16 May, 2025 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ કૉઇનબેઝે જણાવ્યા મુજબ એના કેટલાક ગ્રાહકોનાં અકાઉન્ટનો ડેટા સાઇબર અટૅકમાં ચોરાઈ ગયો છે. આને લીધે એક્સચેન્જને ૧૮૦થી ૪૦૦ મિલ્યન ડૉલર જેટલું નુકસાન થઈ શકે છે. હૅકર્સે કંપનીનો ડેટા પાછો આપી દેવા માટે ૨૦ મિલ્યન ડૉલરની રકમ માગી છે જે ચૂકવવાની કંપનીએ ના પાડી દીધી છે. ચોરાયેલા ડેટામાં ગ્રાહકોનાં નામ, સરનામાં અને ઈ-મેઇલનો સમાવેશ થાય છે. હૅકર્સ ગ્રાહકોનાં યુઝરનૅમ અને પાસવર્ડ ચોરી શક્યા નથી. કંપનીએ એમ પણ જણાવ્યું છે કે હૅકર્સે કેટલાક ગ્રાહકો પાસેથી ડેટા પાછો આપવાના નામે પૈસા પડાવ્યા છે જેની ભરપાઈ કરી દેવાશે.
આ ઘટનાને પગલે સમગ્ર વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે ઘટાડાનો પવન ફૂંકાયો હતો. માર્કેટકૅપ ૨,૫૪ ટકા તૂટીને ૩.૨૫ ટ્રિલ્યન ડૉલરના સ્તરે પહોંચી ગયું હતું. બિટકૉઇનમાં ૧.૧૯ ટકા, ઇથેરિયમમાં ૨.૯૬, એક્સઆરપીમાં ૫.૪૪, સોલાનામાં ૪.૧૮. ડોઝકૉઇનમાં ૫.૬૧, કાર્ડાનોમાં ૬.૧૬, ટ્રોનમાં ૧.૮૪ અને ચેઇનલિંકમાં ૫.૨૩ ટકાનો ઘટાડો થયો હતો.
અન્ય એક અહેવાલ મુજબ યુક્રેન બિટકૉઇનની વ્યૂહાત્મક અનામત ઊભી કરનારો યુરોપનો પહેલો દેશ બને એવી શક્યતા છે. એણે ક્રિપ્ટોકરન્સી ક્ષેત્રના અગ્રણી એક્સચેન્જ બાઇનૅન્સ સાથે આ કાર્ય માટે સહયોગ સાધવાનું આયોજન કર્યું છે. યુક્રેનના સંસદસભ્ય યારોસ્લાવ ઝેલેઝનિયાક ટૂંક સમયમાં આને લગતો ખરડો સંસદમાં રજૂ કરે એવી શક્યતા છે. ઝેલેઝનિયાક દેશની નાણાકીય સમિતિના ઉપાધ્યક્ષ પણ છે. અગાઉ તેઓ અનેક ક્રિપ્ટોકરન્સીની વ્યૂહાત્મક અનામત બનાવવાની વાત કરી રહ્યા હતા, પરંતુ હવે તેઓ ફક્ત બિટકૉઇનની અનામત બનાવવા માગે છે. એક અહેવાલ મુજબ બાઇનૅન્સના મધ્ય એશિયા અને આફ્રિકા પ્રદેશના વડા કિરિલ ખોમયાકોવે કહ્યું છે કે યુક્રેનની સંસદમાં આ ખરડો પસાર કરવાનું સહેલું નથી. વળી, આ કામ ઝડપથી થાય એવું પણ નથી. જોકે, યુક્રેન ક્રિપ્ટોકરન્સી માટે સાનુકૂળ વલણ ધરાવે છે અને હાલ ડિજિટલ ઍસેટ્સના ક્ષેત્રે ઘણા સુધારાઓ કરી રહ્યું છે.