BSEએ SME કંપનીઓના મેઇન બોર્ડમાં સ્થળાંતર અને ડાયરેક્ટ લિસ્ટિંગના નિયમોને કડક બનાવ્યા

13 August, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વધુમાં કંપનીઓ પાસે છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષના પ્રત્યેકમાં ઓછામાં ઓછી ૩ કરોડ રૂપિયાની ટેન્જિબલ અસ્કયામતો હોવી જોઈશે અને ત્રણ વર્ષનો કૉમ્પ્લાયન્સ રેકૉર્ડ હોવો જોઈશે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)એ એક જવાબદાર માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ટરમીડિયરી (MII) તરીકે બજારની અખંડિતતા, રોકાણકારોના વિશ્વાસ અને આર્થિકવૃદ્ધિ માટે સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME) કંપનીઓના મેઇન બોર્ડમાં સ્થળાંતર અને ડાયરેક્ટ લિસ્ટિંગના નિયમોને કડક બનાવ્યા છે.

મેઇન બોર્ડમાં SME કે ડાયરેક્ટ લિસ્ટિંગના નિયમમાં એ ફેરફાર કરવામાં આવ્યો છે કે છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષમાં ૧૫ કરોડ રૂપિયાની નફાકારકતા અને એ પ્રત્યેક વર્ષમાં ઑપરેટિંગ નફો ઓછામાં ઓછો ૧૦ કરોડ રૂપિયા હોવો જોઈશે. અગાઉ આ આવશ્યકતા ત્રણ વર્ષમાંથી ઓછામાં ઓછાં બે વર્ષમાં કાર્યકારી નફો કરવાની હતી. એ જ પ્રમાણે ઓછામાં ઓછા ૨૫૦ શૅરહોલ્ડરની આવશ્કતા હતી એ વધારીને ૧૦૦૦ શૅરધારકોની કરવામાં આવી છે.

એ ઉપરાંત લિસ્ટિંગ ઇચ્છતી કંપનીના લિક્વિડિટી સંબંધિત નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં લિસ્ટેડ શૅરોના છેલ્લા છ મહિનામાં ઓછામાં ઓછા પાંચ ટકા શૅરોની વેઇટેડ ઍવરેજ સંખ્યાના શૅરોનું ટ્રેડિંગ તેમ જ આવા છ મહિનાના સમય ગાળામાં ઓછામાં ઓછા ૮૦ દિવસોમાં ટ્રેડિંગ થયું હોવું જોઈશે. વધુમાં કંપનીઓ પાસે છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષના પ્રત્યેકમાં ઓછામાં ઓછી ૩ કરોડ રૂપિયાની ટેન્જિબલ અસ્કયામતો હોવી જોઈશે અને ત્રણ વર્ષનો કૉમ્પ્લાયન્સ રેકૉર્ડ હોવો જોઈશે.

bombay stock exchange share market stock market business news mutual fund investment indian economy