News In Short: મંદી છતાં ભારતીય ઇકૉનૉમીનો વિકાસ ૭-૭.૮ ટકાએ પહોંચશે

24 June, 2022 06:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૃષિ ઉત્પાદન અને ગ્રામીણ અર્થતંત્રમાં સુધારાને કારણે અર્થતંત્રને મોટી રાહત થઈ ગઈ છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

જાણીતા અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે મુખ્યત્વે ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક મંદીના માહોલ વચ્ચે સારાં કૃષિ ઉત્પાદન અને પુનર્જીવિત ગ્રામીણ અર્થતંત્રને કારણે ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં ૭-૭.૮ ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે.
વિખ્યાત અર્થશાસ્ત્રી અને બી. આર. આંબેડકર સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સના વાઇસ ચાન્સેલર એન. આર. ભાનુમૂર્તિએ જણાવ્યું હતું કે હાલમાં ભારતીય અર્થવ્યવસ્થા મોટા ભાગે બાહ્ય સ્રોતોથી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.
વૈશ્વિક ફુગાવાનાં દબાણો અને રશિયા-યુક્રેન યુદ્ધ અર્થતંત્ર માટે જોખમ લાવ્યાં છે, જે અન્યથા તમામ સ્થાનિક મેક્રો ફંન્ડમેન્ટલ્સ સારી રીતે સંચાલિત હોવા સાથે મજબૂત છે એ નોંધતાં તેમણે કહ્યું કે આધુનિક અર્થતંત્રોથી વિપરીત, ભારતના કોવિડ રાહત પગલાં, ખાસ કરીને રાજકોષીય નીતિ જેમાં ફુગાવો ઘટાડવાની સાથે વૃદ્ધિદર પર ધ્યાન કેન્દ્રિત કરીને અર્થતંત્રને મજબૂત બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.

પાર્ટિસિપેટરી નોટ્સ મારફત રોકાણ મેમાં ઘટીને ૮૬,૭૦૬ કરોડ આવ્યું

એપ્રિલમાં ૯૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ આવ્યું હતું

પાર્ટિસિપેટરી નોટ્સ (પી-નોટ્સ) દ્વારા ભારતીય મૂડીબજારમાં રોકાણ પાછલા મહિનાની સરખામણીએ મે-એન્ડ સુધી ઘટીને ૮૬,૭૦૬ કરોડ રૂપિયા થયું છે, જ્યારે નિષ્ણાતો કહે છે કે વિદેશી રોકાણકારો આગામી એક-બે ક્વૉર્ટરમાં તેમના વેચાણના વલણને પલટાવી દેશની ઇક્વિટીમાં પાછા ફરશે. 
પી-નોટ્સ વિદેશી રોકાણકારોને રજિસ્ટર્ડ ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ દ્વારા જારી કરવામાં આવે છે જેઓ પોતાની જાતને સીધી નોંધણી કર્યા વિના ભારતીય શૅરબજારનો ભાગ બનવા માગે છે. જોકે તેઓએ યોગ્ય પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર છે.
સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)ના ડેટા અનુસાર ભારતીય બજારોમાં પી-નોટ રોકાણનું મૂલ્ય ઇક્વિટી, ડેટ અને હાઇબ્રીડ સિક્યૉરિટીઝ એપ્રિલના ૯૦,૫૮૦ કરોડ રૂપિયાની સરખામણીએ મેના અંતમાં ૮૬,૭૦૬ કરોડ રૂપિયાનું આવ્યું હતું.

રેલવે માટે વર્લ્ડ બૅન્કની ૨૪.૫૦ કરોડ ડૉલરની લોન

આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રેલ નૂર અને લૉજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાના ભારતના પ્રયાસને સમર્થન આપવા માટે વર્લ્ડ બૅન્કે ૨૪.૫૦ કરોડ ડૉલરની લોન મંજૂર કરી છે.
રેલ લૉજિસ્ટિક્સ પ્રોજેક્ટ ભારતને વધુ ટ્રાફિકને રોડથી રેલ તરફ સ્થાનાંતરિત કરવામાં મદદ કરશે, પરિવહન નૂર અને પૅસેન્જર બન્નેને વધુ કાર્યક્ષમ બનાવશે અને દર વર્ષે લાખો ટન ગ્રીનહાઉસ ગૅસ ઉત્સર્જન ઘટાડશે. આ પ્રોજેક્ટ રેલવે ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રના રોકાણને પણ પ્રોત્સાહન આપશે.

જંતુનાશકો પરનો જીએસટી ઘટશે?

કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે ગુરુવારે ઍગ્રો-કેમિકલ્સ ઉદ્યોગને ખાતરી આપી હતી કે હું જંતુનાશકો પરના જીએસટીને ૧૮ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાની ઉદ્યોગની માગને નાણાપ્રધાન સમક્ષ લઈ જઈશ. ફિક્કી દ્વારા આયોજિત ‘૧૧મી ઍગ્રોકેમિકલ્સ કૉન્ફરન્સ ૨૦૨૨’ને સંબોધતાં પ્રધાને પાક વૈવિધ્યકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે ખેડૂતોએ વધુ બાગાયતી અને ખર્ચાળ પાક ઉગાડવા જોઈએ. જંતુનાશકો પર જીએસટી ઘટાડવાની ઉદ્યોગોની માગ પર તોમરે કહ્યું કે આ વિષય સંબંધિત મામલો જીએસટી કાઉન્સિલ દ્વારા હાથ ધરવામાં આવે છે.

રૂપિયો ડૉલર સામે ૯ પૈસા મજબૂત

ભારતીય રૂપિયો ડૉલર સામે સરેરાશ નવ પૈસા મજબૂત બન્યો હતો. રૂપિયામાં સુધારાનું મુખ્ય કારણ વિદેશી ફંડોની ભારતીય શૅરબજારમાં લેવાલી અને ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો થયો હોવાથી રૂપિયાને ટેકો મળ્યો હતો. આગામી દિવસોમાં રૂપિયામાં બેતરફી ચાલની સંભાવના છે.
ભારતીય રૂપિયો ડૉલર સામે ૭૮.૨૬૫૦ પર ખૂલીને દિવસ દરમ્યાન એક તબક્કે વધુ નબળો પડીને ૭૮.૩૮ સુધી પહોંચ્યો હતો જોકે ઊંચી સપાટીથી ડૉલરની વેચવાલી આવી હોવાથી રૂપિયો મજબૂત બનીને ૭૮.૩૧ પર બંધ રહ્યો હતો, જે આગલા દિવસે ૭૮.૩૯૫૦ની વિક્રમી નીચી
સપાટી પર બંધ રહ્યો હતો. આમ રૂપિયામાં નવ પૈસા જેવો સુધારો જોવા મળ્યો હતો.
ડૉલર ઇન્ડેક્સ ૧૦૪.૩૭ હતો, જે આગલા દિવસે ૧૦૪.૩૨ની સપાટી પર પહોંચ્યો હતો. આગામી દિવસોમાં ડૉલર ઇન્ડેક્સમાં બેતરફી મૂવમેન્ટની સંભાવના દેખાઈ રહી છે. 

business news