અર્થતંત્રને વેગવંતું બનાવવા ટેક્સટાઇલ્સ, ફુટવેઅર, ફૂડ પ્રોસેસિંગ જેવાં શ્રમ આધારિત ક્ષેત્રોને પ્રોત્સાહન આપવું

31 January, 2025 08:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑડિટ, કન્સલ્ટિંગ, ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝરી કંપની ડેલોઇટ ઇન્ડિયાએ દેશની વર્તમાન આર્થિક સ્થિતિનું વિશ્લેષણ કરીને આગામી અંદાજપત્રમાં મજબૂત અર્થતંત્ર માટે રખાયેલી અપેક્ષાઓ વિશેનો વિસ્તૃત અહેવાલ સુપરત કર્યો છે, જેનો અમુક અંશ અહીં પ્રસ્તુત છે

પ્રતીકાત્મક તસવીર

ડેલોઇટ ઇન્ડિયાનાં અર્થશાસ્ત્રી ડૉ. રુમકી મજુમદાર કહે છે, ‘સરકાર દ્વારા લેવાતાં નિયમિત પગલાંને કારણે બેરોજગારીનો દર સતત ઘટી રહ્યો છે. સરકાર કૌશલ્ય વિકાસ અને રોજગારી સર્જન પર અગ્રતાના ધોરણે કામ કરશે એવું જણાય છે. લાંબા સમયથી ફુગાવો મોટો પડકાર બની રહ્યો છે અને એ માટે સપ્લાય ચેઇન વધુ જવાબદાર હોવાથી એવી આશા રાખવામાં આવે છે કે સરકાર માગ સંતોષવા માટેનાં પગલાંને બદલે મુખ્યત્વે સપ્લાય પક્ષે રહેલા પડકારોનો ઉકેલ લાવવા પર ધ્યાન આપે. ખાદ્ય પદાર્થોમાં વધી રહેલો ફુગાવો માગને મંદ કરી રહ્યો છે એટલે સરકારે ફૂડ કૂપન્સ જેવી સીધી રાહતો ગ્રામીણ વિસ્તારોમાં પૂરી પાડવી જોઈએ. ભૂરાજકીય સ્થિતિ જોતાં નિકાસક્ષેત્રે સ્થાન ટકાવી રાખવાનું મુશ્કેલ બનવાનું છે એટલે સરકારે વૈશ્વિક વેપારમાં સ્થિતિ મજબૂત બનાવવા માટેનાં પગલાં લેવાં જોઈશે. સરકારે માળખાકીય ક્ષેત્ર માટે ખર્ચ વધારવાની એની નીતિ ચાલુ રાખવી જોઈએ એવું સૂચન છે.’

ડૉ. મજુમદાર બજેટમાં પ્રમાણેનાં પગલાં લેવાની ભલામણ કરે છે :

ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા શ્રમ આધારિત ક્ષેત્રો જેવાં કે ટેક્સટાઇલ્સ, ફુટવેઅર અને ફૂડ પ્રોસેસિંગને પ્રોત્સાહન પૂરું પાડવું.

કૌશલ્ય અને ટેકક્નૉલૉજીના વિકાસ માટે અધિક સંસાધનોની ફાળવણી કરીને વેપાર સાહસોને પ્રોત્સાહન આપવું.

ફુગાવાને ડામવા સપ્લાય ચેઇનમાં સુધારો કરવા કોલ્ડ સ્ટોરેજનું નેટવર્ક સ્થાપવા સહિતનાં પગલાં લેવાં.

કૃષિ પદાશોના વેચાણમાં ઇન્ટરમિડિયરીઝને હટાવવા ડિજિટલ પ્લૅટફૉર્મ્સને પ્રોત્સાહન પૂરું પાડવું.

જાહેર વિતરણ વ્યવસ્થા મારફત સાવ ગરીબ વર્ગ સુધી અન્ન પહોંચાડવું.

ખાનગી ક્ષેત્રના લોકો-કંપનીઓ ખેડૂતો પાસેથી સીધો માલ ખરીદી શકે એવી વ્યવસ્થા કરવી.

સપ્લાય ચેઇનના વિકાસ માટે ખાનગી અને સરકારી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવું.

વૈશ્વિક વેપારની અનિશ્ચિતતાઓ સામે નિકાસકારોને ટેકો પૂરો પાડવો. વર્તમાન નિકાસ પ્રોત્સાહન સ્કીમ્સની મુદત લંબાવવી.

ફિઝિકલ, ડિજિટલ અને સોશ્યલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્જવા પર ધ્યાન કેન્દ્રિત કરવું.

ભારતે પશ્ચિમી બજારો પરની નિર્ભરતાને ઘટાડવા નવાં બજાર શોધવાં.

આરોગ્ય સેવાઓ સસ્તી કરવી અને વધુ દેશવાસીઓને આરોગ્ય વીમા યોજના હેઠળ આવરી લેવા. ડૉક્ટરો અને અર્ધ-તબીબી વ્યાવસાયિકોની અછત નિવારવા ખાનગી ક્ષેત્ર સામેલ થાય એ માટે સવલત પૂરી પાડવી.

ટૅક્સ-રાહત સંબંધી ભલામણો : ડેલોઇટ ઇન્ડિયાના પાર્ટનર અને પ્રત્યક્ષ કરવેરાના વિશેષજ્ઞ રોહિન્ટન સિધવા એવી ભલામણ કરે છે કે કૉર્પોરેટ ટૅક્સનો ઘટાડેલો ૧૫ ટકાનો દર નવી કંપનીઓ અને ગ્લોબલ કૅપેબિલિટી સેન્ટર્સને પણ લાગુ પાડવો જોઈએ.

દેશમાં એક જ ગ્રુપમાં શૅરના પરોક્ષ ટ્રાન્સફર પર કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાદવામાં આવે છે એ બંધ થવો જોઈએ, કારણ કે એમાં વાસ્તવિક આવક થતી નથી. વૈશ્વિક સ્તરે પણ આવા ટ્રાન્સફર ટૅક્સ ન્યુટ્રલ છે.

union budget indian economy health insurance goods and services tax business news