વર્ષ ૨૦૨૩માં ભાડાના ઘર માટેની માગ વધશે

27 May, 2023 02:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લાં અઢી વર્ષમાં મુંબઈમાં ઘરના ભાડાની કિંમતમાં ૨૫થી ૩૦ ટકાનો વધારો થયો છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

૨૦૧૭થી ૨૦૨૦ સુધી ભાડાના ઘર માટેની બજાર (રેન્ટલ માર્કેટ) સ્થિર થઈ ગઈ હતી અને ત્યાર બાદ કોવિડને કારણે ઘણા લોકો ઘરેથી જ કામ કરતા હોવાને કારણે તેઓ શહેર છોડીને વતન જતા રહ્યા હોવાથી રેન્ટલ માર્કેટની ગતિ ધીમી પડી હતી. મકાનમાલિકોએ એકથી બે મહિનાનાં ભાડાં પણ જતા કરવા પડ્યા હતા.

પરંતુ છેલ્લાં અઢી વર્ષમાં મુંબઈમાં ઘરના ભાડાની કિંમતમાં ૨૫થી ૩૦ ટકાનો વધારો થયો છે. કોવિડ પછી લોકોને રહેવા માટે ન કેવળ મોટાં ઘરો જોઈએ છે, પરંતુ સાથે-સાથે બીજી ઘણી સુવિધાઓ અને ઘરની અંદર પણ ઉચ્ચ ગુણવત્તા અને વિશેષતાઓ હોય એવાં ઘરો જોઈએ છે. આ ચલણ કેવળ ઘર ખરીદવા માટે જ નહીં, પણ ભાડાના ઘર માટે પણ શરૂ થયું છે.

પશ્ચિમી પરાંઓમાં સરેરાશ ભાડાં ૫૦-૮૦થી ૬૫-૧૦૦ રૂપિયા પ્રતિ સ્ક્વેર ફુટ સુધી પહોંચી ગયાં છે અને પૂર્વનાં પરાંઓમાં ૪૦-૬૦થી ૬૫-૧૦૦ રૂપિયા પ્રતિ સ્ક્વેર ફુટ સુધી પહોંચ્યા છે. સેન્ટ્રલ પરાંઓમાં ૯૦-૧૨૦થી અંદાજે ૧૧૦-૧૩૫ રૂપિયા પ્રતિ સ્ક્વેર ફુટ અને દક્ષિણ મુંબઈમાં ૧૨૦-૧૫૫થી ૧૩૫-૧૮૫ રૂપિયા સુધી આંબી ગયાં છે.

જુહુ, ખાર અને બાંદરા જેવા લક્ઝરી ગણાતા વિસ્તારોમાં ભાડાઓના દર ૧૧૦-૧૭૦થી વધીને ૧૩૫-૨૦૦ રૂપિયા થયા છે. એક ૩ બીએચકે અને ૪ બીએચકેના લક્ઝરી અપાર્ટમેન્ટનું પહેલાંનું ભાડું જે ૨-૩.૫ લાખ હતું, એ હવે ૩-૫ લાખ રૂપિયા સુધી વધી ગયું છે. માગ એટલી બધી વધી ગઈ છે કે બજારમાં બહુ જ જૂજ ફ્લૅટ બચ્યા છે. બીજી બધી માર્કેટ જેવી કે અંધેરી-ઈસ્ટ, ગોરેગામ, કાંદિવલી, બોરીવલી અને દહિસરમાં પણ ભાડાના દર ૧૫થી ૨૫ ટકા સુધી વધી ગયા છે.

ગયાં અઢી વર્ષમાં ભાડા વધવાનાં કારણો આ મુજબ છે

૧. કોવિડ પછી હવે દરરોજ નહીં તો પણ, ઓછામાં ઓછા હાઇબ્રીડ મૉડલ પ્રમાણે બધી કંપનીઓ પોતાના કર્મચારીઓને ઑફિસમાં બોલાવવા લાગી છે એટલે લોકો વતનમાંથી પાછા શહેરમાં આવવા લાગ્યા છે. આને કારણે મહામારી દરમ્યાન ઘણી નબળી પડી ગયેલી ભાડાના ફ્લૅટ્સ માટેની માગમાં ૨૦૨૨માં ધરખમ વધારો નોંધાયો છે અને ૨૦૨૩ના વર્ષ દરમ્યાન પણ આ વલણ બરકરાર રહેશે. મહામારી પહેલાંની જે માગ હતી એને પણ વટાવીને હાલમાં આ માગ ખૂબ વધી ગઈ છે. ઘણી ખરી હાઉસિંગ સોસાયટીઓમાં લગભગ નહીંવત્ ફ્લૅટ્સ ખાલી છે. મહામારી પહેલાંના ભાડાના દરની સરખામણીમાં ૨૦૨૨માં સરેરાશ ભાડાના દરમાં ૨૦-૨૫ ટકાનો વધારો થયો છે અને અમુક લોકપ્રિય વિસ્તારોમાં તો આ વધારો ૩૦ ટકા સુધી થઈ ગયો છે. 

૨. બીજું, પશ્ચિમી પરાંઓમાં ઘણાં બધાં જર્જરિત મકાનો રીડેવલપમેન્ટ માટે ગયાં હોવાથી આ વિસ્તારોમાં ભાડાના ફ્લૅટની માગમાં ઉછાળો આવ્યો છે, જેને કારણે મુંબઈની માઇક્રો માર્કેટમાં ભાડાના દરો ૧૫ ટકા વધી ગયા છે.

૩. હાઉસિંગ લોન માટેના વ્યાજદરો વધવાથી પણ ભાડાના ફ્લૅટ લેવાની માગ વધી છે.

૪. ૨૦૨૧માં મહારાષ્ટ્ર સરકારે બિલ્ડરો નવા હાઉસિંગ પ્રોજેક્ટ્સ શરૂ કરે એ માટે તેમને પ્રોત્સાહન આપવા વિવિધ છૂટો જાહેર કરી હતી. આ સરકારી છૂટનો લાભ લેવા બિલ્ડરોએ ૨૦૨૧માં ઘણાં નવાં મકાનોનાં બાંધકામ શરૂ કર્યાં હતાં. 

૫. આ બધાં નવાં શરૂ થયેલાં મકાનોનાં બાંધકામને પૂરાં થવામાં ૨૪થી ૩૬ મહિનાનો સમય લાગે જ છે. આમ ઘટતાં પુરવઠાની સામે વધુ માગ ઊભી થઈ છે.

૬. હાઉસિંગ લોનના વ્યાજદરોમાં વધારો અને પ્રૉપર્ટીના ભાવમાં પણ થયેલા વધારાને કારણે રેસિડેન્શિયલ ફ્લૅટના રોકાણકારોએ પોતાના રોકાણ પર ઊંચું વળતર મેળવવા માટે ફ્લૅટના ભાડા વધાર્યા છે.

૭. મુંબઈને સ્વપ્નનું શહેર કહેવાય છે, કેમ કે અહીં ઘણી તકો મળી રહે છે. આ કારણે લોકો મુંબઈમાં વસવા માટે આવતા જ રહે છે. આ કારણે પણ ભાડાના ફ્લૅટની માગ વધતી રહે છે.

સવાલ તમારા…

મારા માનવા પ્રમાણે હાલના ભાડામાં ૩૦ ટકા સુધીનો વધારો થઈ ચૂક્યો છે. ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં ઘણા પ્રોજેક્ટ તૈયાર થઈને બજારમાં આવી જશે અને દરેક વર્ષે નવો માલ આવતો રહેશે. આ કારણે મને નથી લાગતું કે ભાડાના દરો હજી વધી શકે.  

ટૂંકા ગાળા માટે એવું થઈ શકે, પરંતુ વ્યાજદરો ૭ ટકા પર પાછા આવશે ત્યાર પછી મિલેનિયલ્સ તરફથી ઘર ખરીદવાની માગ પાછી ઊઠશે. 

- વિનોદ ઠક્કર

business news