ક્રિપ્ટોકરન્સી જોખમી વિષય છે, પણ હાલ તેની જાહેરખબરો પર પ્રતિબંધ મૂકવાનો મુદ્દો સરકારની વિચારણા હેઠળ નથી

01 December, 2021 04:05 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

નાણાપ્રધાને જણાવ્યું છે કે ક્રિપ્ટોને લગતો નવો ખરડો પ્રધાનમંડળની મંજૂરી બાદ સંસદ સમક્ષ રજૂ કરવામાં આવશે

નિર્મલા સીતારમણ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે રાજ્યસભામાં ખુલાસો કર્યો હતો કે સરકાર ક્રિપ્ટોકરન્સીની જાહેરખબરો પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી નથી. ક્રિપ્ટો વિશેનો ખરડો પ્રધાનમંડળની મંજૂરી બાદ સંસદમાં રજૂ કરવામાં આવશે. 
નાણાપ્રધાને કહ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી જોખમી બાબત છે. હાલ એ નિયમન હેઠળ નથી. તેની જાહેરખબરો પર પ્રતિબંધ મૂકવાનું વિચાર્યું નથી, પરંતુ જનતાને રિઝર્વ બૅન્ક અને સેબી મારફતે તેના વિશે સાવચેત રહેવાનું કહેવામાં આવી રહ્યું છે. 
પ્રસાર માધ્યમોમાં ક્રિપ્ટો વિશે ગેરમાર્ગે દોરનારી જાહેરખબરો આવે છે એ સંબંધે તેમણે કહ્યું હતું કે ઍડ્વર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાની માર્ગદર્શિકાનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને ક્રિપ્ટોના નિયમન બાબતે પણ વિચાર થઈ રહ્યો છે. દેશમાં ક્રિપ્ટોકરન્સી નિયમન હેઠળ નથી અને સરકાર એના વ્યવહારોના ડેટા એકઠા કરતી નથી. 
નોંધનીય છે કે સરકારે એક રિસર્ચ કંપની મારફતે વર્ચ્યુઅલ કરન્સી વિશે જુલાઈ ૨૦૧૭માં અભ્યાસ કરાવ્યો હતો. ત્યાર બાદ સરકારે વર્ચ્યુઅલ કરન્સીને લગતા મુદ્દાઓનો અભ્યાસ કરવા નવેમ્બર ૨૦૧૭માં મંત્રાલયોના પ્રતિનિધિઓની સમિતિ રચી હતી. એ સમિતિએ ભારતમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી. 
સીતારમણે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે લોકસભાની કાર્યવાહીમાં નોંધાવાયેલો ક્રિપ્ટોને લગતો ખરડો જૂનો છે. નવો ખરડો ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. 
નોંધનીય છે કે ગયા સપ્તાહે પ્રગટ થયેલા અહેવાલો અનુસાર સરકાર સંસદના વર્તમાન સત્રમાં ક્રિપ્ટોકરન્સીને લગતો ખરડો રજૂ કરવાની છે. તેને પગલે દેશનાં ક્રિપ્ટો એક્સચેન્જોમાં ક્રિપ્ટોકરન્સીમાં મોટાપાયે વેચવાલી થઈ હતી. 
દરમ્યાન નિર્મલા સીતારમણે એમ પણ જણાવ્યું હતું કે નોન ફંજિબલ ટોકન્સ (એનએફટી)નું નિયમન કરવા બાબતે પણ કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. ક્રિપ્ટોકરન્સી પ્રચલિત થઈ જવાને પગલે એનએફટી માર્કેટમાં પણ વૈશ્વિક સ્તરે ઉછાળો આવ્યો છે. 

business news nirmala sitharaman