04 October, 2024 08:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઑનલાઇન ગેમિંગનો ઉપયોગ કરીને ચીનમાં ક્રિપ્ટોકરન્સીની હેરફેર કરનાર ઑનલાઇન ગેમિંગ-ઍપ ફાઇવિનનું મોટું કૌભાંડ ભારતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ પકડી પાડ્યું છે. આ કૌભાંડમાં સંકળાયેલી રકમ ૪૮ મિલ્યન ડૉલર હોવાનું કહેવાય છે. EDએ તપાસને પગલે આશરે ત્રણ મિલ્યન ડૉલર જેટલી રકમનાં ચીની લોકોનાં ખાતાં શિથિલ કરી દીધાં છે. આ કૌભાંડમાં ઝડપી કમાણી કરવાની લાલચ આપીને લોકોને ગેમ રમવા પ્રોત્સાહિત કરાતા હતા, પરંતુ જ્યારે તેઓ ઉપાડ કરવા ચાહે ત્યારે તેમનાં નાણાં અટકાવી દેવાતાં હતાં. EDએ બાઇનૅન્સના સહયોગથી તપાસ કરી હતી. આ કૌભાંડમાં સંડોવાયેલા ભારતીય નાગરિકો – અરુણ સાહુ, આલોક સાહુ અને સૉફ્ટવેર એન્જિનિયરો – ચેતન પ્રકાશ અને જોસેફ સ્ટૅલિનની ધરપકડ કરવામાં આવી છે.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ ફરી એક વાર ઇક્વિટી બજારની રાહે નોંધપાત્ર પ્રમાણમાં ઘટી હતી. ટોચના ઘટેલા કૉઇનમાં ઇથેરિયમ ૪.૫૬ ટકા, સોલાના ૫.૯૧ ટકા, રિપલ ૧૦.૭૯ ટકા, કાર્ડાનો ૩.૬૮ ટકા, અવાલાંશ ૬.૬૨ ટકા અને શિબા ઇનુ ૪.૩૪ ટકા સાથે મોખરે હતા. બિટકૉઇનમાં ૧.૯૨ ટકા ઘટાડા સાથે ભાવ ૬૦,૧૧૩ ડૉલર ચાલી રહ્યો હતો.