વૈશ્વિક રૂમાં મંદી : મહિનામાં ભાવ બાવીસ ટકા વધુ ઘટ્યા

01 October, 2022 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય બજારમાં પણ રૂના ભાવ એની ટોચથી ૩૦,૦૦૦થી વધુ તૂટી ગયાઃ વૈશ્વિક મંદીના ભણકારા અને વ્યાજદર વધારાની અસર જોવા મળી

પ્રતીકાત્મક તસવીર

દેશમાં નવા રૂ-કપાસની આવકો શરૂ થવા લાગી છે, પંરતુ બીજી તરફ વૈશ્વિક રૂ બજારમાં કારમી મંદી વ્યાપી ગઈ છે અને ભાવ સતત તૂટી રહ્યા છે. વિશ્વ બજાર માટે બેન્ચમાર્ક ગણાતો ન્યુ યૉર્ક કૉટન વાયદો છેલ્લા એક જ સપ્તાહમાં ૧૦ ટકા અને મહિનામાં ૨૨ ટકા જેટલો તૂટી ગયો છે. ભારતીય બજારમાં પણ રૂના ભાવ એની ટોચથી ખાંડી (૩૫૬ કિલો)એ ૩૦,૦૦૦ રૂપિયાથી પણ વધુ તૂટી ગયા છે. આગામી દિવસોમાં ભાવ હજી નીચા આવે એવી સંભાવના છે.

ન્યુ યૉર્ક રૂ વાયદો ગુરુવારે સાંજે ૮૭.૫૦ સેન્ટની સપાટી પર ટ્રેડમાં હતો, જે સપ્તાહમાં ૯.૫૧ ટકા અને મહિનામાં ૨૨ ટકાનો ઘટાડો બતાવે છે. ગત વર્ષની તુલનાએ અત્યારની સ્થિતિએ ભાવ ૧૮ ટકા જેટલા નીચા ક્વોટ થઈ રહ્યા છે.

ભારતીય રૂના ભાવ અત્યારે ખાંડીના ૭૦,૦૦૦ રૂપિયા નજીક પહોંચ્યા છે, જે એક મહિના પહેલાં વધીને ૧ લાખ રૂપિયાથી ઉપર હતા. આમ રૂના ભાવમાં ખાંડીએ ૩૦,૦૦૦થી પણ વધુનો ઘટાડો થઈ ચૂક્યો છે. ભારતીય રૂના ભાવ માટે નવેમ્બર-ડિસેમ્બર ડિલિવરીમાં મલ્ટિનૅશનલ કંપનીઓ ૬૩,૦૦૦ રૂપિયા બોલે છે, જે બતાવે છે કે રૂના ભાવમાં આગામી દિવસોમાં વધુ ઘટાડો થઈ શકે છે.

રૂના ભાવમાં ઘટાડા વિશે જાણકારો કહે છે કે વૈશ્વિક બજારમાં આર્થિક મંદી ચાલુ થઈ છે અને ૨૦૨૩માં ભયંકર મંદી આવી શકે છે. બીજી તરફ વિશ્વના ૩૦થી ૩૫ દેશોએ વ્યાજદરમાં વધારો કરી દીધો છે, જેને પગલે કૉટન સહિતની ઍગ્રી કૉમોડિટીમાં મંદીની શક્યતા છે.

business news