ડાયરેક્ટ ટૅક્સીસની વસૂલાત ૭૪ ટકા વધી ૫.૭૦ લાખ કરોડ રૂપિયા થઈ

25 September, 2021 05:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાણાં મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે પ્રત્યક્ષ કરવેરાની ચોખ્ખી વસૂલાત ૭૪.૪ ટકા વધીને ૫.૭૦ લાખ કરોડ રૂપિયા થઈ છે.

પ્રતીકાત્મક તસવીર

રિફંડની રકમ બાદ કર્યા પછી ૫,૭૦,૫૬૮ કરોડ રૂપિયાની પ્રત્યક્ષ કરવેરાની વસૂલાત થઈ છે. તેમાં કૉર્પોરેશન ટૅક્સના ૩.૦૨ લાખ કરોડ રૂપિયા અને વ્યક્તિગત આવકવેરાના ૨.૬૭ લાખ કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.

૨૦૧૯-૨૦ની તુલનાએ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ચોખ્ખી વસૂલાત (૧ એપ્રિલથી ૨૨ સપ્ટેમ્બર) ૨૭ ટકા વધી છે. અગાઉના નાણાકીય વર્ષ (૨૦૨૦-૨૧)માં ચોખ્ખી વસૂલાત સંગ્રહ ૩.૨૭ લાખ કરોડ રૂપિયાથી વધુ હતી.

૨૦૨૧-૨૨ નાણાકીય વર્ષ માટે પ્રત્યક્ષ કરવેરાની કુલ વસૂલાત ૬.૪૫ લાખ કરોડ રૂપિયાથી વધુ છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ગાળામાં ૪.૩૯ લાખ કરોડ રૂપિયાની હતી. આમ વસૂલાત ગયા નાણાકીય વર્ષની તુલનાએ ૪૭ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ૭૫,૧૧૧ કરોડ રૂપિયાનાં રિફંડ પણ જારી કરવામાં આવ્યાં છે.

business news