02 February, 2026 08:59 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સરકાર આગામી નાણાકીય વર્ષમાં પાનમસાલાના ઉત્પાદન પર વસૂલવામાં આવતા હેલ્થ ઍન્ડ નૅશનલ સિક્યૉરિટી સેસમાંથી ૧૪,૦૦૦ કરોડ રૂપિયા વસૂલવાની અપેક્ષા રાખે છે. ૧ ફેબ્રુઆરીથી પાનમસાલા પર ૪૦ ટકા ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) ઉપરાંત હેલ્થ ઍન્ડ નૅશનલ સિક્યૉરિટી સેસ લાગુ કરવામાં આવ્યો છે. હેલ્થ ઍન્ડ સિક્યૉરિટી સેસ પાનમસાલા મૅન્યુફૅક્ચરિંગ યુનિટ ઉત્પાદનક્ષમતા પર સેસ વસૂલ કરે છે. ૪૦ ટકા GST ધ્યાનમાં લીધા પછી પાનમસાલા પર કુલ કરવેરાનો હિસ્સો અત્યારે ૮૮ ટકાના સ્તરે જાળવી રાખવામાં આવશે.
સરકાર ચાલુ નાણાકીય વર્ષના બાકીના બે મહિના (ફેબ્રુઆરી-માર્ચ)માં હેલ્થ ઍન્ડ સિક્યૉરિટી સેસમાંથી ૨૩૩૦ કરોડ રૂપિયા અને ૨૦૨૬-’૨૭માં ૧૪,૦૦૦ કરોડ રૂપિયા મેળવવાની આશા રાખે છે.
પાનમસાલાનું ઉત્પાદન કરતા યુનિટ્સની ઉત્પાદનક્ષમતા પર વસૂલવામાં આવતા સેસમાંથી મળેલી રકમ આરોગ્ય બાબતે જાગૃતિ ફેલાવવા અથવા અન્ય આરોગ્ય સંબંધી યોજનાઓ કે પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
આ હેલ્થ-સેસનો હેતુ આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા એમ બે મહત્ત્વનાં ક્ષેત્રો માટે રિસોર્સિસ ઊભા કરવાનો છે. પાનમસાલા પર સેસ અને તમાકુ પર એક્સાઇઝ ડ્યુટી વસૂલવાની મંજૂરી ૨૦૨૫ના ડિસેમ્બરમાં સંસદ દ્વારા આપવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્યના નાણાપ્રધાનોથી બનેલી GST કાઉન્સિલે ૨૦૨૫ના સપ્ટેમ્બરમાં લોનની ચુકવણી બાદ વળતરરૂપે લગવાયેલી સેસ બંધ થશે. ત્યાર બાદ GST ઉપરાંત આવાં ઉત્પાદનો પર સેસ અને એક્સાઇઝ ડ્યુટી વસૂલવાનો નિર્ણય લીધો હતો.
GST કાઉન્સિલના નિર્ણય મુજબ COVID-19 પૅન્ડેમિક દરમ્યાન GST રેવન્યુના નુકસાન બદલ રાજ્યોને વળતર આપવા માટે લેવામાં આવેલી લોનની ચુકવણી પછી સેસ બંધ થઈ જશે. ૨.૬૯ લાખ કરોડ રૂપિયાની લોન ૨૦૨૬ની ૩૧ જાન્યુઆરી સુધીમાં ભરવાની રહેશે.