રેરાના અમલને થયાં પાંચ વર્ષ : બ્રોકરોએ રજિસ્ટ્રેશનનું નવીનીકરણ કરાવવાનું રહેશે

21 May, 2022 01:45 PM IST  |  Mumbai | Parag Shah

રિયલ એસ્ટેટનો બ્રોકિંગ બિઝનેસ વાર્ષિક આશરે ૧૮,૦૦૦ કરોડ રૂપિયાનો છે

પ્રતીકાત્મક તસવીર

મહારેરાનાં નિયમનકારી કાર્યોને પગલે ઊભા થતા પ્રશ્નો સંબંધે કેસ નોંધાવવા માટેની સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર વિશે ગયા વખતે વાત કર્યા બાદ આજે આપણે રેરા હેઠળ નોંધાયેલા એજન્ટ્સના રજિસ્ટ્રેશનનું નવીનીકરણ કરવા સંબંધે વાત કરીશું.
જે એજન્ટોનું પ્રમાણપત્ર મે, ૨૦૨૨માં પૂરું થાય છે તેમના માટે આ મહત્ત્વનો મુદ્દો છે. નોંધનીય છે કે રેરા કાયદો અમલમાં આવ્યાને પણ પાંચ વર્ષ થઈ ગયાં છે. 
દેશમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગ કુલ રાષ્ટ્રીય પેદાશમાં ૧૧ ટકા એટલે કે આશરે ૧૧ લાખ કરોડ રૂપિયાનું યોગદાન આપે છે તેથી એનું ઘણું મહત્ત્વ છે. વળી રોજગારના સર્જનમાં પણ એ મોખરે છે. રિયલ એસ્ટેટનો બ્રોકિંગ બિઝનેસ વાર્ષિક આશરે ૧૮,૦૦૦ કરોડ રૂપિયાનો છે. 
નોંધનીય છે કે ભારત સરકારે રિયલ એસ્ટેટ ઉદ્યોગનું નિયમન કરવા માટે ૧ મે, ૨૦૧૭ના રોજ રેરાનો અમલ કર્યો હતો. બિલ્ડરોની સાથે-સાથે બ્રોકરોને પણ તેમાં આવરી લેવામાં આવ્યા છે. દેખીતી વાત છે કે બ્રોકરો આ ઉદ્યોગનો અંતરંગ હિસ્સો છે. તેઓ જ ખરીદદાર અને વેચાણકર્તા વચ્ચેની કડી હોય છે. 
રિયલ એસ્ટેટના સોદાઓ બાબતે એક એજન્ટ તો એટલી હદ સુધી પોતાના કાર્ડમાં લખે છે કે બ્રોકર વગર પ્રૉપર્ટીનો સોદો અધૂરો કહેવાય. બન્ને પક્ષો વચ્ચેની વાટાઘાટમાં એમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોય છે. ખરીદદાર અને વેચાણકર્તા એ બન્નેની જરૂરિયાતો એમને ખબર હોય છે. આવા સંજોગોમાં પ્રૉપર્ટી ડીલર એટલે કે બ્રોકર બનવા માટે રેરામાં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. તેને લીધે તેમની જવાબદેહી નિશ્ચિત થાય છે અને તેઓ પણ ગરબડ-ગોટાળા કરતાં અટકે છે. 
રેરામાં નોંધણી કરાવવાની પ્રક્રિયા તથા તેની ફી અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ હોય છે. રેરાના એજન્ટ તરીકે રજિસ્ટ્રેશન કરાવવાના લાભ આ પ્રમાણે છે ઃ
૧. ખરીદદારો અને વેચાણકર્તાઓ વચ્ચેનો વિશ્વાસ એમને કારણે વધે છે.
૨. પ્રૉપર્ટી વેચવા માટે તથા જાહેરખબર કરવા માટે પણ રેરાનું રજિસ્ટ્રેશન આવશ્યક છે.
૩. રેરાના રજિસ્ટ્રેશનને કારણે એજન્ટ ખરીદદાર પ્રત્યે જવાબદારી ધરાવે છે અને તેમણે એનું પાલન કરવું આવશ્યક છે. 
૪. રેરામાં રજિસ્ટ્રેશન કરાવવાથી રિયલ એસ્ટેટ એજન્ટ વધુ પ્રોફેશનલ અને પ્રતિષ્ઠિત બને છે.
રેરાનું રજિસ્ટ્રેશન પાંચ વર્ષની સમયમર્યાદા ધરાવે છે. આમ દર પાંચ વર્ષે એનું નવીનીકરણ કરાવવાનું હોય છે. રજિસ્ટ્રેશન સમાપ્ત થવાની તારીખના ૬૦ દિવસ પહેલાં એના નવીનીકરણ માટેની અરજી કરવાની હોય છે. આ અરજી ફોર્મ ‘જે’માં કરવાની હોય છે અને તેની સાથે ફી ઉપરાંત દસ્તાવેજોની નકલ સુપરત કરવાની હોય છે. 
રેરા સત્તાવાળાઓએ હજી સર્ટિફિકેટના નવીનીકરણ માટેની પ્રક્રિયા જાહેર કરી નથી. એની જાહેરાત થયા બાદ એજન્ટોને સ્પષ્ટ ખ્યાલ આવશે. ત્યાર સુધી તેઓ મહારેરાની હેલ્પ ડેસ્ક પર ઈ-મેઇલ કરી શકે છે. તેમાં તેમણે પોતાનો રેરા નંબર તથા લૉગ ઇન આઇડી જણાવવાના હોય છે. 
મહારેરામાં કરાયેલું એજન્ટો માટેનું રજિસ્ટ્રેશન મહારાષ્ટ્રમાં જ લાગુ રહેશે, અન્ય રાજ્યોમાં નહીં. આ રજિસ્ટ્રેશન બીજા કોઈ એજન્ટને ટ્રાન્સફર પણ કરી શકાતું નથી.

business news