કેન્દ્રનો મૂડીગત ખર્ચ વધ્યો : કોરોના પૂર્વેની સ્થિતિ આવી જવાનો અંદાજ

03 December, 2021 02:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યોમાં પણ એવું થવાની સંભાવના છે

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો મૂડીગત ખર્ચ હવે નાણાકીય વર્ષ ૨૦૧૯-’૨૦ના સ્તર કરતાં વધારે થઈ ગયો હોવાથી આર્થિક સ્થિતિ સુધરી રહી હોવાનું કહી શકાય. 
ક્રિસિલે તૈયાર કરેલા અને ગુરુવારે જાહેર કરાયેલા અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારનો મૂડીગત ખર્ચ કોરોના રોગચાળા પહેલાંના સ્તરને વટાવી ગયો છે. રાજ્યોમાં પણ એવું થવાની સંભાવના છે. એનો અર્થ એવો થયો કે રોગચાળાને લીધે સરકારના મૂડીગત ખર્ચના વલણમાં મોટો ફરક પડ્યો નથી. આ ખર્ચ જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) કરતાં વધુ દરે વધ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ નાણાકીય વર્ષમાં મૂડીગત ખર્ચના બજેટમાં રખાયેલા લક્ષ્યાંક સુધી પહોંચી જશે તો કોરોના પૂર્વેની સ્થિતિ આવી જશે. રાજકોષીય સ્થિતિ મુશ્કેલીભરી હોવા છતાં કેન્દ્રીય મૂડીગત ખર્ચ ગયા વર્ષની તુલનાએ ૩૧ ટકા વધ્યો છે. આ ખર્ચ રોગચાળા પહેલાંના સ્તર કરતાં ૧૨ ટકા વધારે રહેવાની ધારણા છે.
કેન્દ્ર સરકારે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં બજેટના લક્ષ્યાંકના ૪૧ ટકા જેટલો ખર્ચ કરી દીધો છે. ૧૬ મોટાં રાજ્યો માટેના ઉપલબ્ધ આંકડાઓ અનુસાર લક્ષ્યાંકના ૨૯ ટકા જેટલો જ ખર્ચ થયો છે. જો લક્ષ્યાંકના ૮૦થી ૮૫ ટકા જેટલો ખર્ચ થશે તો એકંદરે મૂડીગત ખર્ચ ૧૨ ટકા વધશે એવો અંદાજ છે.

business news