નવું નાણાકીય વર્ષ શરૂ થતાં પહેલાં પૂરાં કરવાનાં ચાર મહત્ત્વપૂર્ણ કાર્યો

20 March, 2023 06:06 PM IST  |  Mumbai | Khyati Mashru Vasani

આવકવેરા ખાતાએ પૅન કાર્ડ અને આધાર કાર્ડનું લિન્કિંગ કરવા માટે ૩૧ માર્ચ ૨૦૨૩ સુધીનો સમય આપ્યો છે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

નવા નાણાકીય વર્ષમાં દરેક નાણાકીય કાર્ય સારી રીતે થઈ શકે એ માટે પાછલા નાણાકીય વર્ષનાં કેટલાંક કામ પૂરાં કરવાં જરૂરી હોય છે. આપણે હવે નાણાકીય વર્ષ ૨૨-૨૩ના અંતિમ તબક્કામાં પ્રવેશી ગયા છીએ ત્યારે આ કાર્યો કરવા માટે ઘણો ઓછો સમય બાકી છે. તો ચાલો જોઈ લઈએ કે હવે કયાં ચાર કાર્યો પતાવવાનાં છે

પૅન કાર્ડ અને આધાર કાર્ડનું લિન્કિંગ

આવકવેરા ખાતાએ પૅન કાર્ડ અને આધાર કાર્ડનું લિન્કિંગ કરવા માટે ૩૧ માર્ચ ૨૦૨૩ સુધીનો સમય આપ્યો છે. જોકે ૧૦૦૦નો દંડ ભરવા સાથેની આ મુદત અપાઈ છે, કારણ કે દંડ વગરની મૂળ મુદત ગયા વર્ષની ૩૦ જૂને પૂરી થઈ ગઈ છે. હવે જો ૩૧ માર્ચ સુધી આ લિન્કિંગ કરવામાં નહીં આવે તો પૅન નંબર નિષ્ક્રિય થઈ જશે.

સુધારિત રિટર્ન ફાઇલ કરવું

અસેસમેન્ટ વર્ષ ૨૧ માટેનું સુધારિત ઇન્કમ ટૅક્સ રિટર્ન ભરવા માટેની છેલ્લી તારીખ ૩૧ માર્ચ ૨૦૨૩ છે. જેમણે મૂળ ઇન્કમ ટૅક્સ રિટર્નમાં કોઈ માહિતી આપવાની બાકી રહી ગઈ હોય તો હવે સુધારિત રિટર્ન દ્વારા ઉમેરી શકાય છે. જે કરદાતાઓ મૂળ રિટર્ન, સુધારિત રિટર્ન કે વિલંબિત રિટર્નમાં કોઈ વિગત ચૂકી ગયા હોય અને એને સામેલ કરવી હોય તો આવકવેરા કાયદાની જોગવાઈ મુજબ હવે તેઓ આઇટીઆર-યુ ફાઇલ કરી શકે છે. 

કરવેરાની બચતની સ્થિતિની સમીક્ષા

જે નાણાકીય વર્ષ પૂરું થઈ રહ્યું હોય એમાં કરવેરાની બચત કરવા માટેનો કોઈ ઉપાય બાકી રહી ગયો હોય તો એનો ઉપયોગ કરી લેવા માટે ૩૧ માર્ચ સુધીનો સમય છે. નાણાકીય વર્ષ ૨૨-૨૩ની આવક પર કોઈ કરવેરો લાગુ પડતો હોય તો એ બચાવવા માટે આવકવેરા ધારાની કલમ ૮૦સી,  ૮૦ડી અથવા ૮૦ઈનો ઉપયોગ કરી શકાય છે. કલમ ૮૦સી હેઠળ કરવેરાની બચત કરવા માટે મહત્તમ દોઢ લાખ રૂપિયા સુધીનું ડિડક્શન મેળવી શકાય છે. આ ડિડક્શન લેવા માટે પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ, યુનિટ લિન્ક્ડ ઇન્શ્યૉરન્સ પ્લાન, ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કીમ વગેરેમાં રોકાણ કરી શકાય છે. આથી કરવેરાની બચત માટેની સ્થિતિની સમીક્ષા કરી લેવી અને જો દોઢ લાખ રૂપિયા સુધીની મર્યાદાનો ઉપયોગ હજી સુધી કરવામાં આવ્યો ન હોય તો ૩૧ માર્ચ પહેલાં કરી લેવો. સમગ્ર પરિવારના કે પોતાના આરોગ્ય વિમાના પ્રીમિયમનું ડિડક્શન કલમ ૮૦ડી હેઠળ લઈ શકાય છે. આથી આરોગ્ય વીમો વધારવા માટે અત્યારે યોગ્ય સમય છે.
જો તમે કોઈ શૈક્ષણિક લોન લીધી હોય અને એના પરનું વ્યાજ ચૂકવવાનો સમય આવી ગયો હોય તો ૩૧ માર્ચ પહેલાં એ ચુકવણી કરીને કલમ ૮૦ઈ હેઠળ ડિડક્શન લઈ શકાય છે. શૈક્ષણિક લોન પરના વ્યાજની જે કોઈ ચુકવણી થઈ હોય એનું સંપૂર્ણ નાણાકીય વર્ષ માટેનું ડિડક્શન ક્લેમ કરી શકાય છે. આથી જરા પણ વિલંબ કર્યા વગર વ્યાજની ચુકવણીની નોંધ કરીને અથવા તો ચુકવણી કરીને જવાબદારી ઓછી કરી લેવી. 

વાર્ષિક પાંચ લાખ રૂપિયા કરતાં વધુ પ્રીમિયમ હોય એવો વીમો

સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે જોગવાઈ કરી છે કે જે જીવન વીમાનું પ્રીમિયમ વર્ષે પાંચ લાખ રૂપિયા કરતાં વધારે હશે એમાં પાકતી મુદતે મળનારી ક્લેમની રકમ કરપાત્ર બનશે. આ જોગવાઈ ૧ એપ્રિલ ૨૦૨૩ના રોજ કે એના પછી ખરીદાયેલો પરંપરાગત વીમો જેમાં યુનિટ લિન્ક ઇન્શ્યૉરન્સ સામેલ નથી એને લાગુ પડશે. ઘણા રોકાણકારો પાકતી મુદતે કરમુક્ત રકમ મળે એ માટે મોટી રકમની વીમા પૉલિસીમાં રોકાણ કરતા હોય છે. આવા રોકાણકારો માટે હવે વર્તમાન નાણાકીય વર્ષ પૂરું થાય એની પહેલાં જ છેવટની તક છે. જોકે ફાઇનૅન્સ તરીકે મારે કહેવું જરૂરી છે કે જીવન વીમો હંમેશાં પરિવારની આર્થિક મુશ્કેલીને નિવારવા માટે જ અને નાણાકીય લક્ષ્યોને અનુરૂપ હોય એ રીતે જ ખરીદવાનો હોય છે. આથી તમે મોટી રકમનો વીમો લેવાની ઉતાવળ કરો એની પહેલાં મેં જણાવેલો મુદ્દો ધ્યાનમાં રાખવો.

છેલ્લે એટલું કહેવાનું કે નાણાકીય વર્ષ પૂરું થાય એની પહેલાં દરેક વ્યક્તિએ ક્રેડિટ કાર્ડના બિલ અને ઈએમઆઇની ચુકવણી કરવા જેવી નાણાકીય જવાબદારીઓ પૂરી કરી લેવી. પાછલા વર્ષના તમામ આવશ્યક નાણાકીય દસ્તાવેજો એક સાથે ભેગા કરીને વ્યવસ્થિત ગોઠવી લેવા, કરવેરાની બચત માટેનું રોકાણ કરી લેવું અને પગારદાર વ્યક્તિઓએ પોતાના અકાઉન્ટ ડિપાર્ટમેન્ટને રોકાણના પુરાવાઓ સુપરત કરવા જેથી કરબચતની નોંધ થઈ જાય. કોઈ પણ નાણાકીય નિર્ણય નાણાકીય વર્ષના છેલ્લા દિવસ સુધી મુલતવી રાખવો જોઈએ નહીં, કારણ કે છેલ્લી ઘડીએ ભૂલો થવાની શક્યતા વધારે હોય છે.

business news