ઘઉંમાં તેજી રોકવા કેન્દ્ર સરકાર આયાત ડ્યુટીમાં ઘટાડો કરે એવી સંભાવના

01 October, 2022 12:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘઉંમાં હાલમાં ૪૦ ટકાની આયાત ડ્યુટી : ડ્યુટી ઘટે તો પણ મોટી આયાત શક્ય નહીં

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ઘઉંના વધી રહેલા ભાવને નિયંત્રણમાં રાખવા માટે સરકાર હવે આયાત ડ્યુટીમાં ઘટાડો કે નાબૂદ કરે એવી સંભાવના છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ ત્રણ મહિના માટે લંબાવવાનો નિર્ણય લીધો છે, જેને પગલે બજારના સેન્ટિમેન્ટમાં બદલાવ આવ્યો છે.

ઘઉંની આયાત પર અત્યારે ૪૦ ટકાની આયાત ડ્યુટી લાગે છે, કેન્દ્ર સરકાર ડ્યુટીમાં ૨૦ ટકાનો ઘટાડો કરે અથવા તો સંપૂર્ણ ડ્યુટી નાબૂદ કરે એવી પણ સંભાવના રહેલી છે. હાલમાં ડ્યુટી નાબૂદ થાય તો પણ આયાતમાં પડતર નથી, પરંતુ સાઉથની કેટલીક મિલો ઘઉંની આયાત કરી શકે છે, કારણ કે સાઉથની મિલોને હાલ પૈસા દેતાં પણ પૂરતી માત્રામાં માલ મળતો નથી. પરિણામે જો સરકાર દ્વારા ડ્યુટી નાબૂદ થાય તો થોડી આયાત થઈ શકે છે.

ઘઉંના વેપાર સાથે સંકળાયેલા ટ્રેડરો કહે છે કે વૈશ્વિક ભાવ વધીને ૯ ડૉલરની ઊંચી સપાટી પર પહોંચી ગયા છે. ઘઉંમાં તેજી ચાલુ હોવાથી વર્તમાન સંજોગોમાં સરકાર ડ્યુટી નાબૂદ કરે તો પણ આયાત વેપારો થાય એવી શક્યતા નથી, પરંતુ આગળની તેજી અટકી શકે છે અને બજારના સેન્ટિમેન્ટલમાં બદલાવ આવશે.

કેન્દ્ર સરકારે ત્રણ મહિના માટે મફત અનાજની જાહેરાત કરી છે, પરંતુ એની મોટી અસર બજાર પર થાય એવું લાગતું નથી. સરકાર પાસે સ્ટૉક જ ઓછો પડ્યો છે. ઘઉંનો સ્ટૉક છેલ્લાં પાંચ વર્ષનો સૌથી નીચો અને બફર સ્ટૉકની નજીક પહોંચી ગયો છે. પરિણામે સરકાર આ યોજના હેઠળ ચોખાનું વિતરણ વધારે કરે એવી પૂરી સંભાવના દેખાઈ રહી છે. વર્તમાન સંજોગોમાં બજારમાં વેચવાલી પણ ઓછી છે.

ઘઉંના ભાવ છેલ્લા એક સપ્તાહમાં ત્રણ ટકા અને આટાના ભાવ પાંચ ટકા ઑલ ઇન્ડિયા લેવલે વધ્યા છે. છેલ્લા એક વર્ષમાં આ ભાવમાં ૧૯ ટકા અને ૧૫ ટકાનો વધારો થયો છે. ખાસ કરીને રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ વૈશ્વિક તેજી આવી છે, પરંતુ સરકારે નિકાસ પર નિયંત્રણો મૂક્યાં અને ઘઉંના પાકનો અંદાજ પણ નીચો મૂક્યો હોવાથી સરેરાશ ઘઉંની તેજી પૂરી થઈ ગઈ છે. હાલ સ્ટૉકિસ્ટોને સરેરાશ ક્વિન્ટલે ૩૦૦થી ૪૦૦ રૂપિયાનું સીધું નુકસાન છે, પરિણામે વેચવાલી આવી નથી.

સરકાર દ્વારા જો આયાત ડ્યુટીમાં ઘટાડો કે નાબૂદ કરવામાં આવે તો સ્ટૉકિસ્ટોની વેચવાલી આવી શકે છે, કારણ કે જો ડ્યુટી ઘટે અને લોકલ ભાવ બહુ વધી જાય તો આયાત વેપારો થવા લાગે એમ છે. પરિણામે સ્ટૉકિસ્ટોની વેચવાલી આવી જાય એવી ધારણા છે.

business news