22 November, 2025 07:34 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઑલટાઇમ હાઈ ભણી સરકતા ૧૪ મહિના બેસ્ટ લેવલે બંધ રહેલું શૅરબજાર શુક્રવારે ટેક્નિકલ કરેક્શનમાં નીચામાં ૮૫,૧૮૭ બતાવી છેવટે ૪૦૧ પૉઇન્ટની પીછેહઠમાં ૮૫,૨૩૨ બંધ થયું છે. નિફ્ટી ૧૨૪ પૉઇન્ટ ઘટી ૨૬,૦૬૮ રહ્યો છે. એશિયન બજારોની નોંધપાત્ર નરમાઈની અસરમાં ઘરઆંગણે આગલા બંધથી ૨૮૫ પૉઇન્ટ જેવો માઇનસ, ૮૫,૩૪૭ ખુલ્યો હતો. આખો દિવસ નેગેટિવ ઝોનમાં રહેલા માર્કેટમાં શૅરઆંક નીચલા મથાળેથી ૪૧૪ પૉઇન્ટ ઊંચકાઈને ઉપરમાં ૮૫,૬૦૯ વટાવીને ૪૨૨ પૉઇન્ટ નીચે ગયો હતો. સેન્સેક્સ નિફ્ટીની અડધા ટકા જેવી નરમાઈ સામે ગઈ કાલે મિડકૅપ ઇન્ડેક્સ ૧.૩ ટકા ઘટ્યો છે. સ્મૉલકૅપ ૫૧,૯૭૬ની પોણાબે ટકાની બૉટમ બનાવી સવા ટકો ઘટી ૫૨,૦૧૨ થયો છે. સરકારે સ્ટીલ તથા સ્ટેનલેસ સ્ટીલની કેટલીક કૅટેગરીને મૅન્ડેટરી ક્વૉલિટી કન્ટ્રોલ ઑર્ડરમાંથી આયાતના કિસ્સામાં મળતી મુક્તિ ચાલુ રાખી છે. આથી આયાતી માલની હરીફાઈથી ભાવ પ્રેશરમાં રહેવાની દહેશત જાગી છે. એમાં હિન્દાલ્કોની વિદેશી સબસિડિયરી નોવેલિસના પ્લાન્ટમાં આગ લાગી હોવાના સમાચાર ઉમેરો બનતાં મેટલ ઇન્ડેક્સ ૧૩માંથી ૧૨ શૅરના બગાડમાં ૨.૪ ટકા કે ૮૦૯ પૉઇન્ટ પીગળ્યો છે. રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૯ ટકા પાવર યુટિલિટી બેન્ચમાર્ક એક ટકો, નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૨.૨ ટકા કપાયો છે. બજારનાં તમામ સેક્ટોરલ ઘટ્યાં છે. ખાસ્સી ખરાબ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૭૮૪ શૅર સામે ૨૩૦૫ જાતો ઘટી હતી. માર્કેટકૅપ ૪.૧૫ લાખ કરોડ ઘટીને ૪૭૨.૧૧ લાખ કરોડ થયું છે.
આર્ટિફિશ્યલ ઇન્ટેલિઝન્સ (AI) સેક્ટરમાં ફૂલીને ફાળકો થયેલા વૅલ્યુએશનને લઈને ચિંતા વધતી જાય છે. AIનો મામલો પરપોટો પુરવાર થશે, બબલ ગમે ત્યારે બર્સ્ટ થશે એવી આશંકા વ્યાપક બનવા માંડી છે. અમેરિકા ખાતે ડાઉ ૦.૯ ટકા, નૅસ્ડૅક સવાબે ટકા તો સ્ટા. પુઅર્સ ૫૦૦ બેન્ચમાર્ક દોઢ ટકો ગુરુવારે સાફ થતાં એશિયા ખાતે પણ ટેક્નૉલૉજીઝ શૅરની આગેવાની હેઠળ સાર્વત્રિક ખરાબી જોવા મળી હતી. એમાં શુક્રવારે સાઉથ કોરિયા ચારેક ટકા, તાઇવાન પોણાચાર ટકા, ચાઇના તથા હૉન્ગકૉન્ગ અઢી ટકા, જપાન સવાબે ટકાથી વધુ, થાઇલૅન્ડ બે ટકાથી વધુ, સિંગાપોર એક ટકો ડૂલ થયું હતું. યુરોપ પણ રનિંગમાં અડધાથી એક ટકો નીચે દેખાયું છે. ૨૦૨૨ના ક્રિપ્ટો કૉલાપ્સ પછી ચાલુ મહિનો બિટકૉઇન માટે સૌથી ખરાબ પુરવાર થયો છે. બિટકૉઇન છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ ટકા તૂટી ૮૧,૭૯૩ ડૉલરના તળિયે જઈને રનિંગમાં ૮૨,૪૫૬ ડૉલર ચાલતો હતો. લાગે છે કે ૮૦,૦૦૦નું લેવલ તૂટવામાં છે. બિટકૉઇનનું માર્કેટકૅપ ૫ ઑક્ટોબરે ૧,૨૬,૧૯૮ ડૉલરનો વિક્રમી ભાવ થયો ત્યારે લગભગ ૨.૫૦ લાખ કરોડ ડૉલર હતું એ હાલમાં ૧.૬૪ લાખ કરોડ ડૉલર થઈ ગયું છે. મતલબ કે દોઢેક મહિનામાં ૮૬૦ અબજ ડૉલરનું ધોવાણ એકલા બિટકૉઇનમાં થયું છે. સમગ્ર ક્રિપ્ટો સેગમેન્ટનું માર્કેટકૅપ દોઢ મહિના પહેલાં ૪.૨ લાખ કરોડ ડૉલર હતું એ હાલમાં ૨.૮૯ લાખ કરોડ ડૉલર થઈ ગયું છે.
મુમ્બૈયા સીલમૅટિક ઇન્ડિયા એક્સ બોનસ થતાં તેજીમાં બંધ
પેસ્ટીસાઇડ્સ કંપની ભારત રસાયણ તરફથી ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજન તથા શૅરદીઠ એક બોનસ માટે ૧૨ ડિસેમ્બરની રેકૉર્ડ ડેટ જાહેર થઈ છે. શૅર ગઈ કાલે નીચામાં ૧૦,૨૩૫ બતાવી દોઢ ટકો વધી ૧૦,૪૬૯ બંધ થયો છે. સીલમૅટિક ઇન્ડિયા ૧૦ શૅરદીઠ બે બોનસમાં ગઈ કાલે એક્સ બોનસ થતાં ઉપરમાં ૪૩૦ થઈ નવ ટકા વધીને ૪૨૬ રહી છે. મુંબઈના ગોરેગામ વેસ્ટ ખાતેની આ કંપની માર્ચ ૨૦૨૩માં ૧૦ના શૅરદીઠ ૨૨૫ના ભાવથી ૫૬૨૪ લાખ રૂપિયાનો BSE SME IPO લાવી હતી. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪માં ભાવ ૮૬૯ની ટોચે ગયો હતો. HDFC ઍસેટ મૅનેજમેન્ટ કંપની શૅરદીઠ એક બોનસમાં બુધવારે બોનસ બાદ થવાની છે. ભાવ ગઈ કાલે નામપૂરતો ઘટી ૫૩૯૫ રહ્યો છે.
અગાઉની અદાણી વિલ્મર અને હાલની AWL ઍગ્રો બિઝનેસમાં મલ્ટિપલ બ્લૉકડીલ મારફત અદાણી એન્ટર. દ્વારા બાકીનું સાત ટકા હોલ્ડિંગ શૅરદીઠ ૨૭૫ની ફ્લોર પ્રાઇસથી વેચી ૨૫૦૨ કરોડ ઊભા કરવામાં આવતાં AWL ઍગ્રોનો શૅર નીચામાં ૨૬૬ થઈ એક ટકો ઘટીને ૨૭૪ બંધ થયો છે. ઇન્ટર ગ્લોબ એવિયેશનમાં પેરન્ટસ ઇન્ડિગો તરફથી ૮૨ કરોડ ડૉલર, આશરે ૭૨૭૦ કરોડનું રોકાણ કરવાનું નક્કી થયું છે. આ ભંડોળ નવા ઍરક્રાફ્ટ ખરીદવા કામે લેવાશે. શૅર ઉપરમાં ૫૮૭૧ વટાવી પોણો ટકો સુધરી ૫૮૩૨ બંધ થયો છે.
ફ્રૉડ અને મની લૉન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીની ૧૪૫૨ કરોડની વધુ ઍસેટસ ઈડી દ્વારા ટાંચમાં લેવાઈ છે. આની અસરમાં રિલાયન્સ ઇન્ફ્રાક્સ્ટ્રકચર નીચામાં ૧૬૨ થઈ પોણા બે ટકા ઘટી ૧૬૬ તથા રિલાયન્સ પાવર નીચામાં ૩૮.૭૫ બતાવી સવા ટકો ઘટી ૩૯ નજીક ગઈ છે. જય પ્રકાશ અસોસિએટ્સનું રિઝૉલ્યુશન પ્લાન મારફત ૧૪,૫૦૦ કરોડમાં અદાણી દ્વારા ટેકઓવર થવાના અહેવાલમાં બે દિવસથી તેજીના ઘોડા ઉપર સવાર થયેલી જેપી પાવર ગઈ કાલે સવાયા કામકાજે નીચામાં ૧૯.૭૯ થઈ સાડાસાત ટકા તૂટી ૨૦ રૂપિયા રહી છે.
SSMD ઍગ્રોટેક ૧૨૦ના ભાવે મંગળવારે મૂડીબજારમાં
મંગળવારે SME સેગમેન્ટમાં નવી દિલ્હીની SSMD ઍગ્રોટેક ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૧૨૦ની અપરબૅન્ડમાં ૩૩૮૦ લાખ રૂપિયાનો BSE SME IPO કરવાની કંપની વિવિધ ઍગ્રો ફૂડ પ્રોડક્ટસનું ઉત્પાદન, ટ્રેડિંગ તેમ જ રીપૅકિંગ કરે છે. બે વર્ષના પરિણામનો ટ્રેડ રેકૉર્ડ ધરાવતી આ કંપનીએ ગયા વર્ષે ૩૫ ટકા વધારામાં ૯૯૧૮ લાખની આવક ઉપર ૩૮૮ ટકા વૃદ્ધિદરથી ૫૩૮ લાખ નેટ નફો બતાવ્યો છે. ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં આવક ૫૨૧૩ લાખ અને ચોખ્ખો નફો ૩૮૪ લાખ થયો છે. દેવું ૬૮૮ લાખ છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ હાલ નથી. અગાઉ આવાજ પ્રકારની નવી દિલ્હીની એક કંપની હરિઓમ આટા ચક્કી ફૂડ્સ ઇન્યાનો SME IPO ૧૦ના શૅરદીઠ ૪૮ના ભાવે ૨૦૨૪ના મિડ-મેમાં આવ્યો હતો. ૫૫૪ લાખ રૂપિયાનો આ NSE SME IPO રીટેલમાં ૨૫૫૬ ગણો અને કુલ ૨૦૧૪ ગણા જેવો છલકાયો હતો. શૅર ૨૦૨૪ની ૨૪ મેએ લિસ્ટિંગમાં ૧૪૭ ખૂલી છેવટે ૧૪૦ નજીક બંધ રહ્યો હતો. આ શૅર ગઈ કાલે પાંચ ટકા ઊછળી ૩૪૬ બંધ થયો છે. જે એની વિક્રમી સપાટી છે.
દરમ્યાન માયસુરની એક્સેલ સૉફ્ટ ટેક્નૉ.નો ૧૦ના શૅરદીઠ ૧૨૦ના ભાવનો ૫૦૦ કરોડનો મેઇન બોર્ડનો ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં ૧૬ ગણા સહિત કુલ ૪૫ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. ગ્રેમાર્કેટમાં ૧૪વાળું પ્રીમિયમ હાલ ૭ રૂપિયા બોલાય છે. મધ્ય પ્રદેશના ઇન્દોરની ગેલાર્ડ સ્ટીલનો ૧૦ના શૅરદીઠ ૧૫૦ના ભાવનો ૩૭૫૦ લાખનો BSE SME ઇશ્યુ એના આખરી દિવસે રીટેલમાં ૩૪૫ ગણા સહિત કુલ ૩૭૩ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ જે ૪૦ હતું એ અત્યારે બાવન ચાલે છે. સુદીપ ફાર્માનો એકના શૅરદીઠ ૫૯૩ના ભાવનો ૮૯૫ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૧.૪ ગણા સહિત કુલ સવા ગણો ભરાયો છે. પ્રીમિયમ હાલમાં ૧૧૧ ચાલી રહ્યું છે.
કેપિલરી ટેક્નૉલૉજીઝ ડિસ્કાઉન્ટમાં ખૂલી સાધારણ લિસ્ટિંગ ગેઇનમાં
મારુતિ સુઝુકી દોઢા કામકાજે ઉપરમાં ૧૬,૧૫૦ થઈને સવા ટકો કે ૧૮૪ રૂપિયા વધી ૧૫,૯૮૩ના બંધમાં બન્ને બજાર ખાતે ઝળકી છે. મહિન્દ્ર પોણો ટકો વધીને ૩૭૪૫ના શિખરે બંધ થઈ છે. તાતા મોટર્સ પૅસેન્જર પોણા ટકા નજીક સુધરી હતી. નિફ્ટી ખાતે મૅક્સ હેલ્થકૅર તથા ઇન્ડિગો એક-એક ટકા પ્લસ હતા. તાતા કન્ઝ્યુમર પોણો ટકો વધી છે. નોવેલિસના પ્લાન્ટમાં આગ લાગતાં હિન્દાલ્કો પોણાત્રણ ટકા ગગડી નિફ્ટીમાં ટૉપ લૂઝર બની છે. સેન્સેક્સમાં તાતા સ્ટીલ ૨.૬ ટકા બગડી હતી. અન્યમાં બજાજ ફાઇનૅન્સ તથા HCL ટેક્નૉ સવાબે ટકા, બજાજ ફિનસર્વ બે ટકા, ભારત ઇલે. ૧.૬ ટકા, એટર્નલ દોઢ ટકો, JSW સ્ટીલ અઢી ટકા, સિપ્લા એક ટકાથી વધુ ડૂલ થઈ છે. HDFC બૅન્ક એક ટકાના ઘટાડે બજારને ૧૩૭ પૉઇન્ટ નડી છે. ICICI બૅન્ક એક ટકા નજીક ઘટી ૧૩૭૦ બંધ થતાં એમાં બીજા ૭૯ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. સ્ટેટ બૅન્ક ૦.૯ ટકા ઢીલી થઈ ૯૭૨ રહી છે.
કેપિલરી ટેક્નૉલૉજીઝ બેના શૅરદીઠ ૫૭૭ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટ ખાતે પંચાવનના પ્રીમિયમ સામે નબળા લિસ્ટિંગમાં ૫૬૦ ખૂલી ઉપરમાં ૬૩૩ થઈ ૬૦૭ બંધ થતાં એમાં માંડ સવાપાંચ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. આગલા દિવસે કમજોર લિસ્ટિંગ બાદ ફ્યુજિયામા પાવર ગઈ કાલે ૨૦૪ના વર્સ્ટ લેવલે જઈ અડધો ટકો સુધરી ૨૦૯ બંધ આવી છે. ગ્રોવાળી બિલિયન બ્રેઇન્સ ઉપરમાં ૧૬૮ વટાવી પોણા ટકાના સુધારે ૧૫૮ થઈ છે. ફિઝિક્સવાલા વધુ સવાચાર ટકા તૂટીને ૧૩૫ની અંદર ગઈ છે. પાઇન લૅબ્સ સવા ટકો ઘટીને ૨૩૬ની અંદર ગઈ છે. પાઇન લૅબ્સ સવા ટકો ઘટી ૨૩૬ હતી. ટેનેકો ક્લીનઍર ૪૭૦ના તળિયે જઈને એક ટકાના ઘટાડે ૪૭૬ રહી છે. વર્ક મેટસ નીચામાં ૩૫૭ થયા બાદ પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૩૮૫ વટાવી ગઈ છે.
નબળા બજારમાં કર્ણાટકા બૅન્ક વૉલ્યુમ સાથે આઠેક ટકા ઊછળી
લોઢા ડેવલપર્સમાં જેફરીઝ દ્વારા ૧૬૨૫ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનું રેટિંગ જાળવી રાખવામાં આવ્યું છે. શૅર જોકે ગઈ કાલે નીચામાં ૧૧૬૨ બતાવી બે ગણા કામકાજે સવાબે ટકા ઘટીને ૧૧૭૫ રહ્યા છે. મૉર્ગન સ્ટૅન્લી તરફથી અર્બન કંપનીમાં ૧૧૯ની ટાર્ગેટ પ્રાઇસથી બેરિશ વ્યુ જારી થયો છે. શૅર નીચામાં ૧૪૧ થઈ ૧.૪ ટકા ઘટી ૧૪૨ હતો. ૨૨ સપ્ટેમ્બરના રોજ એમાં ૨૦૧ની ટૉપ બની હતી. વિઝાગ પોર્ટ ઑથોરિટી તરફથી ૩૮૪ કરોડનો કૉન્ટ્રૅક્ટ મળતાં આગલા દિવસે વૉલ્યુમ સાથે ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૮૮૦ નજીક બંધ રહેલી ડ્રેજિંગ કૉર્પોરેશન ગઈ કાલે ઉપરમાં ૮૬૭ રહી છે. પિઅર ગ્રુપમાં નૉલેજ મરીન એન્જિનિયરિંગ ૪.૭ ટકા ઘટી ૨૭૪૫ હતી.
કર્ણાટકા બૅન્ક ગઈ કાલે ૩૯ ગણા વૉલ્યુમ સાથે ઉપરમાં ૧૯૩ બતાવી ૭.૯ ટકાની તેજીમાં ૧૮૯ બંધ આપી એ ગ્રુપમાં ઝળકી છે. બૅન્કિંગના ૪૧માંથી ૮ શૅર વધ્યા હતા. એમાં પણ કર્ણાટકા બૅન્ક મોખરે હતી. અન્યમાં ઇન્ડ્સઇન્ડ બૅન્ક બે ટકા, DCB બૅન્ક અઢી ટકા, સૂર્યોદય બૅન્ક ત્રણ ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક ૧.૮ ટકા પ્લસ હતી. ૧૨માંથી ૧૨ સરકારી બૅન્ક ડાઉન થઈ છે. IDBI બૅન્ક અઢી ટકા, ઇન્ડિયન બૅન્ક ૩.૬ ટકા, જેકે બૅન્ક સવાબે ટકા ખરડાઈ હતી. બૅન્ક નિફ્ટી ગઈ કાલે ૪૮૦ પૉઇન્ટ કે પોણો ટકા નરમ હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી દોઢ ટકા ઘટ્યો છે.
સીફૂડ કંપની એપેક્સ ફ્રોઝન ફૂડ્સ ૨૩ ગણા કામકાજે ૩૩૨ની ૧૪ મહિનાની ટૉપ બનાવી ૨૦ ટકાના ઉછાળામાં ૩૩૨ વટાવી ગઈ છે. ૩ માર્ચના રોજ ભાવ ૧૭૯ના તળિયે ગયો હતો. આગલા દિવસે ૭૯ની અંદર ૪૯ મહિનાની બૉટમ બતાવનાર લાયકા લૅબ્સ વળતા દિવસે ઉપરમાં ૮૭.૪૪ થઈ પોણાછ ટકાના જમ્પમાં ૮૪.૫૦ થઈ છે.