04 October, 2024 08:01 AM IST | Mumbai | Kanu J Dave
ગઈ કાલે શૅરબજારના બિલ્ડિંગ પરના ટીવી-સ્ક્રીન પર ફ્લૅશ થતા કડાકાના સમાચાર
બુધવારના મોટા કડાકાને જોતાં રોકાણો ભારતથી ચીન તરફ જઈ રહ્યાં હોવાની શંકા ખાતરીમાં પરિણમે છે. ભારત વિશે દૃઢ આશાવાદ ધરાવતા આંતરરાષ્ટ્રીય ફન્ડ-મૅનેજરોએ પણ ભારતના વેઇટેજમાં એક ટકાનો ઘટાડો કર્યો અને એની સામે ચીનનું વજન એક ટકાના પ્રમાણમાં વધારી દીધું હોવાનું અને ચીનનું બજાર ન ખૂલે ત્યાં સુધી હૉન્ગકૉન્ગના રૂટ મારફત ચીનના શૅરોમાં પોઝિશન વધારવાનું તેમણે શરૂ કરી દીધું હોવાના અહેવાલોએ આપણા બજારને પાણી-પાણી કરી દીધું હતું. જોકે આ વર્ગ એવું પણ માને છે કે શક્તિશાળી બુલ માર્કેટનું આ સાધારણ કરેક્શન જ છે. સામાન્ય રીતે વિદેશી ફન્ડ-મૅનેજરો ભારત પર વધુ અને ચીન પર ઓછું વજન આપે છે, પરંતુ ચીને અર્થતંત્રને ધમધમતું કરવા કરેલી જાહેરાતો પછી તેમણે ભારતનું વેઇટેજ થોડું ઘટાડી ચીનનું વધાર્યું હોવાનું ઘણા ફન્ડ-મૅનેજરોનું માનવું છે. ગુરુવારે ભારતીય ઇક્વિટી પર વેચવાલીનું પ્રચંડ દબાણ આવતાં રોકાણકારોની લગભગ 10 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ઓછી થઈ હોવાનું બીએસઈના આંકડાઓ પરથી જણાય છે. બીએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન મંગળવારે મોડી સાંજે 474.86 લાખ કરોડ રૂપિયાના સ્તરે હતું એ ગુરુવારે પોણાચાર આસપાસ 465.26 લાખ કરોડ રૂપિયા દેખાતું હતું. વિશ્વસનીય ડેટા અનુસાર દક્ષિણ કોરિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલૅન્ડમાંથી એફઆઇઆઇ રોકાણોનો ગયા અઠવાડિયે ચોખ્ખો આઉટફ્લો થયો હતો. એ જ રીતે સપ્ટેમ્બરનાં પ્રથમ ત્રણ સપ્તાહમાં જૅપનીઝ ઇક્વિટીમાંથી 20 બિલ્યન ડૉલરથી વધુ ભંડોળો પાછાં ખેંચાયાં હતાં. સામે પક્ષે એમએસસીઆઇનો ચીનનો ઇન્ડેક્સ તાજેતરના નીચા સ્તરેથી 30 ટકાથી વધુ વધ્યો છે.
ગુરુવારે નિફ્ટી વીકલી ઑપ્શન્સની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે નિફ્ટી 13 દિવસનું તળિયું તોડી નીચામાં 25,230.30નો દૈનિક લો બનાવી દિવસના અંતે 546.80 પૉઇન્ટ્સના ગાબડાએ 2.12 ટકાના લોસે 25,250.10 બંધ રહ્યો હતો. ચાર દિવસમાં મેળવેલા 1000 પૉઇન્ટ્સ પાછા ચાર દિવસમાં જ ગુમાવી દીધા હતા. 25,452.85ના સ્તરે ખૂલી વધીને 25,639.45 સુધી ગયો હોવાથી ઇન્ટ્રા-ડેમાં ટ્રેડિંગ થકી નિફ્ટીએ 409 પૉઇન્ટ્સ ગુમાવ્યા હતા. તદુપરાંત 25,796.90ના મંગળવારના લો 25,739.20 સામે ગુરુવારે હાઈ 25,639.45નો હાઈ રાખ્યો હોવાથી 100 પૉઇન્ટ્સનો ગૅપ છોડ્યો છે જેના કારણે સોદા વગર જ આ 100 પૉઇન્ટ્સના પ્રમાણમાં લોકોને માર પડ્યો છે. ગુરુવારે પૂરા થયેલા વીકલી ઑપ્શન્સમાં 25,300 અને 25,300 સ્ટ્રાઇકવાળા કૉલ ઑપ્શન્સ દિવસમાં વધીને 300 રૂપિયા પ્લસ હતા એ બંધ માત્ર પાંચ પૈસાના સ્તરે થયા હતા. એથી વિપરીત 25,400 અને 25,450ના પુટ્સ અનુક્રમે 9.50 અને 14.55થી વધીને 184 રૂપિયા અને 232.50 રૂપિયા સુધી જઈ આવી છેલ્લે 150 અને 200 રૂપિયા બોલાતા હતા. આવી અફરાતફરીમાંથી નાના ટ્રેડરોને બચાવવા માટે જ સેબીએ કડક કાયદા બનાવ્યા છે. નિફ્ટીએ દૈનિક બે ટકાથી વધુનો ઘટાડો છેલ્લે પાંચમી ઑગસ્ટે જોયો હતો. એ દિવસે પણ નિફ્ટી ગૅપથી નીચે ખૂલી 2.7 ટકા ગુમાવી 24,055.60 બંધ રહ્યો હતો. સેન્સેક્સ 82,497.10ના સ્તરે 1769.19 પૉઇન્ટ્સ, 2.10 ટકાના જોરદાર નુકસાને બંધ રહ્યો હતો. જોકે બીએસઈનો શૅર એનએસઈ ખાતે 3.14 ટકા વધી 3980 રૂપિયા બંધ રહ્યો હતો. એફઍન્ડઓ નિયમોમાં ફેરફારોનો ફાયદો અને ભવિષ્યમાં એનએસઈના શૅરોનું બીએસઈ પર લિસ્ટિંગ થવાથી ડબલ બેનિફિટ થશે એવી ગણતરીએ બીએસઈનો શૅર તેજીમાં મહાલે છે. સેન્સેક્સના જેએસડબ્લ્યુ સ્ટીલ સિવાયના બાકીના 29 શૅરો ઘટીને બંધ રહ્યા હતા. ગુરુવારે યેન 0.20 ટકા સુધરી એક ડૉલરના 146.8750 બોલાતો હતો. હૉન્ગકૉન્ગનો હૅન્ગસૅન્ગ ઇન્ડેક્સ દોઢ ટકો ઘટ્યો હતો તો જપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ બે ટકા સુધર્યો હતો. ઘરઆંગણે નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ 2.38 ટકા ઘટી 1836 પૉઇન્ટ્સ ખાબકીને 75,448 થઈ ગયો હતો. મિડકૅપ સિલેક્ટ ઇન્ડેક્સ તો 2.40 ટકા તૂટી 12,976 પર આવી ગયો હતો. બૅન્ક નિફ્ટી 2.04 ટકા અને નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ 2.43 ટકા ઘટી અનુક્રમે 51,845 અને 23,881ના લેવલે બંધ હતા. નિફ્ટીના માત્ર બે જ શૅરો સુધર્યા હતા. જેએસડબ્લ્યુ સ્ટીલ 1.33 ટકા વધી 1041 રૂપિયા અને ઓએનજીસી 0.35 ટકા સુધરી 293 રૂપિયા બંધ રહ્યા હતા. ઘટવામાં બીપીસીએસ પાંચ ટકા લપસી 349 રૂપિયા, શ્રીરામ ફાઇનૅન્સ સાડાચાર ટકા તૂટી 3412, લાર્સન ચાર ટકાના નુકસાને 3505, ઍક્સિસ બૅન્ક 4 ટકાના ઘટાડે 1178 અને રિલાયન્સ 3.95 ટકા ડાઉન થઈ 2813 રૂપિયા પર આવી ગયા હતા. બજારનો રંગ જોતાં અગ્રણી શૅરોમાં 4-5 ટકાનો ઘટાડો સામાન્ય બાબત બની ગયો હતો.
એનએસઈના 77માંથી 73 ઇન્ડેક્સ ઘટી ગયા હતા. એનાથી મોટાં ગાબડાં રિયલ્ટી ઇન્ડેક્સમાં 4.36 ટકા, ઑટો ઇન્ડેક્સમાં 2.88 ટકા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 2.83 ટકાના પ્રમાણમાં પડ્યાં હતાં.
નિફ્ટીના 50માંથી 48, નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 47, નિફ્ટી બૅન્કના 12માંથી 11, નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસના 20માંથી 19 અને મિડકૅપ સિલેક્ટના 25માંથી 23 શૅરો તૂટ્યા હોવાથી બિહામણું ચિત્ર ઊપસતું હતું. સેન્સેક્સના 30માંથી 29 અને બૅન્કેક્સના દસેદસ શૅરો ગબડ્યા હતા. એનએસઈના વેબસાઇટ પરની માહિતી અનુસાર 2912 (2874) ટ્રેડેડ શૅરોમાંથી 637 (1639) વધ્યા, 2200 (1137) ઘટ્યા અને 75 (98) સ્થિર રહ્યા હતા. બાવન સપ્તાહના નવા હાઈ 102 (101) શૅરોએ અને નવા લો 65 (33) શૅરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કિટે 106 (154) તો નીચલી સર્કિટે 112 (54) શૅરો ગયા હતા.