ચાલુ ખાતાની ખાધ ત્રણ ટકાની અંદર રહેશે

01 October, 2022 12:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડીને સાત ટકા કરાયો

ફાઇલ તસવીર

ડેપ્યુટી ગવર્નર માઇકલ પાત્રાએ શુક્રવારે જણાવ્યું હતું કે, રિઝર્વ બૅન્કને ચાલુ નાણાકીય વર્ષમાં ચાલુ ખાતાની ખાધ જીડીપીના ત્રણ ટકાની નીચે રહેવાની અપેક્ષા છે.

ચાલુ ખાતાની ખાધ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ‘સાધારણ રીતે વિસ્તરશે’ અને બીજા અર્ધવાર્ષિક ગાળામાં સંકુચિત થશે.

રિઝર્વ બૅન્કે ઑફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર ડેટાના એક દિવસ બાદ આ ટિપ્પણીઓ આવી છે કે નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ખાધ વધીને જીડીપીના ૨.૮ ટકા થઈ ગઈ છે, જે ગત નાણાકીય વર્ષમાં ૧.૨ ટકા જ હતી.

જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડીને સાત ટકા કરાયો

ભારતીય રિઝર્વ બૅન્કે શુક્રવારે વિસ્તૃત ભૌગોલિક રાજકીય તનાવ અને વૈશ્વિક સ્તરે આક્રમક નાણાકીય નીતિ કડક થવાને કારણે ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિના અંદાજને અગાઉના અંદાજિત ૭.૨ ટકાથી ઘટાડીને સાત ટકા કર્યો છે.

આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે વિસ્તૃત ભૌગોલિક રાજકીય તનાવ, વૈશ્વિક નાણાકીય પરિસ્થિતિઓમાં કઠોરતા અને એકંદર માગના બાહ્ય ઘટકમાં સંભવિત ઘટાડાથી વિકાસ માટે જોખમ ઊભું થઈ શકે છે. બૅન્કે એપ્રિલમાં જીડીપી વૃદ્ધિના અંદાજને ૭.૮ ટકાના અગાઉના અનુમાનથી ઘટાડીને ૭.૨ ટકા કર્યો હતો.

ઘરના વેચાણ પર સીધી અસર થશે

રેપોરેટમાં વધારો કરવાના આરબીઆઇના નિર્ણયથી ગ્રાહકોની ખરીદીના સેન્ટિમેન્ટને અસર થશે, પરંતુ સસ્તી અને મધ્યમ આવકની શ્રેણીમાં હાઉસિંગના વેચાણ પર તેની મધ્યમ અસર પડશે, એમ ઉદ્યોગના નિષ્ણાતોનો અભિપ્રાય છે.

રેપોરેટમાં ૫૦ બેસિસ પૉઇન્ટના વધારા સાથે હોમ લોન પરના વ્યાજદરો વધશે અને ઘર ખરીદવાની પોષણક્ષમતા ઘટશે, એમ તેઓએ જણાવ્યું હતું. જોકે, પ્રૉપર્ટી ડેવલપર્સ અને કન્સલ્ટન્ટને લાગે છે કે હાલની તહેવારોની માગને ધ્યાનમાં રાખીને અસર મર્યાદિત રહેશે.

business news