શું સગીર વયના સંતાનની આવક માતા-પિતાની આવકમાં ઉમેરવી પડે છે?

18 January, 2022 03:55 PM IST  |  Mumbai | Nitesh Buddhadev

સંતાનપ્રાપ્તિ એ દરેક દંપતી માટે મોટામાં મોટું સુખ હોય છે. એની સાથે-સાથે જવાબદારી પણ આવે છે.

પ્રતીકાત્મક તસવીર

સંતાનપ્રાપ્તિ એ દરેક દંપતી માટે મોટામાં મોટું સુખ હોય છે. એની સાથે-સાથે જવાબદારી પણ આવે છે. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે માતા-પિતા તનતોડ મહેનત કરવા લાગી જાય છે. આજકાલ જોવા મળે છે કે ઘણા વાલીઓ પોતાના બાળક માટે બૅન્ક-અકાઉન્ટ ખોલાવી કાઢે છે અને તેમના નામે બચત તથા રોકાણ શરૂ કરી દે છે. આ કામ ઘણું સારું કહેવાય, પરંતુ એ વખતે તેઓ પોતાને લગતા કરવેરાના નિયમોને ભૂલી જાય છે અથવા તો ધ્યાનમાં લેતા નથી. અહીં જણાવવું રહ્યું કે બાળક જ્યાં સુધી પ્રૌઢ થાય નહીં ત્યાં સુધી તેની આવક એ વાલીની આવકમાં ક્લબ કરવામાં આવે છે એટલે કે ઉમેરવામાં આવે છે, જેની આવક સંતાનની આવક ઉમેરવા પહેલાં પોતાના જીવનસાથી કરતાં વધારે હોય. 
આ વાતને એક ઉદાહરણ દ્વારા સમજીએ. શ્રી વામન અને શ્રીમતી વૈભવીને જાન્યુઆરી ૨૦૧૯માં વર્ષા નામે દીકરી જન્મી. તેમણે જુલાઈ ૨૦૧૯માં વર્ષાના નામે સેવિંગ્સ બૅન્ક-ખાતું ખોલાવ્યું અને એના નામે ૨૫ લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ કરાવી. એ ફિક્સ્ડ ડિપોઝિટ પર માર્ચ ૨૦૨૦ સુધીમાં ૧.૫ લાખ રૂપિયા વ્યાજ મળ્યું. ધારો કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં વામનનો પગાર ૧૫ લાખ રૂપિયા હતો અને વૈભવીની બિઝનેસની આવક ૧૪ લાખ રૂપિયા હતી. આ વર્ષમાં વર્ષાની ફિક્સ્ડ ડિપોઝિટ પર મળેલું વ્યાજ વામનની આવકમાં ઉમેરવામાં આવશે. આનું કારણ એ છે કે વામનની આવક વર્ષાને મળેલા વ્યાજને ઉમેરતાં પહેલાં વૈભવીની આવક કરતાં વધારે છે. 
અહીં એ પણ જણાવવાનું કે એક વ્યક્તિની આવકમાં સગીર વયના સંતાનની આવક ઉમેરવામાં આવે છે ત્યારે ૧૫૦૦ રૂપિયા અથવા સગીરની આવક એ બન્નેમાંથી જે રકમ ઓછી હોય એટલી રકમનું એક્ઝેમ્પશન મળે છે. આમ, ૧૫૦૦ રૂપિયાના એક્ઝેમ્પશનને ધ્યાનમાં લેતાં વામનની આવકમાં ૧,૪૮,૪૫૦૦ રૂપિયા (૧,૫૦,૦૦૦-૧૫૦૦) ઉમેરવામાં આવશે એટલે કે ક્લબ કરવામાં આવશે. 
જાન્યુઆરી ૨૦૨૧માં વર્ષાને એક ફિલ્મમાં લેવામાં આવી અને એના બે લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ફિક્સ્ડ ડિપોઝિટ પરનું વ્યાજ ૧.૭૫ લાખ રૂપિયા મળ્યું. ધારો કે એ વર્ષે વામનનો પગાર ૧૮ લાખ રૂપિયા હતો અને વૈભવીની બિઝનેસની આવક ૧૯ લાખ રૂપિયા હતી. આવકવેરા ધારો સ્પષ્ટપણે કહે છે કે સગીર બાળકની જે આવક મહેનતના કામથી કે એના કૌશલ્ય, જ્ઞાન, પ્રતિભા, અનુભવ વગેરેને કારણે મળી હોય એ આવકને તેનાં માતા કે પિતાની આવકમાં ઉમેરવી જોઈએ નહીં. આમ, ફિલ્મમાં મળેલી ભૂમિકા માટે મળેલી આવકને માતા કે પિતા કોઈની આવકમાં ઉમેરવામાં નહીં આવે. 
અહીં એ પણ જણાવવું રહ્યું કે એક વખત માતા કે પિતા જેમની આવકમાં સંતાનની આવક ઉમેરવામાં આવે એનાં પછીનાં વર્ષોમાં પણ એમની જ આવકમાં સંતાનની આવક ઉમેરવાની હોય છે. જો આકારણી અધિકારીને ફેરફાર કરવા માટે કોઈ સબળ કારણ દેખાય તો વાલીને સુનાવણીની તક આપવામાં આવે છે.  
ઉપરોક્ત ચર્ચા પરથી કહી શકાય કે વર્ષાની ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજની આવક નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં પણ વામનની આવકમાં જ ઉમેરવામાં આવશે. એમની આવકમાં ચોખ્ખી ૧,૭૩,૫૦૦ (૧,૭૫,૦૦૦-૧૫૦૦)ની આવક ઉમેરવામાં આવશે.
ધારો કે ઑગસ્ટ ૨૦૨૧માં વામન અને વૈભવીએ છૂટાછેડા લીધાં. વૈભવી વર્ષાની દેખરેખ રાખે છે અને એનું ભરણપોષણ કરે છે. આવકવેરા ધારો કહે છે કે જો માતા-પિતાનું લગ્નજીવન ટકે નહીં તો સગીરની આવક એ જ વાલીની આવકમાં ઉમેરવામાં આવશે, જે વાલી બાળકનું ભરણપોષણ કરતા હોય. આથી ઉક્ત કિસ્સામાં વર્ષાની આવક વૈભવીની આવકમાં ઉમેરવામાં આવશે. એ વખતે કોની આવક ઓછી અને કોની વધારે એ બાબતે વિચાર કરવામાં નહીં આવે. 
હવે ધારો કે શ્રી અને શ્રીમતી રાજા શાહને બાળક - નમિત જન્મ્યું, જે જન્મથી જ ઑટિઝમ નામની તકલીફ ધરાવે છે અને એની વિશેષ કાળજી લેવી જરૂરી બને છે. શ્રી રાજા શાહે નમિતના નામે ૩૦ લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ કરાવી હતી અને એના પર નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૧.૮ લાખ રૂપિયાનું વ્યાજ મળ્યું. આ કિસ્સામાં વ્યાજની આવક માતા કે પિતા કોઈની પણ આવકમાં ઉમેરવામાં નહીં આવે, કારણ કે આવકવેરા ધારામાં કહેવાયું છે કે ધારાની કલમ ૮૦યુ હેઠળ જે પંગુતાની યાદી આપવામાં આવી છે એ પંગુતા ધરાવતું બાળક જન્મે ત્યારે તેની આવકને માતા-પિતાની આવકમાં ઉમેરવામાં નહીં આવે. આ કલમનો લાભ લેવા માટે શ્રી રાજા શાહે નમિતની પંગુતાનું પ્રમાણપત્ર નિશ્ચિત ઑથોરિટી પાસેથી લઈ આવવું પડશે, જે કાયદામાં જણાવાયેલા સ્વરૂપનું હોવું જોઈશે.

business news income tax department