17 May, 2025 08:13 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પારસ ડિફેન્સ, માઝગાવ ડૉક, કોચીન શિપયાર્ડ, ભારત અર્થમૂવર, ડેટા પેટર્ન્સમાં સેંકડા ફરી ગયા, ઝેન ટેક્નૉલૉજીસ સતત ઉપલી સર્કિટમાં : સારાં પરિણામ પછી પૉલિસી બાઝાર, એલાઇડ બ્લેન્ડર્સ, ગોદરેજ ઇન્ડ, ગૉડફ્રે ફિલિપ્સ, પતંજલિ ફૂડ્સ પ્રૉફિટ બુકિંગમાં ઘટ્યા : પાકિસ્તાની બજાર ઑલટાઇમ હાઈની નજીક જઈ ૩૬૬ પૉઇન્ટ ડાઉન
આગલા દિવસના ૧૨૦૦ પૉઇન્ટના જમ્પ પછી થાકોડો ખાવાના મૂડમાં સેન્સેક્સ શુક્રવારે ૨૦૦ પૉઇન્ટ અને નિફ્ટી ૪૨ પૉઇન્ટની મામૂલી પીછેહઠમાં બંધ થયા છે. સેન્સેક્સ આગલા બંધ સામે ૧૩૮ પૉઇન્ટના ઘટાડે ૮૨,૩૯૨ ખૂલી ઉપરમાં ૮૨,૫૧૫ અને નીચામાં ૮૨,૧૪૭ થઈ ૮૨,૩૩૦ બંધ આવ્યો છે. નિફ્ટી ઉપરમાં ૨૫,૦૭૦ બતાવી ૨૫,૦૨૦ નજીક રહ્યો છે. એકંદર સુસ્ત બજારમાં ડિફેન્સમાં ઘડબડાટી જોવા મળી છે. ડિફેન્સ સેક્ટરના સંખ્યાબંધ શૅર તગડા વધારામાં બંધ થયા છે, ઘણી બધી જાતો નવા બેસ્ટ લેવલે ગઈ છે. રોકડું અને બ્રૉડર માર્કેટ પણ પ્રમાણમાં સારું રહ્યું છે. એના બેન્ચમાર્ક પણ ૫-૬ દિવસથી એકધારા પ્લસમાં રહ્યા છે. સેન્સેક્સ નિફ્ટીની નહીંવત નરમાઈ સામે સ્મૉલકૅપ સવા ટકો, મિડકૅપ એકાદ ટકો, રિયલ્ટી પોણાબે ટકા, પાવર અને યુટિલિટીઝ ૧.૪ ટકા, કૅપિટલ ગુડ્સ ૧.૭ ટકા, ઑઇલ-ગૅસ અને ઑટો બેન્ચમાર્ક અડધો ટકો પ્લસ હતા. સામે આઇટી ઇન્ડેક્સ પોણો ટકો, ટેક્નૉલૉજીસ બેન્ચમાર્ક સવા ટકો, મેટલ અને નિફ્ટી ફાર્મા નહીંવત ઢીલા હતા. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ગઈ કાલે સાડાપાંચ ટકા અને સપ્તાહમાં ૧૧ ટકા વધી ગયો છે. NSEમાં વધેલા ૧૭૯૦ શૅરની સામે ૮૨૭ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૨.૬૪ લાખ કરોડ રૂપિયા વધીને ૪૪૨.૮૫ લાખ કરોડ નજીક આવી ગયું છે.
બહુમતી એશિયન બજાર હળવા સુધારામાં હતાં. ઇન્ડોનેશિયા એક ટકો, તાઇવાન અડધો ટકો તથા અન્યત્ર નહીંવત સુધારો હતો. યુરોપ રનિંગમાં અડધા ટકા આસપાસ વધેલું હતું. પાકિસ્તાની શૅરબજાર ૧,૧૯,૯૬૨ના આગલા બંધ સામે ગઈ કાલે ઉપરમાં ૧,૨૦,૫૦૬ બતાવી અંતે ૩૬૬ પૉઇન્ટના ઘટાડે ૧,૧૯,૫૯૬ દેખાયું છે. ઑલટાઇમ હાઈ ૧,૨૦,૭૯૭ની છે. બ્રેન્ટ ક્રૂડ ૬૫ ડૉલર નજીક તો નાયમેક્સ ક્રૂડ ૬૨ ડૉલર નજીક ટેકલું હતું. હાજર સોનું બે ટકા ઘટી ૩૧૭૫ ડૉલર તથા કોમેક્સ ગોલ્ડ દોઢ ટકાની નરમાઈમાં ૩૧૮૧ ડૉલર ચાલતું હતું. બિટકૉઇન રનિંગમાં ૧,૦૩,૭૪૦ ડૉલર દેખાયો છે.
ઇન્ડ્સઇન્ડ બૅન્કનાં પરિણામ ૨૧મીએ છે. બૅન્કમાં ડેરિવેટિવ્સમાં હિસાબી ગોલમાલ પછી માઇક્રો ફાઇનૅન્સ સેગમેન્ટમાં પણ અકાઉન્ટિંગ ગડબડ થઈ હોવાની નવી કબૂલાત જાહેર થઈ છે. આ બન્નેની સંયુક્ત અસરમાં બૅન્કને પ્રોવિઝનિંગ પેટે માર્ચ ક્વૉર્ટરનાં રિઝલ્ટમાં ૩૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવી પડશે એવી ધારણા છે. સાદી ભાષામાં કહીએ તો બૅન્કમાં આશરે ૩૦૦૦ કરોડ રૂપિયાનો ફ્રૉડ કે ગોલમાલ થઈ છે. શૅરમાં ડાઉન રેટિંગ શરૂ થયું છે. આમ છતાં ભાવ ગઈ કાલે બે રૂપિયા જેવો સુધરી ૭૮૨ બંધ થયો એની નવાઈ છે.
હ્યુન્દાઇ મોટર્સે માર્ચ ક્વૉર્ટરની આવકમાં અઢી ટકા વધારા વચ્ચે નફામાં ૪ ટકાનો ઘટાડો જાહેર કર્યો છે. શૅર રિઝલ્ટ પૂર્વે સવા ટકો વધીને ૧૮૬૦ નજીક બંધ હતો. દિલ્હીવરી ૬૮ કરોડની નેટ લૉસમાંથી ૭૨ કરોડના ચોખ્ખા નફામાં આવી છે. પરિણામ પૂર્વે ભાવ અડધો ટકો ઘટીને ૩૨૨ બંધ રહ્યો છે. ગુજરાત આલ્કલી પણ ૪૬ કરોડની ખોટમાંથી પોણાનવ કરોડના નફામાં આવી છે. શૅર પરિણામ પૂર્વે ૬૫૩ના લેવલે ફ્લૅટ હતો. સ્ટરલાઇટ ટેક્નૉલૉજીની નેટલૉસ બાવીસ કરોડથી વધી ૪૦ કરોડ થઈ છે. શૅર રિઝલ્ટ પૂર્વે ૯.૭ ટકાની તેજીમાં ૭૬ નજીક બંધ હતો. ભાવ સોમવારે બગડશે.
ડિફેન્સમાં દમદાર તેજી, જાતેજાતમાં વૉલ્યુમ સાથે તગડો જમ્પ
ડિફેન્સ ઇન-થિંગ છે. આ સેક્ટરના શૅરમાં તેજીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. પારસ ડિફેન્સ બમણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૮૧૭ની નવી વિક્રમી સપાટી બનાવી ૧૯ ટકા કે ૨૮૬ રૂપિયા વધીને ૧૮૦૦ બંધ થઈ છે. કોચીન શિપયાર્ડનો ત્રિમાસિક નફો ૧૧ ટકા જેવો વધી ૨૮૭ કરોડ આવ્યો છે. એમાં શૅર ૬ ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૨૦૬૭ બતાવી ૧૨.૩ ટકા કે ૨૨૨નો જમ્પ મારીને ૨૦૩૪ બંધ હતો. માઝગાવ ડૉક ૩૫૭૯ની નવી ટૉપ હાંસલ કરીને ૩૪૨ રૂપિયા કે ૧૦.૮ ટકાના ઉછાળે ૩૫૨૫ રહી છે. ગાર્ડન રિચશિપ બિલ્ડર્સ ત્રણ ગણા વૉલ્યુમે ૨૫૬૧ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૯.૮ ટકા કે ૨૨૧ રૂપિયા ઊંચકાઈ ૨૪૮૧ હતી. ભારત ડાયનેમિક્સે ૧૯૪૦ની નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી બે ટકાની આગેકૂચમાં ૧૮૪૨ બંધ આવ્યો છે. ઝેન ટેક્નૉલૉજીસ ઉપલી સર્કિટ જારી રાખતાં પાંચ ટકા વધી ૧૭૯૫ નજીક સરકી છે. ૭ મેએ ભાવ ૧૩૩૯ હતો. BEML કે ભારત અર્થમૂવર ૩૬૮૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ આઠ ટકા કે ૨૬૮ રૂપિયા વધી ૩૬૫૯ હતી. આ ઉપરાંત સિકા ઇન્ટરપ્લાન્ટ પાંચ ટકા, ભારત ઇલેક્ટ્રૉનિક્સ ૩.૯ ટકા, અપોલો માઇક્રો સિસ્ટમ્સ ૨.૭ ટકા, એમટાર ટેક્નૉ સાડાપાંચ ટકા, હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ ૫.૪ ટકા કે ૨૬૨ રૂપિયા, આઇડિયા ફોર્જ પાંચ ટકા, તનેજા ઍરોસ્પેસ બે ટકા, જેકે એન્ટરપ્રાઇઝિસ સવાત્રણ ટકા, યુનિમેક ઍરોસ્પેસ ૫.૬ ટકા, ડેટા પેટર્ન્સ ૨૪૩ રૂપિયા કે સવાનવ ટકા મજબૂત બની છે. એસ્ટ્રા માઇક્રોવેવ ૧૦૯૮ના શિખરે જઈ સાત ટકા વધીને ૧૦૭૩ હતી. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ સળંગ છઠ્ઠા દિવસની આગેકૂચમાં ૧૮માંથી ૧૭ શૅરની મજબૂતીમાં ૮૩૭૭ના બેસ્ટ લેવલે જઈ સાડાપાંચ ટકા ઊછળી ૮૩૦૯ બંધ થયો છે. પ્રીમિયર એકસ્પ્લોઝિવ્સ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૫૧૭ થઈ ૧૪.૭ ટકાના ઉછાળે ૪૯૪ હતી. અન્ય એક્સ્પ્લોઝિવ્સ કંપની GOCL કૉર્પોરેશન છ ટકાના ઉછાળે ૩૧૫ થઈ છે.
ભારત ઇલેક્ટ્રિક નવા શિખર સાથે નિફ્ટીમાં બેસ્ટ ગેઇનર બની
સિંગટેલ તરફથી ભારતી ઍરટેલમાં ૭૧૦ લાખ શૅર કે આશરે ૧.૨ ટકા હિસ્સો શૅરદીઠ ૧૮૧૪ના ભાવથી બ્લૉકડીલ મારફત વેચાયો છે એના પગલે ભારતી ઍરટેલ જંગી વૉલ્યુમે નીચામાં ૧૮૧૦ બતાવી પોણાત્રણ ટકા ગગડી ૧૮૧૫ના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ લૂઝર બની સેન્સેક્સને ૧૨૧ પૉઇન્ટ નડી છે. HCL ટેક્નૉલૉજીસ બે ટકા, સ્ટેટ બૅન્ક બે ટકાની નજીક, ઇન્ફોસિસ દોઢ ટકા, ટેક મહિન્દ્ર પોણો ટકો અને TCS અડધો ટકો નરમ હતા. નિફ્ટીમાં આ ઉપરાંત શ્રીરામ ફાઇનૅન્સ ૧.૪ ટકા, JSW સ્ટીલ ૧.૬ ટકા, વિપ્રો ૦.૯ ટકા, અપોલો હૉસ્પિટલ અને ગ્રાસિમ પોણો ટકો તેમ જ હિન્દાલ્કો અડધો ટકો ડાઉન હતા.
નિફ્ટીમાં ભારત ઇલેક્ટ્રિક ૩૭૧ના શિખરે જઈ પોણાચાર ટકાની મજબૂતીમાં ૩૬૪ બંધ આપી મોખરે હતી. બજાજ ઑટો ૧.૯ ટકા કે ૧૫૬ રૂપિયા, તાતા કન્ઝ્યુમર ૧.૮ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ ૧.૪ ટકા પ્લસ હતી. સેન્સેક્સમાં ઝોમાટોવાળી એટર્નલ ૧.૪ ટકા વધી ૨૪૬ના બંધમાં બેસ્ટ ગેઇનર બની છે. હિન્દુસ્તાન યુનિલીવર અને એશિયન પેઇન્ટ્સ એક ટકા આસપાસ, આઇટીસી પોણો ટકો વધી હતી. રિલાયન્સ નજીવા સુધારે ૧૪૫૬ વટાવી ગઈ છે. ICICI બૅન્ક ૧૪૫૮ ઉપર નવા શિખરે જઈ નહીંવત સુધારામાં ૧૪૫૨ હતી.
‘એ’ ગ્રુપમાં પારસ ડિફેન્સ પછી આઇએફસીઆઇ અને રાઇટ્સ ૧૫.૭ ટકા, ટીટાગર રેલ પોણાતેર ટકા, યુરેકા ફૉર્બ્સ ૧૧.૩ ટકા વધ્યા હતા. રોકડામાં ન્યુક્લિયસ સૉફ્ટવેરનો નફો ૪૬ કરોડથી વધુ ૬૪ કરોડને વટાવી જતાં શૅર ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૯૭ રૂપિયા ઊછળી ૧૧૮૪ બંધ રહ્યો છે. પારાદીપ ફૉસ્ફેટ આઠ ટકા નજીકની ખરાબીમાં ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર હતી. પરિણામ પાછળ ન્યુલૅન્ડ લૅબ ૬.૯ ટકા કે ૮૧૭ના ધબડકામાં ૧૧,૦૫૩ બંધ થઈ છે. કંપનીનો નફો ૫૯ ટકા ખરડાઈ ૨૮ કરોડ આવતાં માનસ બગડ્યું છે.
નફો ઘટવા છતાં બિકાજી ફૂડ્સ અને જીઆર ઇન્ફ્રામાં મજબૂતી
ક્રૉમ્પ્ટન ગ્રિવ્સે ૨૯ ટકાના વધારામાં ૧૭૨ કરોડ જેવો નેટ નફો કર્યો છે. નુવામાએ ૪૬૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો લૉક આપ્યો છે. શૅર ૧૪ ગણા કામકાજે ૭.૩ ટકા ઊચકાઈ ૩૫૧ બંધ થયો છે. પૉલિસી બાઝાર ફેમ પીબી ફિનટેકનો ત્રિમાસિક નફો ૧૮૨ ટકા જેવા વધારામાં ૧૭૧ કરોડ નજીક જોવાયો છે. શૅર ઉપરમાં ૧૮૫૫ થયા બાદ ભારે પ્રૉફિટ બુકિંગમાં ગગડી ૧૭૩૫ બતાવી સવા ટકો ઘટી ૧૭૫૨ બંધ હતો. એલાઇડ બ્લેન્ડર્સ ૨૪૧ લાખની ચોખ્ખી ખોટમાંથી ૭૮૬૦ લાખના નેટ નફામાં આવવા છતાં શૅર ૪.૬ ટકા ગગડી ૩૯૦ રહ્યો છે. એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સનો નફો ૨૫ ટકા વધી ૧૩૬૮ કરોડ આવ્યો છે, પણ શૅર પોણો ટકો ઘટીને ૬૨૦ થયો છે. JSW એનર્જીનો નફો ૧૬ ટકા વધતાં ભાવ ૩.૪ ટકા વધી ૫૦૪ હતો, જ્યારે એબોટ ઇન્ડિયા ૨૮ ટકાની નફાવૃદ્ધિ છતાં માત્ર ૦.૩ ટકા સુધરી ૩૦,૪૬૭ રહી છે.
બાબા રામદેવની પતંજલિ ફૂડ્સે ૭૪ ટકા જેવા વધારા સાથે ૩૫૮ કરોડ નેટ નફો મેળવ્યો છે. શૅર ઉપરમાં ૧૮૩૯ બતાવી છેવટે દોઢેક ટકા ઘટી ૧૭૮૧ હતો. ગૉડફ્રે ફિલિપ્સે ૩૦ ટકાના વધારામાં ૨૭૯ કરોડ ચોખ્ખો નફો દર્શાવીને શૅરદીઠ ૬૦ રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ઉપરમાં ૯૨૪૦ થઈ પ્રોફિટ બુકિંગમાં પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૪૬૦ રૂપિયા ગગડી ૮૭૪૦ બંધ થયો છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ૩૧૨ કરોડની નેટ લૉસમાંથી ૧૮૩ કરોડના નેટ નફામાં આવી છે. ભાવ ૧.૪ ટકા જેવા સુધારે ૧૧૪૧ હતો. બિકાજી ફૂડ્સનો નફો ૬૨ ટકા જેવા ગાબડામાં ૪૪૬૦ લાખ નોંધાયો છે, પરંતુ શૅર સવા ટકો સુધરી ૭૨૧ બંધ આવ્યો છે. જીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટસે ૨૭ ટકાના ઘટાડામાં ૪૦૩ કરોડનો નેટ નફો જાહેર કર્યો છે. જોકે શૅર સાડાપાંચ ટકા ઊચકાઈ ૧૨૦૮ થયો છે. પ્રીકૉલ લિમિટેડ પોણાસોળ ટકાની પીછેહઠમાં ૩૫ કરોડ જેવો નફો કર્યો છે એમાં શૅર ૫.૬ ટકા બગડી ૪૩૯ બંધ આવ્યો છે.