ઇન્ફ્લેશનને નીચો લાવવા ‘અનકન્ડિશનલ’ સ્ટેપ લેવાની ફેડ દ્વારા તૈયારી કરાતા સોનું વધુ ઘટ્યું

25 June, 2022 10:36 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ ડેટા બે વર્ષના તળિયે પહોંચતાં સોનામાં ઘટાડાએ ખરીદીનું આકર્ષણ વધ્યું

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં મોંઘવારી હવે શિરદર્દ બની ચૂકી હોવાથી પ્રેસિડન્ટ બાઇડનના આદેશને પગલે ફેડ દ્વારા ‘અનકન્ડિશનલ’ પગલાં લેવાની તૈયારી શરૂ થતાં ડૉલરની મજબૂતી વધી હતી અને સોનું વધુ ઘટ્યું હતું. જોકે અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ ડેટા નબળા આવતાં સોનામાં ઘટ્યા મથાળે લેવાલીનું આકર્ષણ પણ વધ્યું હોવાથી શુક્રવારે ઘટ્યા મથાળેથી સોના-ચાંદીમાં સુધારો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૪ રૂપિયા ઘટ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૬૪૯ રૂપિયા ઘટી હતી.
વિદેશી પ્રવાહ 
અમેરિકામાં સતત વધી રહેલા ઇન્ફલેશનને ઘટાડવા ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે ‘અનકન્ડિશનલ’ પગલાં લેવાની તૈયારી બતાવતાં સોનામાં ઘટાડાનો દોર આગળ વધ્યો હતો. ખાસ કરીને ફેડના ગવર્નર માઇકલ બોવમૅને જુલાઈમાં ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની તૈયારી બતાવી ત્યાર બાદની દરેક મીટિંગમાં ૫૦ બેસિસ પૉઇન્ટ વધારાશે એવી કમેન્ટ કરતાં સોનામાં વેચવાલી વધી હતી અને ભાવ ઘટીને ગુરુવારે ૧૮૨૨.૩૦ ડૉલર થયા હતા. જોકે શુક્રવારે નજીવો સુધારો હતો, પણ સોનામાં સતત બીજો વીકલી ઘટાડો શુક્રવાર સુધીમાં જોવા મળ્યો હતો. સોનું શુક્રવારે સુધરતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમમાં પણ સુધારો જોવા મળ્યો હતો. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ જૂનમાં ઘટીને બે વર્ષની નીચી સપાટીએ ૫૨.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે મે મહિનામાં ૫૭ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૬ પૉઇન્ટની હતી. અમેરિકાનો સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ જૂનમાં ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૫૧.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે મેમાં ૫૩.૪ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૩.૫ પૉઇન્ટની હતી. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ગ્રોથમાં ઘટાડો થતાં પ્રાઇવેટ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ પણ જૂનમાં ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૫૧.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે મેમાં ૫૩.૬ પૉઇન્ટ હતો. અમેરિકાની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ૨૦૨૨ના ફર્સ્ટ ક્વૉર્ટરમાં ઑલટાઇમ હાઈ સપાટીએ ૨૯૧.૪ અબજ ડૉલરે પહોંચી છે જે અગાઉના ક્વૉર્ટરમાં ૨૨૪.૮ અબજ ડૉલર અને માર્કેટની ધારણા ૨૭૩.૫ અબજ ડૉલરની હતી. જોકે અમેરિકામાં બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૨૦૦૦ ૧૮ જૂને પૂરા થયેલા સપ્તાહના અંતે ઘટી હતી. બ્રિટનના રીટેલ સેલ્સમાં મે મહિનામાં ૦.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જેમાં એપ્રિલમાં ૦.૪ ટકાનો ઘટાડો થયો હતો, જોકે માર્કેટની ૦.૭ ટકાના ઘટાડાની ધારણા કરતાં ઓછો ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ કરીને ફૂડ આઇટમના ભાવમાં મોટો વધારો થતાં ફૂડ સેલ્સ ૧.૬ ટકા ઘટ્યું હતું, જ્યારે નૉન ફૂડ આઇટમોનું સેલ જળવાયેલું હતું. બ્રિટનનો કનન્ઝ્‍યુમર્સ કૉન્ફિડન્સ મે મહિનામાં ઑલટાઇમ નીચી સપાટીએ માઇનસ ૪૧ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે એપ્રિલમાં માઇનસ ૪૦ પૉઇન્ટ હતો. બ્રિટન યુરોપિયન યુનિયનથી છૂટું પડ્યા બાદ ઇકૉનૉમિક ગ્રોથ સતત નબળો પડી રહ્યો છે એની સાથે ઇન્ફલેશન પણ સતત વધી રહ્યું હોવાથી કન્ઝ્‍યુમર્સ કૉન્ફિડન્સ સતત નબળો પડી રહ્યો છે. જપાનનું ઇન્ફલેશન મે મહિનામાં સાડાસાત વર્ષની ઊંચાઈએ ૨.૫ ટકા એપ્રિલના લેવલે જળવાયેલું હતું, જપાનનું ઇન્ફલેશન સતત નવમા મહિને બૅન્ક ઑફ જપાનના બે ટકાના ટાર્ગેટ કરતાં ઊચું રહ્યું હતું. જપાનના ફૂડ પ્રાઇસનો ઇન્ડેક્સ મેમાં વધીને ૪.૧ ટકા રહ્યો હતો જે એપ્રિલમાં ૪.૦ ટકા હતો. મેક્સિકોની સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટમાં ૭૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૭.૭૫ ટકાએ પહોંચાડ્યા હતા. છેલ્લા એક વર્ષમાં મેક્સિકોમાં નવમી વખત ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થયો છે. અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરના ગ્રોથના ડેટા નબળા આવતાં રિસેશનનો ભય વધ્યો હતો, જેનાથી સોનામાં ઘટ્યા મથાળે લેવાલીનું આકર્ષણ વધશે. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
બૅન્ક ઑફ ચાઇના ઇન્ટરનૅશનલના ઍનલ‌િસ્ટ જીઓ ફ્યુએ જણાવ્યું કે જે રીતે રિસેશન (મહામંદી)નો ભય દરેક દેશનાં ઇકૉનૉમિક ઇન્ડિકેટર્સમાં જોવા મળી રહ્યો છે એ જોતાં સોનાનું સેફ હેવન સ્ટેટસ ધીમે-ધીમે મજબૂત બની રહ્યું છે. ઍનલિસ્ટે જીઓ ફ્યુની કમેન્ટનો સીધો અર્થ છે કે સોનામાં અત્યાર સુધીની વધ-ઘટ ઇન્ફલેશન અને ઇન્ટરેસ્ટ રેટના વધારા-ઘટાડા આધારિત હતી, જે હવે ધીમે-ધીમે રિસેશનની શક્યતાના વધારા-ઘટાડા તરફ ડાઇવર્ટ થઈ રહી છે. સોનાની ઇકૉનૉમિક વૅલ્યુ અને ફિઝિકલ ડિમાન્ડને અસર કરતા દેશો અમેરિકા, યુરો એરિયા, ચીન, જપાન અને ભારતના ઇકૉનૉમિક ડેટામાં રિસેશનનો ભય કેટલો વધ્યો કે ઘટ્યો એના પરથી હવે સોનાના ભાવની વધ-ઘટ નક્કી થશે, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ વધારાની અસર હજી સુધી ઇન્ફલેશનના વધારાને કાબૂમાં લેવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. અમેરિકાનું ઇન્ફલેશન એક્સપેક્ટેશન ઘટ્યું છે, પણ રિયલ ડેટામાં એની અસર કેટલી જોવા મળે છે એ જાણવા જૂનના ઇન્ફલેશનના ડેટા આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. અમેરિકાના જૂન મહિનાના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથના પ્રિલિમિનરી ડેટા બે વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા છે અને કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ રેકૉર્ડબ્રેક સપાટીએ પહોંચી છે. ઉપરાંત બ્રિટનનો કન્ઝ્‍યુમર્સ કૉન્ફિડન્સ ઑલટાઇમ લો સપાટીએ પહોંચ્યો
છે. આ તમામ ડેટા ઇકૉનૉમિક ગ્રોથ નબળો પડી રહ્યાનો સંકેત છે. આવા દરેક નબળા ઇકૉનૉમિક ડેટા બાદ
સોનામાં મીડિયમથી લૉન્ગ ટર્મ તેજીના પ્રોસ્પેક્ટ સુધરશે. 

business news