ફૉરેન ઇન્વેસ્ટર્સને નેટ બાયર્સ તરીકે પાછા ફરતાં હજી સમય લાગી શકે

18 May, 2026 09:28 AM IST  |  Mumbai | Jayesh Chitalia

ભારતીય શૅરબજારમાં વૅલ્યુએશન વાજબી સ્તરે આવી રહ્યાં છે છતાં સંભવિત જોખમોના સંકેત માથે લટકતી તલવાર સમાન

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

FIIના એકધારા વેચાણને પગલે આવા સવાલ થવા સ્વાભાવિક છે, પરંતુ એ માટેનાં કારણ સમજવાં જોઈશે. આ રોકાણકારો અહીંથી નફો કરીને લઈ જઈ રહ્યા છે, તેમને જે અન્ય માર્કેટ્સ આકર્ષક લાગે છે ત્યાં નાણાં વાળી રહ્યા છે, પણ ભારતીય કંપનીઓના અર્નિંગ્સ વધવા સાથે તેઓ પાછા ફરશે, જોકે સંજોગોના સંકેત કહે છે કે હાલ આ બાબતે અનિશ્ચિતતા ગણવી પડે!

શૅરબજારમાં હાલ જે ટ્રેન્ડ છે એમાં ગ્લોબલ અનિશ્ચિતતાના સંજોગોનો ફાળો તો છે જ, યુદ્ધનો માહોલ પણ છે, પરંતુ જેને માટે વારંવાર સવાલ થાય એવો મુદો છે ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (FII)ના સતત નેટ વેચાણનો. કેમ FII એકધારું વેચી રહ્યા છે. જો તેઓ અહીં વેચી રહ્યા છે તો રોકાણ ક્યાં કરે છે? હાલ તેમનું ભારતીય ઇક્વિટીમાં રોકાણ ૧૪ વર્ષની નીચલી સપાટીએ પહોંચી ગયું છે. ગ્લોબલ ફન્ડ મૅનેજર્સને ભારતીય કંપનીઓના શૅર્સ કેમ હાલ ખરીદવા કરતાં વેચવામાં વધુ સાર લાગે છે? આનો જવાબ સમજવાના પ્રયાસ કરીએ.

જ્યારથી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ભારતની નિકાસ પર ઊંચી ટૅરિફ લાદવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારથી મામલો બગડવાનો શરૂ થયો એક એવો અંદાજ છે. આની અસર કંપનીઓની નિકાસ પર પડવી સહજ છે. બીજી બાજુ તાઇવાન અને સાઉથ કોરિયાની બજારોમાં તેજી ચાલી નીકળી, જેમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અને સેમિકન્ડક્ટર્સ સેક્ટરમાં બુલિશ રૅલી ચાલી છે. ફૉરેન ઇન્વેસ્ટર્સ અને આપણા રીટેલ ઇન્વેસ્ટર્સમાં ફરક એટલો છે કે જ્યાં તેમને વધુ કમાણી દેખાય ત્યાં રોકાણ કરે, પણ રીટેલ ઇન્વેસ્ટર્સ માત્ર ભારતીય બજારમાં રોકાણ કરે છે, જ્યારે ફૉરેન-ગ્લોબલ ઇન્વેસ્ટર્સ દુનિયાની વિવિધ માર્કેટમાં રોકાણ કરતા રહે છે. તેમની પાસેના ભંડોળનું કદ અસાધારણ ઊંચું હોય છે. તેમની પાસે જબરદસ્ત રિસર્ચ અને અભ્યાસ હોય છે જે બધાનો રીટેલ રોકાણકારો પાસે અભાવ હોય છે જેથી આપણે ગયા વખતે વાત કરી એમ ભારતીય રીટેલ રોકાણકારો હવે મ્યુચ્યુઅલ ફન્ડ્સ તરફ વધુ પ્રમાણમાં ડાઇવર્ટ થવા લાગ્યા છે.

નેટ સેલર્સ બનવાનાં કારણો

ફૉરેન ઇન્વેસ્ટર્સ ભારતીય બજારમાં નેટ સેલર્સ બનવાનું બીજું એક કારણ ડૉલર સામે નબળો પડતો રૂપિયો અને ક્રૂડના વધતા ભાવ પણ છે. આ તમામ પરિબળો વચ્ચે સૌથી મહત્ત્વની વાત એ ગણાય છે કે ભારત એક ડાઇવર્સિફાઇડ ઇકૉનૉનોમી છે જે હાલમાં વૈશ્વિક માહોલને કારણે અને આંતરિક સંજોગોને લીધે પણ ધીમી પડી છે. જ્યારે ફૉરેન ઇન્વેસ્ટર્સ ફાસ્ટ ગ્રોઇંગ ઇકૉનૉમી પસંદ કરે છે. સ્થાનિક અર્થતંત્રની ગતિ ધીમી પડતાં અને એના પર યુદ્ધની અસર ફેલાતી જતાં ફૉરેન ઇન્વેસ્ટર્સને ભારતમાં વૅલ્યુએશન વાજબી લાગતાં નથી અથવા બીજા ચોક્કસ દેશોમાં વધુ આકર્ષક લાગે છે. ભારતમાં અર્નિંગ ગ્રોથ પણ નબળો યા ધીમો લાગે છે. આમાં ફૉરેન ઇન્વેસ્ટર્સ પ્રૉફિટ લઈને બહાર નીકળવાનું પસંદ કરે એ નૅચરલ છે. ફૉરેન રોકાણકારોના સતત સેલ માટેનાં કારણોમાં એક કેન્દ્રીય કારણ ભારતીય કંપનીઓના અર્નિંગ ગ્રોથનું પણ કહેવાય છે. વૅલ્યુએશન બાબતે આ ગ્લોબલ રોકાણકારો ક્યાંક સમાધાન કરે, પણ અર્નિંગ ગ્રોથની ચિંતા તેમને વધુ લાગે છે.

લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટર્સે વધુ ચિંતા ન કરવી

વાસ્તવમાં ભારતીય રોકાણકારોએ હવે ફૉરેન ઇન્વેસ્ટર્સની બહુ વધુપડતી ચિંતા કરવાનો સમય જઈ રહ્યો છે. ભલે તેમના વેચાણથી માર્કેટ નીચે જતું હોય, પરંતુ આ ટ્રેન્ડ લાંબો ચાલી શકે નહીં, ભારતીય માર્કેટ એની ડાઇવર્સિફાઇડ ઇકૉનૉમીને કારણે જ ઝડપથી વિકાસ તરફ પુનઃ વળશે. એટલું જ નહીં, વધુ મજબૂત પણ બની રહેશે. જો આપણે એક રીટેલ યા હાઇ નેટવર્થ વ્યક્તિ (HNI) તરીકે પણ જોઈએ અને સમજીએ તો ભારતનો વિકાસ ધીમો પડે તો પણ એ મક્કમ અને નક્કર પાયા પર આગળ વધી રહ્યો છે, જેને લૉન્ગ ટર્મ રોકાણ કરવું છે તેમને માટે તો આ નીચી માર્કેટ કે ફોલિંગ માર્કેટ અવસર ગણાય. ભારતના બૅન્કિંગ, કન્ઝમ્પ્શન, ઉત્પાદન, સર્વિસ, ફાઇનૅન્શિયલ, ટેલિકૉમ વગેરે સેક્ટર પર નજર કરવા જેવી છે. બાકી AI અને સેમિકન્ડક્ટર્સ સેક્ટરમાં ભારત જ્યારે ગતિ પકડશે ત્યારે અલગ રંગ જોવા મળશે. આનો લાભ લેવો હોય તો તૈયારી અત્યારથી કરવી પડે. ભારતના ઇકૉનૉમિક અને સોશ્યલ રિફૉર્મ્સના સાતત્ય અને વિઝન પર પણ દૃષ્ટિ કરવા જેવી, કેમ કે એમાં લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનાં ફળ છુપાયેલાં છે.

ફૉરેન ઇન્વેસ્ટર્સની રીએન્ટ્રીના સંકેત

FII ભારતીય માર્કેટમાં નેટ બાયર્સ ક્યારે બનશે એ સવાલ મહત્ત્વનો છે, જેના સંકેત મળવાના શરૂ થયા છે એ જેને સમજાય તે સમજે. ગ્લોબલ સંસ્થા ગોલ્ડમૅન સાક્સના અભ્યાસ મુજબ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ રીએન્ટ્રી થવાની તૈયારીમાં છે. તેમની ભારતીય કંપનીઓમાંની માલિકી નીચા સ્તરે છે, જે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો કરતાં પણ નીચે ગઈ છે. હવે એની વધુ નીચે જવાની શક્યતા નથી. ફૉરેન ઇન્વેસ્ટર્સ હજી પણ વેચાણ કરતા રહે તો પણ એનું ડાઉનસાઇડ રિસ્ક મર્યાદિત છે. જોકે ઑઇલ-પ્રાઇસ ઘટવા પર આ રોકાણ તરત આવવા માંડશે નહીં, પરંતુ જ્યાં હાલ તેમની ઓનરશિપ ઘટી છે એ સ્ટૉક્સ પર ધ્યાન આપવામાં શાણપણ છે, કેમ કે ત્યાં તેમની ખરીદી રિવાઇવ થશે. અલબત્ત, સિલેક્ટિવલી થશે. ૨૦૨૬માં ગ્લોબલ રોકાણકારોએ ૨૨ અબજ ડૉલરનું વેચાણ કરી નાખ્યું છે, હજી એ ચારથી પાંચ અબજ ડૉલર વેચી શકે છે. આમ તો સપ્ટેમ્બર ૨૦૨૪થી લઈને અત્યાર સુધીમાં ફૉરેન ઇન્વેસ્ટર્સ ભારતીય માર્કેટમાંથી ૫૩ અબજ ડૉલર પાછા લઈ ગયા છે. હવે બસ, યુટર્ન અપેક્ષિત છે. આ તરત નહીં થાય, પણ વર્તમાન તનાવનો મામલો ઉકેલાઈ જવાથી એના અણસાર શરૂ થશે.

ચિંતા અને અનિશ્ચિતતા બન્ને અકબંધ

હાલ તો બજાર સમાચાર આધારિત વધ-ઘટ કર્યા કરે છે, ભાવિ માટેના સંકેત નેગેટિવ આવ્યા કરે છે. એક પછી એક નિવેદન કે પગલાં ચિંતાની દિશામાં આગળ વધી રહ્યાં હોવાથી બજારના રિવાઇવ માટે કોઈ નક્કર સ્કોપ દેખાતો નથી. બજાર વધે છે ત્યારે પ્રૉફિટ-બુકિંગ પણ આવી જાય છે. ક્રૂડના ભાવની સમસ્યા ગંભીર બનીને માથે લટકતી તલવાર છે. પેટ્રોલ-ડીઝલનો વધુ ભાવવધારો પણ માથે ઊભો છે. વેપાર-ઉદ્યોગ સહિત નિષ્ણાત વર્ગ તરફથી ચેતવણીઓ આવતી જાય છે. ગયા સપ્તાહનો ટ્રેન્ડ દર્શાવે છે કે બજાર હજી અમેરિકા-ઈરાનની વાટાઘાટની જેમ લટકી રહ્યું છે, પરિણામ સ્પષ્ટ નથી. બાકી રૂપિયાની, મોંઘવારીની અને વિદેશી રોકાણના પ્રવાહની ચિંતા ચાલુ છે. ભરપૂર ધીરજ અને સંયમ જોઈશે.

મહત્ત્વના આર્થિક સંકેત

વર્તમાન માર્કેટ-ટ્રેન્ડમાં કેટલીક ટોચની કંપનીઓના માર્કેટકૅપમાં એક લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે, જેમાં તાતા કન્સલ્ટન્સી, સ્ટેટ બૅન્ક, ભારતી ઍરટેલ, લાર્સન વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે LIC, HDFC બૅન્ક, ICICI બૅન્ક, બજાજ ફાઇનૅન્સ, હિન્દુસ્તાન યુનિલીવરના વૅલ્યુએશનમાં વૃદ્ધિ નોંધાઈ છે.

પ્રાઇમ મિનિસ્ટર ઑફિસ (PMO) વિવિધ મિનિસ્ટ્રીઝ સાથે વિદેશી રોકાણપ્રવાહ ભારતમાં કઈ રીતે વધુ આવી શકે, આયાતનો ભાર કઈ રીતે ઓછો થઈ શકે અને નિકાસ કઈ રીતે વધારી શકાય એ માટેનાં સંભવિત પગલાંની ચર્ચા કરી રહી છે.

એપ્રિલનું ઇન્ફ્લેશન વધીને ૩.૫ ટકા થયું છે. મોંઘવારી વધવાના ભયમાં વિવિધ વેપાર-ઉદ્યોગોમાં સાવચેતીનો અભિગમ વધી રહ્યો છે.

દેશના અગ્રણી વેપાર-ઉદ્યોગોના લીડર્સ અને સંગઠનો યુદ્ધના પરિણામે સર્જાયેલા સંજોગો હવે પછી વધુ વીફરવાની ચેતવણી આપવા માંડ્યા છે.

ભારતીય શૅરબજારમાં ૨૦૨૬ના અત્યાર સુધીમાં ૧૩ ટકા ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે ગ્લોબલ માર્કેટમાં પણ ભારતીય માર્કેટનો હિસ્સો ડાઉન ગયો છે.

ફ્યુઅલ પ્રાઇસિસ વિશે રિઝર્વ બૅન્કના ગવર્નરે પણ ચિંતા વ્યક્ત કરીને કહ્યું છે કે જો યુદ્ધનો તનાવ ચાલુ રહ્યો તો આ ભાવવધારો મોંઘવારી પણ વધારશે.

કેન્દ્ર સરકાર ઇન્ડિયન બૉન્ડ્સમાં વિદેશી રોકાણને કરરાહત આપશે એવા સંકેત બહાર આવ્યા છે.

અમેરિકા અને ચીન વચ્ચેની બેઠકમાં ઈરાન-સ્ટ્રેઇટ ઑફ હોર્મુઝની ચર્ચા થઈ, પણ ઈરાનની શરતો અમેરિકાને માફક ન આવતાં આ વિવાદ હજી ઉકેલાયો નથી.

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange jayesh chitalia