✕

પાંચ દિવસની રિલીફ-રૅલીમાં બજાર ૪૦૫૫ પૉઇન્ટ અને માર્કેટકૅપ ૨૦.૮૧ લાખ કરોડ વધ્યું

05 November, 2026 07:56 AM IST  |  Mumbai | Anil Patel

પરિણામ પૂર્વે BSE લિમિટેડ ઘટાડામાં, રિઝલ્ટની પૂર્વસંધ્યાએ ટાઇટનમાં ઝમક: અદાણી એન્ટરપ્રાઇઝિસ નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર, TCS બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર: બન્ને બજારના લગભગ તમામ સેક્ટોરલ પ્લસ, IT ઇન્ડેક્સ સવા ટકા કટ થયો.

પ્રતીકાત્મક તસવીર

પરિણામ પૂર્વે BSE લિમિટેડ ઘટાડામાં, રિઝલ્ટની પૂર્વસંધ્યાએ ટાઇટનમાં ઝમક: અદાણી એન્ટરપ્રાઇઝિસ નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર, TCS બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર: બન્ને બજારના લગભગ તમામ સેક્ટોરલ પ્લસ, IT ઇન્ડેક્સ સવા ટકા કટ થયો:  શાંતિ ગોલ્ડ આવકમાં ૭૩ ટકા સામે નફામાં પોણાચૌદ ટકા વધારાના વસવસામાં આઠેક ટકા ખરડાઈ: V-ટૂ રીટેલની નફાશક્તિ ભીંસમાં રહેતાં ભાવ સવાનવ ટકા ડૂલ થયો:  બામર ક્રૉપમાં ૯૦ રૂપિયાનું ઇન્ટરિમ જાહેર, શૅર સાતેક વર્ષના તળિયે ગયો

અમેરિકા ખાતે મિડ-ટર્મ ઇલેક્શનમાં ડેમોક્રૅટ્સનો દબદબો રહ્યો છે. ટ્રમ્પ હવે વધુ ઘાંઘા થશે. આ માણસનું રહ્યુંસહ્યું માનસિક સંતુલન પણ હવે જતું રહેશે. કૉન્ગ્રેસમાં ડેમોક્રૅટસના વર્ચસ્વ વચ્ચે પ્રમુખપદના બાકીનાં બે વર્ષ ટ્રમ્પ કેવી રીતે કાઢશે એ જોવાનું ખરેખર રસપ્રદ બનશે અમેરિકન શૅરબજારમાં ખાસ્સી અફરાતફરી જોવાઈ છે. નૅસ્ડૅક ફ્યુચર ૯૫૦ પૉઇન્ટ ગગડી સારો એવો બાઉન્સબૅક થયો છે. અમેરિકન ડાઉ ફ્યુચર્સ પણ ખરડાઈને પછી પૉઝિટિવ ઝોનમાં આવી ગયો છે. એશિયા ખાતે ગઈ કાલે જપાન બે ટકા નજીક તથા તાઇવાન પોણો ટકો નરમ હતું. સામે ચાઇના બે ટકાથી વધુ, હૉન્ગકૉન્ગ દોઢેક ટકો, થાઇલૅન્ડ પોણો ટકો, સાઉથ કોરિયા અડધો ટકો વધીને બંધ થયું છે. યુરોપ રનિંગમાં સવાથી પોણાબે ટકા મજબૂત હતું. પાકિસ્તાની શૅરબજાર અઢી ટકા કે ૪૨૬૮ પૉઇન્ટની મજબૂતીમાં ૧,૭૨,૨૮૭ જોવાયું છે. બિટકૉઇન સવા ટકાના સુધારે ૭૮,૨૬૦ ડૉલર ચાલતો હતો. બ્રેન્ટ ક્રૂડ સવા ટકો ઘટી ૧૦૨ ડૉલર ઉપર રહ્યું છે. વિશ્વબજારમાં હાજર અને વાયદામાં સોનું પોણાત્રણ ટકા વધી ૪૦૪૦-૪૦૫૦ ડૉલરે પહોંચ્યું છે. ચાંદી વાયદો સાડાચાર ટકા વધી બાવન ડૉલર વટાવી ગયો છે. ડૉલર ઇન્ડેક્સ અડધો ટકો ઘટી ૧૦૧.૩૫ દેખાયો છે. ડૉલર સામે રૂપિયો વધુ ૧૧ પૈસાના સુધારે ૯૪.૬૪ હતો.

ઘરઆંગણે સેન્સેક્સ ૬૫ પૉઇન્ટ જેવી પીછેહઠમાં ૭૬,૮૫૩ ખૂલી છેવટે ૩૮૩ પૉઇન્ટની આગેકૂચમાં ૭૭,૩૦૧ બંધ થયું છે. નિફ્ટી ૧૫૦ પૉઇન્ટ વધીને ૨૩,૯૬૦ વટાવી ગયો છે. માર્કેટકૅપ વધુ ૬.૬૫ લાખ કરોડ વધી હવે ૪૯૩.૪૪ લાખ કરોડ વટાવી ગયું છે. આ સાથે સળંગ પાંચ દિવસની રિલીફ-રૅલીમાં સેન્સેક્સ કુલ ૪૦૫૫ પૉઇન્ટ તથા બજારનું માર્કેટકૅપ ૨૦.૮૧ લાખ કરોડ રૂપિયા વધી ગયું છે. સેન્સેક્સ ગઈ કાલે નીચામાં ૭૬,૬૦૫ની અંદર જઈ કસીનો-સેશનના આરંભ પૂર્વે ૭૭,૨૧૯ તો નિફ્ટી નીચામાં ૨૩,૬૯૬ થઈ ૨૩,૯૧૧ હતો એ ગણતરીની મિનિટમાં કસીનો-સેશનમાં ઊંચકાયા હતા. સેન્સેક્સ ૭૭,૩૦૧ ઉપરની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ત્યાં જ તો નિફ્ટી ૨૩,૯૬૦ ઉપરની ઇન્ટ્રા-ડે ટૉપ દેખાડી ત્યાં જ બંધ આવ્યો છે.

HDFC બૅન્ક વધુ દોઢ ટકો આગળ વધી ૭૩૬ના બંધમાં બજારને ૧૪૪ પૉઇન્ટ ફળી છે. ટાઇટન પરિણામની પૂર્વસંધ્યાએ પોણાબે ગણા કામકાજે નીચામાં ૪૪૫૦ થઈ સવાચાર ટકા કે ૧૯૫ની તેજીમાં ૪૭૫૦ બંધ થઈ છે. ઇન્ડિગો અને બજાર ફાઇનૅન્સ ૨.૪ ટકા, ITC તથા અદાણી પોર્ટ્સ ૨.૩ ટકા, બજાજ ફિનસર્વ બે ટકા, તાતા સ્ટીલ બે ટકા નજીક પ્લસ હતી. રિલાયન્સ અડધા ટકાના સુધારે ૧૩૧૨ વટાવી ગઈ છે. TCS સેન્સેક્સમાં પોણાત્રણ ટકા તથા નિફ્ટીમાં અઢી ટકા ઘટી ટૉપ લૂઝર બની છે. HCL ટેકનો સવાબે ટકા, ઇન્ફોસિસ પોણાબે ટકા, એટર્નલ દોઢ ટકો, કોટક બૅન્ક એક ટકો, કોલ ઇન્ડિયા બે ટકા વધી બંધ થઈ છે. BSE લિમિટેડ રિઝલ્ટ પૂર્વે ઉપર ૩૬૬૬ થઈ પોણાબે ટકાના ઘટાડે ૩૬૦૧ બંધ આવી છે.

નિફ્ટી ખાતે અદાણી એન્ટરપ્રાઇઝિસ સાડાચાર ટકાની મજબૂતીમાં ૨૭૦૯ બંધ આપી તથા સેન્સેક્સમાં ભારત ઇલેક્ટ્રૉનિક્સ સાડાચાર ટકા ઊંચકાઈ ૩૯૭ના બંધમાં ઝળકી છે. નિફ્ટી ખાતે જિયો ફાઇનૅન્શિયલ પોણાચાર ટકા, મૅક્સ હેલ્થકૅર સાડાત્રણ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ પોણાત્રણ ટકા, હિન્દાલ્કો સવાબે ટકા નજીક, અપોલો હૉસ્પિટલ ૧.૯ ટકા પ્લસ હતી. ‘એ’ ગ્રુપમાં HEG ઍડ્વાન્સ્ડ મટીરિયલ્સ ૧૯.૯ ટકા, પરાગ મિલ્ક ૧૭ ટકા, સારેગામા ૧૩ ટકા વધી મોખરે હતા. આયોન એક્સચેન્જ સવાસાત ટકા, બાસ્ફ ઇન્ડિયા પોણાછ ટકા અને થંગમયિલ જ્વેલર્સ સાડાપાંચ ટકા ખરડાઈ છે.

દાલમિયા ભારત શુગર નફાના જોરમાં ૧૬.૭ ટકા ઊછળી

દાલમિયા ભારત શુગરની ત્રિમાસિક આવક સવાસાત ટકા વધી ૧૦૬૧ કરોડ આવી છે, નફો ત્રેવડાઈને, ૧૯૮ ટકાના વધારામાં ૬૯૫૦ લાખ નોંધાયો છે. શૅર ઉપરમાં ૪૯૫ બતાવી ૧૬.૭ ટકા ઊછળી ૪૮૪ થયો છે. GSK ફાર્માએ ૨૦.૮ ટકા વધારામાં ૧૧૮૪ કરોડની આવક ઉપર ૩૦.૪ ટકા વૃદ્ધિદરમાં ૩૩૬ કરોડ ચોખ્ખો નફો મેળવ્યો છે. શૅર ઉપરમાં ૨૬૨૫ થઈ ૧.૮ ટકા ઘટી ૨૫૨૬ હતો. V2 રીટેલની આવક ૨૭.૮ ટકા વધીને ૯૦૬ કરોડ થઈ છે, નફો માત્ર પોણાછ ટકા વધી ૧૮૨૦ લાખ જોવાયો છે. શૅર ઉપરમાં ૧૬૬ થઈ ૯.૨ ટકા તૂટી ૧૫૦ થયો છે. સામે હોટેલ્સની ત્રિમાસિક આવક ૧૫.૪ ટકા વધી ૩૩૮ કરોડ થવા છતાં નફો ૬૩.૭ ટકા ધોવાઈ ૩૩.૫ કરોડ આવ્યો છે. શૅર ઉપરમાં ૧૬૯ બતાવી ૩.૭ ટકા વધી ૧૬૦ રહ્યો છે.

મલ્ટિનૅશનલ બાયર ક્રૉપ સાયન્સે સપ્ટે‍મ્બર ક્વૉર્ટરમાં ૧૯.૫ ટકાના ઘટાડે ૧૨૫૧ કરોડ આવક ઉપર પોણાનવ ટકા વધારામાં ૧૬૬ કરોડ નેટ નફો મેળવી શૅરદીઠ ૯૦નું ઇન્ટરિમ જાહેર કર્યું છે. શૅર ૩૨૨૫ની ૮૬ માસની બૉટમ બતાવી એક ટકો ઘટી ૩૨૫૦ થયો છે. બાટા ઇન્ડિયાની ત્રિમાસિક આવક સાડાસાત ટકા વધીને ૮૬૨ કરોડ નજીક પહોંચી છે, નેટ નફો ૩૧ ટકા વધીને ૧૮ કરોડ વટાવી ગયો છે. માર્જિન જોકે ૧.૪ ટકા ઘટીને ૧૬.૭ ટકા નોંધાયું છે. શૅર નીચામાં ૬૦૮ બતાવી અઢી ટકા ઘટી ૬૩૩ રહ્યો છે. મનાપલ પેમેન્ટની આવક ૨૮.૬ ટકા વધી ૪૧૪ કરોડ તથા નફો ૮ ટકા વધી ૮૨ કરોડ થયો છે. શૅર નીચામાં ૩૧૩ થઈ સામાન્ય સુધારે ૩૩૧ બંધ રહ્યો છે. ડેટામેટિક્સ ગ્લોબલે ૧૧.૫ ટકા વધારામાં ૫૪૬ કરોડની આવક ઉપર ૧૬ ટકા વૃદ્ધિદરથી ૭૩૪૦ લાખ નફો દર્શાવ્યો છે. શૅર ઉપરમાં ૭૫૫ થઈ દોઢ ટકા ઘટી ૭૩૦ હતો. વી-માર્ટ રીટેલની ત્રિમાસિક આવક ૧૮ ટકા વધીને ૯૫૩ કરોડ થઈ છે, એની સાથે નેટ લૉસ પણ ૮૩ ટકા વધી સવાસોળ કરોડને વટાવી ગઈ છે. શૅર નીચામાં ૬૮૫ બનાવી બે ટકા વધીને ૭૨૯ હતો. લિન્ડે ઇન્ડિયાની આવક સવાબાર ટકા વધીને ૭૨૩ કરોડ થઈ છે, પરંતુ ચોખ્ખો નફો ૩૦.૫ ટકા ઘટી ૧૧૯ કરોડ નોંધાયો છે. શૅર નીચામાં ૫૭૧૨ દેખાડીને ૯.૩ ટકા ઊછળી ૬૩૯૫ થયો છે. ચંબલ ફર્ટિલાઇઝર્સે ૯ ટકા વધારામાં ૬૯૯૯ કરોડ આવક તથા અઢી ટકા ઘટાડામાં ૬૩૨ કરોડ નેટ નફો બતાવ્યો છે. શૅર નીચામાં ૩૭૬ બતાવી સવાત્રણ ટકા વધી ૩૯૪ હતો. ન્યુલૅન્ડ લૅબની આવક ૧૨.૬ ટકા ઘટી ૪૫૦ કરોડ થઈ છે. નફો ૪૬.૭ ટકા ગગડી ૫૧૬૦ લાખ રહ્યો છે. શૅર નીચામાં ૧૮,૫૭૮ થઈને એકાદ ટકા કે ૧૭૯ રૂપિયા વધી ૧૯,૬૧૪ બંધ આવ્યો છે.

SKF ઇન્ડિયા નબળા પરિણામ પાછળ પાંચ ટકા બગડી

મિડ-સાઇઝ IT કંપની આર. સિસ્ટમ્સ ઇન્ટરનૅશનલની ત્રિમાસિક આવક ૨૩.૪ ટકા વધી ૬૧૫ કરોડ થઈ છે, નફો ૮૨ ટકા વધી ૬૪૨૦ લાખ નોંધાયો છે. શૅર ઉપર ૨૮૨ થઈ ૮.૪ ટકા વધી ૨૬૯ હતો. ઉત્તમ ઇન્વેસ્ટમેન્ટની ત્રિમાસિક આવક સાડાબાર ટકા વધી ૬૮૫ કરોડ થઈ છે પણ નફો ૪૫.૬ ટકા ગગડીને ૪૧૭ કરોડ રહ્યો છે. શૅર નીચામાં ૫૦૪ થઈ ૧.૮ ટકા ઘટી ૫૧૭ હતો. શાંતિ ગોલ્ડની આવક ૭૩.૫ ટકા વધી ૭૪૬ કરોડે પહોંચી છે, નફો પોણાચૌદ ટકા વધી ૨૯૬૦ લાખ થયો છે. ભાવ નીચામાં ૨૫૨ થઈ ૭.૯ ટકા ઝંખવાઈ ૨૭૪ હતો. ઉત્કર્ષ સ્મૉલ ફાઇનૅન્સ બૅન્કની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૨૪ ટકા વધી ૪૩૫ કરોડ થઈ છે, નેટ લૉસ ૩૪૮ કરોડથી ઘટીને ૭૦ કરોડ અંદર આવી ગઈ છે. શૅર ૩.૭ ટકા ગગડી ૧૧.૭૦ થયો છે.

SKF ઇન્ડિયાએ નબળો દેખાવ કરતાં ૫૪.૫ ટકા વધારામાં ૫૯૬ કરોડ આવક ઉપર ૫૦.૫ ટકાના ગાબડામાં ૫૨ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. શૅર ઉપર ૧૪૫૦ દેખાડી પાંચ ટકા બગડી ૧૩૯૮ થયો છે. મેટ્રોપોલિસ હેલ્થકૅરની ત્રિમાસિક આવક પોણાસોળ ટકા વધી ૪૯૭ કરોડ થઈ છે. ચોખ્ખો નફો ૪૩ ટકા વધારામાં ૭૫૩૦ લાખ નોંધાયો છે. શૅર નીચામાં ૫૪૮ બનાવી બે ટકા વધી ૫૮૧ હતો. નોવાર્ટિસ લિમિટેડ દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૩૭.૮ ટકા ઘટાડામાં ૫૬ કરોડ થઈ છે. ૬૮ કરોડના વન-ટાઇમ લૉસના કારણે કંપની ૨૪ કરોડના ચોખ્ખા નફામાંથી ૭૭ કરોડ કરતાં વધુની ચોખ્ખી ખોટમાં આવી ગઈ છે. ઇવોનાઇલ ફાર્માના નવા નામે ઓળખાતી આ કંપનીનો શૅર ગઈ કાલે ઉપર ૧૭૫૬ થઈ એક ટકો ઘટી ૧૭૦૦ બંધ રહ્યો છે. KSB લિમિટેડની આવક ૧૯ ટકા વધી ૭૭૩ કરોડ થઈ છે, પણ નફો સવાદસ ટકા ઘટી ૬૦૬૦ લાખ રહ્યો છે. શૅર ઉપરમાં ૬૭૧ બતાવી પોણો ટકો ઘટી ૬૬૦ થયો છે. આઇનોક્સ ઇન્ડિયાએ ૨૭.૪ ટકા વધીને ૪૫૬ કરોડ તથા નફો સાડાનવ ટકા વધી ૬૬૬૦ લાખ થયો છે. ભાવ નીચામાં ૧૮૦૫ થઈ ૪.૫ ટકા વધી ૧૯૪૨ હતો. ટ્રાન્સરેલ લાઇટિંગ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૩૧.૭ ટકા વધારામાં ૨૦૫૬ કરોડની આવક ઉપર સાડાબાર ટકા વૃદ્ધિદરથી ૧૦૪ કરોડ નફો કર્યો છે. શૅર ઉપરમાં ૪૬૪ થઈ ૩ ટકા વધી ૪૫૫ હતો.

MCX લિમિટેડ સારા રિઝલ્ટમાં સવાપાંચ ટકા બગડી

અમદાવાદની કૉન્કોર્ડ બાયોટેક શૅરદીઠ એક બોનસમાં બોનસ-બાદ થતાં ગઈ કાલે નીચામાં ૫૯૫ થઈ સાડાછ ટકા વધી ૬૫૫ બંધ રહી છે. અન્ય અમદાવાદી કંપની ગુજરાત નૅચરલ રિસોર્સિસ આજે, ગુરુવારે ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થશે. ભાવ ગઈ કાલે નીચામાં ૧૦૧ બતાવી નજીવો સુધરી ૧૦૬ બંધ હતો. મુંબઈના ગોવંડી-ઈસ્ટની નૉલેજ મરીન ઍન્ડ એન્જિનિયરિંગ વર્ક્સ પાંચના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં શુક્રવારે એક્સ-સ્પ્લિટ થવાની છે. શૅર ગઈ કાલે નીચામાં ૩૧૬૦ થઈ ૩.૮ ટકા વધી ૩૩૧૮ હતો. અગાઉ સોમદત્ત ફાઇનૅન્સ કૉર્પોરેશન તરીકે ઓળખાતી હૈદરાબાદની ક્રિસેન્ટિસ કૅપિટલ ૧૦ના શૅરદીઠ ૭૮ના  ભાવથી પાંચ શૅરદીઠ ત્રણના રાઇટ ઇશ્યુમાં એક્સ-રાઇટ થતાં ગઈ કાલે ૮૦નું ૧૭ માસનું બૉટમ બનાવી એક ટકો ઘટીને ૮૫ બંધ આવી છે.

અગ્રણી એક્સચેન્જ NSE લિમિટેડે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૧૧ ટકા વધારામાં ૪૦૬૭ કરોડની આવક ઉપર ૨૩ ટકાના વૃદ્ધિદરથી ૨૫૭૮ કરોડ નેટ નફો કર્યો છે. જોકે જૂન ક્વૉર્ટરમાં આવક ૪૫૬૦ કરોડ અને નફો ૩૧૨૦ કરોડ હતો. એના સંદર્ભમાં ગત ક્વૉર્ટરમાં આવક ૧૦.૮ ટકા અને નેટ નફો ૧૭.૪ ટકા ઘટ્યા છે. શૅર ગઈ કાલે નીચામાં ૧૭૮૬ થઈ સાધારણ વધી ૧૮૦૯ બંધ થયો છે. MCX દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૧૧૩ ટકા વધારામાં ૭૯૯ કરોડથી વધુની આવક ઉપર ૧૩૦ ટકા વૃદ્ધિદરથી ૪૫૭ કરોડ પ્લસનો નેટ નફો હાંસલ કરાયો છે. જૂન ક્વૉર્ટરના મુકાબલે કંપનીની આવક ૧૦ ટકા તથા ચોખ્ખો નફો ૧૪ ટકા વધ્યો છે. નફા માર્જિન વર્ષ પૂર્વે ૬૫ ટકા તથા જૂન ક્વૉર્ટરમાં ૭૦.૪ ટકા હતું એ આ વખતે ૭૬.૪ ટકા નોંધાયું છે. શૅર ગઈ કાલે ૩ ગણા કામકાજમાં ઉપરમાં ૩૪૨૩ બતાવી ૫.૨ ટકા તૂટી ૩૩૧૨ થયો છે.

મુંબઈના બાંદરાની એમકે સન્સ ફાઇન જ્વેલ્સનું નીરસ લિસ્ટિંગ

ગઈ કાલે ત્રણ IPO લિસ્ટેડ થયા છે. મેઇન બોર્ડમાં મુંબઈના બાંદરા-વેસ્ટ ખાતેની એમકે સન્સ ફાઇન જ્વેલ્સ ૧૦ના શૅરદીઠ ૧૬૨ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૭થી શરૂ થઈ ઉપર ૧૫ થયા બાદ ગગડી ૬ની અંદર જઈ છેલ્લે ચાલતા ૧૧ના પ્રીમિયમ સામે બુધવારે ૧૭૧ ખૂલી ૧૬૨ ઉપર બંધ રહેતાં નામપૂરતો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. SME સેગમેન્ટમાં સુરતની આજવા પ્રોજેક્ટ્સ ૧૦ના શૅરદીઠ ૨૦૩ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૧૦થી શરૂ થઈ ઉપર ૩૮ ગયા બાદ ગગડી છેલ્લે બોલાતા એકના પ્રીમિયમ સામે BSEમાં ૨૦૩ ખૂલીને ૧૯૩ બંધ થતાં પાંચ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે તો રાજકોટની કારવેર રોબોવેલ્ડ ૧૦ના શૅરદીઠ ૮૦ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ ગ્રેમાર્કેટમાં પાંચથી શરૂ થઈ છેલ્લે બોલાતા ૩ના પ્રીમિયમ સામે BSE ખાતે ૯૦ ખૂલી ૯૪ ઉપર બંધ આવતાં ૧૮.૧ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. આજે, ગુરુવારે મુંબઈના અંધેરી-વેસ્ટની બૉમ્બે કૉટેડ ઍન્ડ સ્પેશ્યલ સ્ટીલ્સ મેઇન બોર્ડમાં લિસ્ટેડ થવાની છે. પ્રીમિયમ હાલમાં ૮ બોલાય છે.

દરમ્યાન આગલા દિવસે ૨૮.૭ ટકાના લિસ્ટિંગ ગેઇન સાથે ૪૨૫ બંધ થયેલી નવી મુંબઈના વાશી ખાતેની SFC એન્વાયર્નમેન્ટલ ગઈ કાલે ૪૭૮નું શિખર બતાવી ૪.૩ ટકા ઘટી ૪૦૬ તો ૮૧.૭ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૨૭૨ બંધ આવેલી નવી દિલ્હીની BLS પૉલિમર્સ ૨૮૮ની નવી ટૉપ દેખાડી ૫.૩ ટકા ગગડી ૨૫૫ બંધ રહેલી SME કંપની વિસ્કોન ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે ૨૦૫ની નવી ટૉપ બનાવી નજીવી સુધરીને ૨૦૪ હતી. તાજેતરમાં લિસ્ટેડ થયેલી એડલવાઇસ ગ્રુપની ઇઆ ઇન્ડિયા ઑલ્ટરનેટિવ્સ ગઈ કાલે ઉપર ૧૭૪૬ નોંધાવી ૧.૯ ટકા ઘટીને ૧૬૮૯ રહી છે. જિયો પ્લૅટફૉર્મ એક ટકા ઘટી ૧૪૨૨ તથા પારસ હેલ્થકૅર અઢી ટકા વધીને ૭૫૨ હતી. પશ્ચિમ બંગાળની વેદાન્ત પૉલિફેબ્લનો ૧૦ના શૅરદીઠ ૯૪ના ભાવનો ૫૭ કરોડનો NSE SME ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં ૨.૩ ગણા સહિત કુલ બે ગણા જેવો ભરાઈને પૂરો થયો છે. પ્રીમિયમ ૧૫થી ગગડી હવે એક થઈ ગયું છે.

sensex nifty share market stock market bombay stock exchange ipo gold silver price donald trump business news finance news