નીચામાં ૮૫,૧૪૬ અને ઉપરમાં ૮૫,૬૦૧ થયો હતો. સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૨૨૫૫ શૅર સામે ૯૨૪ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૪.૦૩ લાખ કરોડના ઉમેરામાં ૪૭૫.૨૫ લાખ કરોડે આવી ગયું છે. તમામ સેક્ટોરલ વધ્યાં છે. મેટલ ઇન્ડેક્સ ૧.૩ ટકા, નિફ્ટી ડિફેન્સ ત્રણ ટકા, કૅપિટલ ગુડ્સ ૧.૭ ટકા કે ૧૦૯૮ પૉઇન્ટ, આઇટી ઇન્ડેક્સ બે ટકા, ઑઇલ-ગૅસ તથા ટેલિકૉમ પોણા ટકા આસપાસ મજબૂત જોવાયો છે. રોકડું બ્રૉડર માર્કેટ પોણાથી એક ટકો વધ્યું હતું.

આઇટી ઇન્ડેક્સ ૩૮,૨૪૧ની પાંચેક મહિનાની ટોચ બનાવી ૭૪૫ પૉઇન્ટ વધી ૩૮,૧૯૩ થયો છે અને એના ૭૭માંથી ૬૨ શૅર વધ્યા હતા. સાસ્કેન ૫૧ ગણા ભારે વૉલ્યુમે ૧૨.૪ ટકા ઊછળી ૧૩૩૦ બંધમાં મોખરે હતો. જૅપનીઝ મિત્સુબિશી દ્વારા આશરે ૪૦,૦૦૦ કરોડમાં ૨૦ ટકા હિસ્સો લેવાની જાહેરાતનો કરન્ટ જાળવી રાખતાં શ્રીરામ ફાઇનૅન્સ ૯૫૦ નજીક નવી ઑલટાઇમ હાઈ બનાવી ૩.૬ ટકા વધી ૯૩૪ના બંધમાં નિફ્ટી ખાતે ઝળકી છે. સેન્સેક્સમાં તાતા મોટર્સ પૅસેન્જરના સ્થાને આવેલી ઇન્ડિગોનો ભાવ ગઈ કાલે ૫૨૦૦ નજીક જઈ નજીવો ઘટીને ૫૧૪૬ થયો છે. ભારતી ઍરટેલ ૨.૩ ટકા વધીને ૨૧૪૫ તથા એનો પાર્ટપેઇડ ૧૭૨૯ના શિખરે જઈ ૩.૨ ટકા વધી ૧૭૨૫ રહ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ સવા ટકો વધી ૨૨૬૫ અને એનો પાર્ટપેઇડ ૨.૩ ટકા વધીને ૧૩૩૭ હતો. રિલાયન્સ અડધા ટકાના સુધારામાં ૧૫૭૫ રહી છે. જિયો ફાઇનૅન્સ અડધો ટકો પ્લસ હતી.

અમેરિકન બજારમાં શુક્રવારની રાતે ઇન્ફોસિસના ADRમાં જબરી ધમાલ મચી હતી, રોજના સરેરાશ ત્રણ લાખની સામે ૩૫ લાખ ADRના વૉલ્યુમ સાથે ૧૯ ડૉલર ખૂલી ૫૬ ટકાના જોરદાર ઉછાળામાં ૩૦ ડૉલરની સર્વોચ્ચ સપાટીએ જતાં ત્યાં ટ્રેડિંગ થંભાવી દેવાની ફરજ પડી હતી. ટ્રેડિંગ ફરી શરૂ થયા બાદ ભાવ ગગડીને છેલ્લે ૦.૪ ટકાના ઘટાડે ૨૦.૧૪ ડૉલર બંધ આવ્યો હતો. આવી તોફાની વધ-ઘટ કેમ થઈ એ એક રહસ્ય છે. જોકે અમેરિકામાં થયેલી આ ધમાલ પછી ગઈ કાલે ઘરઆંગણે ઇન્ફી સેન્સેક્સ ખાતે ઉપરમાં ૧૬૯૨ બતાવી ત્રણ ટકા ઊંચકાઈ ૧૬૯૦ બંધ આપી બજારને ૧૫૧ પૉઇન્ટ ફળ્યો છે. સાથે-સાથે વિપ્રો ૩.૧ ટકા, ટેક મહિન્દ્ર ૨.૧ ટકા, HCL ટેક્નો ૧.૪ ટકા, TCS સવા ટકો વધીને બંધ રહી છે. ટ્રેન્ટ ૩.૯ ટકા વધી ૪૨૨૦ હતી. ICICI બૅન્ક એક ટકો વધી ૧૩૬૮ થઈ છે. સ્ટેટ બૅન્ક અડધો ટકો ડાઉન હતી. બજાજ ઑટો ૧.૮ ટકા કે ૧૬૨ રૂપિયા વધી ૯૧૬૫ થઈ છે. દરમ્યાન MCX ૧૦,૮૪૫ની ઑલટાઇમ હાઈ બનાવી ૪.૮ ટકા કે ૪૯૦ રૂપિયા ઊછળી ૧૦,૭૯૫ બંધ આવી છે. BSE લિમિટેડ પણ ૩.૪ ટકા ઊંચકાઈ ૨૭૭૫ રહી છે. 

અમદાવાદી નાન્ટા ટેકમાં રોકાણ કરતી વખતે પ્રોફેક્સ ટેક પર નજર કરજો

આજે મંગળવારે એકસાથે પાંચ SME ભરણાં ખૂલવાનાં છે જેમાંથી ૩ મહારાષ્ટ્ર અને બે ગુજરાતનાં છે. એમાંથી ગિરગામની ધારા રેલ પ્રોજેક્ટ્સ રેલવેની રોલિંગ સ્ટૉક સિસ્ટમ્સના રિપેરિંગ અને મેઇન્ટેનન્સને લગતી વિવિધ સર્વિસ પૂરી પાડવાનું કામ કરે છે. સાદી ભાષામાં કહીએ તો રેલવેના પાટાનું સમારકામ કરે છે. ૨૦૧૦માં સ્થપાયેલી આ ગુજ્જુ કંપની ૧૦ના શૅરદીઠ ૧૨૬ની અપરબૅન્ડમાં ૫૦૨૦ લાખનો NSE SME IPO આજે કરશે. કંપનીએ ગયા વર્ષે ૪૦ ટકા વધારામાં ૪૮ કરોડની આવક પર ૧૨૦ ટકા વધારામાં ૬૫૩ લાખ નેટ નફો બતાવ્યો છે. પ્રથમ ૬ મહિનામાં ૨૮૮૩ લાખની આવક પર ૭૦૬ લાખ રૂપિયાનો નફો કરી નાખ્યો છે. ખૂંચે એવા છે. ઇશ્યુ બાદ ઇક્વિટી ૧૫૦૮ લાખ થશે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર લગભગ ઝીરોથી માંડી ૭ પૈસા છે. ગયા વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૨૯ પ્લસનો અગ્રેસિવ PE બતાવે છે. લીડ મૅનેજર હૅમ સિક્યૉરિટીઝ છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૮ રૂપિયા છે. બીજી કંપની પુણે ખાતેની ઇજનેરી કંપની ઍડમેક સિસ્ટમ્સ ૧૦ના શૅરદીઠ ૨૩૯ની અપરબૅન્ડમાં ૪૧૬૦ લાખનો BSE SME ઇશ્યુ કરવાની છે. ૨૦૦૮માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૧૭૦ ટકા વધારામાં ૫૩૫૨ લાખની આવક પર ૮૨ ટકા વધારામાં ૬૧૦ લાખ નફો બતાવ્યો છે. આ વર્ષે પ્રથમ ત્રણ મહિનામાં આવક ૨૩૦૬ લાખ તથા નફો ૩૦૨ લાખ કર્યો છે. દેવું ૧૦૧૫ લાખ છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર બહુધા ઝીરોથી માંડીને ૫૭ પૈસા છે. ગયા વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૨૬.૫૦ ઉપરનો PE બતાવે છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી. ત્રીજી કંપની લાતુરની બાઈ કાકાજી પૉલિમર્સ ૧૦ના શૅરદીઠ ૧૮૬ની અપરબૅન્ડમાં ૧૦૫ કરોડથી વધુનો BSE SME ઇશ્યુ આજે લાવી રહી છે. આ કંપની વિવિધ પ્રકારનું પૅકેજિંગ મઠીરિયલ્સ ખાસ કરીને પ્લાસ્ટિક્સ કૅપ્સ અને ક્લોઝર્સ (મતલબ કે પાણીની બૉટલ, હળવાં પીણાં, જૂસ તથા ડેરી પ્રોડક્ટ્સમાં વપરાતી પ્લાસ્ટિકની બૉટલ્સ પરનાં ઢાંકણાં) બનાવે છે. કંપનીએ ગયા વર્ષે ૧૨ ટકા વધારામાં ૩૩૨ કરોડ આવક પર ૯૬ વૃદ્ધિદરથી ૧૮૩૭ લાખ નફો કર્યો છે. ચાલુ વર્ષના ૬ મહિનામાં આવક ૧૬૮ કરોડથી વધુ અને નફો ૧૨૮૧ લાખ થયો છે. દેવું માર્ચ ૨૦૨૪ના અંતે ૪૦૭૧ લાખ હતું એ વધીને ૧૦૭ કરોડને વટાવી ગયું છે. ઇશ્યુમાંથી ૬૪ કરોડ દેવું ચૂકવવામાં વાપરશે. લીડ મૅનેજર જાણીતી ખેલાડી હૅમ સિક્યૉરિટીઝ છે. ઇશ્યુ બાદ ઇક્વિટી ૨૧૪૦ લાખ થશે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર ઝીરોથી માંડીને ૧૪૩ પૈસા છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૧૫થી શરૂ થયું છે.

ગુજરાતના મહેસાણાના મંડાલી ખાતે પટેલ ફૅમિલીની અપોલો ટેક્નો ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૧૩૦ની અપરબૅન્ડમાં ૪૭૯૬ લાખનો BSE SME IPO આજે કરશે. ૨૦૧૬માં સ્થપાયેલી આ કંપની કન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં વપરાતી વિવિધ ડ્રિલિંગ રીગ્સ તથા અન્ય સ્પેરપાર્ટસ બનાવે છે. ગયા વર્ષે ૪૪ ટકા વધારામાં ૯૯૬૬ લાખની આવક પર ૩૨૭ ટકાના વૃદ્ધિદરથી ૧૩૭૯ લાખ ચોખ્ખો નફો બતાવી દીધો છે. પ્રથમ ત્રણ મહિનામાં આવક ૨૪૬૭ લાખ અને નફો ૧૦૮ લાખ થયો છે. દેવું ૩૦૫૭ લાખ છે. ચાલુ વર્ષના ૩ મહિનાની કમાણી ઍન્યુલાઇઝ્ડ કરતાં ૧૩૬૯ લાખની પોસ્ટ IPO ઇક્વિટી પર ઇશ્યુ પ્રાઇસ ૪૧ પ્લસનો અતિ ઊંચો PE બતાવે છે. ગ્રેમાર્કેટમાં ૧૮થી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં ૮ ચાલે છે. પાંચની કંપની અમદાવાદના ગોતા ખાતેની નાન્ટા ટેક લિમિટેડ ઓઢિયા વિઝ્યુઅલ પ્રોડક્ટ્સના વેચાણમાં પ્રવૃત્ત છે. કંપની ઑલ્બોટિક્સ બ્રૅન્ડ હેઠળ રોબો સર્વિસિંગ બિઝનેસ પણ કરે છે. ૨૦૨૩માં સ્થપાયેલી આ કંપની ૧૦ના શૅરદીઠ ૨૨૦ની અપરબૅન્ડમાં ૩૧૮૧ લાખનો BSE SME ઇશ્યુ આજે કરવાની છે. ગયા વર્ષે ૯૩ ટકા વધારામાં ૫૧૨૪ લાખની આવક પર ૮૪ ટકા વધારામાં ૪૭૬ લાખ નેટ નફો કરનારી આ કંપનીએ ચાલુ વર્ષે ૬ મહિનામાં ૨૧૫૫ લાખની આવક તથા ૧૯૩ લાખ ચોખ્ખો નફો બતાવ્યો છે. આ કંપની જેવી જ એક અન્ય કંપની બૅન્ગલોરની પ્રોફેક્સ ટેક્નૉલૉજીઝ જૂન ૨૦૨૫ની આખરમાં ૧૦ના શૅરદીઠ ૮૭ની અપરબૅન્ડમાં ૪૦૩૦ લાખનો NSE SME IPO લાવી હતી. ઇશ્યુ ૨૫.૪ ગણો છલકાયો હતો. લિસ્ટિંગ ૯૯માં થયા બાદ ૧૫ જુલાઈએ શૅર ૧૩૭ના બેસ્ટ લેવલે જઈ તાજેતરમાં ૫૭ની અંદર ઑલટાઇમ બૉટમ બતાવી હાલ ૫૯ જેવો ચાલે છે. ઍનીવે, નાન્ટામાં ૧૫થી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં ૧૨ આસપાસ છે.

ડિફેન્સ તેમ જ મેટલ શૅરોમાં વૉલ્યુમ સાથે સાર્વત્રિક તેજી

ડ્રેજિંગ બિઝનેસમાં પ્રવૃત્ત ગોવંડી-ઈસ્ટની નૉલેજ મરીન ઍન્ડ એન્જિનિયરિંગ વર્ક્સ ૧૦ના શૅરના પાંચ રૂપિયાના વિભાજનમાં ગઈ કાલે એક્સ-સ્પ્લિટ થઈ છે. ભાવ ૧૯૬૫ની ટોચે જઈ પોણાનવ ટકા વધીને ૧૭૮૭ બંધ થયો છે. આ કંપની મિડ માર્ચ ૨૦૨૧માં ૧૦ના શૅરદીઠ ૩૭ના ભાવથી ૧૦૧૨ લાખ રૂપિયાનો BSE SME IPO લાવી હતી જે ૨.૯ ગણો ભરાયો હતો. ૨૦૨૧ની ૨૨ માર્ચે લિસ્ટિંગ ભાવ ૩૮.૨૫ બંધ થયો હતો. તાજેતરમાં ૧૬ ડિસેમ્બરે ૩૭૫૪ની વિક્રમી સપાટી એમાં બની હતી. જીઆરએમ ઓવરસીઝ એક શૅરદીઠ બે બોનસમાં બુધવારે બોનસ બાદ થશે. ભાવ ગઈ કાલે ૩.૭ ટકા વધી ૪૮૭ રહ્યા છે. ફેસવૅલ્યુ બેની છે.

વરુણા બેવરેજિસ દ્વારા ૧૧૧૯ કરોડની એન્ટરપ્રાઇઝિસ વૅલ્યુ સાથે સાઉથ આફિક્રાની નૉન આલ્કોહોલિક બેવરેજિસ કંપની ટ્વિઝાને સંપૂર્ણપણે હસ્તગત કરવાની જાહેરાત થઈ છે. બ્રોકરેજ હાઉસ સિટી ગ્રુપ દ્વારા ૬૭૫ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ અપાયું છે. શૅર ગઈ કાલે ત્રણ ગણા કામકાજે ઉપરમાં ૪૮૭ થઈ ૩.૪ ટકા વધી ૪૮૬ બંધ રહી છે. તાતા મોટર્સ કમર્શિયલમાં નોમુરાએ ૪૭૧ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ જારી કરતાં ભાવ ૪૧૪ની વિક્રમી સપાટી નોંધાવી સવાચાર ટકા વધી ૪૧૧ બંધ આવ્યો છે. જ્યારે તાતા મોટર્સ પૅસેન્જર જેને ગઈ કાલથી સેન્સેક્સમાંથી બાકાત કરવામાં આવી છે એ સવાયા કામકાજે ૧.૮ ટકા વધી ૩૫૯ થઈ છે.

વિશ્વબજારની પાછળ ઘરઆંગણે ચાંદી નવી સર્વોચ્ચ સપાટીએ જતાં હિન્દુસ્તાન ઝિન્ક ૬૧૦ના બેસ્ટ લેવલે જઈ ત્રણ ટકાની મજબૂતીમાં ૬૦૬ બંધ રહી છે. વેદાન્તા ૫૯૪ની ઉપર નવું શિખર મેળવી અડધો ટકો વધીને ૫૮૫ તો હિન્દાલ્કો ૮૭૩ નજીકની સૌથી ઊંચી સપાટી નોંધાવી દોઢ ટકા વધી ૮૬૪ બંધ હતી. હિન્દુસ્તાન કૉપર પણ ૪૦૯ નજીક નવો ઊંચો ભાવ દેખાડીને સવાચાર ટકા વધી ૪૦૪ થયો છે. નાલ્કો ૨૯૩ નજીક નવી ટૉપ હાંસલ કરી ૪.૨ ટકા ઊંચકાઈ ૨૯૦ હતો. મેટલ બેન્ચમાર્ક ૧૩માંથી ૧૨ શૅરની મજબૂતીમાં ૧.૩ ટકા કે ૪૫૯ પૉઇન્ટ વધ્યો છે. સેઇલ ૩.૩ ટકા અને લૉઇડ્સ મેટલ ૪.૪ ટકા વધી છે.

નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧૮માંથી ૧૮ શૅર પ્લસ આપી સર્વાધિક ૩.૧ ટકા ઊંચકાયો છે. કોચીન શિપયાર્ડ્સ સાડાસાત ટકા ઊછળી ૧૬૬૬, ગાર્ડનરિચ ૫.૬ ટકાના જમ્પમાં ૨૪૨૮ તથા માઝગાવ ડૉક ૫.૬ ટકાની તેજીમાં ૨૫૪૫ રહી છે. અન્ય ડિફેન્સ શૅરમાં એમટાર ટેક્નો ૫.૭ ટકા, સોલાર ઇન્ડસ્ટ્રીઝ પોણાછ ટકા કે ૭૦૨ રૂપિયા, ભારત અર્થમૂવર ૪.૮ ટકા, ઝેન ટેક્નૉલૉજીઝ ૨.૨ ટકા, પારસ ડિફેન્સ ૩.૬ ટકા, મિશ્ર ધાતુ નિગમ ૩.૭ ટકા, યુનિમેક ઍરોસ્પેસ ૩.૩ ટકા, ઍક્સિસ કેડ્સ ૩.૪ ટકા અપ હતી. આઇડિયા ફોર્જ ૧૬.૮ ટકાની તેજીમાં ૪૯૬ બંધ આપી મોખરે હતી.

કચ્છની નેપ્ચ્યુન લૉજીટેકમાં લિસ્ટિંગ સાથે ૨૪ ટકા મૂડી સાફ

ગઈ કાલે કચ્છની નેપ્જચ્યુન લૉજીટેક ૧૦ના શૅરદીઠ ૧૨૬ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ૩૫થી શરૂ થઈ વળતા દિવસે જ એક બોલાઇ છેલ્લે ઝીરો થઈ ગયેલા પ્રીમિયમ સામે ૧૦૧ ખૂલી ૯૬ બંધ થતાં એમાં ૨૪ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે. દરમ્યાન ગઈ કાલે મેઇનબોર્ડમાં ગુજરાત કિડનીનો બેના શૅરદીઠ ૧૧૪ની અપરબૅન્ડમાં ૨૫૧ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૪.૫ ગણા સહિત કુલ દોઢ ગણો ભરાયો છે. ૭વાળું પ્રીમિયમ હાલમાં ઘટીને ૩ રૂપિયા છે. તો SME ક્ષેત્રે EPW લિમિટેડનો પાંચના શૅરના શૅરદીઠ ૯૭ના ભાવનો ૩૧૮૧ લાખનો ઇશ્યુ ૨૦ ટકા, દાચીપલ્લી પબ્લિશર્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૨ના ભાવનો ૪૦૩૯ લાખનો ઇશ્યુ ૪૦ ટકા અને શ્યામ ધાણી ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવનો ૩૮૪૯ લાખનો ઇશ્યુ કુલ ૫૮ ગણો પ્રથમ દિવસે ભરાયો છે. શ્યામ ધાણીમાં ૨૧થી શરૂ થયેલું પ્રીમિયમ વધીને હાલમાં ૫૦ બોલાય છે. EPWમાં ઝીરો તથા દાચીપલ્લીમાં પણ ઝીરો પ્રીમિયમ છે. રાજસ્થાનના ઉદયપુરની ફાયટોકેમ રેમેડીઝનો ૧૦ના શૅરદીઠ ૯૮ના ભાવનો ૩૮૨૨ લાખનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૮૩ ટકા સહિત કુલ ૫૭ ટકા રિસ્પૉન્સમાં ગઈ કાલે પૂરો થયો છે. પ્રીમિયમ ઝીરો છે. ભાવિ અધ્ધરતાલ છે.

પુણેની KSH ઇન્ટરનૅશનલ પાંચના શૅરદીઠ ૩૮૪ની અપરબૅન્ડમાં ૨૯૦ કરોડની OFS સહિત કુલ ૭૧૦ કરોડનો ઇશ્યુ લઈને મૂડીબજારમાં આવી હતી એ ભરણું છેલ્લા આંકડા પ્રમાણે રીટેલમાં ૯૧ ટકા અને કુલ ૮૭ ટકા ભરાયું હતું. એનું લિસ્ટિંગ આજે થવાનું છે. પ્રીમિયમ નથી. કલકત્તાની સનડ્રેક્સ ઑઇલનો ૧૦ના શૅરદીઠ ૮૬ના ભાવનો ૩૨૨૫ લાખનો SME ઇશ્યુ પ્રથમ દિવસે ૮૫ ટકા ભરાયો છે. પ્રીમિયમ ૧૭ શરૂ થયું છે. 

business news share market stock market national stock exchange bombay stock exchange sensex nifty