ફેડનાં વિરોધાભાસી નિવેદનો અને મિક્સ ઇકૉનૉમિક ડેટાથી સોનું ટૂંકી વધ-ઘટે રેન્જબાઉન્ડ

04 August, 2021 03:31 PM IST  |  Mumbai | Mayur Mehta

કોરોનાના કેસ છેલ્લા બે દિવસમાં અનેક દેશોમાં ઘટવા લાગતાં સોનાનું સેફ હેવન સ્ટેટ્સ નબળું પડ્યું

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન ફેડના ચૅરમૅન અને ગવર્નરનાં વિરોધાભાસી નિવેદનો અને ઇકૉનૉમિક ડેટા મિક્સ આવતાં વર્લ્ડ માર્કેટમાં સોનું રેન્જબાઉન્ડ રહ્યું હતું. કોરોનાના કેસ પણ ઘણા દેશોમાં છેલ્લા બે દિવસમાં ઘટતાં સોનાનું સેફ હેવન સ્ટેટ્સ નબળું પડ્યું હતું. આમ, સોનામાં તેજી થવાનાં અનેક કારણો ડિસ્કાઉન્ટ થયાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૭ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૫૪ રૂપિયા ઘટી હતી.

વિદેશી પ્રવાહો

સોનાના ભાવ છેલ્લા ૨૪ કલાકમાં વર્લ્ડ માર્કેટમાં ટૂંકી વધ-ઘટે રેન્જબાઉન્ડ રહ્યા હતા, કારણ કે અમેરિકન ઇકૉનૉમિક ડેટાની અનિશ્ચિતતા તેમ જ કરન્સી માર્કેટમાં જૅપનીઝ યેન અને સ્વીસ ફ્રાન્કનું સેફ હેવન સ્ટેટ્સ વધતાં ડૉલરની તેજી અટકી હતી. અમેરિકાના મૅન્યુફૅ્ચરિંગ ડેટા નબળા આવ્યા હતા, જ્યારે શુક્રવારે જાહેર થનારા જૉબડેટા સ્ટ્રોન્ગ આવવાની આગાહી કરાઈ છે.

એ જ રીતે ફેડના ચૅરમૅન ઇઝી મૉનિટરી પૉલિસી લાંબો સમય રાખવાની કમેન્ટ કરી રહ્યા છે.

એની સામે ફેડ ગવર્નર બૉન્ડ બાઇંગ ઘટાડવાની વાતો કરે છે. આમ, અનિશ્ચિતતાઓ વધતી જતી હોવાથી સોનાના ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ હાલ સાઇડ લાઇન છે, જેને કારણે સોનું રેન્જબાઉન્ડ અથડાઈ રહ્યું છે. ચાંદી અને પ્લૅટિનમ ઘટ્યાં હતાં, જ્યારે પેલેડિયમમાં સુધારો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાનો ઑફિશ્યલ મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ જુલાઈમાં ઘટીને છ મહિનાની નીચી સપાટીએ ૫૯.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જૂનમાં ૬૦.૬ પૉઇન્ટ અને માર્કેટની ધારણા ૬૦.૯ પૉઇન્ટ હતી. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં સતત બીજે મહિને ઘટાડો નોંધાયો હતો. અમેરિકાની પ્રાઇવેટ એજન્સી માર્કિટના રિપોર્ટ અનુસાર મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ જુલાઈમાં વધીને ૬૩.૪ પૉઇન્ટ હતો જે જૂનમાં ૬૩.૧ પૉઇન્ટ હતો. યુરો એરિયાનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ જૂનમાં વધીને ૧.૪ ટકાએ પહોંચ્યો હતો જે સતત ૧૩મા મહિને વધ્યો હતો અને માર્કેટની ધારણા પ્રમાણે રહ્યો હતો. રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાએ પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ રેકૉર્ડ લૉ સપાટીએ ૦.૧ ટકા જાળવી રાખ્યો હતો, બૉન્ડ બાઇંગ પ્રોગ્રામ પણ જાળવી રાખવાનો નિર્ણય કરાયો હતો. રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયા હાલ દર સપ્તાહે પાંચ અબજ ડૉલરના બૉન્ડ ખરીદી છે જે સપ્ટેમ્બર સુધી ચાલુ રાખશે ત્યાર બાદ દર સપ્તાહે ચાર અબજ ડૉલરના બોન્ડ ખરીદશે, જે નવેમ્બર સુધી ચાલુ રાખવાનો નિર્ણય અગાઉ લેવાયો હતો. ઑસ્ટ્રેલિયાનો ગ્રોથ રેટ ૨૦૨૨માં ચાર ટકા અને ૨૦૨૩માં બેથી અઢી ટકા રહેવાનું પ્રોજેક્શન મુકાયું હતું. અમેરિકાના ઑફિશ્યલ મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથના ડેટા નબળા આવ્યા હતા જ્યારે પ્રાઇવેટ એજન્સીના રિપોર્ટ પ્રમાણે મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ વધ્યો હોવાથી માર્કેટમાં અનિશ્ચિતતા વધી હતી જેને કારણે સોનું રેન્જબાઉન્ડ રહ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

અમેરિકન ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિષ્ટોફર વાલેરે કમેન્ટ કરી હતી કે અમેરિકન નૉન ફાર્મ પે-રોલ ડેટા આગામી બે મહિના સતત ૮થી ૧૦ લાખ એટલે કે અમેરિકામાં આગામી બે મહિના દરમિયાન દર મહિને ૮થી ૧૦ લાખ નવી નોકરીઓ ઉમેરાશે તો ફેડ બૉન્ડ બાઇંગ પ્રોગ્રામમાં ઘટાડો કરવાની શરૂઆત કરશે. ગયા સપ્તાહે ફેડ ચૅરમૅન જેરોમ પોવેલે ઇઝી મૉનિટરી પૉલિસી લાંબો સમય ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. આમ, ફેડ ચૅરમૅન અને ફેડ ગવર્નરનાં વિરોધાભાસી નિવેદનને પગલે બુલિયન માર્કેટમાં અનિશ્ચિતતા વધી હતી. વળી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથના ડેટા નબળા આવ્યા હતા અને આગામી શુક્રવારે જાહેર થનારા જૉબડેટા સ્ટ્રોન્ગ આવવાની આગાહી કરાઈ છે. આ જ રીતે કોરોનાની ત્રીજી લહેર આવવાની સતત ચેતવણી વિવિધ એજન્સીઓ તરફથી આવી રહી છે ત્યારે કોરોનાના કેસ અનેક દેશોમાં છેલ્લા બે દિવસમાં ઘટ્યા છે.

અમેરિકામાં એક તબક્કે નવા કેસ એક લાખ નજીક પહોંચી ગયા હતા ત્યાં છેલ્લા બે દિવસથી કેસ ૫૦,૦૦૦ આસપાસ આવી રહ્યા છે. બ્રાઝિલ-આર્જેન્ટિના, ઇન્ડોનેશિયા, જપાન, ફ્રાન્સ, બ્રિટન, જર્મની, ગ્રીસ, મેક્સિકો, ભારત, બંગલા દેશ, દક્ષિણ આફ્રિકામાં છેલ્લા બે દિવસમાં નવા કેસ નોંધપાત્ર ઘટ્યા છે. યુરોપિયન દેશો અને સાઉથ અમેરિકન દેશોમાં કોરોનાનો પ્રભાવ વ્યાપક રીતે ઘટી રહ્યો છે. આમ, ઇકૉનૉમિક ડેટા અને કોરોનાની સ્થિતિ વિશેની અનિશ્ચિતતાથી સોનાનું શૉર્ટ ટર્મ અને મિડિયમ ટર્મ પ્રોસ્પેક્ટ પણ અનિશ્ચિત બન્યું છે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૮,૦૧૭

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૭,૮૨૫

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૭,૭૫૨

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news