10 May, 2025 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)એ નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે એના બે રૂપિયાની મૂળ કિંમતના ઇક્વિટી શૅર પર પાંચ રૂપિયાનું સ્પેશ્યલ અને ૧૮ રૂપિયાનું નૉર્મલ એમ શૅરદીઠ ૨૩ રૂપિયાનું કુલ ડિવિડન્ડ જાહેર કર્યું છે.
૩૧ માર્ચ ૨૦૨૫એ પૂરા થયેલા વર્ષના અંતે એક્સચેન્જનો એકત્રિત (કન્સોલિડેટેડ) વહેંચણીપાત્ર નફો ૧૩૨૬ કરોડ રૂપિયા થયો છે અને નેટ પ્રૉફિટ માર્જિન પચીસ ટકાથી સુધરીને ૪૧ ટકા થયું છે. કુલ આવક આગલા વર્ષની તુલનાએ ૧૦૩ ટકા વધીને ૩૨૩૬ કરોડ રૂપિયા થઈ છે. એકત્રિત કાર્યકારી નફો ગયા વર્ષના ૩૮૪ કરોડ રૂપિયાથી ૨૯૧ ટકા વધીને ૧૪૯૯ કરોડ રૂપિયા થયો છે.
નાણાકીય વર્ષ ૨૦૨૫માં BSEના ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કુલ ૩૦.૫ અબજ રૂપિયાના કૉન્ટ્રૅક્ટ્સનું કામકાજ થયું હતું, જેના દ્વારા ૧૪૧૫ કરોડ રૂપિયાની કુલ આવક થઈ હતી. BSE સ્ટાર એમએફ પ્લૅટફૉર્મ પર વ્યવહારોની સંખ્યા ૬૧ ટકા વધીને ૬૬.૩ કરોડ થઈ હતી જે ગયા વર્ષે ૪૧.૧ કરોડ હતી. આ સેગમેન્ટમાં BSEનો બજાર હિસ્સો ૮૯ ટકાનો રહ્યો છે.
BSEના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સુંદરરમણ રામમૂર્તિએ કહ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૫ BSE માટે સિદ્ધિઓનું રહ્યું છે. BSEએ ૧૫૦ વર્ષની કામગીરી પૂરી કરી છે. અત્યારે આ પ્રતિષ્ઠિત સંસ્થામાં કામ કરવાનો આનંદ છે. BSE એની સેન્સેક્સ બ્રૅન્ડ સાથે બધા સહભાગીઓ મારફત શ્રેષ્ઠ કામગીરી કરવાનું ચાલુ રાખશે.