સીઝફાયરના દાવા વચ્ચે છમકલાં શરૂ થતાં શૅરબજારો ઘટાડાના માર્ગે

09 May, 2026 09:58 AM IST  |  Mumbai | Anil Patel

ડાબર ઇન્ડિયાએ ૭.૪ ટકા વધારામાં ૩૦૩૮ કરોડ આવક પર માર્ચ ક્વૉર્ટરમાં ૧૫.૮ ટકા વૃદ્ધિદરથી ૩૬૨ કરોડ નેટ નફો મેળવી શૅરદીઠ સાડાપાંચનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ઉપર ૪૯૦ થઈ પોણાચાર ટકા વધી ૪૮૭ હતો.

પ્રતીકાત્મક તસવીર

સ્ટેટ બૅન્કનો નફો ધારણાથી ૬૨૮ કરોડ ઓછો આવ્યો એમાં કંપનીનું ૬૬,૬૯૧ કરોડનું માર્કેટકૅપ ડૂલ થયું : ટાઇટન, અદાણી પોર્ટ્‍સ, નેસ્લે, અપોલો હૉસ્પિટલ્સ, બજાજ ઑટોમાં નવા ટૉપ સાથે સુધારો : ગ્લોબસ સ્પિરિટ્સ નફામાં તગડા વધારા છતાં ૧૧.૪ ટકાનું ભાવમાં ગાબડું : MRF લિમિટેડ સારા પરિણામ સાથે શૅરદીઠ ૨૨૯ રૂપિયાના ડિવિડન્ડ વચ્ચે માંડ અડધો ટકો સુધારામાં : બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ શૅરદીઠ ૯૦+નું ડિવિડન્ડ અને સારાં પરિણામ બેકાર, શૅર ૨૯૧ રૂપિયા ખરડાયો 

સીઝફાયર ચાલુ હોવાના ટ્રમ્પના દાવા વચ્ચે યુએઈ તથા ગલ્ફના કેટલાક વિસ્તારોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે લશ્કરી અથડામણ શરૂ થઈ હોવાના અહેવાલ છે. ઇઝરાયલે લેબૅનન પર એની આદત મુજબ હુમલા શરૂ કર્યા છે. જોકે બ્રેન્ટ ક્રૂડ હજી ૧૦૦ ડૉલર નજીક જ છે, પરંતુ શૅરબજારો ઢીલાં પડ્યાં છે. ગઈ કાલે એશિયા ખાતે અપવાદમાં સાઉથ કોરયા ૭૫૧૧ના નવા શિખરે જઈ નહીંવત્ સુધરી ૭૪૯૮ બંધ હતું. તાઇવાન ૪૨,૦૩૮ ઉપર નવી લાઇફટાઇમ હાઈ બનાવી પોણો ટકો ઘટીને ૪૧,૬૦૪ થયું છે. હૉન્ગકૉન્ગ એકાદ ટકો, ઇન્ડોનેશિયા અઢી ટકા, થાઇલૅન્ડ અડધો ટકો, જપાન સાધારણ, સિંગાપોર તથા ચાઇના નજીવાં ઘટ્યાં છે. યુરોપ ખાતે લંડન ફુત્સી સાધારણ નરમ અને અન્ય બજાર એકથી સવા ટકો રનિંગમાં ડાઉન હતા. ડૉલર સામે આગલા દિવસે ૯૪.૨૫ બંધ થયેલો રૂપિયો નરમાઈમાં ૯૪.૬૮ થઈ ૯૪.૪૦ જેવો ચાલતો હતો. 

ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૨૧૨ પૉઇન્ટ નરમ, ૭૭,૬૩૨ ખૂલી છેક સુધી રેડ ઝોનમાં રહીને ૫૧૩ પૉઇન્ટના ઘટાડામાં ૭૭,૩૨૮ તથા નિફ્ટી ૧૫૦ પૉઇન્ટ ઘટીને ૨૪,૧૭૬ બંધ થયો છે. બજાર ઉપરમાં ૭૭,૬૪૭ અને નીચામાં ૭૭,૧૪૬ થયું હતું. કમજોર માર્કેટ-બ્રેડ્થમાં વધેલા ૧૫૦૧ શૅરની સામે ૧૭૮૩ જાતો ઘટી છે. માર્કેટકૅપ દોઢ લાખ કરોડ ઘટીને ૪૭૩.૪૭ લાખ કરોડ રહ્યું છે. હેલ્થકૅર ઇન્ડેક્સ નવી ઑલટાઇમ હાઈ બનાવી ૧૪૨ પૉઇન્ટ વધ્યો છે. કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક નવા શિખરે જઈ ૧૯૬ પૉઇન્ટ ઘટ્યો છે. ટાઇટનના જોરમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ બેન્ચમાર્ક બે ટકા કે ૧૧૯૧ પૉઇન્ટ વધ્યો છે. ઑઇલ-ગૅસ એક ટકો, ફાઇનૅન્સ ઇન્ડેક્સ સવા ટકો, એનર્જી ૦.૯ ટકા, મેટલ ૦.૯ ટકા ઘટ્યો છે. બૅન્ક નિફ્ટી ૧.૩ ટકા તો PSU બૅન્ક નિફ્ટી ૩.૧ ટકા ડૂલ થઈ છે. સ્ટેટ બૅન્કનો ભાર અહીં વરતાયો છે. આઇટી ઇન્ડેક્સ સવા ટકો પ્લસ હતો. 

ટાઇટનની ત્રિમાસિક આવક ૪૬ ટકા વધીને ૨૦,૩૦૦ કરોડ થઈ છે. નફો ૩૫ ટકા વધીને ૧૧૭૯ કરોડ નોંધાયો છે. શૅરદીઠ ૧૫નું ડિવિડન્ડ જાહેર થયું છે. શૅર ૪૬૦૧ની ઑલટાઇમ હાઈ બનાવી ૪.૬ ટકાના ઉછાળે ૪૫૦૮ બંધ આપીને બન્ને બજારમાં ઝળક્યો છે. માર્કેટકૅપ ચાર લાખ કરોડ ઉપર જોવા મળ્યું છે. અપોલો હૉસ્પિટલ્સનાં પરિણામ ૨૦મીએ છે. શૅર ગઈ કાલે ૮૧૧૪ની લાઇફ ટાઇમ ટૉપ બનાવી ૩.૩ ટકાની મજબૂતીમાં ૮૦૯૫ રહી છે. અદાણી પોર્ટ્સ ૧૭૯૨ની સર્વોચ્ચ સપાટી દેખાડી દોઢ ટકો વધીને ૧૭૬૦ થતાં એનું માર્કેટકૅપ ૪.૦૫ લાખ કરોડ વટાવી ગયું છે. એશિયન પેઇન્ટ્સ પોણાત્રણ ટકા, ઇન્ફોસિસ દોઢ ટકો, HCL ટેક્નો સવા ટકો, તાતા કન્ઝ્યુમર ૨.૧ ટકા, ટેક મહિન્દ્ર એક ટકો પ્લસ હતી. બજાજ ઑટો ૧૦,૭૮૫ની દોઢ વર્ષની નવી ટોચે જઈ એક ટકો વધીને ૧૦,૭૧૧ હતી. HDFC બૅન્ક ૧.૮ ટકા ઘટી બજારને ૧૮૮ પૉઇન્ટ નડી છે. ICICI એક ટકો અને ઍક્સિસ દોઢ ટકો નરમ હતી. રિલાયન્સ ૧૪૩૫ ઉપર ફ્લૅટ રહી છે. બજાજ ફાઇનૅન્સ ૧.૮ ટકા અને મહિન્દ્ર દોઢ ટકો નરમ થઈ છે. ONGC ૧.૭ ટકા ઘટી હતી. કલ્યણ જ્વેલર્સે ૧૧૮ ટકા વધારામાં ૪૧૦ કરોડ નફો કરતાં શૅર ૩.૪ ટકા વધીને ૪૨૫ બંધ થયો છે. MCX રિઝલ્ટ પૂર્વે દોઢ ટકો વધી ૩૦૯૪ની નવી ટોચે બંધ થઈ હતી.

થર્મેક્સ વૉલ્યુમ સાથે વિક્રમી સપાટી બતાવી ૪૯૮ રૂપિયા પ્લસ 

થર્મેક્સ લિમિટેડે સાડાબાર ટકા વધારામાં ૩૪૨૮ કરોડની ત્રિમાસિક આવક પર ૧૮.૭ ટકા વૃદ્ધિદરથી ૨૨૪ કરોડ ચોખ્ખો નફો મેળવી શૅરદીઠ ૧૪નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ૪૭૫૬ની ટૉપ બતાવીને ૧૨ ટકા ઊછળી ૪૬૮૧ થયો છે. થાયરોકૅરની આવક ૧૯.૭ ટકા વધી ૨૨૪ કરોડ તથા નફો ૧૨૩ ટકા વધી ૪૭ કરોડ વટાવી ગયો છે. શૅરદીઠ ૭નું ડિવિડન્ડ જાહેર કરાયું છે. શૅર ૪૦ ગણા કામકાજે ઉપરમાં ૫૨૬ થઈ પોણાચાર ટકા વધી ૪૮૬ હતો. CCL પ્રોડક્ટ્સની આવક ૪૬.૫ ટકા વધી ૧૨૨૪ કરોડ થઈ છે, પણ નફો ૧૨.૫ ટકા વધી ૧૧૫ કરોડ થયો છે. માર્જિન ચારેક ટકા ઘટી ૧૫.૭ ટકા નોંધાયું છે. નીચામાં ૧૧૧૪ જઈ ૭ ટકા ખરડાઈ ૧૧૨૪ થયો છે. કે. પી. એનર્જીની આવક ૫૭.૫ ટકા વધી ૬૩૨ કરોડ અને નફો ૭૧.૮ ટકા વધી ૭૮૭૦ લાખ આવ્યો છે. શૅર ઉપરમાં ૪૪૧ થઈ સાધારણ ઘટી ૪૦૬ હતો. કરુર વૈશ્ય બૅન્કની કુલ ત્રિમાસિક આવક ૧૬ ટકા વધી ૩૫૧૯ કરોડ થઈ છે. નેટ નફો ૪૧ ટકા વધીને ૭૨૫ કરોડ આવ્યો છે. શૅર ઉપરમાં ૩૨૧ થઈ પોણાત્રણ ટકા ઘટીને ૩૦૪ હતો. MRF લિમિટેડે ૧૩.૭ ટકા વધારામાં ૮૦૪૪ કરોડની આવક પર ૩૮ ટકાના વધારામાં ૭૦૨ કરોડનો ત્રિમાસિક કન્સોલિડેટેડ નેટ નફો મેળવી શૅરદીઠ ૨૨૯ રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ગઈ કાલે ૬૦ ટકાના કામકાજે ઉપરમાં ૧.૩૨ લાખ થઈ અડધો ટકો કે ૫૭૯ રૂપિયા સુધરી ૧,૩૦,૫૫૯ બંધ થયો છે.

BSE પરિણામ પાછળ નવું શિખર મેળવી ઘટાડામાં બંધ રહી 
 
BSE લિમિટેડની ત્રિમાસિક આવક ૮૫ ટકા જેવી વધીને ૧૫૬૪ કરોડ તથા નેટ પ્રૉફિટ ૬૧ ટકા વધીને ૭૯૮ કરોડ નજીક થયો છે. ગયા સમગ્ર વર્ષે એનો નેટ પ્રૉફિટ ૮૮ ટકા વધીને ૨૪૮૭ કરોડે પહોંચ્યો છે. શૅરદીઠ ૧૦નું ડિવિડન્ડ જાહેર કરાયું છે. શૅર ૩૯૯૪ની ટૉપ બનાવી ૧.૪ ટકા ઘટી ૩૯૦૭ બંધ થયો છે. ૧૯૯૫ની ૨૬ સપ્ટેમ્બરે ભાવ ૨૦૨૧ના વર્ષના તળિયે હતો. ૨૦૨૬ના ચાલુ કૅલેન્ડર વર્ષમાં આ શૅર અત્યાર સુધીમાં ૪૮.૫ ટકા વધ્યો છે. મહાનગર ગૅસની ત્રિમાસિક આવક સાડાચાર ટકા વધી ૨૦૫૨ કરોડ થઈ છે, પણ નફો ૪૬ ટકા ગગડીને ૧૩૦ કરોડ રહ્યો છે. શૅરદીઠ ૧૮નું ડિવિડન્ડ જાહેર થયું છે. ભાવ નીચામાં ૧૧૩૦ થઈ અડધો ટકો ઘટી ૧૧૭૩ હતો. ફેવિકૉલ ફેમ પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝે ૧૪ ટકાના વધારામાં ૩૫૮૩ કરોડની આવક પર ૩૭.૨ ટકાના વધારામાં ૫૭૯ કરોડ નફો મેળવી શૅરદીઠ ૧૧.૫૦નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ગઈ કાલે ઉપર ૧૫૧૬ થઈ પોણાબે ટકા સુધરી ૧૪૭૬ હતો. આદિત્ય બિરલા લાઇફ સ્ટાઇલની આવક બારેક ટકા વધી ૨૧૭૪ કરોડ થઈ છે, નફો ૪૨ ટકાના વધારામાં ૫૪૫૦ લાખ નોંધાયો છે. શૅર નીચામાં ૧૦૫ બતાવી ૩.૭ ટકા ગગડી ૧૧૪ થયો છે. ગ્રેવિટા ઇન્ડિયાની આવક સવાછ ટકા વધીને ૯૧૫ કરોડ થઈ છે, પણ નેટ નફો સવાપાંચ ટકા ઘટી ૭૦ કરોડ નીચે ગયો છે. શૅર નીચામાં ૧૭૦૪ થઈ બે ટકા ઘટીને ૧૭૬૩ થયો છે. વી-માર્ટ રીટેલની આવક ૨૪.૫ ટકા વધવા છતાં નફો ૩૯ ટકા ગગડી ૧૧૩૦ લાખ થયો છે. શૅર સવાબે ટકા વધીને ૬૮૦ બંધ હતો. 

નબળા રિઝલ્ટમાં સ્ટેટ બૅન્ક સાડાછ ટકા ગગડીને ટૉપ લૂઝર 

કુર્લા-વેસ્ટની ONEMI ટેક્નૉલૉજી એકના શૅરદીઠ ૧૭૧ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં સાડાસાતથી શરૂ થઈ નીચામાં દોઢ રૂપિયો થયા બાદ છેલ્લે ૧૩ના બોલાતા પ્રીમિયમ સામે ગઈ કાલે ૧૯૧ ખૂલી ઉપરમાં ૨૨૭ અને નીચામાં ૧૯૦ થઈ ૨૦૮ બંધ રહેતાં ૯ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. નવી દિલ્હીની વૅલ્યુ ૩૬૦ કમ્યુનિકેશન્સનો SME IPO સોમવારે લિસ્ટેડ થશે. અંધેરી-વેસ્ટની સિમ્કા ઍડ્વર્ટાઇઝિંગનો ૧૦ના શૅરદીઠ ૧૮૩ની અપરબૅન્ડ સાથે ૫૮ કરોડનો SME SME IPO ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૨૨ ટકા સહિત કુલ ૬૫ ટકા ભરાયો છે. પ્રીમિયમ ૧૧ છે. અમદાવાદી એપ્ટસ ફાર્મા બે શૅરદીઠ ત્રણ બોનસમાં મંગળવારે બોનસ બાદ થવાની છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૪૩૬ બતાવી ૪.૫ ટકા ગગડીને ૪૨૫ થયો છે. ગ્લોબલ સ્પિરિટ્સની ત્રિમાસિક આવક પોણાત્રણ ટકા ઘટીને ૮૫૧ કરોડ થઈ છે. નફો ૬૩૦ લાખથી તગડા વધારે ૨૧૬૦ લાખ આવ્યો છે. શૅર નીચામાં ૯૯૦ થઈ ૧૧.૪ ટકા તૂટી ૯૯૭ હતો. સ્ટેટ બૅન્ક દ્વારા ૪.૧ ટકા વધારામાં ૪૪૩૮૦ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ પર ૫.૬ ટકાના વધારામાં ૧૯,૬૮૪ કરોડ નેટ પ્રૉફિટ મેળવીને શૅરદીઠ ૧૭.૩૫નું ડિવિડન્ડ જાહેર થયું છે. રેકૉર્ડ ડેટ ૪ જૂન છે. બજારની એકંદર અપેક્ષા ૨૦,૩૧૨ કરોડના નફાની હતી. આવક પણ અપેક્ષાથી ઓછી આવી છે. એમાં શૅર સાડાત્રણ ગણા કામકાજે નીચામાં ૧૦૧૧ થઈ ૬.૬ ટકા ખરડાઈ ૧૦૧૯ના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બનીને ૨૫૪ પૉઇન્ટ નડ્યો છે. માર્કેટકૅપ ૬૬,૬૯૧ કરોડ રૂપિયા ગગડીને ૯.૪૧ લાખ કરોડ રહ્યું છે. 

NRB બેરિંગ્સ ખોટમાંથી નફો કરતાં પોણાબે વર્ષના શિખરે 

ડાબર ઇન્ડિયાએ ૭.૪ ટકા વધારામાં ૩૦૩૮ કરોડ આવક પર માર્ચ ક્વૉર્ટરમાં ૧૫.૮ ટકા વૃદ્ધિદરથી ૩૬૨ કરોડ નેટ નફો મેળવી શૅરદીઠ સાડાપાંચનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ઉપર ૪૯૦ થઈ પોણાચાર ટકા વધી ૪૮૭ હતો. CG પાવરની વેચાણઆવક ૨૫ ટકા વધીને ૩૪૪૨ કરોડ તથા નફો ૩૨.૫ ટકા વધી ૩૬૫ કરોડ થયો છે. શૅર ઉપરમાં ૯૭૫ની ટૉપ બતાવી ૧.૭ ટકા વધી ૮૭૩ હતો. ફાર્મા કંપની લુપિનની આવક ૩૨ ટકા વધી ૭૪૭૫ કરોડ થઈ છે. નફો ૮૯ ટકાના વધારામાં ૧૪૬૦ કરોડ આવ્યો છે. શૅરદીઠ ૧૮નું ડિવિડન્ડ જાહેર થયું છે. શૅર ઉપરમાં ૨૪૭૫ થઈ સવાત્રણ ટકા ઘટી ૨૩૭૮ બંધ થયો છે. બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝે સાડાછ ટકા વધારામાં ૪૭૧૯ કરોડની આવક પર ૨૧ ટકા વધારામાં ૬૭૮ કરોડ ચોખ્ખો નફો મેળવી શૅરદીઠ ૯૦.૫૦નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ભાવ ઉપરમાં ૫૬૬૭ થઈ પાંચ ટકા તૂટી ૫૫૧૯ રહ્યો છે. NRB બેરિંગ્સે પોણાચૌદ ટકા વધારામાં ૩૭૨ કરોડની આવક પર અગાઉની ૨૦૮ લાખની નેટ લૉસ સામે ૪૧૪૧ લાખ નેટ પ્રૉફિટ દર્શાવ્યો છે. શૅર ૩૫૧ની ૨૧ મહિનાની ટોચે જઈ સાડાછ ટકાની તેજીમાં ૩૨૦ હતો. સાંડૂર મૅન્ગેનીઝની કોન્સો ત્રિમાસિક આવક ૧૫ ટકા વધીને ૧૫૩૦ કરોડ થઈ છે. નેટ નફો ૫૦ ટકા વધીને ૨૩૬ કરોડ નજીક નોંધાયો છે. શૅર ઉપર ૨૫૪ થઈ ૧૧.૩ ટકાની તેજીમાં ૨૪૧ થયો છે નોસિબની આવક પોણાત્રણ ટકા ઘટી ૩૩૦ કરોડ તથા નફો ૧૮.૩ ટકા ઘટીને ૧૭ કરોડ થયો છે. શૅર નીચામાં ૧૭૮ થઈ ૩.૪ ટકા ઘટી ૧૮૨ ઉપર બંધ હતો.

share market stock market bombay stock exchange national stock exchange finance news