29 April, 2026 03:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દિનશૉઝ આઈસ્ક્રીમની જાહેરાતમાં વિનોદ કાંબલી - તસવીર સ્ક્રીન ગ્રેબ
દિન્શોઝ આઈસ્ક્રીમે નવી એડ કોમર્શિયલ લૉન્ચ કરી છે જેમાં ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી છે. જો કે લોકોએ જાહેરતાની ટીકા કરી છે અને એમ કહ્યું છે કે આ જાહેરાત અસંવેદનશીલ છે અને તેમાં ક્રિકેટરનું ઈમોશનલ એક્સપ્લોઈટેશન એટલે કે ભાવનાત્મક શોષણ કરાયું છે.
દિન્શોઝ આઈસ્ક્રીમની એડવર્ટાઈઝમેન્ટમાં `દિલદારી`ની વાત છે. આ જાહેરાતનો હેતુ કંપનીના અપગ્રેડેડે આઈસક્રીમ કોનને પ્રમોટ કરવાનો છે. આ અપગ્રેડેડ કોન એટલે કે કોન પુરો થાય ત્યારે તેમાં ચોકલેટનો જે હિસ્સો હોય છે તે આ કોનમાં ત્રણ ગણો વધારે છે. આઈસ્ક્રીમ પતે એટલે તમને છેલ્લે ત્રણ ગણી વધારે સોલિડ ચૉકલેટ ખાવા મળશે.
એડ કોમર્શિયલમાં વિનોદ કાંબલીના મ્હોંએ એવો સંવાદ છે કે, "જીનકો લાઈફમેં કમ મીલા હૈ ઉનકે લિએ થોડા ઝ્યાદા". વધારાની ચૉકલેટ ઉદારતાની ભાવના બતાડવા માટે ઉમેરવામાં આવી છે. આ જાહેરાતમાં આઈસક્રીમ ખાનાર વ્યક્તિ છે વિનોદ કાંબલી, આપણે તેમની જાહેર અને અંગત જિંદગીમાં છેડાયેલા વિવાદોથી અજાણ નથી અને એટલે જ લોકોને આ જાહેરાત ગમી નથી. કંપનીનો બચાવ છે કે આ જાહેરાતનો હેતુ કોનના છેલ્લા બાઈટને ખાસ બનાવવાનો જ છે, તેને નાની ખુશીઓ સાથે જોડવાની વાત છે અને તે દર્શાવવા માટે વપરાયેલો સંવાદ વિનોદ કાંબલીની જિંદગી સાથે મેળ ખાય એ રીતે કે એ આશયથી નથી લખાયો.
જો કે, જાહેરાત રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેનો ભારે વિરોધ થયો છે. ઘણા યુઝર્સ અને કોમેન્ટેટર્સનું માનવું છે કે આ જાહેરાતમાં વિનોદ કામ્બલીના વ્યક્તિગત જીવન અને તેમના સ્વાસ્થ્ય અને આર્થિક સંઘર્ષોની વાતોનો આડકતરો ઉલ્લેખ છે, જે માર્કેટિંગ માટે યોગ્ય નથી. તેમના મતે આ પ્રકારની રજૂઆત સ્ટોરીટેલિંગ અને શોષણ વચ્ચેની રેખાને ધૂંધળી બનાવે છે.
આ મુદ્દે જાણીતા ફોટોગ્રાફર Atul Kasbekarએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ જાહેરાત ખૂબ જ અસંવેદનશીલ છે. અભિનેતા Tanuj Virwaniએ પણ આ અભિપ્રાયને સમર્થન આપ્યું અને જાહેરાતને અત્યંત અસંવેદનશીલ ગણાવી.
બીજી તરફ, દિનશૉઝે આ ટીકા સામે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે સામાન્ય લોકો તરફથી આ જાહેરાતને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આ વિચાર જીવનની નાની ખુશીઓ અને સહનશીલતાને ઉજાગર કરવા માટે બનાવવામાં આવ્યો છે. કંપનીના મતે, કેટલાક લોકો દ્વારા આ જાહેરાતને ખોટી રીતે સમજી રહ્યા છે. એક ક્રિકેટરની વ્યક્તિગત જિંદગીની સ્થિતિને આડકતરી રીતે કોમર્શિયલ જાહેરાતમાં વણી લેવી કેટલી યોગ્ય છેનો વિવાદ માર્કેટિંગ કોમ્યુનિટીઝમાં છેડાયો છે.