ઈ-કૉમર્સ કંપનીઓનું વેચાણ ૨૩ ટકા વધી જવાનો અંદાજ

24 September, 2021 11:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંપૂર્ણ વર્ષ માટે એકંદર ઑનલાઇન ગ્રોસ જીએમવી ૪૯-૫૨ અબજ ડૉલર સુધી પહોંચવાની અપેક્ષા છે

પ્રતીકાત્મક તસવીર

ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ્સ પર આ વર્ષે તહેવારોની મોસમ દરમિયાન ગ્રોસ જીએમવી (ગ્રોસ મર્ચેન્ડાઇઝ વૅલ્યુ) ૯ અબજ ડૉલરની આસપાસ રહેવાની ધારણા છે, જે ગયા વર્ષે ૭.૪ અબજ ડૉલર હતી. આમ, આ વેચાણ ૨૩ ટકાની વૃદ્ધિ દર્શાવે છે, એમ કન્સલ્ટિંગ કંપની રેડસીઅરે કહ્યું છે. સંપૂર્ણ વર્ષ માટે એકંદર ઑનલાઇન ગ્રોસ જીએમવી ૪૯-૫૨ અબજ ડૉલર સુધી પહોંચવાની અપેક્ષા છે, જે ગયા વર્ષ (૩૮.૨ અબજ ડૉલર) કરતાં ૩૭ ટકા વધારે છે, એમ રેડસીઅરે એના ઈ-કૉમર્સ ફેસ્ટિવ સીઝન રિપોર્ટમાં જણાવ્યું હતું.

તહેવારોની મોસમના પહેલા સપ્તાહ દરમિયાન, ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ કુલ જીએમવી વાર્ષિક ધોરણે ૩૦ ટકા વૃદ્ધિ નોંધાવીને ૪.૮ અબજ ડૉલર સુધી પહોંચવાની ધારણા છે. ગ્રોસ જીએમવી એટલે રદ કરાયેલા ઑર્ડર અને પાછી આવેલી વસ્તુઓને બાદ કરતાં પહેલાં પ્લૅટફૉર્મ પર વેચાયેલા માલનું કુલ મૂલ્ય. કોરોના રોગચાળાને પગલે લોકો હવે ઑનલાઇન ખરીદી કરતા થયા છે એથી વૃદ્ધિની સંભાવના વધી છે, એમ રેડસીઅરના અસોસિયેટ પાર્ટનર મૃગાંક ગુટગુટિયાએ કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઑફલાઇન રીટેલ ક્ષેત્રે પણ સુધારો થઈ રહ્યો છે.

business news