BSEએ ડિસેમ્બર ક્વૉર્ટરમાં શ્રેષ્ઠ ત્રિમાસિક આવક હાંસલ કરી

11 February, 2026 10:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિસેમ્બર ક્વૉર્ટરમાં વહેંચણીપાત્ર કૉન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૧૭૪ ટકાના અસાધારણ વધારા સાથે ૬૦૨ કરોડ રૂપિયા રહ્યો હતો

ફાઇલ તસવીર

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)એ ૨૦૨૫ની ૩૧ ડિસેમ્બરે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાનાં અનઑડિટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યાં છે, જે મુજબ આ સમયગાળામાં એની કુલ આવક વાર્ષિક ધોરણે ૬૧ ટકા વધીને ૧૩૩૪ કરોડ રૂપિયા થઈ છે. ડિસેમ્બર ક્વૉર્ટરમાં વહેંચણીપાત્ર કૉન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૧૭૪ ટકાના અસાધારણ વધારા સાથે ૬૦૨ કરોડ રૂપિયા રહ્યો હતો, જે ગયા વર્ષના સમાનગાળામાં ૨૨૦ કરોડ રૂપિયા હતો. નેટ પ્રૉફિટ માર્જિન ૨૬ ટકાથી વધી ૪૫ ટકા રહ્યું હતું.

એક્સચેન્જનાં સારાં પરિણામો વિશે વાત કરતાં BSEના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુંદરરમણ રામમૂર્તિએ જણાવ્યું હતું કે ‘BSEનું ડિસેમ્બર ક્વૉર્ટરનું મજબૂત પ્રદર્શન અમારા પ્લૅટફૉર્મની મજબૂતાઈ અને BSEમાં બજારોના વિશ્વાસનો પુરાવો છે. રેકૉર્ડ SME લિસ્ટિંગ, વધતી જતી ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ ગતિવિધિઓ અને સ્ટાર મ્યુચ્યુઅલ ફન્ડ્સની સતત સફળતા સાથે અમે અમારા બધા વ્યવસાયોમાં નવીનતાને વેગ આપી રહ્યા છીએ. આગામી વર્ષોમાં અમે ઇનોવેશન, ટેક્નૉલૉજી-શ્રેષ્ઠતા અને બજાર-વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ.’

નાણાકીય વર્ષ ૨૦૨૫ – ’૨૬ના ત્રીજા ક્વૉર્ટરમાં BSEના મેઇન અને MME બોર્ડમાં ૯૯ નવી કંપનીઓનું લિસ્ટિંગ થયું હતું, જેમણે કુલ ૯૭,૬૫૭ કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. આ સમયગાળામાં BSEએ ૭૭૨ કરોડ ઇક્વિટી ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટ્સમાં ટ્રેડિંગ કરીને ૭૮૪ કરોડ રૂપિયાની આવક મેળવીને એક નવો રેકૉર્ડ કર્યો હતો.

business news bombay stock exchange