જપાનના ઑલિમ્પિક વિલેજમાં કોરોનાનો કેસ મળતાં તેમ જ અમેરિકામાં કેસ વધતા સોનામાં ઉછાળો

21 July, 2021 04:26 PM IST  |  Mumbai | Mayur Mehta

જર્મની અને જપાનના પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સમાં વધારો થતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના કારણે હંમેશાં અનિશ્ચિતતા વચ્ચે ઘેરાયેલા જપાનના ઑલિમ્પિક રમતોત્સવને ફરી કોરાનાનું ગ્રહણ લાગ્યું હતું, ઑલિમ્પિક વિલેજમાં કોરોનાનો એક કેસ નીકળતા તેમ જ અમેરિકામાં છેલ્લા એક સપ્તાહમાં નવા કેસ ૫૦ ટકા વધતા સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભય વધ્યો હતો જેને કારણે સોનામાં નવેસરથી ઉછાળો જોવા મળ્યો હતો.

વિદેશી પ્રવાહો

જપાનના ઑલિમ્પિક વિલેજમાં કોરોનાનો એક કેસ જોવા મળતા તેમ જ અમેરિકામાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના ૫૦ ટકા કેસ વધતા સોનામાં નવેસરથી તેજી જોવા મળી હતી. અમેરિકા સહિત અનેક દેશોની ઇકૉનૉમિક રિકવરી ફાસ્ટ હોઈ ડૉલર સાડા ત્રણ મહિનાની ઊંચાઈએ હોઈ સોનામાં મોટી તેજી અટકી હતી, પણ અમેરિકાના ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ પાંચ મહિનાની નીચી સપાટીએ હોઈ સોનામાં નવી ખરીદીનું આકર્ષણ વધ્યું હતું. અમેરિકા સહિત અનેક દેશોની ઇકૉનૉમિક રિકવરી ફાસ્ટ હોઈ સોનું સોમવારે ઘટીને એક તબક્કે ૧૮૦૦ ડૉલરની અંદર ૧૭૯૪.૦૬ ડૉલર થયું હતું પણ કોરોનાના ભયને કારણે મંગળવારે સવારથી સોનું વધ્યું હતું અને દિવસ દરમ્યાન વધીને ૧૮૧૮ ડૉલર સુધી વધ્યું હતું. જોકે સોનું વધ્યા છતાં ચાંદી અને પ્લેટિનમમાં ઘટાડો હતો જ્યારે પેલેડિયમ સુધર્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

યુરો એરિયાની કરન્ટ અકાઉન્ટ સરપ્લસ મે મહિનાને અંતે વધીને ૪.૩ અબજ યુરોએ પહોંચી હતી જે ગત વર્ષે આ સમયે ૦.૭ અબજ યુરોની ડેફિસિટ હતી. જર્મનીનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ જૂનમાં ૮.૫ ટકા વધીને ૩૯ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો જે મે મહિનામાં ૭.૨ ટકા વધ્યો હતો. બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાની જુલાઈ મહિનાના આરંભે યોજાયેલી પૉલિસી મીટિંગની મિનિટ્સમાં ઑસ્ટ્રેલિયાનો ઇકૉનૉમિક ગ્રોથ સતત વધતો રહેવાનો આશાવાદ બતાવવામાં આવ્યો હતો. જોકે ઇન્ટરેસ્ટ રેટમાં ૨૦૨૪ સુધી વધારો નહીં કરવામાં આવે તે બાબતે તમામ મેમ્બર્સ સહમત હતા. જપાનનો કન્ઝ્યુમર્સ પ્રાઇસ ઇન્ડેક્સ જૂનમાં ૦.૨ ટકા વધ્યો હતો જે મે મહિનામાં ૦.૧ ટકા ઘટ્યો હતો તેમ જ જપાનનો ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ આઠ મહિના પછી પ્રથમ વખત જૂનમાં ૦.૧ ટકા વધ્યો હતો જે મે મહિનામાં ૦.૯ ટકા ઘટ્યો હતો. અમેરિકાનો હોમબિલ્ડર્સ સેન્ટિમેન્ટસ ઇન્ડેક્સ જુલાઈમાં સતત બીજે મહિને ઘટીને ૮૦ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મે મહિનામાં ૮૧ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૮૨ પૉઇન્ટની હતી. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

જર્મનીનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ અને જપાનના ફૂડ-પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો તેવી જ રીતે ચીન સિવાયના તમામ દેશોના છેલ્લા દસ-પંદર દિવસમાં જાહેર થયેલા ઇન્ફ્લેશનના ડેટા એકદમ બુલિશ જોવા મળ્યા હતા, ખાસ કરીને અમેરિકાનું ઇન્ફ્લેશન કૂદકેને ભૂસકે વધી રહ્યું છે. એક તરફ ઇન્ફ્લેશન વધી રહ્યું છે તેની સામે ડેલ્ટા વેરિઅન્ટના કેસ વધી રહ્યા હોઈ ઇકૉનૉમિક રિકવરીના ચાન્સ ઘટી રહ્યા હોઈ અમેરિકા સહિત એક પણ દેશ ઇન્ફ્લેશનના વધારાને મૉનેટરી પૉલિસી દ્વારા રોકી શકે તેમ નથી. આવી વિપરીત સ્થિતિને કારણે સોનામાં તેજીના ચાન્સ બરકરાર છે. કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા હોવા છતાં મોટા ભાગના દેશોની ઇકૉનૉમિક રિકવરી સુધરી રહી હોઈ સોનામાં મોટી તેજી શક્ય બનતી નથી, પણ ઇન્ફ્લેશનના વધારાને કારણે સોનામાં મજબૂતી જળવાયેલી છે. હવે નવા ડેવલપમેન્ટ અનુસાર છેલ્લા એક સપ્તાહમાં અમેરિકામાં કોરોનાના કેસમાં ૫૦ ટકાનો વધારો થયો હોઈ યુરોપિયન દેશો અને એશિયન દેશો સાથે અમેરિકામાં પણ કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું છે. યુરોપિયન દેશો ઑસ્ટ્રિયા, સ્વિટ્ઝરલૅન્ડ, આયર્લેન્ડ, ઇટલી, સ્પેન, ફ્રાન્સ અને એશિયન દેશો વિયેટનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા, ઇઝરાયલ, જપાન, ઈરાન-ઇરાકમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. અમેરિકામાં કોરોનાનું સંક્રમણ વધતાં સોનામાં શૉર્ટ ટર્મ અને મીડિયમ ટર્મ તેજીના પ્રોસ્પેક્ટ્સ વધુ મજબૂત બન્યા હતા.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૮,૨૨૨

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૮,૦૨૯

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૬,૯૮૦

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news